બીબીસીનાં 100 વર્ષ : એ દસ લોકો, ઘટનાઓ અને કેટલીક ચીજો, જેણે એને બનાવી

બીબીસી વર્ષ 2022માં પોતાનો 100મો જન્મદિવસ ઊજવી રહી છે
ઇમેજ કૅપ્શન, બીબીસી વર્ષ 2022માં પોતાનો 100મો જન્મદિવસ ઊજવી રહી છે

બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન(બીબીસી)નો આજે એકસોમો જન્મદિવસ છે.

હવે વિશ્વની સૌથી મોટી બ્રૉડકાસ્ટર બની ગયેલી આ સંસ્થાની સ્થાપના ઇંગ્લૅન્ડમાં 1922ની 18 ઑક્ટોબરે થઈ હતી. બીબીસી વૈવિધ્યસભર, આકર્ષક અને લાંબા ઇતિહાસની સાક્ષી છે.

બીબીસી તેના અસ્તિત્વની શતાબ્દીનો આનંદ માણી રહી છે ત્યારે તેની કેટલીક અદ્ભુત ક્ષણો, સૌથી વધુ પ્રતિષ્ઠિત વસ્તુઓ અને બીબીસીને સ્થાપિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવનાર લોકો પર નજર કરીએ.

line

1. સૌપ્રથમ બીબીસી રેડિયો સ્ટેશન

The first BBC radio station 2LO
ઇમેજ કૅપ્શન, બીબીસીનું પ્રથમ રેડિયો સ્ટેશન 2LO તરીકે ઓળખાતું

શોખીનો દ્વારા ચલાવવામાં આવતા સંખ્યાબંધ રેડિયો સ્ટેશનો બંધ થયા પછી બીબીસીએ તેની સૌપ્રથમ દૈનિક રેડિયો સેવાનો પ્રારંભ 1922ની 14 નવેમ્બરે કર્યો હતો.

આંતરાષ્ટ્રીય સમય મુજબ છ વાગ્યે પ્રસ્તુત કરવામાં આવેલો પહેલો કાર્યક્રમ એક ન્યૂઝ બુલેટિન હતું, જે ન્યૂઝ એજન્સીઓએ પૂરા પાડેલા સમાચાર પર આધારિત હતું. તેના પછી બ્રિટનની મેટ ઑફિસ તરીકે ઓળખાતી રાષ્ટ્રીય હવામાન સેવાએ તૈયાર કરેલી હવામાનની આગાહી રજૂ કરવામાં આવી હતી.

અંગ્રેજી ભાષામાં તેનું વાચન સંસ્થાના પ્રોગ્રામ ડિરેક્ટર આર્થર બરોવ્સે કર્યું હતું. બરોવ્સ એક બુલેટિન બે સ્વરૂપે પ્રસ્તુત કરતા હતા. પહેલાં ઝડપથી અને પછી ધીમેથી, જેથી કોઈ માહિતી નોંધવા ઇચ્છતા શ્રોતાઓ સંબંધિત નોંધ કરી શકે.

line

2. વર્લ્ડ સર્વિસનો પ્રારંભ

કિંગ જ્યોર્જ પંચમ પ્રથમ રૉયલ ક્રિસમસ સંદેશ આપ્યો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કિંગ જ્યોર્જ પંચમે પ્રથમ રૉયલ ક્રિસમસ સંદેશ આપ્યો

કિંગ જ્યોર્જ પંચમે 1932ની 19 ડિસેમ્બરે યુનાઈટેડ કિંગ્ડમ અને વિશ્વના અન્ય હિસ્સાને તેમનો સૌપ્રથમ રૉયલ ક્રિસમસ સંદેશો આપ્યો હતો.

શોર્ટવેવ પરના અને સમગ્ર બ્રિટિશ સામ્રાજ્યના અંગ્રેજીભાષી લોકો માટેના તે સંબોધનમાં તેમણે આ સેવાને "બરફ, રણ તથા સમુદ્રથી અલગ થયેલા અને હવામાંનો અવાજ જ જેમના સુધી પહોંચી શકતો હોય તેવાં સ્ત્રી-પુરુષો માટેની" સેવા ગણાવી હતી.

એ પ્રવચન સાથે બીબીસી ઍમ્પાયર સર્વિસનો પ્રારંભ થયો હતો. આ સેવા હવે બીબીસી વર્લ્ડ સર્વિસ તરીકે ઓળખાય છે.

કિંગ ચાર્લ્સ તૃતિય અને ક્વીન કૅમિલા સાથે બીબીસી અફઘાનનાં સિનિયર પ્રેઝન્ટર સના સફી બીબીસીના સ્ટુડિયો ખાતે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કિંગ ચાર્લ્સ તૃતિય અને ક્વીન કૅમિલા સાથે બીબીસી અફઘાનનાં સિનિયર પ્રેઝન્ટર સના સફી બીબીસીના સ્ટુડિયો ખાતે

વિસ્તાર, ભાષાની પસંદગી અને શ્રોતાગણ સુધીની પહોંચના સંદર્ભમાં બીબીસી વર્લ્ડ સર્વિસ હવે વિશ્વની સૌથી મોટી એક્સટર્નલ બ્રૉડકાસ્ટર બની છે.

તે સોશિયલ મીડિયા, ટીવી અને રેડિયો મારફતે વિશ્વની 40થી વધુ ભાષાઓમાં સેવા આપે છે.

line

3. પ્રતિષ્ઠિત બીબીસી માઇક્રોફોન

ટાઇપ એ માઇક્રોફોન સંખ્યાબંધ બ્રિટિશ પિરિયડ ડ્રામા અને ફિલ્મોમાં અવારનવાર દેખાય છે
ઇમેજ કૅપ્શન, ટાઇપ એ માઇક્રોફોન સંખ્યાબંધ બ્રિટિશ પિરિયડ ડ્રામા અને ફિલ્મોમાં અવારનવાર દેખાય છે

1930ના દાયકામાં વેચાતાં માઇક્રોફોનો બહુ મોંઘાં હતાં. તેથી બીબીસીએ માર્કોની કંપની સાથે મળીને પોતાનું આગવું મૉડલ વિકસાવ્યું હતું.

ટાઇપ એ માઇક્રોફોનને લીધે 1934માં પ્રસારણમાં ક્રાંતિ આવી હતી.

બ્રિટિશ કાળનાં સંખ્યાબંધ નાટકો તથા ફિલ્મોમાં જોવા મળતા ક્લાસિક બીબીસી માઇક્રોફોન તરીકે વિખ્યાત આ માઇક્રોફોનમાં વર્ષો સુધી સતત સુધારાવધારા કરવામાં આવતા રહ્યા હતા.

line

4. બીબીસી અરેબિક બની બીબીસીની સૌપ્રથમ લૅંગ્વેજ રેડિયો સર્વિસ

1938માં બીબીસી અરેબિકની શરૂઆતમાં અહમદ કમાલ સૌરોર એફેંદી તેનો અવાજ બન્યા હતા
ઇમેજ કૅપ્શન, 1938માં બીબીસી અરેબિકની શરૂઆતમાં અહમદ કમાલ સૌરોર એફેંદી તેનો અવાજ બન્યા હતા

બીબીસી અરેબિક 1938માં કૉર્પોરેશનની સૌપ્રથમ ભાષાકીય રેડિયો સર્વિસ બની હતી. તેના ઉદ્ઘોષક તરીકે ઇજિપ્ત રેડિયોમાંથી અહમદ કમાલ સૌરોર એફેંદીની ભરતી કરવામાં આવી હતી.

તેમની નિમણૂકને પગલે અરેબિક સર્વિસ રાતોરાત લોકપ્રિય બની ગઈ હતી, કારણ કે એફેંદી આરબ વિશ્વમાં અત્યંત લોકપ્રિય પ્રેઝન્ટરો પૈકીના એક હતા.

હાલ બીબીસી વર્લ્ડ સર્વિસ વિશ્વની 40 કરતાં વધુ ભાષાઓમાં પ્રસારણ કરે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હાલ બીબીસી વર્લ્ડ સર્વિસ વિશ્વની 40 કરતાં વધુ ભાષાઓમાં પ્રસારણ કરે છે

એ પછીના દાયકાઓમાં વધુ ભાષાકીય સેવાઓ બીબીસીએ શરૂ કરી હતી અને ત્યાર બાદ સમગ્ર વિશ્વમાં ટેલિવિઝન પ્રોગ્રામિંગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

બીબીસી ઓનલાઈનનો પ્રારંભ બહુ મોડો એટલે કે 1997માં કરવામાં આવ્યો હતો. તેના પગલે ભાષાકીય સેવાઓ શરૂ થઈ હતી. સોશિયલ મીડિયાના આગમન પછી બીબીસી ન્યૂઝ અને બીબીસી વર્લ્ડ સર્વિસની ભાષાકીય બ્રાન્ડ્ઝ વિવિધ પ્લૅટફૉર્મો પર સામે આવી હતી.

આજે બીબીસી વર્લ્ડ સર્વિસે તેનું ધ્યાન ડિજિટલ-ફર્સ્ટ કન્ટેન્ટ પર કેન્દ્રિત કર્યું છે.

line

5. બીસીસીનાં પ્રથમ અશ્વેત મહિલા નિર્માતા

મૂળ જમૈકાનાં ઉમા માર્સને બીબીસીમાં ઇતિહાસ રચ્યો હતો
ઇમેજ કૅપ્શન, મૂળ જમૈકાનાં ઉમા માર્સને બીબીસીમાં ઇતિહાસ રચ્યો હતો

બીબીસીનાં સૌપ્રથમ અશ્વેત મહિલા પ્રોડ્યૂસર બનીને ઉના માર્સને ઇતિહાસ સર્જ્યો હતો.

મૂળ જમૈકાનાં ઉના અનુભવી પત્રકાર હતાં અને તેમણે 1939થી બીબીસીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

તેમની પ્રારંભિક જવાબદારી એલેક્ઝેન્ડ્રા પૅલેસ ટેલિવિઝન સ્ટુડિયોમાં મદદનીશની હતી, પરંતુ માર્ચ 1941માં તેઓ બીબીસીમાં 'ઍમ્પાયર પ્રોગ્રામ્સ' વિભાગમાં પ્રોગ્રામ આસિસ્ટન્ટ તરીકે જોડાયાં હતાં.

તેમને કવિતામાં રસ હતો. તેથી 'કૉલિંગ વેસ્ટ ઇન્ડીઝ' શ્રેણીમાંના એક સાપ્તાહિક કાર્યક્રમ કૅરેબિયન વોઈસને વિકસાવવામાં મદદ મળી હતી.

line

6. બીજા વિશ્વયુદ્ધનો અંત

ઑક્ઝિલરી ટૅરિટરિયલ સર્વિસ (ATS)નાં સભ્યો 8 મે 1945ના રોજ સાથી દળોના યુરોપમાં વિજયની ઉજવણી માટે ટ્રાફાલ્ગર સ્ક્વેરથી નીકળ્યાં હતાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઑક્ઝિલરી ટૅરિટરિયલ સર્વિસ (ATS)નાં સભ્યો 8 મે 1945ના રોજ યુરોપમાં સાથી દળોના વિજયની ઉજવણી માટે ટ્રાફાલ્ગર સ્ક્વેરથી નીકળ્યાં હતાં

બીબીસીએ 1945ની પહેલી મેના રોજ એડોલ્ફ હિટલરની આત્મહત્યાની જાહેરાત કરી હતી. સાત વાગ્યે સાંજના કાર્યક્રમો અટકાવીને એવા સમાચાર આપવામાં આવ્યા હતા કે જર્મનોએ ઇટાલીમાં આત્મસમર્પણ કર્યું છે. ચોથી મેએ તેમણે ડેન્માર્કમાં સમર્પણ કર્યું હતું. એ સાથે સંઘર્ષનો અંત આવ્યો હતો.

જોકે, થોડા દિવસ સુધી કોઈને તેની ખાતરી ન હતી. સાતમી મેએ સંખ્યાબંધ લોકો બકિંઘમ પૅલેસ બહાર એકઠા થયા હતા, પરંતુ રાષ્ટ્ર જેની પાંચ વર્ષથી રાહ જોઈ રહ્યું હતું એ સમાચાર આવ્યા ન હતા. નાઝીઓને પરાસ્ત કરવામાં આવ્યાના સમાચારને રશિયા તથા અમેરિકા સમર્થન આપે તેની બ્રિટન રાહ જોતું હોવાનું જાણવા મળ્યું હતું.

બ્રિટિશ વડાપ્રધાન ચર્ચિલ રાતે સંબોધન નહીં કરે એવી જાહેરાત સાંજે છ વાગ્યે કરીને બીબીસીએ શ્રોતાઓને આશ્ચર્યચકિત કરી મૂક્યા હતા, પરંતુ 7.40 વાગ્યે કાર્યક્રમો અટકાવીને જણાવવામાં આવ્યું હતું કે આવતીકાલ યુરોપમાં વિજયનો પહેલો દિવસ હશે.

યુરોપમાંનું યુદ્ધ ખરેખર બંધ થઈ ગયું હતું. બીજા દિવસે ચર્ચિલનું નિવેદન સમગ્ર યુરોપમાં પહોંચી ગયું હતું, પરંતુ ઘણા લોકો તે સાંભળવા ઉત્સાહી ન હતા. તેઓ ઉજવણી કરી રહ્યા હતા.

બીબીસીએ દસ દિવસના વિશેષ કાર્યક્રમોની શરૂઆત કરી હતી અને બ્રૉડકાસ્ટિંગ હાઉસ 1937 પછી સૌપ્રથમવાર રોશનીથી શણગારવામાં આવ્યું હતું.

line

7. બીબીસી ટીવીએ વિશ્વને જોડ્યું

અવર વર્લ્ડ કાર્યક્રમમાં બ્રિટિશરોના પ્રદાન સ્વરૂપે બિટલ્સનું હવે વિખ્યાત બની ગયેલું ગીત 'ઑલ યુ નીડ ઇઝ લવ' પ્રસ્તુત કરવામાં આવ્યું હતું
ઇમેજ કૅપ્શન, અવર વર્લ્ડ કાર્યક્રમમાં બ્રિટિશરોના પ્રદાન સ્વરૂપે બિટલ્સનું હવે વિખ્યાત બની ગયેલું ગીત 'ઑલ યુ નીડ ઇઝ લવ' પ્રસ્તુત કરવામાં આવ્યું હતું

'અવર વર્લ્ડ' નામના ટીવી કાર્યક્રમે 1967માં ઇતિહાસ સર્જ્યો હતો.

એ કાર્યક્રમના પ્રસારણ પહેલાં ઉપગ્રહ દ્વારા ટેલિવિઝન ચોક્કસ દેશોમાં દ્વિપક્ષી રીતે અને મુખ્યત્વે પ્રાયોગિક ધોરણે જ જોડાયેલું હતું. દાખલા તરીકે, બીબીસી છેક 1936માં રેગ્યુલર 'હાઈ ડેફિનેશન' ટેલિવિઝન સર્વિસ આપતી વિશ્વની સૌપ્રથમ બ્રૉડકાસ્ટર હતી.

જોકે, 'અવર વર્લ્ડ'ની વાત જ અલગ હતી. પ્રત્યેક મહાદ્વીપના દેશોને મનોરંજક રીતે ટેલિવિઝન પર જીવંત સ્વરૂપે પ્રસારિત કરીને તેણે સેટેલાઈટ મારફત વિશ્વને જોડવાનો સૌપ્રથમ પ્રયાસ કર્યો હતો.

એ કાર્યક્રમમાં બ્રિટિશરોના પ્રદાન સ્વરૂપે બિટલ્સનું હવે વિખ્યાત બની ગયેલું ગીત 'ઑલ યુ નીડ ઇઝ લવ' પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. એ ગીત બાદમાં 45 આરપીએમની રેકર્ડ પર પ્રસ્તુત કરવામાં આવ્યું હતું અને તત્કાળ હીટ સાબિત થયું હતું.

એ કાર્યક્રમ ભવિષ્યના સદા યાદગાર ટેલિવિઝન કાર્યક્રમોનું પ્રારંભ બિંદુ બન્યો હતો અને તેણે પણ જગતને જોડ્યું હતું. તેમાં 1985ની લાઇવ એઇડનો પણ સમાવેશ થાય છે.

George Michael, U2, Paul McCartney and Queen perform at the Live Aid concert in 1985

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિશ્વના 60 દેશોના અંદાજે 40 કરોડ લોકોએ આ પર્ફૉર્મન્સ જીવંત પ્રસારણ જોયું હતું

ઈથિયોપિયાના દુષ્કાળગ્રસ્તોને માટે ભંડોળ એકત્ર કરવા ગેડોલ્ફ અને મિડજ ઉરે દ્વારા અનેક સ્થળોએ રોક મ્યુઝિક કોન્સર્ટોનું આયોજન કરવામાં આવ્યું હતું.

બીબીસી તેની સફળતાના કેન્દ્રમાં હતી. તે સૌથી મોટા પાયા પરના સેટેલાઈટ લિંક-અપ્સ તથા ટેલિવિઝન બ્રૉડકાસ્ટ્સ પૈકીનું એક હતું. વિશ્વના 60 દેશોના અંદાજે 40 કરોડ લોકોએ તેનું જીવંત પ્રસારણ જોયું હતું.

line

8. રહસ્યમય ઝેરીલી છત્રી

છત્રીરૂપી અસ્ત્ર જેનાથી બીબીસી વર્લ્ડ સર્વિસના પત્રકારનું મોત નીપજ્યું હતું, તેની પ્રતિકૃતિ

ઇમેજ સ્રોત, International Spy Museum

ઇમેજ કૅપ્શન, છત્રીરૂપી અસ્ત્ર જેનાથી બીબીસી વર્લ્ડ સર્વિસના પત્રકારનું મોત નીપજ્યું હતું, તેની પ્રતિકૃતિ

તે છત્રીના સ્વરૂપમાંના હથિયારની પ્રતિકૃતિ હતી અને તેના વડે બીબીસી વર્લ્ડ સર્વિસના પત્રકાર જ્યોર્જી માર્કોવની હત્યા કરવામાં આવી હતી.

જ્યોર્જી માર્કોવ 1978ની સાતમી સપ્ટેમ્બરે બુશ હાઉસમાંની બીબીસીની ઑફિસે કામ કરવા માટે આવી રહ્યા હતા ત્યારે એક છત્રીધારી માણસે તેમના પગમાં પાછળથી કશુંક ખૂંચાડ્યું હતું અને ભાગી ગયો હતો.

બાદમાં માર્કોવની તબિયત બગડી હતી અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે કર્મચારીઓને જણાવ્યું હતું કે બલ્ગેરિયાની ગુપ્તચર સેવા અને કેજીબી દ્વારા ઝેર આપવામાં આવ્યું હોવાની તેમને ખાતરી છે.

ત્રણ દિવસ પછી 49 વર્ષની વયે તેઓ મૃત્યુ પામ્યા હતા. તેમના પરિવારમાં તેમનાં પત્ની તથા બે વર્ષનાં પુત્રી હતાં.

હત્યાની શૈલી તથા બલ્ગેરિયામાંના કૉમ્યુનિસ્ટ શાસનની તેમના દ્વારા વારંવાર કાઢવામાં આવતી ઝાટકણીનો અર્થ એ હતો કે તેઓ લાંબા સમયથી સોવિયેટ ગુપ્તચર સંસ્થા કેજીબી અને બલ્ગેરિયાની ગુપ્તચર સેવાના નિશાન પર હતા. એમની વિશેની ગુપ્ત પોલીસ ફાઇલ્સમાં હત્યારાની ઓળખ 'પિકાડિલી' એવું સાંકેતિક નામ ધરાવતી વ્યક્તિ તરીકે કરવામાં આવી હતી.

અલબત્ત, આ હત્યા બદલ કોઈને સજા કરી શકાઈ ન હતી.

line

9. ધ આફ્રિકન સ્પૉર્ટ્સ પર્સનાલિટી ઑફ ધ યર પુરસ્કાર

ધ આફ્રિકન સ્પૉર્ટ્સ પર્સનાલિટી ઑફ ધ યર ટ્રૉફી
ઇમેજ કૅપ્શન, ધ આફ્રિકન સ્પૉર્ટ્સ પર્સનાલિટી ઑફ ધ યર ટ્રૉફી

આ વાર્ષિક પુરસ્કાર સ્પૉર્ટ્સમાં ઉત્તમ દેખાવ કરનાર આફ્રિકાના ખેલાડીઓને આપવામાં આવે છે. અગાઉના વિજેતાઓમાં ઇજિપ્તના પ્રીમિયર લીગ લિવરપૂલના ફૂટબૉલ ખેલાડી મોહમેદ સાલેહનો સમાવેશ થાય છે. તેમને 2018માં આ ટ્રૉફી આપવામાં આવી હતી.

2001થી આ ઍવૉર્ડ માત્ર ફૂટબૉલ ખેલાડીઓને જ આપવામાં આવે છે, પરંતુ રમતગમતના વિશ્વમાં તથા તેમાં આફ્રિકાના યોગદાનમાં ઘણું બધું બદલાયું છે એ ધ્યાનમાં રાખીને 2021માં તેને 'આફ્રિકન સ્પૉર્ટ્સ પર્સનાલિટી ઑફ ધ યર ઍવૉર્ડ' તરીકે રિ-લોન્ચ કરવામાં આવ્યો છે. હવે આફ્રિકાના ખેલાડીઓ અનેક રમતોમાં ભાગ લઈ રહ્યા છે.

આ ઍવૉર્ડની ટ્રૉફીની રચના પાછળ એક માર્મિક કથા છે. મૂળ પ્રતિમા સિયેરા લિયોનના એક ભૂતપૂર્વ બાળ સૈનિકે બનાવી હતી. કળા અને સર્જન માટેના પોતાના શોખનું ભાન તેમને થયું ત્યારે તેમના જીવનમમાં આમૂલાગ્ર પરિવર્તન આવ્યું હતું.

line

10. ડેવિડ ઍટનબરો અને 'ધ ગ્રીન પ્લૅનેટ'

બ્રોડકાસ્ટર ડેવિડ એટનબરોએ બીબીસી વાઇલ્ડલાઇફ ડૉક્યુમેન્ટરીઓ માટે સંખ્યાબંધ ઍવૉર્ડ જીત્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બ્રૉડકાસ્ટર ડેવિડ ઍટનબરોએ બીબીસી વાઇલ્ડલાઇફ ડૉક્યુમેન્ટરીઓ માટે સંખ્યાબંધ ઍવૉર્ડ મેળવ્યા છે

બ્રિટિશ બ્રૉડકાસ્ટર અને પ્રકૃતિવિદ ડેવિડ ઍટનબરો આઠ દાયકા દરમિયાન તેમણે બનાવેલી સંખ્યાબંધ બીબીસી વાઇલ્ડલાઇફ ડૉક્યુમેન્ટરીઓ માટે વિશ્વવિખ્યાત છે. તેમાં તેમણે મીઠા અવાજમાં વૉઈસ-ઓવર પણ આપ્યો છે.

'બ્લૂ બ્લેન્ટ, 'ધ લાઈફ કલેક્શન' તથા 'નેચરલ વર્લ્ડ' જેવા તેમના વિખ્યાત કાર્યક્રમો કરોડો લોકોએ નિહાળ્યા છે અને એ કાર્યક્રમોએ તેમને એમ્મી તથા બાફટા જેવા સંખ્યાબંધ પ્રતિષ્ઠિત પુરસ્કાર અપાવ્યા છે.

ડેવિડ ઍટનબરોએ બીબીસીમાં કાર્યક્રમોની રજૂઆતની શરૂઆત 1960ના દાયકામાં કરી હતી અને કૉર્પોરેશનમાં સિનિયર મેનૅજર બન્યા હતા. તેમણે બીબીસી-ટુના કન્ટ્રોલર તરીકે અને બીબીસી ટેલિવિઝનના પ્રોગ્રામિંગ ડિરેક્ટર તરીકે પણ સેવા આપી હતી.

આબોહવા પરિવર્તન વિશે લોકોને શિક્ષિત કરવાની કામગીરીને ધ્યાનમાં લઈને સંયુક્ત રાષ્ટ્રસંઘના ઍન્વાયરમૅન્ટલ પ્રોગ્રામે 2021માં તેમને 'ચૅમ્પિયન ઑફ ધ અર્થ' જાહેર કર્યા હતા.

બીબીસી પર તેમનો લૅટેસ્ટ કાર્યક્રમ તેમની પાંચ ભાગની 'ધ ગ્રીન પ્લૅનેટ' શ્રેણી છે. છોડવા વિવિધ પ્રકારની આબોહવા અને ખાસ કરીને વિષમ આબોહવા સામે કઈ રીતે ઝીંક ઝીલે છે તે જાણવા માટે તેમણે રેઈન ફૉરેસ્ટથી માંડીને ઉષ્ણ પ્રદેશો તથા ઉત્તરનાં ઠંડાગાર અરણ્યોનો પ્રવાસ કર્યો હતો. તેના વિશેની આ શ્રેણી છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન