You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપની ગૌરવયાત્રાનો ગુજરાતમાં વિરોધ કેમ થઈ રહ્યો છે?
- લેેખક, તેજલ પ્રજાપતિ
- પદ, બીબીસી ગુજરાતી
- ગુજરાતમાં સત્તાપક્ષ ભાજપ સંપર્ક અભિયાન અંતર્ગત 'ગૌરવયાત્રા' યોજી લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યો છે
- ભાજપની ગૌરવયાત્રા દરમિયાન મોરબી અને વડગામમાં મહિલાઓ અને સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો
- ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ બહુચરાજીથી માતાના મઢ સુધીની 'ગુજરાત ગૌરવયાત્રા'ને મહેસાણા ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું
- કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ એક પત્રકારપરિષદમાં ભાજપની 'ગૌરવયાત્રા' પર પ્રહાર કર્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ હજુ સુધી જાહેર થઈ નથી, પણ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. સત્તાધારી ભાજપે સમગ્ર ગુજરાતને આવરી લેતી ગૌરવયાત્રા શરૂ કરી છે, જેનો કેટલીક જગ્યાએ વિરોધ પણ થઈ રહ્યો છે.
ભાજપની આ ગૌરવયાત્રાનો જનતા અને અર્બુદાસેના જેવાં સંગઠનોએ વિરોધ કર્યો હતો.
આ વખતની ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસની સાથે હવે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. સામાન્ય રીતે ગુજરાતમાં બે પક્ષો વચ્ચે ચૂંટણીમાં જંગ જામતો હોય છે.
જોકે આ વખતે અરવિંદ કેજરીવાલની પાર્ટી ગુજરાતમાં "સરકાર રચવાની આશા" સાથે ઊતરી છે.
મીડિયા રિપોર્ટ અને લોકો સાથેની વાતચીત પરથી પણ જણાઈ રહ્યું છે કે આપની ચર્ચા પણ ખાસ્સી એવી થઈ રહી છે.
આમ આદમી પાર્ટી ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તેનો પગપેસારો વધારવાની કોશિશ કરી રહી છે.
એવા સમયે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભાજપની ગૌરવયાત્રાનો થયેલો વિરોધ શું સૂચવે છે? શું ભાજપ અંગે જનતામાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે?
ગૌરવયાત્રાનો ક્યાં-ક્યાં વિરોધ થયો?
ભાજપની ગૌરવયાત્રા દરમિયાન મોરબી અને ઈડરમાં મહિલાઓ અને સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. ઈડરમાં અર્બુદાસેના પણ વિરોધ કરવા ઊતરી આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલાંક સ્થળોએ ગૌરવયાત્રાને નબળો પ્રતિસાદ મળ્યો હોવાના પણ અહેવાલો પ્રકાશિત થયા હતા.
મોરબી જિલ્લાના વાંકાનેરમાં પણ આયોજિત ગુજરાત ગૌરવયાત્રાનો વિરોધ થયો છે. સ્થાનિક લોકોની ભાજપ નેતાઓ સામેની નારાજગી સામે આવી હતી.
વાંકાનેરમાં ગૌરવયાત્રા દરમિયાન સ્થાનિક લોકોએ સાંસદ મોહન કુંડારિયા સામે નારા લગાવ્યા હતા.
લોકોનો વિરોધ જોતા મોહન કુંડારિયાએ સ્થાનિક લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે લોકો સાંભળવા તૈયાર ન હતા.
અહીં કુંડારિયા સામે મહિલાઓએ બેડાં લઈને પાણી અંગે વિરોધ કર્યો હતો. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીયમંત્રી પીયૂષ ગોયલ પણ હતા.
પોરબંદરમાં કૉંગ્રેસ દ્વારા ભાજપની આ ગૌરવયાત્રાનો વિરોધ કરાયો હતો. કૉંગ્રેસ દ્વારા કોરોનાથી પીડિત વ્યક્તિને ઓક્સિજનના બાટલા સાથે સૂતી દેખાડવામાં આવી હતી.
લોકોએ કોરોનાના સમયની યાદ તાજી કરાવીને ઓક્સિજનના અને ગેસના બાટલા બતાવીને વિરોધ કર્યો હતો.
તો મોરબીના મહેન્દ્રનગરમાં પણ યાત્રાનો વિરોધ થયો હતો. ઈડરમાં યોજાયેલી ગૌરવયાત્રામાં ભાજપના નેતા શંકર ચૌધરી પર શાહી ફેંકવાનો પ્રયાસ કરાયો હતો.
અર્બુદાસેનાના એક યુવક દ્વારા આ શાહી ફેંકાયાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
રાજકોટના જસદણમાં રવિવારે ગૌરવયાત્રા પહોંચી હતી. આ યાત્રામાં કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા અને સાંસદ મહેન્દ્ર મુંજપરા ઉપસ્થિત રહ્યા હતા.
યાત્રા પછી ભાજપની એક ઓડિયો-ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. જેમાં ભાજપના કાર્યાલયમાંથી કોઈ વ્યક્તિ જસદણના નાગરિકોને ફોન પર ગૌરવયાત્રામાં આવવા આમંત્રણ આપે છે. ત્યારે મતદારે કહ્યું હતું કે, "શેની ગૌરવયાત્રા? પેપરો ફૂટે છે એની?"
જોકે આ ક્લિપ અંગે બીબીસી ગુજરાતી સ્વતંત્ર રીતે પુષ્ટિ કરતું નથી.
ભાજપની આ ગૌરવયાત્રા શું છે?
ગુજરાતમાં સત્તાપક્ષ ભાજપ સંપર્ક અભિયાન અંતર્ગત 'ગૌરવયાત્રા' યોજી લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
યાત્રામાં ગુજરાત સહિત કેન્દ્રના ભાજપના ઘણા નેતાઓ જોડાઈ રહ્યા છે. આ યાત્રાઓ દરમિયાન આશરે 144 જેટલી જનસભામાં ભાજપના રાજ્ય અને કેન્દ્રીય નેતાઓ લોકોની વચ્ચે જશે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પણ સમાવેશ થાય છે.
મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરને બાદ કરતાં તમામ પાંચ ગૌરવયાત્રાઓ એક જિલ્લાનાં મંદિરોથી શરૂ થઈને દૂરના અન્ય જિલ્લાનાં મંદિરોએ પૂરી થશે.
ભાજપની ગુજરાત ગૌરવયાત્રા
- મહેસાણા જિલ્લાના બહુચરાજીથી કચ્છમાં માતાના મઢ સુધી
- દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાથી પોરબંદર સુધી
- અમદાવાદ જિલ્લાના ઝાંઝરકાથી સોમનાથ સુધી
- નવસારી જિલ્લાના ઉનાઈથી ફાગવેલ (ભાથીજી મહારાજ)
- ઉનાઈથી અંબાજી
- ઈસુદાન ગઢવી : એક ખેડૂતપુત્રની સફળ પત્રકારથી AAPના નેતા સુધીની સફર
'ભાજપમાં 100 ટકા અસંતોષ'
જેપી નડ્ડાએ 'ગુજરાત ગૌરવયાત્રા'ને મહેસાણા ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે એક સભાને સંબોધી, જેમાં તેમણે કૉંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્યે ગૌરવયાત્રાના વિરોધ અંગે જણાવ્યું કે, "ભાજપમાં સો ટકા અસંતોષ છે, તેનું કારણ એ છે કે જૂના પ્રધાનમંડળમાંથી બધાને રવાના કર્યા હતા. એ બધાના પોતપોતાનાં સેન્ટરમાં પોતાનાં જૂથો હતાં."
"જે લોકો પ્રધાનમંડળમાં હતા, એ લોકો પોતપોતાનાં સેન્ટરમાં શક્તિશાળી નેતાઓ હતા, તેથી જ તેમને પ્રધાન બનાવ્યા હતા. એ નેતાઓના કાર્યકાળ દરમિયાન એ લોકોનું જૂથ ખૂબ જ મજબૂત બની ગયું હતું. અને એમની સામેના હરીફ જૂથના લોકોની પાંખો કપાઈ ગઈ છે."
તેઓ વધુમાં કહે છે, "પ્રધાનમડળમાંથી બધાને રવાના કર્યા બાદ ચિત્ર પલટાઈ ગયું છે, એટલે જે મતભેદો હતા એ સામે આવી રહ્યા છે."
"સૌરાષ્ટ્રની જ વાત કરું તો એક માત્ર નરેન્દ્રભાઈ મોદીની સભા અને તેમના રોડ-શો છે એને બાદ કરતાં બીજા એક પણ સેન્ટરમાં ભાજપની ગૌરવયાત્રામાં એમના કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થતા નથી, જેનું એક કારણ આંતરિક અસંતોષ છે."
"મોરબીની વાત કરીએ તો મોહન કુંડારિયા સામે પણ ઘણા વિરોધી પક્ષ હશે જ. સાથે બ્રિજેશ મેરજા ગયા વખતે કૉંગ્રેસમાંથી ચૂંટાઈને આવ્યા હતા. ભાજપનું જ એક ઘણું મોટું જૂથ તેમની વિરોધમાં છે. હાલ તેમને કૅબિનેટમાં સ્થાન અપાયું છે."
આચાર્યાના મતે, ભાજપમાં દરેક જગ્યાએ અસંતોષ છે, એનું પ્રતિબિંબ અત્યારે યોજાતા કાર્યક્રમમાં જોવા મળી રહ્યું છે અને આ વખતે અસંતોષ સપાટી પર આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે.
જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ આરોપ-પ્રત્યારોપ અને નિવેદનબાજીનો માહોલ જામ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વાકયુદ્ધમાં નેતાઓ એકબીજા પર શાબ્દિક પ્રહાર કરતા નજરે પડી રહ્યા છે.
ગૌરવયાત્રા પર ભાજપ-કૉંગ્રેસની પ્રતિક્રિયા
કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ એક પત્રકારપરિષદમાં ભાજપની 'ગૌરવયાત્રા' પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ભાજપે 27 વર્ષમાં ગૌરવ લેવા જેવું કર્યું તો શું છે કે તેઓ 'ગૌરવયાત્રા' યોજી રહ્યા છે.
તેમના કહેવા પ્રમાણે, ગુજરાતમાં 22 પેપર લીક થયાં છે. વડા પ્રધાન મોદીને ટાંકીને પવન ખેડાએ કહ્યું, "જ્યાં તમે 12 વર્ષ મુખ્ય મંત્રી તરીકે રહ્યા હોય અને હાલમાં વડા પ્રધાન જેવા પદ પર હો એ રાજ્યમાં યુવાનો સાથે આ પ્રકારનું વર્તન કેમ? ભાજપની સરકાર યુવાનોને ગંભીરતાથી કેમ લેતી નથી?"
ભાજપશાસિત રાજ્યોમાં જ પેપર લીક થવા જેવી ઘટના ઘટતી હોવાનો આક્ષેપ કરતાં પવન ખેડાએ જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લાં 27 વર્ષથી ભાજપ સત્તામાં છે. તો હવે ગુજરાતની કથળતી પરિસ્થિતિને લઈને ભાજપ કોનું નામ લેશે, નેહરુજીનું?
આ ગૌરવયાત્રાના વિરોધ અંગે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "ભાજપ અંગે લોકોમાં નારાજગી જરાય નથી, મોરબીની વાત કરીએ તો ગૌરવયાત્રાનો એક રૂટ નક્કી કરવામાં આવ્યો છે. આ રૂટમાં એક નક્કી કરેલા વિસ્તારમાંથી યાત્રા જવાની ન હતી, તેથી કાર્યકર્તાઓએ પ્રેમથી વિરોધ કર્યો હતો કે અમારા વિસ્તારમાં કેમ નથી આવતા?
"આ વિરોધ નાગરિકો દ્વારા નહીં પણ ભાજપના કાર્યકર્તાઓનો હતો."
મહિલાઓનો બેડાં લઈને કરવામાં આવેલા વિરોધમાં તેમણે કહ્યું હતું કે, "ચૂંટણીનો સમય છે તેથી વિપક્ષના લોકો આવું ગોઠવતા જ હોય છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સમગ્ર પ્રદેશમાં ભાજપ માટે પૉઝિટિવ લાગણી જ છે, ત્યાં ઘરે-ઘરે નર્મદાનું પાણી પહોંચ્યું છે, જે ચાર-પાંચ દિવસે એક વાર મળતું હતું."
તેઓ પોતાનો અનુભવ જણાવતા કહે છે કે ગૌરવયાત્રા અંગે લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અર્બુદાસેનાના વિરોધ અંગે તેમણે જણાવ્યું હતું કે, "અર્બુદાસેના વિપુલભાઈની જ છે, વિપુલભાઈ સામે કેસ થયા છે અને એના સપોર્ટર વિરોધ કરે છે. સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, તેથી ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે."
તો કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી ગૌરવયાત્રાના વિરોધ અંગે બીબીસી સાથે વાત કરતા જણાવે છે કે, "ભાજપને પૂછવાનું છે કે ગૌરવ શેનું, લોકોમાં આક્રોશ છે તો શેની ગૌરવયાત્રા?"
તેમનો દાવો છે કે ગૌરવયાત્રાનો વિરોધ બે જગ્યાએ જ નહીં પણ 14થી વધુ જગ્યાએ થયો અને 8થી વધુ જગ્યાએથી લોકો સભામાંથી તાત્કાલિક ઊભા થઈને જતા રહ્યા હતા.
તેઓ કહે છે કે "અમિત શાહની હાજરીમાં 30 હજારનો ટાર્ગેટ હતો, જ્યાં સાડા પાંચ હજાર લોકો જ એકઠા થયા હતા. ડીસામાં જબરદસ્ત વિરોધ જોવા મળ્યો હતો. 27 વર્ષથી ભાજપ લોકોને મૂર્ખ બનાવે છે, જનતા સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાં છે."
"લોકો ગૌરવ શાના માટે લે? ગુજરાતમાં સૌથી વધુ પેપર ફૂટ્યાં છે, તેનાથી યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાઈ એનું ગૌરવ? ગુજરાતમાં શિક્ષણ મોંઘું થયું અને સરકારી શાળાઓને તાળાં લાગ્યાં એનું ગૌરવ?"
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો