લમ્પી વાઇરસ : ગુજરાતમાં જેનાથી હજારો દૂધાળા પશુ મર્યાં તો તમારે ચા પીવાનું બંધ કરી દેવું જોઈએ? જાણો હકીકત

રાજસ્થાનમાં લમ્પી સ્કિન ડિસિઝથી સંક્રમિત ગાય

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, મેધાવી અરોરા
    • પદ, વર્લ્ડ સર્વિસ ડિસઇન્ફોર્મેશન ટીમ, ઇન્ડિયા
લાઇન
  • ભારત વિશ્વનો સૌથી મોટો દૂધઉત્પાદક દેશ છે અને તે વિશ્વમાં સૌથી વધુ પશુઓની વસ્તી ધરાવતો દેશ છે
  • ગુગલ ટ્રૅન્ડ્સના ડેટા અનુસાર છેલ્લા 30 દિવસમાં 5000 % લોકોએ "શું આપણે લમ્પી સંક્રમિત ગાયનું દૂધ પી શકીએ?" એવું સર્ચ કર્યું છે
  • વાસ્તવમાં 1929માં સૌપ્રથમ લમ્પી વાઇરસનાં લક્ષણો ઝામ્બિયામાં મળી આવ્યાં હતાં
  • સોશિયલ મીડિયામાં રસીવિરોધી દાવાઓમાં લમ્પી વાઇરસ વિશે ખોટી માહિતી આપવામાં આવી છે
લાઇન

તાજેતરમાં ગુજરાતમાં પશુઓમાં લમ્પી વાઇરસ પ્રસર્યો હતો અને હવે આ અંગે ભારતભરમાં સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાઈ રહી છે.

સરકારના તાજેતરના ડેટા અનુસાર, લમ્પી વાઇરસ 24 લાખથી વધુ પશુઓને સંક્રમિત કરી ચૂક્યો છે અને ભારતમાં 1 લાખ 10 હજારથી વધુ પશુઓનાં મૃત્યુ થયાં છે.

ભારત વિશ્વનો સૌથી મોટો દૂધઉત્પાદક દેશ છે અને તે વિશ્વમાં સૌથી વધુ પશુઓની વસ્તી ધરાવતો દેશ છે, પરંતુ આ વાઇરસ દેશના ખેડૂતો અને પશુપાલકોની આજીવિકાને જોખમમાં મૂકી શકે છે.

આ બિમારી વિશેની ખોટી માહિતીએ કેટલાક લોકોને દૂધ પીવાથી સાવચેત કર્યા છે. અહીં અમે રોગ વિશેના ત્રણ ખોટા દાવા વિશે વાત કરીશું.

line

શું ચેપગ્રસ્ત પશુઓ દ્વારા ઉત્પાદિત દૂધ વપરાશ માટે સલામત છે?

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લમ્પી નામનો ચામડીનો રોગ ફેલાઈ રહ્યો હોવાથી મનુષ્ય માટે દૂધ અસુરક્ષિત બની ગયું છે, ચેપગ્રસ્ત પ્રાણીનું દૂધ પીવાથી માણસોને પણ ચામડીનો રોગ થઈ શકે છે.

ઇમેજ સ્રોત, TWITTER

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લમ્પી નામનો ચામડીનો રોગ ફેલાઈ રહ્યો હોવાથી મનુષ્ય માટે દૂધ અસુરક્ષિત બની ગયું છે, ચેપગ્રસ્ત પ્રાણીનું દૂધ પીવાથી માણસોને પણ ચામડીનો રોગ થઈ શકે છે.

આ પોસ્ટમાં રોગગ્રસ્ત માનવશરીરના ફોટોગ્રાફ છે, જેનાથી ભય પેદા થઈ શકે છે.

ઉત્તર ભારતના હરિયાણાના 6 હજાર પશુપાલકોના સંગઠનના જનરલ સેક્રેટરી પોરસ મેહલાએ બીબીસીને જણાવ્યું હતું કે મેં ડેરી ઉદ્યોગના સોશિયલ મીડિયા ગ્રૂપમાં આ વાઇરસ અંગેના ઘણા દાવા થતા જોયા છે.

તેઓ આ ખોટી માહિતી માટે જવાબદાર નથી, તેઓ તેને માત્ર માહિતી સમજીને શૅર કરે છે.

રાજસ્થાનની પાંજરાપોળના સંચાલક અને પશુપાલક માનવ વ્યાસે કહ્યું કે, આવા ખોટા દાવાના કારણે પશુપાલકો હેરાન થઈ રહ્યા છે.

"મેં સોશિયલ મીડિયા પર આ દાવા થતા જોયા અને એવું પણ સાંભળ્યું છે કે કેટલાક લોકો તેને સાચુ માનીને દૂધ ફેંકી દે છે."

"લમ્પી વાઇરસમાં પશુઓ ગુમાવેલા પશુપાલકો આર્થિક તાણ અનુભવી રહ્યા છે. વધુમાં હવે વાઇરસના ડરમાં લોકો દૂધના ઉપયોગની પણ ના પાડે છે, તેથી પશુપાલકો માટે વધારે સમસ્યા ઊભી થઈ ગઈ છે.

ગૂગલ ટ્રૅન્ડ્સના ડેટા અનુસાર છેલ્લા 30 દિવસમાં 5000 % લોકોએ "શું આપણે લમ્પી સંક્રમિત ગાયનું દૂધ પી શકીએ?" એવું સર્ચ કર્યું છે.

હકીકત એવી છે કે લમ્પી રોગ પ્રાણીઓમાંથી મનુષ્યોમાં સંક્રમિત થતો નથી.

2017ના એક અહેવાલ મુજબ યુએનના ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચરલ ઑર્ગેનાઇઝેશન (FAO) એ પુષ્ટિ કરી છે કે લમ્પી રોગ મનુષ્યોને સંક્રમિત કરતો નથી.

ભારત સરકારની ઇન્ડિયન વેટરનરી રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (આઈવીઆરઆઈ) દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.

આઈવીઆરઆઈના જૉઈન્ટ ડિરેક્ટર ડૉ. કે. પી. સિંહે બીબીસીને જણાવ્યું હતું કે, "આજ સુધી પશુથી માનવમાં સંક્રમણ થયાના કોઈ પુરાવા મળ્યા નથી. જોકે, ચેપગ્રસ્ત ગાયનું દૂધ પીતા વાછરડાને ચેપ લાગી શકે છે."

ડૉ. સિંઘના જણાવ્યા મુજબ સામાન્ય રીતે ચેપગ્રસ્તોના સેમ્પલને એકત્રિત કરીને ડાયગ્નોસ્ટિક લૅબોરેટરીમાં મોકલીએ તો જ રોગને ચોક્કસ રીતે ઓળખી શકાય છે.

"અમે લક્ષણોના આધારે કે તસવીરો જોઈને રોગને નિર્ધારિત કરી શકતા નથી, કારણ કે ઘણા રોગો એવા છે, જેમાં સમાન લક્ષણો દેખાતાં હોય છે."

line

શું લમ્પી વાઇરસ પાકિસ્તાનમાંથી ભારતમાં પ્રવેશ્યો?

લમ્પી સ્કિન ડિસિઝ અંગે કરાયેલો ખોટો દાવો, હકીકત એવી છે કે આ ડિસિઝના લક્ષણો 1929માં પ્રથમવાર ઝાંબિયામાંથી મળી આવ્યા હતા.

ઇમેજ સ્રોત, TWITTER

સોશિયલ મીડિયા પર લમ્પી વિશેની અન્ય પણ ખોટી માહિતી ફેલાઈ રહી છે. આ માહિતીમાં દાવો કરાઈ રહ્યો છે કે લમ્પી વાઇરસ પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યો અને તે ભારતની ગાયો વિરુદ્ધ પાકિસ્તાનનું ષડ્યંત્ર છે.

ભારતમાં મોટા ભાગના હિન્દુઓ ગાયને પવિત્ર માને છે.

વાસ્તવમાં 1929માં સૌપ્રથમ લમ્પી વાઇરસનાં લક્ષણો ઝામ્બિયામાં મળી આવ્યાં હતાં. વાઇરસ થોડા સમય સુધી સબ-સહારણ આફ્રિકામાં જોવા મળ્યો હતો, પછી તે ઉત્તર આફ્રિકા, મધ્યપૂર્વ, યુરોપ અને એશિયાના દેશોમાં ફેલાયો હતો.

FAOના અહેવાલ પ્રમાણે જુલાઈ 2019માં આ રોગ સૌપ્રથમ એશિયા, બાંગ્લાદેશ, ચીન અને ભારતમાં જોવા મળ્યો હતો. આ FAOનો અહેવાલ 2020માં પ્રકાશિત થયો તે સમયે પાકિસ્તાનમાં હજુ સુધી આ બિમારી મળી આવી ન હતી.

તેથી તારણ કાઢી શકાય છે કે આ રોગ પાકિસ્તાનમાં શોધાયો તે પહેલાં ભારતમાં મળી આવ્યો હતો. એટલે આ રોગ પાકિસ્તાનથી ભારત આવ્યો હોવાનો દાવો ખોટો છે.

આઈવીઆરઆઈના જૉઇન્ટ ડિરેક્ટર ડૉ. કે. પી. સિંહે આ વાતની પુષ્ટિ કરતાં બીબીસીને જણાવ્યું હતું કે, "આ રોગ પ્રાણીઓના હરવાફરવા અને સરહદ પરના પરિવહનના કારણે બાંગ્લાદેશથી ભારતમાં પ્રવેશ્યો છે, પાકિસ્તાનમાંથી નહીં."

ભારત પહેલાં બાંગ્લાદેશમાંથી કેસ મળી આવ્યા હતા. જ્યારે ભારતમાં કેસ નોંધાયા પછી પાકિસ્તાનમાં કેસો નોંધાયા હતા.

line

ઍન્ટિ-વૅક્સિન દાવા

વેક્સિનેશનના કારણે ધણા પશુઓના મોત થયા છે એવો ખોટો દાવો કરાયો છે પણ હકીકત એ છે કે મિલિયન પશુઓ વેક્સિનના કારણે સ્વસ્થ થયા છે

ઇમેજ સ્રોત, TWITTER

સોશિયલ મીડિયામાં રસીવિરોધી દાવાઓમાં લમ્પી વાઇરસ વિશે ખોટી માહિતી આપવામાં આવી છે.

ડમ્પિંગ ગ્રાઉન્ડમાં પશુઓના શબનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે હજારો પશુને "ભારત સરકાર દ્વારા રસી અપાઈ એ બાદ અચાનક મૃત્યુ પામવા લાગ્યાં છે."

આ દાવાને હજારો વખત રિટ્વીટ કરાયો છે અને એક લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.

FAOના જણાવ્યા મુજબ, વીડિયો અસલી છે પણ જે દાવો કરાયો છે તે ખોટો છે. લમ્પી વાઇરસને ફેલાતો અટકાવવા માટે રસીકરણ સૌથી અસરકારક માર્ગ છે.

હાલમાં સમગ્ર ભારતનાં કેટલાંક રાજ્યોમાં પશુ રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને ગોટપોક્સની રસીનો હાલમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, કારણ કે તે લમ્પી વાઇરસ સામે રક્ષણ પૂરું પાડે છે.

ભારતીય સંશોધકોએ લમ્પી વાઇરસ સામે રક્ષણ મેળવવા એક રસી વિકસાવી છે, 2019માં પ્રથમવાર ભારતમાં વાઇરસની શોધ થઈ, ત્યારથી તેઓ તેના પર કામ કરી રહ્યા છે. આ રસી હજુ વ્યવસાયિક રીતે ઉપલબ્ધ થવાની બાકી છે.

ડૉ. સિંહે બીબીસીને જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં લાખો પ્રાણીઓને રસી અપાઈ ચૂકી છે અને તેની પુનઃપ્રાપ્તિ પણ થઈ ચૂકી છે.

"હાલમાં એકમાત્ર ઉપાય ગોટપોક્સની રસી છે. તે ખૂબ જ સારી રસી છે અને કોઈ આડઅસર વિના લમ્પી વાઇરસ સામે 70-80% રક્ષણ આપે છે.

અમે વિવિધ વિસ્તારમાં આ રસીની અસરનું અવલોકન કરી રહ્યા છીએ અને તેનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન