એશિયા કપ : ભારતની મહિલા ટીમની કમાલ, શ્રીલંકાને આઠ વિકેટે હરાવ્યું

મહિલા T20 એશિયા કપ ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને આઠ વિકેટથી હરાવીને સાતમી વખત ટ્રૉફી કબજે કરી છે. એશિયા કપની આઠ ઇવેન્ટ પૈકી ભારત માત્ર એક વખત ચૅમ્પિયન બની શક્યું નથી.

બાંગ્લાદેશના સિલહટમાં રમાયેલી આ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચમાં શ્રીલંકાની ટીમ પ્રથમ 20 ઓવરમાં નવ વિકેટે માત્ર 65 રન જ બનાવી શકી હતી. ભારતે માત્ર 8.3 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 71 રન બનાવીને જીત નોંધાવી હતી.

ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ અણનમ 51 રન બનાવ્યા હતા.

મંધાનાએ છગ્ગો ફટકારીને ટીમને આ જીત અપાવી હતી.

આ સાથે જ કૅપ્ટન હરમનપ્રીતકોરે અણનમ 11 રન બનાવ્યા હતા. શેફાલી વર્માએ પાંચ અને જેમિમા રોડ્રિગ્સે બે રનનું યોગદાન આપ્યું હતું.

શ્રીલંકા તરફથી ઈનોકા રણવીરા અને કવિશા દિલહારીએ એક-એક વિકેટ લીધી હતી.

શ્રીલંકાની ઇનિંગ કેવી રહી?

આ પહેલાં શ્રીલંકાનાં કૅપ્ટન ચમારી અટ્ટાપટ્ટૂએ ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, શ્રીલંકાની શરૂઆત સારી રહી નહોતી અને તેમનાં બંને ઓપનર ચોથી ઓવર સુધીમાં રન આઉટ થઈ ગયાં હતાં.

સૌથી પહેલાં ત્રીજી ઓવરમાં આઠ રન બનાવીને કૅપ્ટન ચમારી અટ્ટાપટ્ટૂ આઉટ થયાં.

બાદમાં હર્ષિતા સમરવિક્રમા નવ રન બનાવીને આઉટ થઈ ગયાં હતાં. અન્ય એક ઓપનર અને વિકેટકીપર અનુષ્કા સંજીવની પણ બે રન બનાવીને આઉટ થઈ ગયાં હતાં. આ સ્કોર પર શ્રીલંકાની ચોથી વિકેટ હસિની પરેરા પણ આઉટ થઈ ગયાં હતાં.

આ રીતે ચોથી ઓવરમાં નવ રને શ્રીલંકાની કુલ ત્રણ વિકેટ પડી ગઈ હતી. આ શરૂઆતના ફટકા બાદ શ્રીલંકાની ટીમ ખુદને સંભાળી શકી નહીં અને સતત વિકેટો પડતી રહી.

શ્રીલંકા તરફથી સૌથી વધુ ઓશાદી રણસિંઘેએ 13 રન બનાવ્યા, પણ આ સિવાય અન્ય એક પણ ખેલાડી ડબલ ડિજિટ સુધી પહોંચ્યાં નહોતાં. શ્રીલંકન ટીમની હાલત એવી હતી કે ટીમની સૌથી લાંબી પાર્ટનરશિપ છેલ્લી વિકેટ માટેની હતી, એ પણ 22 રનની.

ભારત તરફથી સૌથી વધુ રેણુકા સિંહે ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે રાજેશ્વરી ગાયકવાડ અને સ્નેહ રાણાએ બે-બે વિકેટ લીધી હતી.

મહિલા એશિયા કપનો ઇતિહાસ

મહિલાઓના એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત 2004માં શ્રીલંકામાં થઈ હતી, પણ તે સમયે એ વન-ડે ટુર્નામેન્ટ હતી.

2022માં પહેલી વખત તેનું ફૉર્મેટ બદલીને ટી-20 કરવામાં આવ્યું છે.

2022નો એશિયા કપ આઠમી વખત યોજાઈ રહ્યો છે અને 2018ને બાદ કરતા ભારતે દરેક વખતે આ ટુર્નામેન્ટ પોતાને નામ કરી છે. કોરોનાને કાણે 2020 એશિયા કપ આયોજિત થઈ શક્યો ન હતો.

PM મોદી, ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ વચ્ચે દિલ્હીમાં બેઠક કેમ યોજાઈ?

આગામી બે મહિનામાં હિમાચલ પ્રદેશ અને ગુજરાત બંને રાજ્યોની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે શુક્રવારે કેન્દ્રીય ચૂંટણીપંચે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી છે.

'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના અહેવાલ મુજબ, ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશાધ્યક્ષ સીઆર પાટીલ ચૂંટણીપંચની જાહેરાતના ગણતરીના કલાકોમાં જ દિલ્હી આવી પહોંચ્યા હતા.

અહેવાલ મુજબ, દિલ્હીમાં તેઓ સૌથી પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. તેમની સાથે એક બેઠક યોજ્યા બાદ ત્રણેય નેતાઓ વડા પ્રધાન મોદીને મળવા વડા પ્રધાનઆવાસ પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ મહિનાના અંત સુધીમાં ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પણ જાહેરાત કરાય તેવી શક્યતા છે. જેથી પ્રચારની રણનીતિ સહિત ટિકિટ-વહેંચણીના મુદ્દા પણ આ બેઠકમાં ચર્ચાયા હોવાની શક્યતા છે.

આ ઉપરાંત ગુજરાતમાં આમ આદમી પાર્ટીનાં કારણે ઊભા થયેલા પડકારને પહોંચી વળવા માટેની ચર્ચા પણ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

દેવદાસી પ્રથા નાબૂદી અંગેની કામગીરીને લઈને કેન્દ્ર સરકાર અને છ રાજ્યોને NHRCની નોટિસ

દેશનાં ઘણાં મંદિરોમાં દેવદાસી પ્રથા હજી પણ ચાલુ છે. જેને લઈને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (એનએચઆરસી)એ કેન્દ્ર સરકાર અને છ રાજ્યોને નોટિસ પાઠવીને આ પ્રથાનાબૂદી અંગે લેવાયેલાં પગલાંની જાણકારી આપવા કહ્યું છે.

સમાચાર એજન્સી 'પીટીઆઈ' અનુસાર, એનએચઆરસીએ એક મીડિયા રિપોર્ટના આધારે સ્વસંજ્ઞાન લઈને કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ-મંત્રાલય અને કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તીકરણ-મંત્રાલયના સચિવો તેમજ કર્ણાટક, કેરળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને મહારાષ્ટ્રના મુખ્ય સચિવોને નોટિસ પાઠવીને છ સપ્તાહમાં રિપોર્ટ જમા કરાવા જણાવ્યું છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે "દેવદાસીની કુપ્રથાને ખતમ કરવા માટે કાયદા બનાવવામાં આવ્યા છે પરંતુ અત્યારે પણ તે ચાલુ છે. નાની ઉંમરની છોકરીઓને દેવદાસી તરીકે સમર્પિત કરી દેવાની આ કુપ્રથાની સુપ્રિમ કોર્ટે પણ ટીકા કરી છે."

એનએચઆરસીએ આ પ્રથાને મહિલાઓને યૌનશોષણ અને દેહવેપાર તરફ ધકેલનારી કુપ્રથા ગણાવી છે અને સાથે જ કહ્યું છે કે એક મહિલાના સમાનતા અને સન્માનપૂર્વક જીવન જીવવાના અધિકારનું ઉલ્લંઘન છે.

એનએચઆરસીએ પોતાની નોટિસમાં જે મીડિયા રિપોર્ટનો ઉલ્લેખ કર્યો છે એ મુજબ, દેવદાસીપ્રથાનો ભોગ બનેલી મોટા ભાગની પીડિતાઓ ગરીબ પરિવારની તેમજ અનુસૂચિત જાતિ અને જનજાતિની હોય છે.

IMFએ ભારતના આર્થિક વૃદ્ધિદરના અનુમાનમાં ઘટાડો કર્યા બાદ પણ વખાણ કેમ કર્યાં?

આઈએમએફ દ્વારા તાજેતરમાં જ ભારતના આર્થિક વૃદ્ધિ દરના અનુમાનમાં ઘટાડો કર્યા બાદ આઈએમએફના મેનેજિંગ ડાયરેક્ટરે ભારતની આર્થિક વૃદ્ધિના વખાણ કરતા કહ્યું કે 'ભારત અંધારામાં સૂર્યનું કિરણ' છે.

આઈએમએફનાં મૅનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટલિના ગિયોરગ્યેવાએ કહ્યું કે ભારત મુશ્કેલીમાં પણ ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા બની રહ્યું છે. સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે આ વૃદ્ધિ માળખાગત સુધારાના પાયા પર થઈ છે.

અમેરિકાના વૉશિંગ્ટન ડીસીમાં આઈએમએફ અને વર્લ્ડ બૅન્કની બેઠક બાદ ક્રિસ્ટલિના ગિયોરગ્યેવાએ એક પત્રકારપરિષદમાં જી-20 અધ્યક્ષતાને લઈને ભારત પાસેથી આશાઓ અંગે પૂછાયેલા પ્રશ્નમાં આ જવાબ આપ્યો હતો.

તેમણે કહ્યું કે ભારતને ડિજિટલાઇઝેશનમાં સારી એવી સફળતા મળી છે અને મહદંશે તે ભારતી સફળતા માટેનું એક કારણ છે.

ક્રિસ્ટલિનાએ કહ્યું, "દેશ જી-20માં નેતૃત્ત્વ તરફ વધી રહ્યો છે. મને સંપૂર્ણપણે ભરોસો છે કે ભારત આવતા વર્ષે પોતાની અધ્યક્ષતામાં આવનારા વર્ષો માટે વિશ્વ પર પોતાની છાપ છોડશે."

આઈએમએફે તાજેતરમાં જ વિવિધ દેશોની આર્થિક વૃદ્ધિદરનું અનુમાન જાહેર કર્યું હતું. ભારત માટેનું અનુમાન 2022-23માં 6.8 ટકા અને 2023-34માં 6.1 જાહેર કરવામાં આવ્યું છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો