ગુજરાત : લમ્પી બાદ ઘેટાંમાં જોવા મળ્યો નવો વાઇરસ, 18નાં મૃત્યુ
રાજ્યભરમાં લમ્પી વાઇરસે તબાહી મચાવી હતી. ત્યાર બાદ હવે 'શીપ પૉક્સ વાઇરસ'ના કારણે સુરેન્દ્રનગરમાં 18 ઘેટાંનાં મૃત્યુ થયાં છે.

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, લમ્પી અને શીપ પૉક્સ એ બંને કૅપ્રીપૉક્સ વાઇરસ જીનથી થતી બીમારી છે. સત્તાધીશોના જણાવ્યા પ્રમાણે, તેઓ આ બીમારીને 38 ઘેટાંના એક ઝૂંડ સુધી સીમિત રાખી શક્યા છે. આ ઝૂંડમાંથી 18નાં મૃત્યુ થયાં છે.
પશુપાલન વિભાગને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઑગસ્ટ મહિનાના અંતે એક સાથે સંખ્યાબંધ ઘેટાં બીમાર પડ્યાં હોવાની ખબર મળતાં પશુતબીબોની ટીમને સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં મોકલવામાં આવી હતી.
બીમાર પડેલાં ઘેટાંનાં સૅમ્પલ મેળવીને તપાસ માટે 'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાઈ સિક્યૉરિટી ઍનિમલ ડિસીઝ'માં મોકલવામાં આવ્યાં હતાં.
પરિણામમાં એક જ ટોળાનાં 30 ઘેટાંમાં શીપ પૉક્સ વાઇરસની હાજરી જોવા મળી હતી.
સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે આસપાસના 15 કિલોમીટર વિસ્તારમાં 2,283 ઘેટાંને આ વાઇરસની પ્રતિરોધક રસી આપવામાં આવી છે.

અર્શદીપ સિંહના પિતાએ કહ્યું, '...તો બલિનો બકરો બીજું કોઈ હોતું'

ઇમેજ સ્રોત, Getty Images
દુબઈમાં એશિયા કપની સુપર-ફોર મૅચમાં રવિવારે ભારતને પાકિસ્તાન સામે પાંચ વિકેટથી હાર મળ્યા બાદ ભારતીય બૉલર અર્શદીપ સિંહ પર દોષ ચડાવાઈ રહ્યો છે.
મૅચમાં અર્શદીપ સિંહે આસિફઅલીનો સરળ કૅચ છોડ્યો હતો. આ કૅચ ભારતને વિકેટની સખત જરૂર હતી એવા સમયે છોડાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૅચ છૂટ્યા બાદ સોશિયલ મીડિયા પર અર્શદીપની ટીકા થઈ રહી હતી અને તેમના વિકિપીડિયા પેજને એક અજાણ્યા યુઝરે ઍડિટ કરીને તેમાં 'ખાલિસ્તાની' લખી દીધું હતું.
અર્શદીપના પિતા દર્શન સિંહે આ મામલે પ્રતિક્રિયા આપી છે અને દુઃખ વ્યક્ત કર્યું છે.
ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, "એક પિતા તરીકે ઘણું દુ:ખ થાય છે. એ હજી 23 વર્ષનો છે. "
"હું ટ્રોલિંગ મામલે વધારે કંઇક નહીં કહું. આપણે બધાનાં મોં બંધ ના કરી શકીએ. પ્રશંસકો વગરની કોઈ રમત હોતી નથી. ઘણા લોકો સાથે ઊભા હોય છે અને જે લોકો એક હાર પચાવી શકતા નથી, તે લોકો કોઈ મહત્ત્વ ધરાવતા નથી. અંતે જીત તો કોઈ એક ટીમને જ મળે છે."
અર્શદીપ સિંહના પિતા દર્શન સિંહ સીઆઈએસએફમાં ઇન્સપૅક્ટર રહી ચૂક્યા છે.
રવિવારે તેમણે અને અર્શદીપનાં માતા બલજીતકોરે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની મૅચ પણ જોઈ હતી.

તિસ્તા સેતલવાડનું જામીન મળ્યા બાદ પહેલી વખત સાર્વજનિક સંબોધન, બિલકિસબાનો વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, AFP
ધ ટૅલિગ્રાફના અહેવાલ પ્રમાણે, તિસ્તા સેતલવાડે સાબરમતી જેલમાંથી જામીન પર બહાર આવ્યાના બે દિવસ બાદ પ્રથમ વખત સાર્વજનિક કાર્યક્રમમાં વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કર્યું હતું.
આ કાર્યક્રમ ગૌરી લંકેશની હત્યાની પાંચમી વરસી નિમિત્તે યોજવામાં આવ્યો હતો. તિસ્તા ગૌરી લંકેશ મૅમોરિયલ ટ્રસ્ટનાં ચૅરપર્સન પણ છે.
તેમણે કહ્યું, "જેલમાં કેદ 17 મહિલાઓ પણ આઝાદી મળે તેવી આશા સેવીને બેઠી હતી પરંતુ તેમના સ્થાને બિલકિસબાનો સામૂહિક બળાત્કાર કેસના 11 દોષિતોને છોડવામાં આવ્યા હતા. જે ચોંકાવનારી બાબત છે."
"આ તમામ મહિલા આરોપીઓ 14 વર્ષ કે તેથી વધારે સમયથી જેલમાં વીતાવી ચૂક્યાં છે અને લાંબા સમયથી જેલમુક્ત થવાની રાહ જોઈ રહ્યાં છે."
"અમારી પાસે તેમનાં નામોનું લિસ્ટ છે અને અમે તેમને છોડાવવા માટે અભિયાન ચલાવીશું કારણ કે આ વર્ષે 15મી ઑગસ્ટે તેમને આઝાદી મળવી જોઈતી હતી."
આ સિવાય વીડિયોમાં તેમણે કહ્યું કે જેલમાં સુધારાના મુદ્દાને લઈને ગંભીરતાથી અભિયાન ચલાવવાની જરૂર છે.


તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













