નરેન્દ્ર મોદીએ કેદારનાથમાં પૂજા સમયે જે ચોળો પહેર્યો, એ શું છે?

કેદારનાથમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, @BJP4INDIA

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથમાં જે ચોળો પહેર્યો હતો, તેનો ઇતિહાસ શું છે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ઉત્તરાખંડના પ્રસિદ્ધ કેદરાનાથ મંદિરે પહોંચ્યા હતા અને પૂજા કરી હતી. આ અંગે ઘણી ચર્ચા થઈ રહી હતી અને ભારતીય મીડિયામાં તેમની આ યાત્રાનું જીવંત પ્રસારણ કરાયું હતું.

વડા પ્રધાને પછી બદ્રીનાથની પણ મુલાકાત લીધી હતી. વડા પ્રધાન ઉત્તરાખંડના આ બે દિવસના પ્રવાસ દરમિયાન અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ પણ કરશે.

જેમાં ગૌરીકુંડ-કેદારનાથ રોપ-વે પ્રોજેક્ટ પણ સામેલ છે. વડા પ્રધાન આદિગુરુ શંકરાચાર્યના સમાધિસ્થળની પણ મુલાકાત લે, એવી પણ શક્યતા છે.

આ પહેલી વખત નથી કે જ્યારે નરેન્દ્ર મોદી કોઈ મંદિરની મુલાકાતે ગયા હોય અને તેમની ખૂબ જ ચર્ચા થઈ હોય.

આ યાત્રા દરમિયાન વડા પ્રધાનનાં કપડાંએ કેટલાય લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

પૂજા વખતે નરેન્દ્ર મોદીએ જે પોશાક પહેર્યો હતો તેને ચોળો કહેવાય છે અને તે હિમાચલ પ્રદેશનો પરંપરાગત અને લોકપ્રિય પોશાક છે.

line

હિમાલયનો ખોળો ખૂંદતો ગદ્દી સમુદાય

હિમાચલ પ્રદેશનો ગદ્દી સમુદાય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચોળો મૂળે હિમાચલ પ્રદેશના ગદ્દી સમુદાયનો પોશાક છે, જેમનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે.

હિમાચલ પ્રદેશનો ગદ્દી સમુદાયનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે અને મુખ્યત્વે તેઓ ઘેટાંબકરાં પાળે છે.

ગદ્દી સમુદાયના લોકો ઉનાળાના મહિનાઓ દરમિયાન ધૌલાધારના પહાડોમાં પોતાનાં ઢોરઢાંખર સાથે રહે છે, પણ શિયાળામાં ધૌલાધારનાં શિખરો બરફથી ઢંકાઈ જાય છે.

ગદ્દી સમુદાયના લોકો પશુઓ માટે ઘાસચારો શોધવા માટે બરફ પડે એ પહેલાં જ મેદાનપ્રદેશ તરફ સ્થળાંતર કરે છે. કેટલાક મહિલાઓ સુધી તેઓ પશુ સાથે હિમાચલના નીચેના વિસ્તારમાં જ રહે છે.

સમૃદ્ધ સંસ્કૃતિ એ ગદ્દી સમુદાયની ઓળખ છે અને તેમનો ખાસ પોશાક તેમની સંસ્કૃતિનું અભિન્ન અંગ છે.

line

ચોળો શું છે?

ગદ્દી સમુદાયનો પરંપરાગત પોશાક

ઇમેજ સ્રોત, TEJINDER SINGH RANDHAWA

ઇમેજ કૅપ્શન, ગદ્દી સમુદાયનો પરંપરાગત પોશાક

એવી લોકવાયકા છે કે ગદ્દીઓના પૂર્વજોએ લાંબા સમય સુધી શિવની આરાધના કરી હતી.

લેખક ઓસી હાંડા તેમના પુસ્તક 'ટેક્સટાઇલ, કૉસ્ચ્યુમ ઍન્ડ ઓર્નામૅન્ટ્સ ઑફ વેસ્ટર્ન હિમાલયાઝ'માં લખે છે કે ગદ્દીઓના પૂર્વજ જયસ્તંભની તપસ્યાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને ભેટસ્વરૂપે ચોળો, ડોરા અને ટોપી આપ્યાં હતાં.

કહેવાય છે કે ત્યારથી જ ચોળો, ડોરા અને ટોપી એ ગદ્દી સમુદાયના પુરુષોની વેશભૂષાનું અભિન્ન અંગ બની ગયા છે.

પુરુષોનો ચોળો ઊનમાંથી ગૂંથીને બનાવવામાં આવે છે. એ માટે ઘેટાંનાં વાળ કાઢીને તેને કાંતવામાં આવે છે.

તેને કાંત્યા બાદ જે તૈયાર થાય છે તેને પટ્ટી કે પટ્ટુ કહે છે, જે સામાન્ય રીતે સફેદ અને ક્યારેક કાળા રંગનું હોય છે. તે નરમ અને પાતળા ઊનમાંથી બને છે, જે હાડ થીજવતી ઠંડીમાં પણ ગરમાટો આપે છે.

એમાંથી એક ડગલા જેવો પોશાક તૈયાર કરાય છે, જેને ચોળો કહેવાય છે. ચોળો બનાવવામાં અંદાજે 18થી 25 મીટર પટ્ટુની જરૂર પડે છે.

આખી બાંયવાળા આ અંગરખાને બાંધવા માટે ઊનની જાડી દોરીનો ઉપયોગ કરવામાં આવે છે, જેને હિમાચલના લોકો ડોરા કહે છે.

આ દોરી મોટાભાગે કાળા રંગની હોય છે, કેટલાક કિસ્સામાં તે સફેદ રંગની પણ જોવા મળે છે.

ચોળાની નીચે ચૂડીદાર પહેરાય છે, જેને સ્થાનિક લોકો સુથની કે સુથનુ કહે છે. શિયાળામાં ઊનમાંથી બનેલો ચૂડીદાર પહેરે છે અને ઉનાળામાં સુતરાઉ કાપડમાંથી બનેલો ચૂડીદાર પહેરાય છે.

line

ચોળાનો પટ્ટો

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ડોરા તરીકે ઓળખાતી દોરીને ચોળાની ઉપર બાંધી દેવામાં આવે છે, જે મજબૂત દોરી હોય છે અને તેને કેટલીક જગ્યાએ 'ગત્રી' પણ કહેવાય છે.

ઊનમાંથી બનેલી આ દોરી 60 મીટર જેટલી લાંબી હોય છે, જે ગદ્દી પુરુષોના પોશાકની વિશેષતા છે.

આ દોરી ચોળાને તો બાંધી જ રાખે છે, પણ સાથે જ તે કમરની આસપાસના ભાગને ગરમાવો આપવાનું કામ પણ કરે છે.

આ દોરીમા બીજા પણ ઉપયોગો છે. ગદ્દી પુરુષો આ દોરીનો બીજાં કામો માટે પણ ઉપયોગ કરે છે.

એટલું જ નહીં પુરુષો તેમાં વાંસળી, કુહાડી, ચીલમ જેવી ચીજો પણ ફસાવીને રાખતા હોય છે.

line

લોકસંસ્કૃતિ માટે જાણીતો ગદ્દી સમુદાય

હિમાચલ પ્રદેશમાં કિન્નૌર, લાહોલ, સ્પીતિ અને ચંબા જેવા વિસ્તારોમાં આવા અનેક સમુદાયો વસે છે. ગદ્દી સમુદાય મુશ્કેલભરી પરિસ્થિતિમાં જીવન પસાર કરવા માટે જાણીતો છે.

ગદ્દી સમુદાયના લોકો મંડી, કાંગડા અને ચંબા જિલ્લામાં રહે છે. ગદ્દી સમુદાય આ રાજ્યના સૌથી જૂના, પ્રભાવશાળી સમુદાયોમાંથી એક છે. તેઓ તેમની સમૃદ્ધ લોકસંસ્કૃતિ માટે જાણીતા છે.

કાંગડા અને ચંબાના પહાડી પ્રદેશોમાં આ સમુદાય રાજકીય મહત્ત્વ પણ ધરાવે છે. આ જિલ્લાની કેટલીક વિધાનસભા બેઠકો પર ગદ્દી સમુદાયના મતદારોની નિર્ણાયક ભૂમિકા હોય છે.

હિમાચલ પ્રદેશની કાંગડા લોકસભા બેઠકના વર્તમાન સંસદસભ્ય કિશન કપૂર પણ ગદ્દી સમુદાયના છે. એક અંદાજ પ્રમાણે હિમાચલમાં ગદ્દી સમુદાયની વસતી આઠ લાખ છે.

ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશમાં 12મી નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાશે.

(કૉપી - પવનસિંહ અતુલ)

વીડિયો કૅપ્શન, ન્યાયપાલિકાની પરીક્ષા પાસ કરનાર હરિયાણાના એક ખેડૂત પુત્રીની સંઘર્ષની કહાણી
લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન