બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા ને...

બીબીસીએ વર્ષ 2022માં પોતાનો 100મો જન્મદિવસ ઊજવ્યો હતો
ઇમેજ કૅપ્શન, બીબીસીએ વર્ષ 2022માં પોતાનો 100મો જન્મદિવસ ઊજવ્યો હતો

મિત્રો, દર અઠવાડિયે અમે તમારા માટે એવા લેખો લાવીએ છીએ જે અલગ-અલગ ઘટનાઓ વિશે તમને માહિતી આપે છે. જો તમે આ અઠવાડિયે કંઈ ચૂકી ગયા હો તો અહીં વાંચી શકો છો.

અમે તમારા માટે પાંચ એવા લેખો લાવ્યા છીએ જે તમને વાંચવા ગમશે. આખો લેખ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન(બીબીસી)નો 16 ઑક્ટોબરે 100મો જન્મદિવસ હતો.

હવે વિશ્વની સૌથી મોટી બ્રૉડકાસ્ટર બની ગયેલી આ સંસ્થાની સ્થાપના ઇંગ્લૅન્ડમાં 1922ની 18 ઑક્ટોબરે થઈ હતી. બીબીસી વૈવિધ્યસભર, આકર્ષક અને લાંબા ઇતિહાસની સાક્ષી રહી છે.

બીબીસીના શતાબ્દી પ્રસંગે એક નજર કેટલીક અદ્ભુત ક્ષણો, સૌથી વધુ પ્રતિષ્ઠિત વસ્તુઓ અને બીબીસીને સ્થાપિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવનાર લોકો પર નાખવામાં આવી.

બીબીસીએ તેની સૌપ્રથમ દૈનિક રેડિયો સેવાનો પ્રારંભ 1922ની 14 નવેમ્બરે કર્યો હતો.

રેડિયો પર પ્રસ્તુત કરવામાં આવેલો પહેલો કાર્યક્રમ એક ન્યૂઝ બુલેટિન હતું. તેના પછી બ્રિટનની મેટ ઑફિસ તરીકે ઓળખાતી રાષ્ટ્રીય હવામાન સેવાએ તૈયાર કરેલી હવામાનની આગાહી રજૂ કરવામાં આવી હતી.

કિંગ જ્યોર્જ પંચમે 1932ની 19 ડિસેમ્બરે યુનાઈટેડ કિંગ્ડમ અને વિશ્વના અન્ય હિસ્સાને તેમનો સૌપ્રથમ રૉયલ ક્રિસમસ સંદેશો આપ્યો હતો.

એ સંદેશ સાથે બીબીસી ઍમ્પાયર સર્વિસનો પ્રારંભ થયો હતો. આ સેવા હવે બીબીસી વર્લ્ડ સર્વિસ તરીકે ઓળખાય છે.

આ સિવાયની કેટલીક અદ્ભુત ક્ષણો, સૌથી વધુ પ્રતિષ્ઠિત વસ્તુઓ અને બીબીસીને સ્થાપિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવનાર લોકો અંગે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.

સોમાલિયામાં અન્નની અછતને પગલે મોટી સંખ્યામાં બાળકો કુપોષણનો શિકાર બની રહ્યાં છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોમાલિયામાં અન્નની અછતને પગલે મોટી સંખ્યામાં બાળકો કુપોષણનો શિકાર બની રહ્યાં છે

દુષ્કાળ, ગરીબી, યુદ્ધ અને બીમારી. એવાં ઘણાં કારણો છે જેના કારણે આપણી ખાવાની આદતોમાં મોટો ફેરફાર આવી શકે છે.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન કહે છે કે વિશ્વમાં ઓછામાં ઓછા 82.8 કરોડ લોકો દરરોજ રાત્રે ભૂખ્યા સૂઈ જાય છે અને 34.5 કરોડ લોકો ગંભીર ખોરાકની અસુરક્ષામાં જીવે છે.

અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓથી ઘેરાયેલા પરેશાન લોકોને જીવિત રહેવા માટે માટી, ઉંદર, ફેંકી દીધેલાં હાડકાં અને પ્રાણીઓની ચામડી પણ ખાવા મજબૂર થઈ શકે છે.

વિશ્વ ખાદ્ય દિવસને અનુસંધાને બીબીસીએ વિશ્વના વિવિધ ભાગોમાં ભારે ભૂખનો સામનો કરી રહેલા ચાર લોકો સાથે વાત કરી અને તેમની પાસેથી સમજ્યા કે તેઓ કેવી રીતે જીવિત રહી ગયા.

દક્ષિણ ભારતમાં રહેતાં રાનીનું કહેવું છે કે તેઓ અને તેમનો પરિવાર ઉંદરનું માંસ ખાઈ રહ્યો છે.

સોમાલિયાનાં સાત બાળકનાં માતા 40 વર્ષીય શરીફો અલી હિજરત દરમિયાનના અનુભવો વર્ણવતા કહે છે કે લોકો પ્રાણીઓનાં હાડપિંજર અને ચામડી ખાવા માટે મજબૂર બન્યા છે

બ્રાઝિલના સાઓ પાઉલોમાં રહેતાં 63 વર્ષીય લિન્ડીનાલ્વા મારિયા દા સિલ્વા નાસિમેન્ટો છેલ્લાં બે વર્ષથી સ્થાનિક કસાઈઓએ ફેંકી દીધેલાં હાડકાં અને ખાલ પર નિર્ભર છે

દુષ્કાળમાં લોકો ઉંદર, હાડકાં અને માટી ઉપરાંત શું-શું ખાવા મજબૂર બન્યા? તે જાણવા માટે અહીં ક્લિક કરો.

રોજર બિન્ની

ઇમેજ સ્રોત, THE HINDU

પોતાના સમયના શ્રેષ્ઠ ઑલરાઉન્ડરોમાંના એક રોજર બિન્નીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના 36મા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

વર્ષ 2019થી સૌરવ ગાંગુલી પ્રમુખપદની જવાબદારી સંભાળી રહ્યા હતા.

એવી પણ ચર્ચા હતી કે સૌરવ ગાંગુલી બીજી ટર્મ માટે પ્રમુખ બનવા માગતા હતા. પરંતુ એવું કહેવાઈ રહ્યું છે કે પ્રમુખની બે ટર્મની પરંપરા ન હોવાથી તેમને પ્રમુખ બનાવવા પર સહમતિ બની શકી ન હતી.

ભારતના ઑલરાઉન્ડર રોજર બિન્નીને 1983ના વર્લ્ડકપમાં ભારતની જીતના હીરો તરીકે ઓળખવામાં આવે છે, કપિલ દેવના નેતૃત્વમાં ભારતે જીતેલા આ વર્લ્ડકપમાં બિન્નીએ આઠ મૅચમાં સૌથી વધુ વિકેટ ઝડપી હતી.

રોજર બિન્ની સ્વચ્છ છબી ધરાવે છે, જ્યારે તેઓ બીસીસીઆઈ પસંદગી સમિતિના સભ્ય હતા ત્યારે લોઢા સમિતિએ તેમના પર હિતોના ટકરાવનો આરોપ મૂક્યા બાદ તરત જ તેમણે પસંદગી સમિતિમાંથી રાજીનામું આપી દીધું હતું.

રોજર બિન્ની 2012માં બીસીસીઆઈના પસંદગીકાર તરીકે ચૂંટાયા હતા. આ તે સમય હતો જ્યારે તેમના પુત્ર સ્ટુઅર્ટ બિન્ની ભારત માટે રમવાના દાવેદાર બની ગયા હતા.

જ્યારે સ્ટુઅર્ટની પસંદગીની વાત આવતી હતી ત્યારે ચર્ચા શરૂ થાય તે પહેલાં રોજર મીટિંગ રૂમમાંથી બહાર નીકળી જતા હતા.

રોજર બિન્ની વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.

મલ્લિકાર્જુન ખડગે માટે સૌથી મોટો પડકાર પક્ષને પોતાના નિયંત્રણમાં કરવાનો, પોતાનું સ્થાન જમાવવાનો અને પોતાનું ધાર્યું કરાવવાનો હશે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મલ્લિકાર્જુન ખડગે માટે સૌથી મોટો પડકાર પક્ષને પોતાના નિયંત્રણમાં કરવાનો, પોતાનું સ્થાન જમાવવાનો અને પોતાનું ધાર્યું કરાવવાનો હશે.

કૉંગ્રેસ પક્ષનાં 137 વર્ષના ઇતિહાસમાં અધ્યક્ષપદ માટે સોમવારે છઠ્ઠી વખત ચૂંટણી યોજાઈ હતી.

મલ્લિકાર્જુન ખડગેએ પ્રમુખપદ માટેની ચૂંટણી જીતી લીધી છે. તેમને કુલ 7897 મળ્યા, જ્યારે શશી થરૂરને 1072 મત મળ્યા છે

દેશની આઝાદી પછી પક્ષ પરનો અંકુશ મોટા ભાગે ગાંધી પરિવારના હાથમાં જ રહ્યો છે અથવા તો સર્વસંમતિથી અધ્યક્ષની ચૂંટણી થતી હતી.

1992થી 1998 સુધી પક્ષની ધુરા પીવી નરસિંહ રાવ અને સીતારામ કેસરીના હાથમાં હતી, પરંતુ એ પછી ફરી સોનિયા ગાંધીનો સમય આવ્યો હતો.

નવા અધ્યક્ષ સામે આગામી હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભા ચૂંટણી સૌથી મોટો પડકાર હશે.

વિશ્લેષકો અને પક્ષની અંદરના કેટલાક લોકો માને છે કે નવા અધ્યક્ષ માટે સૌથી મોટો પડકાર પક્ષને પોતાના નિયંત્રણમાં કરવાનો, પોતાનું સ્થાન જમાવવાનો અને પોતાનું ધાર્યું કરાવવાનો હશે.

અનેક વિશ્લેષકો માને છે કે ખરી શક્તિ તો ગાંધી પરિવારના હાથમાં જ રહેશે. અધ્યક્ષનું રિમોટ કન્ટ્રોલ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીના હાથમાં હશે.

મલ્લિકાર્જુન ખડગે સામે કયા પડકારો છે તે અંગે જાણવા માટે અહીં ક્લિક કરો.

આઈસીસી T20 વર્લ્ડકપ

ઇમેજ સ્રોત, JONATHAN DIMAGGIO

આઈસીસી T20 વર્લ્ડકપની શરૂઆત 16 ઑક્ટોબરે થઈ ગઈ છે અને 13 નવેમ્બરે ફાઇનલ મૅચ રમાશે.

સુપર-12 તબક્કામાં આઠ ટીમ પહેલાંથી જ સ્થાન મેળવી ચૂકી છે. આ ટીમો 2021ના T20 વર્લ્ડકપની ટોચની આઠ ટીમ છે. તે આઠ ટીમમાં ઇંગ્લૅન્ડ, ન્યૂઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે.

હોબાર્ટમાં આયર્લૅન્ડે બે વખતની ચેમ્પિયન વૅસ્ટ ઈન્ડીઝને નવ વિકેટથી હરાવીને ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર કરીને મોટો અપસેટ સર્જ્યો છે.

ગ્રૂપ સ્ટેજની અંતિમ મેચમાં આયર્લૅન્ડની શાનદાર બૉલિંગને કારણે વેસ્ટ ઈન્ડીઝ પાંચ વિકેટે 146 રન જ બનાવી શક્યું હતું. આયર્લૅન્ડે 15 બોલ બાકી રહેતા 147 રનનો ટાર્ગેટ માત્ર 1 વિકેટ ગુમાવીને પાર કરી લીધો હતો.

પોલ સ્ટર્લિંગે કેપ્ટન એન્ડી બાલબિર્ની સાથે પ્રથમ વિકેટ માટે 73 રન જોડ્યા અને અણનમ 66 રન ફટકાર્યા હતા.

ભારત આ ટુર્નામેન્ટની તેની પહેલી મૅચ દીર્ઘકાલીન પ્રતિસ્પર્ધી પાકિસ્તાન સામે 23 ઑક્ટોબરે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમશે.

ભારતની એ ઉપરાંતની મહત્ત્વની અન્ય મૅચોમાં 27 ઑક્ટોબરે રમાનારી પહેલા ગ્રૂપની વિજેતા ટીમ સામેની મૅચ, 30 ઑક્ટોબરે રમાનારી દક્ષિણ આફ્રિકા સામેની મૅચ, બીજી નવેમ્બરે રમાનારી બાંગ્લાદેશ વિરુદ્ધની મૅચ અને છઠ્ઠી નવેમ્બરે રમાનારી બીજા ગ્રૂપની વિજેતા ટીમ સામેની મૅચનો સમાવેશ થાય છે.

T20 વર્લ્ડકપ 2022 ટુર્નામેન્ટની જાણવા જેવી વિગતો માટે અહીં ક્લિક કરો.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન