બિલકીસબાનો કેસ : સુપ્રીમ કોર્ટે સુનાવણી 29 નવેમ્બર સુધી મુલતવી રાખી

ઇમેજ સ્રોત, ANI
સોમવારે દાખલ કરાયેલી એફિડેવિટમાં, ગુજરાત સરકારે જણાવ્યું હતું કે તેણે 11 દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો કારણ કે તેઓએ "14 વર્ષ કરતાં વધુ વખત જેલમાં વિતાવ્યા હતા...(અને) તેમની વર્તણૂક સારી હોવાનું જણાયું હતું."
'ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર, અરજદારોએ ગુજરાત સરકાર દ્વારા દાખલ કરેલા સોગંદનામાનો જવાબ આપવા માટે સમય માગ્યો હતો. જેના પગલે સુપ્રીમ કોર્ટે બિલકીસબાનો કેસમાં દોષિતોની માફીને પડકારતી અરજીઓ પર સુનાવણી 29 નવેમ્બર સુધી મુલતવી રાખી છે.
સમયની વિનંતીને મંજૂરી આપતાં ન્યાયમૂર્તિ અજય રસ્તોગી અને સીટી રવિકુમારની બેન્ચે સૉલિસિટર જનરલ તુષાર મહેતાને પણ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય દ્વારા દાખલ કરવામાં આવેલ પ્રતિ-સોગંદનામું "દળદાર" છે.
જસ્ટિસ રસ્તોગીએ કહ્યું કે પ્રતિ-સોગંદનામામાં "અનેક ચુકાદાઓ ટાંકવામાં આવ્યા છે…એટલા બધા ચુકાદાઓ ટાંક્યા છે કે અમે શોધી નથી શકતા કે એમાં મૂળ નિવેદન ક્યાં છે"
આ અંગે સૉલિસિટર જનરલ તુષાર મહેતા સંમત થયા હતા કે તે ટાળી શકાયું હોત અને સાથે ઉમેર્યું કે તેનો એકમાત્ર હેતુ ન્યાયાધીશોને સંદર્ભ આપવાનું સરળ બનાવવાનો હતો.
આ પહેલાં ગુજરાત સરકારે સોગંદનામામાં કહ્યું હતું કે બળાત્કારના દોષિતોની મુક્તિને કેન્દ્ર સરકારે પણ મંજૂરી આપી હતી. રાજ્ય સરકારે પોતાની ક્ષમાનીતિ અંતર્ગત જ સમયપૂર્ણ દોષિતોની મુક્તિને મંજૂરી આપી હતી. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા પોતાના વિસ્તૃત સોગંદનામામાં જણાવ્યું હતું કે ત્રાહિત પક્ષ આ મામલે કેસ દાખલ ના કરી શકે અને આધિકારીક ઑથૉરિટીએ આપેલા નિર્ણયને પડકારી ના શકે.
સોગંદનામામાં ગુજરાત સરકારે કહ્યું, "એ ધ્યાને લેવું જોઈએ કે અરજદાર (સુભાષિની અલી) એક રાજકીય હોદેદાર છે અને એમણે એવું જાહેર નથી કર્યું કે તેમને પાસે પ્રતિવાદી સંખ્યા 1 (ગુજરાત સરકાર) દ્વારા અપાયેલા સજામાફીના એ આદેશને રદ કરવાની માગ કરવાનો અધિકાર કઈ રીતે છે."
ગુજરાત સરકારે આ મામલે એવું પણ જણાવ્યું છે કે અરજદારે અરજીમાં તેમના મૂળભૂત અધિકારનનું કઈ રીતે હનન થયું એ અંગે ક્યાંય જણાવ્યું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાત સરકારે સોગંદનામામાં ઉમેર્યું છે, "અરજદાર (અલી) એ પણ સ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યાં છે કે રાજ્ય સરકારની કાર્યવાહીથી તેઓ કઈ રીતે આહત થયાં છે. અરજીમાં મૌલિક અધિકારના ઉલ્લંઘન અંગેની અનિવાર્ય દલીલો પણ સ્પષ્ટ રૂપે ગાયબ છે. "
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે લાલ કિલ્લાથી મહિલાના સન્માનની વાત, પણ અસલિયતમાં "બળાત્કારીઓ"નો સાથ.
"વડા પ્રધાનના વાયદા અને ઈરાદામાં ચોખ્ખું અંતર છે, વડા પ્રધાને મહિલાઓ સાથે માત્ર છળ કર્યું છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
નોંધનીય છે કે ગુજરાતમાં 2002નાં રમખાણો વખતે બિલકીસબાનો પર થયેલા બળાત્કારના તમામ 11 દોષિતોને 15 ઑગસ્ટે ગુજરાત સરકાર દ્વારા મુક્ત કરવામાં આવ્યા હતા.
આ દોષિતો ગોધરા સબજેલમાં સજા ભોગવી રહ્યા હતા. ગુજરાત સરકારની સજામાફી નીતિ હેઠળ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે આ મામલે સીપીઆઈ(એમ)નાં સાસંદ સુભાષિની અલી, પત્રકાર રેવતી લૌલ અને પ્રોફેસર રૂપરેખા વર્માએ ગુજરાત સરકારે બળાત્કારના દોષિતોને આપેલી સજા માફીને પડકારતી અરજી કરી છે.

બિલકીસબાનોનો મામલો શું હતો?

ઇમેજ સ્રોત, CHIRANTANA BHATT
ગુજરાતમાં વર્ષ 2002માં થયેલાં રમખાણો દરમિયાન બિલકીસબાનોના પરિવારના 14 લોકોની હત્યા કરી દેવાઈ હતી અને તેમના પર સામૂહિક બળાત્કાર પણ ગુજારાયો હતો.
એ વખતે બિલકીસની ઉંમર લગભગ 20 વર્ષની હતી. હત્યા કરી દેવાયેલા લોકોમાં બિલકીસની પુત્રીનો પણ સમાવેશ થતો હતો. બિલકીસ તે સમયે ગર્ભવતી હતાં.
અધમરી હાલતમાં છોડી દેવાયેલાં બિલકીસ જેમતેમ કરીને નજીકની ટેકરી પર પહોંચ્યાં હતાં અને પોતાનો જીવ બચાવ્યો હતો.
આ ઘટના બાદ કેટલાક પોલીસકર્મીઓ દ્વારા બિલકીસને ડરાવવા તેમજ પુરાવાને નષ્ટ કરવાના પણ પ્રયાસ કરાયા હતા. તેમના પરિવારજનોના મૃતદેહોને પોસ્ટમૉર્ટમ કરાયા વગર દફનાવી દેવાયા હતા.
બિલકીસની તપાસ કરનારા તબીબે તેમનો બળાત્કાર ન થયો હોવાનું જણાવ્યું હતું અને આ મામલે બિલકીસને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી.
આમ છતાં બિલકીસની લડાઈ ચાલુ રહી હતી અને તેમણે હુમલાખોરોને ઓળખી કાઢ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ મામલો સીબીઆઈને સોંપ્યા બાદ 2004માં પ્રથમ ધરપકડ હાથ ધરાઈ હતી.
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની મદદથી બિલકીસનો કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરાયો હતો અને આરોપીઓને સજા સંભળાવાઈ હતી.
ગુજરાતની અદાલતો ન્યાય આપી શકશે નહીં એવી બિલકીસની અરજી એ વખતે સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી.
ન્યાય માટેની 17 વર્ષની લડાઈમાં બિલકીસ અને તેમના પતિ યાકુબ રસૂલને પાંચ સંતાનો સાથે દસ ઘર બદલવાં પડ્યાં હતાં.
અગાઉ એપ્રિલ 2019માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલકીસબાનોને વળતર પેઠે 50 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













