કોવિડ-19 : શું આ રોગ વિકાસશીલ દેશોમાં જ ફેલાતો રહેશે?
- લેેખક, પાબ્લો ઉચોઆ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
લૉકડાઉનથી માંડીને ઘરે બેઠા અભ્યાસ અને તમામ માટે વૅક્સિનની ઉપલબ્ધતા સુધી કોવિડ-19ની મહામારીએ વૈશ્વિક અસમાનતાને ઉઘાડી પાડી દીધી છે.

ઇમેજ સ્રોત, Reuters
વધુને વધુ દેશો કોવિડ સંબંધી નિયંત્રણોને હઠાવી રહ્યા છે અને જનજીવન ફરી રાબેતા મુજબનું બનાવવા આતુર છે ત્યારે વૈજ્ઞાનિકોઓ કહે છે કે વિભાજનની નવી રેખા દોરાઈ રહી છે.
વિજ્ઞાનીઓ જણાવે છે કે ખાસ કરીને સમૃદ્ધ દેશોમાં કેટલાક લોકોની જિંદગી હવે પાટા પર આવી રહી છે અને રોગચાળાની અસર ઘટી રહી છે, પરંતુ ગરીબ દેશોના લોકોએ કોવિડનો બોજો લાંબા સમય સુધી ઉઠાવવો પડશે.
સવાલ એ છે કે આ રોગચાળો માત્ર ગરીબ દેશોમાં જ પ્રસરતો રહેશે?

'નિરાશાજનક પૅટર્ન'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
કોવિડના આગમન પહેલાં મેલેરિયા, ટ્યુબરક્યૂલોસિસ અને એઇડ્ઝ જેવા ચેપી રોગો સમૃદ્ધ દેશો માટે પણ એક સમયે ખતરા સમાન હતા.
હવે આ રોગો માત્ર ગરીબ દેશો પૂરતા મર્યાદિત થઈ ગયા છે.
અમેરિકાના મલ્ટી-પ્લૅટફૉર્મ પ્રકાશક ધ ઍટલાન્ટિક માટેના આ લેખમાં વિકાસશીલ રાષ્ટ્રોના સંશોધકોના એક જૂથે જણાવ્યું છે કે કોવિડ પણ અન્ય રોગોની વિશેષતા ગણાતી 'ધારણા મુજબની અને નિરાશાજનક પૅટર્ન'નું અનુસરણ કરી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ જૂથે લખ્યું છે કે એવા રોગો વિકસિત દેશો માટે બિનજોખમી ગણાવા લાગ્યા પછી સંબંધિત દેશોની સરકારોએ સમગ્ર વિશ્વ માટે લાભકારક સંસાધનો તથા ભંડોળ આપવાનું બંધ કર્યું હતું.

કોવિડને રામરામ

ઇમેજ સ્રોત, PA Media
વિશ્વ આરોગ્ય સંગઠન(ડબલ્યુએચઓ)ના જણાવ્યા મુજબ, "રોગચાળાનો પ્રારંભ થયો એ સમયગાળાની સરખામણીએ હાલ કોવિડ વાઇરસના ટેસ્ટિંગ તથા ટ્રૅકિંગનું પ્રમાણ એકદમ નીચા સ્તરે પહોંચી ગયું છે."
વ્યાપક પરીક્ષણ પર ગયા મહિને પૂર્ણવિરામ મૂકતાં સ્વિસ સત્તાવાળાઓએ એવી દલીલ કરી હતી કે આ યોજનાને વાજબી ઠરાવવાનું બહુ મુશ્કેલ છે.
બ્રિટને જાહેરાત કરી હતી કે ઇંગ્લૅન્ડમાં મોટાભાગના લોકો માટે ફ્રી ટેસ્ટિંગની કામગીરી એપ્રિલથી બંધ કરવામાં આવશે.
એ ઉપરાંત લંડનની ઇમ્પિરિયલ કૉલેજના રિઅલ ટાઇમ ઍસેસમૅન્ટ ઑફ કૉમ્યુનિટી ટ્રાન્સમિશન (રિએક્ટ) અભ્યાસ લંડનની કિંગ્ઝ કૉલેજના ઝોઈ કોવિડ સિમ્ટમ્સ ઍપ જેવી સર્વેલન્સની કામગીરી બંધ કરવાની જાહેરાત પણ સરકારે કરી હતી.
આ બન્ને ઉપક્રમો મારફત વિજ્ઞાનીઓને વાઇરસના વર્તન અને વિકાસસંબંધિત વાસ્તવિક માહિતી મળતી હતી.
દરમિયાન અમેરિકામાં વ્હાઇટ હાઉસ કહે છે કે જંગી ખર્ચમાં મોટો ઘટાડો કરતા ખરડાને દસમી માર્ચે મંજૂરી આપવામાં આવી પછી ઍન્ટી-વાઇરલ ટ્રીટમેન્ટ તથા વૅક્સિન બૂસ્ટર માટેના પૈસા ખૂટી પડશે.
22.5 અબજ ડૉલરના એક અલગ પૅકેજને મંજૂરી આપવા અમેરિકન સરકારે તેની સંસદને વિનંતી કરી છે, પરંતુ વિરોધપક્ષ રિપબ્લિકન પાર્ટી મહામારી માટે વધારે નાણાં ખર્ચવાની તરફેણમાં નથી.

વૈશ્વિક અસર

ઇમેજ સ્રોત, Getty Images
મૅરીલૅન્ડ યુનિવર્સિટીની સ્કૂલ ઑફ મેડિસિનની ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યૂમન વાઇરોલૉજીમાં ઍસોસિએટ પ્રોફેસર તરીકે કાર્યરત નાદિયા સૅમ-અગુડુ કહે છે કે વિવિધ દેશોની સરકારોનાં આવાં પગલાંની અસર સમગ્ર વિશ્વ પર થશે.
ધ ઍટલાન્ટિક માટેના લેખનાં સહ-લેખિકા પ્રોફેસર સૅમ-અગુડુએ બીબીસીને જણાવ્યું હતું કે "આપણને ગમે કે ન ગમે, પરંતુ વિકસિત દેશોની નીતિનો પ્રભાવ ગરીબ દેશોમાંના વિવિધ કાર્યોની ગતિ નક્કી કરતી હોય છે."
તેમના જણાવ્યા મુજબ, કેટલાક દેશોની સરકારો મહામારીનો અંત આવ્યો હોવાનું જાહેર કરશે પછી અન્ય સરકારો પર પણ તેમના દેશોમાં નિયંત્રણો હળવા કરવાનું દબાણ આવશે.
સૅમ-અગુડુ જેવા સંશોધકો દ્વારા વિકાસશીલ દેશોમાં હાથ ધરવામાં આવતા કોવિડ સંબંધી સંશોધન માટેના ભંડોળમાં મોટો કાપ મૂકવાનો નિર્ણય બીજો ફટકો ગણાવાયો હતો.
સૅમ-અગુડુ કહે છે કે આ પ્રક્રિયાની માઠી અસર જે દેશો પર થવાની છે તેમાં આફ્રિકન રાષ્ટ્રોનો પણ સમાવેશ થાય છે, કારણ કે આફ્રિકા ખંડમાં વૅક્સિન કવરેજ આજે પણ ઘણું ઓછું છે.
અવર વર્લ્ડ ઇન ડેટાબેઝના જણાવ્યા મુજબ, આફ્રિકા ખંડની કુલ વસતીના 20 ટકાથી ઓછા લોકોને કોવિડ વૅક્સિનનો માત્ર એક ડોઝ મળ્યો છે.
20 માર્ચ સુધીમાં અહીંના માત્ર 15 ટકા લોકોનું જ સંપૂર્ણ રસીકરણ થઈ શક્યું હતું. નાઇજીરિયામાં કોવિડ વૅક્સિનનો એક ડોઝ મળ્યો હોય અને સંપૂર્ણ રસીકરણ થયું હોય તેવા લોકોનું પ્રમાણ અનુક્રમે નવ અને ચાર ટકા છે.
તેનાથી વિપરીત રીતે ઊંચી આવક ધરાવતા અને ઉચ્ચ મધ્યમ વર્ગીય આવકવાળા દેશોના આશરે 80 ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ થઈ ગયું છે. આફ્રિકા ખંડનાં જૂજ રાષ્ટ્રો આ સ્તરે પહોંચી શક્યાં છે.

'અનિયમિત પુરવઠો'

ઇમેજ સ્રોત, NADIA SAM-AGUDU
આફ્રિકા ખંડના ઘણાં રાષ્ટ્રોનો આધાર વૅક્સિન ડોનેશન્સ (અન્ય દેશોથી મળતી રસી) પર છે. વૅક્સિનનો જથ્થો મેળવવાની બાબતમાં આફ્રિકન ખંડના દેશો આ કારણસર પાછળ રહી ગયા છે.
આવું એક વખત નહીં, અનેક વખત બન્યું છે કારણ કે દાતા દેશો માટે, વૅક્સિનનો જથ્થો બીજા દેશમાં મોકલવાને બદલે કોરોનાના નવા વૅરિયન્ટ સામે પોતાના નાગરિકોને સંપૂર્ણ રક્ષણ આપવાની કામગીરી વધારે મહત્ત્વની છે.
ઍટલાન્ટાસ્થિત ઈમોરી યુનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસિનમાં સંશોધક તરીકે કાર્યરત્ બોઘુમા કાબિસેન ટાઈટનજીના જણાવ્યા મુજબ, અન્ય સંસાધનોની બાબતમાં પણ આવું જ છે.
ડૉ. ટાઇટનજીએ બીબીસીને કહ્યું હતું કે "મહામારી સતત ત્રીજા વર્ષે પણ અવિરત ચાલી રહી છે તેના કેન્દ્રમાં વૈશ્વિક અસમાનતા છે અને તેનો ટૂંક સમયમાં અંત આવવાનો નથી."
તેમણે ઉમેર્યું હતું કે "રસીકરણ, રોગનિવારક દવાઓ, પરીક્ષણ અને વાઇરોલૉજી સર્વેલન્સની સુવિધાના સંદર્ભમાં વાત કરીએ તો આ તમામ બાબતો માટેનાં સંસાધનો કતારમાં ખુદને આગળ રાખવાની આવડત ધરાવતા દેશોને વધારે પ્રમાણમાં ઉપલબ્ધ થઈ છે."

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે એમ પણ કહ્યું હતું કે "પોતપોતાના પ્રદેશોમાં પરિસ્થિતિ પર પ્રમાણમાં સારો અંકુશ મેળવવા માટે એ સંસાધનોનો ઉપયોગ કરી ચૂકેલા દેશો જ હવે એવી જાહેરાત કરી રહ્યા છે કે મહામારીનો અંત આવ્યો છે."
પ્રોફેસર સૅમ-અગુડુના જણાવ્યા મુજબ, વૅક્સિનની અનિયમિત સપ્લાયની આફ્રિકા પર માઠી અસર થઈ રહી છે. પૂરતા ડોઝ પહોંચાડવામાં આવતા નથી અથવા તો જે પૂરવઠો મળે છે તેની ઍક્સપાયરી ડેટ બહુ નજીક હોય છે.
વિશ્વના અન્ય દેશોના લોકોની માફક આફ્રિકન દેશોના લોકો પણ કોવિડ સંબંધી નિયંત્રણોથી થાકી ગયા છે અને રસીકરણના અભાવે તેમની ધીરજ ખૂટી રહી છે.
વિલંબને કારણે અફવાઓના ફેલાવા માટે વધુ મોકળાશ મળે છે અને રસી પ્રત્યેના ખચકાટમાં વધારો થાય છે, એવું તેમણે જણાવ્યું હતું.

મૂળ મુદ્દો વિસરાયો

ઇમેજ સ્રોત, Boghuma Kabisen Titanji
પ્રોફેસર સૅમ-અગુડુ ખેદ વ્યક્ત કરતાં કહે છે કે "આપણે કોવિડ-19 વાઇરસ પર હવે ચાંપતી નજર રાખતા નથી. દુનિયાનું ધ્યાન બીજી તરફ છે."
પ્રોફેસર સૅમ-અગુડુ માને છે કે કોવિડ ભવિષ્યમાં માત્ર ગરીબ રાષ્ટ્રોમાં કેન્દ્રિત થઈ જવાની "જોરદાર શક્યતા" છે.
તેમણે કહ્યું હતું કે "મારી આશા ટકી રહે એટલા ખાતર તે અનિવાર્ય છે એવું હું નહીં કહું, પરંતુ મૂળ વાત કડીબદ્ધ સંક્રમણની છે."
કોવિડનો વાઇરસ રોગપ્રતિકારક ક્ષમતાને થોડા અંશે બાયપાસ કરી શકતો હોવાનું માની લઈએ તો પણ રસીકરણનું ઊંચુ પ્રમાણ ધરાવતા દેશોના લોકોમાં વાઇરસનું સંક્રમણ અટકાવવામાં વૅક્સિન ઉપકારક સાબિત થાય છે.
જોકે, ગરીબ રાષ્ટ્રો એ તબક્કાથી ઘણાં દૂર છે.
પ્રોફેસર સૅમ-અગુડુએ કહ્યું હતું કે "આ કારણસર કોવિડ પ્રસરતો રહે છે. કેટલાક લોકોને પ્રારંભિક રોગ સામે ટૂંકા ગાળા માટે રક્ષણ મળશે, જ્યારે અન્ય લોકો વૅક્સિનને લીધે સલામત રહેશે, પરંતુ વાઇરસનું સંક્રમણ તો ચાલુ જ રહેશે."
તેમણે ઉમેર્યું હતું કે "શક્તિશાળી હશે તે જ ટકી શકશે અને નિર્બળ ખતમ થઈ જશે, તેવી પરિસ્થિતિ સર્જાશે."

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને શું કહે છે?

ઇમેજ સ્રોત, Reuters
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વારંવાર ચેતવણી આપતું રહ્યું છે કે કોવિડ સંબંધી નિયંત્રણો ઉઠાવી લેવાથી મૃત્યુઆંકમાં બિનજરૂરી વધારો થશે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વડા ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે પત્રકારોને 16 માર્ચે કહ્યું હતું કે "ખાસ કરીને વૅક્સિનેશનનું પ્રમાણ ઓછું હોય તેવા ઘણા દેશોમાં મૃત્યુઆંક ઘણો વધારે છે."
અનેક દેશો જાહેર આરોગ્ય સંબંધી નિયંત્રણો ઉઠાવી રહ્યા હોવાથી અને વધારે ચેપી ઑમિક્રોન સબ-વેરિએન્ટ બીએ-ટુને કારણે 7થી 13 માર્ચ દરમિયાન કોવિડ સંક્રમણમાં વૈશ્વિક સ્તરે આઠ ટકા વધારો નોંધાયો હતો.
સમગ્ર વિશ્વમાં 1.1 કરોડ નવા કેસો નોંધાયા હતા અને 43,000 લોકો મૃત્યુ પામ્યા હતા.
જોકે, ડૉ. ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે સંખ્યાબંધ દેશોએ ટેસ્ટિંગમાં ઘટાડો કર્યો હોવાથી આ કેસીસ તો "હિમશીલાની ટોચ સમાન છે."
તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે "દરેક દેશ અલગ પડકારો સાથેની અલગ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે, પરંતુ મહામારીનો અંત આવ્યો નથી. હું ફરી કહું છું કે મહામારીનો અંત આવ્યો નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












