You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતનું એ ગામ જ્યાં આઝાદીનાં 75 વર્ષે બસ આવી, વિદ્યાર્થીઓ ઝૂમી ઊઠ્યા
ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાંઢકુવા અને બારકુવા ગામમાં આઝાદીનાં 75 વર્ષે પહેલી વાર સરકારી બસ સેવા મળી છે.
ગુજરાતના આદિવાસી વિસ્તારના આ ગામમાં પહેલી વાર બસ આવતા ગામલોકોએ વાજતેગાજતે સરઘસ કાઢીને ઉજવણી કરી હતી.
ગામલોકો એટલા ઉત્સાહમાં હતા કે બસને પણ શણગારીને ગામમાં ફેરવી હતી અને સરઘસમાં સામેલ કરી હતી અને બસની શોભાયાત્રા કાઢી હતી.
ગામલોકોએ દુલ્હનની જેમ બસને હારતોરા કરીને શણગારી હતી.
ઉત્સાહી ગામના છોકરાઓ શોભાયાત્રા દરમિયાન બસની બારીમાંથી ડોકાં બહાર કાઢીને મલકતા જોવા મળ્યા હતા.
શોભાયાત્રામાં કોઈ વાતની ખામી નહોતી રાખી. રાષ્ટ્રધ્વજ સાથે આગળ સેંકડો બાઈકસવારો અને તેમની પાછળ મહિલાઓનું સરઘસ અને તેમની પાછળ ડીજેનું વાહન અને તેની પાછળ છેલ્લે શણગારેલી બસ.
બસની આગળ ગામની કુંવારી કન્યાઓ માથે કળશ મૂકીને ચાલતી હતી.
કેટલાક બાઈકસવારો તિરંગો લહેરાવતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્થાનિકોના આનંદનું કારણ
માંગવાણ ગામના સરપંચ સુનીલ ગામિત કહે છે, આઝાદીનાં 75 વર્ષે સૌપ્રથમ બસ અમને સરકારી સેવાનો લાભ મળ્યો છે.
બસ સેવા ચાલુ થવાનો વિશેષ આનંદ વિદ્યાર્થીઓમાં જોવા મળતો હતો, કેમ કે વાહનની અગવડને લીધે વિદ્યાર્થીઓને બહુ તકલીફ પડતી હતી.
ગામનાં વિદ્યાર્થિની મહિમા કહે છે, આ પહેલાં કૉલેજ જવા માટે અમને બહુ અગવડ પડતી હતી. અહીંથી 3 કિલોમિટર દૂર મુખ્ય સડક સુધી અમારે ચાલીને જવું પડતું હતું.
શિક્ષક મોહન ગામિત બીબીસી સાથે વાત કરતા કહે છે, આઝાદીનાં આટલાં વર્ષો વીત્યાં પછી ગામમાં એસટી આવી છે. બસની સુવિધા નહીં હોવાથી અત્યાર સુધી મારે નોકરી માટે બાઇક ચલાવીને આવવું પડતું હતું.
ગામ લોકોએ વારંવાર રજૂઆત કરી, અનેક સરકારો બદલાઈ પરંતુ ગામલોકોની આ માગણી ત્યાની ત્યાં જ રહી હતી, આ પહેલાં ક્યારેય પૂર્ણ ન થઈ.
હવે 75 વર્ષ બાદ ગામ લોકોની માગણી પૂર્ણ થઈ છે. ત્યારે ડેપો મૅનેજર મનોજ ચૌધરી કહે છે, "જે ગામમાં સરકારી બસો નથી આવતી ત્યાં બસો ચાલુ કરવાની યોજના હતી. તાપી જિલ્લાના આ ગામને સાવ નવી બસ આપવામાં આવી છે. એ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે એક બીજી બસ ફાળવવામાં આવી છે."
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપૉર્ટ કૉર્પોરેશન (જીએસઆરટીસી)ની વેબસાઈટ અનુસાર, રાજ્યની જાહેર પરિવહન સેવા 1 મે, 1960ના રોજ ગુજરાત અસ્તિત્વમાં આવ્યું છે પછી શરૂ કરવામાં આવી હતી.
વેબસાઇટ અનુસાર, જીએસઆરટીસીની સ્થાપના સમયે ગુજરાત સરકારની કુલ 1,767 બસો હતી અને ગુજરાત એસટી પાસે 7 ડિવિઝન, 76 ડેપો અને 7 ડિવિઝન વર્કશૉપ હતા.
આજની સ્થિતિ જોઈએ તો, ગુજરાત એસટી પાસે કુલ 8,703 બસો છે. 16 ડિવિઝન, 125 ડેપો, 226 બસ સ્ટેશન, 1,554 પિક-અપ સ્ટેન્ડ છે.
ગુજરાત એસટી પાસે 7 ટાયર રિટ્રેડિંગ પ્લાન્ટ છે અને બસ બૉડી બિલ્ડિંગ પ્લાન્ટ છે જેમાં વર્ષે 1000 બસની બૉડી તૈયાર કરવાની ક્ષમતા છે.
ગુજરાત એસટીનું પોતાનું પ્રિન્ટિંગ પ્રેસ છે.
ભલે તાપી જિલ્લાના આ ગામોમાં સૌપ્રથમ વાર બસ સેવા શરૂ થઈ પણ સરકારના દાવા મુજબ, દેશમાં સૌપ્રથમ જીપીએસ-પીઆઈએસ આધારિત ટ્રૅકિંગ અને પેસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમ ગુજરાત એસટીમાં લાગુ કરવામાં આવી હતી.
ગુજરાત એસટી દરરોજ 25.18 લાખ મુસાફરોનું પરિવહન કરે છે અને દૈનિક 44,268 ટ્રીપ કરે છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો