You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત વિધાનસભા ચૂંટણી : 'પારસીને ટિકિટ આપશું તો વોટ ક્યાંથી લાવશે?', પારસીઓની શું અપેક્ષા છે?
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
- પારસીઓનું ધર્મમથક નવસારી પાસેનું ઉદવાડા છે. ત્યાં થોડા ઘણા પારસી પરિવારે વસે છે
- છેલ્લા અઢી કે ત્રણેક દાયકાથી વિધાનસભામાં પારસી નેતા જોવા મળતા નથી
- પારસી દંપતીઓ વધુ બાળકો પેદા કરે તે માટે પ્રોત્સાહન આપવા ભારત સરકાર 'જિયો પારસી' યોજના હેઠળ આર્થિક સહાય કરે છે
- પારસીઓની આ વિધાનસભા ચૂંટણીમાં શું છે અપેક્ષા, જાણો આ અહેવાલમાં
શાળાનાં પાઠ્યપુસ્તકોમાં આપણે દૂધમાં સાકરની જેમ ભળી જવું શબ્દપ્રયોગ સાંભળતાં આવ્યા છીએ અને તેને ઘણી વાર પારસીઓના સંદર્ભમાં પણ વપરાય છે.
ઈરાનથી આવીને સંજાણ બંદરે ઊતરીને અદકેરા ગુજરાતી થઈ ગયેલા પારસીઓ જગતભરમાં ફેલાયા પરંતુ પોતાની ગુજરાતી ઓળખ તેમણે ક્યારેય ગુમાવી નથી.
બે પારસી માળિયાહાટીનામાં મળે કે મેનહટ્ટનમાં તેઓ વાત ગુજરાતીમાં જ કરશે.
રાષ્ટ્રીય તેમજ ગુજરાતના રાજકારણમાં પારસીઓનું યોગદાન છે. જોકે છેલ્લા અઢી કે ત્રણેક દાયકાથી વિધાનસભામાં પારસી નેતા જોવા મળતા નથી. કારણ ગમે તે હોય પણ પારસીઓની રાજકારણમાં જે પાંખી હાજરી હતી તે પણ રહી નથી.
મહત્ત્વની બાબત એ છે કે ચૂંટણીમાં મોટી જનસંખ્યા ધરાવતી જ્ઞાતિઓનું વર્ચસ્વ વધ્યું છે. પાર્ટીઓ અને મંત્રીઓ વ્યાપક સંખ્યાબળ ધરાવતી જ્ઞાતિઓને રાજી કરવા વિવિધિ યોજનાઓની જાહેરાત કરે છે. સામે છેડે ક્યારેક નાની જનસંખ્યા ધરાવતી જ્ઞાતિઓને રાજનીતિમાં પ્રતિનિધિત્વ મળતું નથી અથવા તો તેમની જરૂરિયાતો ક્યારેક જોઈએ તેવી સંતોષાતી નથી.
પારસીને ટિકિટ આપશું તો વોટ ક્યાંથી લાવશે?
ઉદવાડા ગામ પારસી ઢબનાં મકાનોથી શોભે છે. પારસી સિવાયની વસતી પણ અહીં વસે છે. નવસારી અને ઉદવાડામાં પારસીઓનાં જુનવાણી મકાનો બંધ હાલતમાં પણ જોવાં મળ્યાં હતાં. ઉદવાડામાં એવાં ઘણાં ઘર હતાં જ્યાં માત્ર વડીલો જ ઘરમાં હોય.
બહારની વ્યક્તિ સાથે તેઓ ઝટ વાત કરવા તૈયાર થતાં નથી. પારસીઓની જે કુલ જનસંખ્યા છે એમાં ત્રીસ ટકા વસતી વરિષ્ઠ નાગરિકોની છે.
આગામી ચૂંટણીમાં પારસીઓને નવી સરકાર પાસેથી કોઈ અપેક્ષા છે? એ જાણવા અમે ઉદવાડા અને નવસારી ગયા. ઉદવાડાસ્થિત પારસીઓના ધર્મસ્થાનકના વડા એવા દસ્તૂરજી ખુરશેદ કેકોબાદ દસ્તૂરે બીબીસીને જણાવ્યું હતું કે "કેન્દ્ર હોય કે રાજ્ય, દરેક સરકારે અમને પૂરતી મદદ કરી કરી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નવસારીમાં પારસીઓની વસાહત એવા આવા બાગ કોલોનીમાં રહેતા જિમ્મી બાચા કહે છે કે, "આજથી ત્રીસ વર્ષ અગાઉ નવસારીમાં જેટલા પારસી મતદારો હતા તેનાથી અડધા છે. રાજકીય પાર્ટી પારસીને ટિકિટ આપશે તો વિચાર કરશે કે એ વોટ ક્યાંથી લાવશે?"
"રાષ્ટ્રીય પાર્ટીઓમાં પારસીઓનું કોઈ પ્રતિનિધિત્વ નથી. કૉમ્યુનિટી આધારિત રાજકારણ થઈ ગયું છે એમાં અમે તો કંઈ કરી જ નથી શકવાના. અમારો ત્યાં સુધી પહોંચવાનો રસ્તો છે જ નહીં."
નવસારીના દસ્તૂરવાડમાં રહેતા દારા ખોચી કહે છે કે, "પારસીઓ સખાવત અને સામાજિક કાર્યોમાં આગળ પડતા છે. તેઓ મદદ કરીને નીકળી જાય છે. રાજકારણમાં તેઓ સક્રિય હોતા નથી. તેથી પણ તેમની ઉમેદવારીની શક્યતા ઘટી જાય છે.
'ફ્લાઈંગ રાની ટ્રેનને ઈરાનશાહ એક્સપ્રેસ નામ આપવામાં આવે'
પારસીઓનું ધર્મમથક નવસારી પાસેનું ઉદવાડા છે. ત્યાં થોડા ઘણા પારસી પરિવારે વસે છે. ઉપરાંત રાજ્યમાં નવસારી, સુરત, અમદાવાદ સહિત ઠેકઠેકાણે પારસીઓ વસેલા છે.
ગુજરાતમાં આવનારી ચૂંટણીમાં અપેક્ષા અંગે જિમ્મી બાચા કહે છે કે, "અમારી ઇચ્છા છે કે ફ્લાઈંગ રાની એક્સપ્રેસ ટ્રેનને ઇરાનશાહ એક્સપ્રેસ નામ આપવામાં આવે. મહાકાલ એક્સપ્રેસ કે વૈષ્ણોદેવીના નામે ટ્રેન છે એનો અમને આનંદ છે અને લાંબા વખતથી અમારી રજૂઆત છે કે ઇરાનશાહ એક્સપ્રેસ એવું નામ આપવામાં આવે. આને લીધે અન્ય લોકોને માલૂમ થશે કે પારસી જેવી કોઈ કોમ છે."
ઉલ્લેખનીય છે કે આ ફ્લાઇંગ રાની ટ્રેન સુરત અને મુંબઈ વચ્ચે દોડે છે.
ઉદવાડા-નવસારીનાં પારસી હેરિટેજ મકાનો અને પર્યટન
અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર થયા પછી અમદાવાદની સાંકળી શેરીઓમાં હારબંધ જુનવાણી મકાનો નિહાળવા આવનારા લોકોની સંખ્યા વધી છે. ત્યાં હેરિટેજ વૉક યોજાય છે. જેમાં લોકો જૂનાં મકાનો, દુકાનો, ધર્મસ્થાનો વગેરે નિહાળે છે.
નવસારી, ઉદવાડા વગેરે શહેરોમાં પારસીઓનાં જૂના મહોલ્લા અને કતારબંધ હેરિટેજ મકાનો છે.
હેરિટેજ ટૂરિઝમ વિકસાવા અંગે કેટલાક માને છે કે રાજ્ય સરકારે આ કામ કરવું જોઈએ, તો કેટલાક કહે છે કે સરકાર નહીં જ્ઞાતિની સંસ્થાઓએ કરવું જોઈએ, તો એવી પણ રાય છે કે રાજ્ય સરકારે ઑલરેડી કામ કર્યું છે"
જિમ્મી બાચા કહે છે કે, "ઉદવાડા અમારું મુખ્ય ધર્મસ્થાન છે. જગતભરના પારસી ત્યાં આવે છે. તેથી ત્યાં સરકારે કોઈ સુવિધા ઊભી કરવી જોઈએ. ત્યાં સારા બાગબગીચા બનાવી શકાય. પારસી હસ્તી જેવી કે દાદાભાઈ નવરોજી, જમશેદજી તાતા, મેહરજી રાણા વગેરેનાં પૂતળાં મૂકી શકાય. એવું કંઈક કરવું જોઈએ કે અન્ય સમાજના લોકો ઉદવાડાની મુલાકાતે આવે."
દારા જોખી કહે છે કે, "એ કામ સરકારે નહીં પરંતુ પારસીની અંજુમન જેવી સંસ્થાઓએ કરવું જોઈએ. તેમણે હેરિટેજ લાઇબ્રેરી, ઇમારતો, સ્મારકો વગેરેના વીડિયો બનાવીને યૂટ્યૂબ જેવા સોશિયલ મીડિયામાં મૂકવા જોઈએ. જેથી જોઈને લોકો નિહાળવા આવે."
દારા જોખીનાં પત્ની આરમેટી કહે છે કે, "એ કામ થયું જ છે. જમશેદજી તાતાનો જ્યાં જન્મ થયો હતો તે ઘર સ્મારક તરીકે વિકસાવાયું છે. નવસારીમાં 145 વર્ષ જૂની મેહરજી રાણા લાઇબ્રેરી તંતોતંત જળવાયેલી છે. ઉદવાડામાં પારસી ઇન્ફર્મેશન સેન્ટર મ્યુઝિયમ છે. તેથી હેરિટેજ માટેનાં જે કામ થવાં જોઈએ તે થાય જ છે."
જૂનાં પારસી મકાનો બંધ હાલતમાં
કેટલીક બાબતોમાં સમુદાય સરકારને રજૂઆત કરે એના કરતાં સરકાર સ્વયં કામ કરે તે ઇચ્છનીય છે, એવું જિમ્મી બાચા માને છે.
તેઓ કહે છે કે, "નવસારીમાં કોઈ પ્રોજેકટ તૈયાર થતો હોય જેનાથી લોકોને ફાયદો હોય પણ એનાથી જો પારસીઓની કોઈ હેરિટેજ મિલકતને નુકસાન થતું હોય તો અમે વાંધો ઉઠાવીએ તે ઠીક ન નથી. સરકારે સ્વયં તેમાં હસ્તક્ષેપ કરીને મદદરૂપ થવું જોઈએ."
દસ્તૂરજી ખુરશેદ કેકોબાદ દસ્તૂર કહે છે કે, "નેવુંના દાયકાના ઉતરાર્ધમાં અને બે હજારનાં શરૂઆતી વર્ષોમાં ઘણાં મકાનો તેડીને ત્યાં નવી બિલ્ડિંગ ચણાતી હતી. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમને રજૂઆત કરવામાં આવી હતી."
"તેમણે ઉદવાડા એરિયા ડેવલપમૅન્ટ ઑથૉરિટી બનાવી જે ગ્રામપંચાયતની ઉપર છે. હવે કોઈએ પણ પોતાનાં જૂનાં મકાનમાં ફેરફાર કરાવવા હોય તો એ કમિટી પાસે પરવાનગી લેવી પડે છે. અમે જે ચીજ કેન્દ્ર કે રાજ્ય સરકાર પાસે માગીએ છીએ તે માગણી પૂરી થાય જ છે."
પારસી કોમને સરકાર પાસેથી કશું જોઈતું હોતું નથી- નરેન્દ્ર મોદી (2011)
2011માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે ઉદવાડામાં ઇરાનશાહની 1290મી જન્મતિથિ વખતે આવ્યા હતા.
એ વખતે તેમણે સભામાં કહ્યું હતું કે, "આજના સમયમાં ચારેતરફ લઘુમતી-બહુમતી આવું જ ચાલ્યા કરતું હોય ત્યારે દુનિયાની સૌથી નાની લઘુમતી એક રાજ્યના વડાને ઊભા થઈને તાળીઓથી વધાવે - સ્ટેન્ડિગ ઓવેશન આપે, એનાથી મોટું રાજ્યકર્તા માટે કોઈ ગૌરવ ન હોય. શાસન સારું ચાલે છે કે નરસું? વિશ્વની સૌથી નાની લઘુમતી જ્યારે તેમનાં વખાણ કરતી હોય ત્યારે એનો નિર્ણય કરવા માટે બીજા કોઈ ત્રાજવાની જરૂર ન પડે."
તેમણે કહ્યું કે, "સાંપ્રદાયિક સદભાવ શું હોય એ જોવું અને શીખવું હોય તો સંજાણ અને ઉદવાડા મોટાં મોટાં તીર્થ છે. આ કોમ એવી છે એને સરકાર પાસેથી કશું જોઈતું હોતું નથી. તેમને (ચૂંટણીમાં) ટિકિટ પણ ન જોઈએ. કશાની આશા અપેક્ષા વગર નિર્વ્યાજ પ્રેમ આપનારી પ્રજા છે."
દસ્તૂરજી ખુરશેદ કેકોબાદ દસ્તૂરે બીબીસીને જણાવ્યું હતું કે, "2011માં નરેન્દ્ર મોદી ઉદવાડા આવ્યા પછી આ ગામમાં દરેક સુવિધા મળી છે. રસ્તા, પાણી, વીજળીની સરસ વ્યવસ્થા છે. આ ગામને પવિત્ર યાત્રાધામ જાહેર કરવામાં આવ્યું છે."
તેમણે આગળ કહ્યું હતું કે, "ભાજપનું કામ બોલે છે. ભાજપ સરકારથી અમે ખુશ છીએ. અમને કોઈ જાતની તકલીફ નથી. 80-90ના દાયકામાં કૉંગ્રેસની સરકાર હતી ત્યારે કોઈ દાદ-ફરિયાદ જ લેતું નહોતું. વીજળી, પાણીની સમસ્યાઓ હતી. હવે બધાં ગામોની સાથે ઉદવાડાનો વિકાસ થયો છે."
પારસીઓની વસતી વધે તે માટેની 'જીયો પારસી' યોજના
2001માં દેશમાં પારસીઓની વસતી 69,601 હતી. 2011ની વસતીગણતરી વખતે એ 22 ટકા ઘટીને 57,264 થઈ હતી.
2011ની વસતીગણતરી મુજબ ગુજરાતમાં 9727 પારસીઓ છે.
2013માં જ્યારે કેન્દ્રમાં મનમોહનસિંહના વડપણ હેઠળની યુપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ)ની સરકાર હતી ત્યારે જીયો પારસી યોજના લાગુ થઈ હતી.
પારસી દંપતીઓ વધુ બાળકો પેદા કરે તે માટે પ્રોત્સાહન આપવા ભારત સરકાર 'જિયો પારસી' યોજના હેઠળ આર્થિક સહાય કરે છે. સરકારના લઘુમતી મંત્રાલય દ્વારા ચાલતી આ યોજનાથી અત્યાર સુધી 386 કરતાં વધુ પારસી બાળકોનો જન્મ થયો છે.
દસ્તૂરજી ખુરશેદ કેકોબાદ દસ્તૂરે કહ્યું હતું કે, "મનમોહનસિંહ પછીની સરકારે આ યોજના ચાલુ રાખી હતી. આ યોજનાથી પારસી સમાજને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે."
જોકે, આ યોજના વિશે કેટલાકનો મત અલગ છે. દારા જોખી કહે છે કે, "હું જીયો પારસી યોજનાની સામે નથી, પણ એ પારસીઓનું પાછું પગલું કહેવાય. સમાજના પિરામિડને જાળવવા માટે સરકારની જરૂર પડવી જ ન જોઈએ."
તેમનાં પત્ની આરમેટીબહેન કહે છે કે, "સરકારે તો જે કરવાનું હતું તે કરી દીધું, સરકાર તો બધું કરી ચૂકી છે. જે કરવાનું છે તે પારસીઓએ કરવાનું છે. સમાજ છોકરીઓને માર્ગદર્શન આપે કે સમાજમાં લગ્ન કરે. છોકરાઓને કહો કે ધર્મને વળગી રહો. વડીલોએ કહેવું જોઈએ કે વેળાસર લગ્ન કરો."
કેટલાકને લાગે છે કે જીયો પારસી જેવી યોજના કરતાં નિયમિત નિશ્ચિત આવક મળે તો સંતતિ વધે.
જિમ્મી બાચા કહે છે કે, "મને લાગે છે કે જીયો પારસીથી ખાસ વસતી વધવાની નથી. જો મદદ કરવી હોય તો જે મહેનતકશ હોય તેને બાંધી આવક-ફિક્સ ઇન્કમ કરી આપવી જોઈએ. અમારા ટ્રસ્ટોએ પણ આમાં મદદ કરવી જોઈએ."
"મોંઘવારી એવી છે કે માત્ર પારસી જ નહીં કોઈ પણ સમુદાયની વ્યક્તિ, જે આર્થિક રીતે ઘરના બે છેડા ભેગા કરવા મથતી હોય તે સંતાન માટે ખૂબ વિચારશે. બીજા સંતાન માટે તો વિચારશે જ નહીં. તેની આવક જો નિર્ધારિત થાય તો સંતાન માટે દંપતી વિચારે અને વસતી વધે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો