You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં PM મોદીની સ્માર્ટ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથેની તસવીરોની હકીકત શું છે?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
શું છે વિવાદ?
- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 19 ઑક્ટોબરે ગુજરાતમાં તેમના પ્રવાસ દરમિયાન મિશન સ્કૂલ ઑફ ઍક્સલન્સના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે ક્લાસરૂમમાં બેસીને ખેંચાવેલી તસવીરોથી વિવાદ થયો
- આમ આદમી પાર્ટી આ તસવીરોને ટ્વીટ કરીને એ ક્લાસરૂમ નકલી હોવાનું અને ભાજપ અને વડા પ્રધાન દિલ્હી સરકારની નકલ કરી રહ્યા હોવાનો દાવો કરે છે
- ભાજપે આ તસવીરો ગુજરાત સરકારના શિક્ષણ ક્ષેત્રના આગામી મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ મિશન સ્કૂલ ઑફ ઍક્સલન્સનો એક પ્રોટોટાઇપ (પ્રાથમિક નમૂનો) હોવાનો દાવો કર્યો હતો.
19 ઑક્ટોબરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અડાલજના ત્રિમંદિર ખાતે યોજાયેલા ગુજરાત સરકારના મિશન સ્કૂલ ઑફ ઍક્સલન્સના કાર્યક્રમ દરમિયાન એક સ્કૂલના ક્લાસરૂમ જેવા માળખામાં બાળકો સાથે બેસીને ખેંચાવેલી તસવીરોથી વિધાનસભાની ચૂંટણી માટેના મુદ્દા અને વિવાદોમાં ઉમેરો થયો છે.
આમ આદમી પાર્ટીએ વડા પ્રધાનની આ તસવીરો અને દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાની તસવીરો સાથે ટ્વીટ કરીને રાજકીય લાભ લેવાની સાથે સાથે ગુજરાતની શિક્ષણવ્યવસ્થા પર અને રાજ્યના શિક્ષણવિભાગના દાવાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા છે.
જ્યારે કૉંગ્રેસે તેના શાસનકાળમાં શિક્ષણની સુગમતા હોવાનું અને ભાજપના શાસનમાં શિક્ષણ મોંઘું બન્યુ હોવાની જણાવીને વડા પ્રધાનની એ તસવીરોને વિકાસનું નાટક ગણાવ્યું છે.
જોકે, ભાજપે આ તસવીરો ગુજરાત સરકારના શિક્ષણક્ષેત્રના આગામી મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ મિશન સ્કૂલ ઑફ ઍક્સલન્સનો એક પ્રોટોટાઇપ (પ્રાથમિક નમૂનો) હોવાનો દાવો કર્યો હતો.
ભાજપના દાવા અનુસાર એ પ્રોટોટાઇપ નજીકના ભવિષ્યમાં દેશમાં લાગુ થનારી 5જી ટેકનૉલૉજીથી રાજ્યના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને કેવી રીતે ગુણવત્તાયુક્ત શિક્ષણનો લાભ મળશે તેનું નિદર્શન હતું.
પ્રોટોટાઇપને રાત્રે જ હઠાવી દેવાયું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ મહેસાણા હાઇવે પર આવેલા ત્રિમંદિરમાં એક કાર્યક્રમમાં મિશન સ્કૂલ ઑફ ઍક્સલન્સ 5જી શાળાના મૉડલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ તરત જ એ સ્કૂલનું મૉડલ દૂર કરી દેવામાં આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્રિમંદિરના મેદાનમાં મંડપ છોડનાર મજૂરો સિવાય કોઈને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. ખાનગી સિક્યૉરિટીના કર્મચારીઓ કોઈ વાહનને અંદર જવા દેતા નહોતા.
બીબીસીએ 20 ઑક્ટોબરના રોજ લૅબર કૉન્ટ્રેક્ટરની મદદથી જ્યારે એ મેદાનમાં પ્રવેશ કર્યો ત્યારે મંડપ છોડવામાં આવી રહ્યા હતા. પરંતુ સ્કૂલના મૉડલનું નામોનિશાન નહોતું, કારણ કે તે 19 ઑક્ટોબરની રાત્રે જ આ સ્થળેથી દૂર કરી દેવામાં આવી હતી.
ત્રિમંદિરના મેદાનમાં બનેલા આ શાળાના મૉડેલમાં ડાંગ જિલ્લાના સુખી ગામની બીલી આંબા શાળાના વિજ્ઞાનશિક્ષિકા હિરલ પટેલે શિક્ષિકા તરીકે વડા પ્રધાનને ડેમૉન્સ્ટ્રેશન આપ્યું હતું.
હિરલ પટેલે બીબીસી ગુજરાતીને કહ્યું કે, "અમારી સ્કૂલમાં સ્માર્ટ સ્કૂલનો પ્રોજેક્ટ ચાલે છે. અમે એમાં બાળકોને ભણાવીએ છીએ. વડા પ્રધાન સામે 5જી પ્રોજેક્ટ માટે અમને અમદાવાદ બોલાવવામાં આવ્યા હતા, અમે એનું ડેમૉન્સ્ટ્રેશન કર્યું હતું. વડા પ્રધાને અમારાં બાળકો સાથે બેસીને જોયું કે બાળકોને કેટલું આવડ્યું છે."
આ પ્રોજેક્ટમાં ભાગ લેનાર અને તસવીરમાં વડા પ્રધાન મોદી સાથે બેઠેલા દેખાતા ડાંગના વિદ્યાર્થી પાર્થવ ગોડે બીબીસી ગુજરાતી સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું, "હું આઠમા ધોરણમાં ભણું છું, અમારી સ્કૂલમાં અમે સ્માર્ટ લર્નિગથી મોટા શહેરોના શિક્ષકો સાથે ભણીએ છીએ આ વાત મેં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બતાવી હતી."
રાજકીય પક્ષો માટે પ્રચારનો મુદ્દો
ગુજરાત સરકારના આ પ્રોજેક્ટ અને વડા પ્રધાનની આ તસવીરોને એક નાટક ગણાવતાં આપના પ્રવક્તા યોગેશ જાદવાણીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "ભાજપ 27 વર્ષમાં પહેલીવાર ધર્મને બદલે શિક્ષણ જેવા મુદ્દા પર ચૂંટણીપ્રચારમાં છે, એ આ ચૂંટણીમાં અમારી જીત છે."
તેમણે કહ્યું કે, "અમે પહેલેથી કહેતા આવ્યા છીએ કે અમે રાજકારણમાં આવ્યા છીએ તો લોકોની સેવા અને સિસ્ટમ બદલવા માટે. ગુજરાતમાં એટલે જ હિન્દુ-મુસ્લિમ, ભારત-પાકિસ્તાન, મંદિર-મસ્જિદના નામે રાજનીતિ કરવાને બદલે આપના આવવાથી પહેલી વાર મુદ્દા આધારિત રાજનીતિ થઈ રહી છે, આ અમારી મોટી ઉપલબ્ધિ છે."
જાદવાણીએ વધુમાં કહ્યું કે, "અમિત શાહને સ્કૂલની વિઝિટ કરવી પડી છે અને નરેન્દ્ર મોદીને પણ ભલે સ્કૂલનું મૉડલ હોય પણ એ જગ્યાએ જવું પડ્યું છે અને આમ આદમી પાર્ટીની નકલ કરવી પડી છે. આ અમારી સિદ્ધિ છે. કારણ કે દેશની શ્રેષ્ઠ દસ સ્કૂલોમાં દિલ્હીની સ્કૂલો છે, પણ 27 વર્ષમાં ભાજપ આવી કોઈ સ્કૂલ બનાવી નથી શક્યો."
તો કૉંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ આ ઘટનાને વિકાસનું નાટક ગણાવે છે. તેમણે કહ્યું, "ભાજપનાં 27 વર્ષના શાસનમાં બાળકોના ભણતરની કેવી હાલત થઈ છે એ જોયું છે. કૉંગ્રેસના વખતમાં બાળકોને મફત શિક્ષણ હતું. ભાજપે સરકારી ગ્રાન્ટની શાળાઓ બંધ કરી ખાનગી શાળાઓ બનાવી શિક્ષણ મોંઘું કરી દીધું છે. મધ્યમ વર્ગ આનાથી ત્રાહિમામ પોકારી ગયો છે."
તેમણે કહ્યું કે, "વિકાસના નાટક કરનારા ભાજપના લોકોને પ્રજા ઓળખી ગઈ છે. ગઈ વખતે ચૂંટણી સમયે સી પ્લેન ઉડાવીને લોકોની આંખમાં ધૂળ નાખી હતી. રો-રો ફેરીના નામે લોકોને મૂર્ખ બનાવ્યા હતા. આ વખતે ભાજપ લોકોને 5જી સ્કૂલના નામે મૂર્ખ બનાવી રહ્યો છે, અને અત્યારે ભલે કોઈ જાહેરાત થાય પણ એ છેવટે તો સી પ્લેન અને રો-રો ફેરી જેવો ફ્લોપ શો થવાનો છે. એટલે આવા નાટક કરી ને ભાજપ હવે લોકો ને મૂર્ખ નહી બનાવી શકે."
આ તમામ વાતોને નકારી કાઢતાં ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, "અત્યારે ગુજરાતની 40 હજાર સરકારી સ્કૂલ અને 13 હજાર ખાનગી સ્કૂલમાં કૉમ્પ્યૂટર છે. હવે પછીનો પ્રોજેક્ટ સ્કૂલ ઑફ ઍક્સલન્સ છે. આ સ્કૂલ ઑફ ઍક્સલન્સનું મૉડલ કેવું હશે એ દર્શાવવાનો પ્રયાસ એ કાર્યક્રમમાં કર્યો હતો."
તેમણે વધુમાં કહ્યું, "વિપક્ષને દરેક વાતમાં ઊંટનાં અઢાર અંગ વાંકાં જેવું છે. જો અરવિંદ કેજરીવાલ કોઈ પ્રોજેક્ટ બનવાનો હોય અને એનું મુહૂર્ત કરતાં પહેલાં એનું મૉડલ જુએ તો એનો અર્થ એવો નથી કે પ્રોજેક્ટ બની ગયો અને એનું ઉદ્ઘાટન કર્યું છે."
તેમણે ઉમેર્યું કે, "ભાજપ જે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરે છે કે શિલાન્યાસ કરે છે, એનું ઉદ્ઘાટન પણ પોતે કરે છે, એટલે આ સ્કૂલો કેવી હશે એનું મૉડલ બનાવ્યું હતું, એટલે ગુજરાતનાં અંતરિયાળ ગામડાંના બાળકોને 5જી ટેક્નૉલૉજીથી શિક્ષણ મળે એમાં એમને રસ નથી માત્ર ખોટી રાજનીતિ કરવી છે એનું આ પરિણામ છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો