You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હિમાચલ પ્રદેશ સાથે ગુજરાતની ચૂંટણી જાહેર કેમ ન કરાઈ, ચૂંટણીપંચે શું કહ્યું?
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી
- 12 નવેમ્બરના રોજ મતદાન થશે
- 8 ડિસેમ્બરના રોજ મતગણતરી થશે
- 17 ઑક્ટોબરે ચૂંટણી અંગે ગૅઝેટ નૉટિફિકેશન જાહેર થશે
- એક તબક્કામાં મતદાન થશે
દિલ્હી ખાતે શુક્રવારે રાષ્ટ્રીય ચૂંટણીપંચની પત્રકારપરિષદ યોજાઈ હતી. જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે વિધાનસભાના ચૂંટણીકાર્યક્રમની જાહેરાત કરી હતી.
ચૂંટણીપંચે માત્ર હિમાચલ પ્રદેશની ચૂંટણીની જાહેરાત કરી હતી અને ગુજરાત અંગે કોઈ જાહેરાત કરાઈ નહોતી.
મતદારયાદીના નવીનીકરણ માટે પંચના કર્મચારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરાઈ છે. આ સિવાય નવા મતદારોની નોંધણી, વૃદ્ધો, વિકલાંગો, મહિલાઓ અને થર્ડ જેન્ડર માટે યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં પૂરતું ધ્યાન અપાયું છે.
મતદારોમાં મતદાન માટેની જાગૃતિ ફેલાવવા માટે મુખ્ય ચૂંટણી કમિશનરે મીડિયાને અપીલ કરી હતી.
તેમણે વોટિંગના અનુભવને વધુ સારું બનાવવાની દિશા તરફ પણ ધ્યાન અપાયું હોવાની વાત કરી હતી.
અધિકારીઓને જે-તે વિધાનસભા ક્ષેત્રમાં મતદાનની ઓછી ટકાવારી ધરાવતાં પોલિંગ સ્ટેશનને આઇડેન્ટિફાય કરી અને ત્યાં મતદાનની ટકાવારી સુધરે તે દિશામાં પંચ દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે.
મુખ્ય ચૂંટણી કમિશનરે એવી પણ જાહેરાત કરી હતી કે મહિલા અને વિકલાંગોના સશક્તીકરણ માટે કેટલાંક સ્ટેશન માત્ર મહિલાઓ અને વિકલાંગો દ્વારા સંચાલિત હશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે શું કહ્યું?
પત્રકારપરિષદમાં હાજર પત્રકારોએ હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખોની જાહેરાત અને ગુજરાતની ચૂંટણી તારીખો જાહેર ન કરવાના કમિશનના નિર્ણય સામે મુખ્ય ચૂંટણી કમિશનરને સવાલ કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે આ બાબતે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, "ભારતનું ચૂંટણીપંચ ચૂંટણીની જાહેરાત માટે છેલ્લે ઉપયોગમાં લેવાયેલ કન્વેશન અનુસરી રહ્યું છે. ચૂંટણીઓનું આયોજન એ એક જટિલ પ્રક્રિયા છે. આમાં ઘણાં પાસાં પર ધ્યાન આપવાનું હોય છે. તેમાં એક ચૂંટણીનાં પરિણામોની અન્ય ચૂંટણીમાં મતદાન અને પરિણામો પરની અસર પણ એક છે. બે ચૂંટણીઓ વચ્ચેના અંતરનું પણ ધ્યાન રાખવામાં આવે છે."
તેમણે આ મુદ્દે આગળ વાત કરતાં જણાવ્યું હતું કે, "પશ્ચિમ બંગાળ, પોંડિચેરી, તામિલનાડુ, કેરળ અને અસમની વિધાનસભા ચૂંટણીમાં 10થી 15 દિવસનું અંતર હતું. પરંતુ આ ચૂંટણીમાં આ અંતર 40 દિવસનું છે. આ સિવાય હિમાચલ પ્રદેશના કિસ્સામાં હવામાન પણ એક કારણ છે જેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. કારણ કે કેટલાક પહાડી વિસ્તારોમાં રાજ્યમાં બરફવર્ષા પણ જોવા મળે છે. તેને ધ્યાને રાખીને ચૂંટણીનો આ કાર્યક્રમ ઘડાયો છે. આ સિવાય રાજ્યના રહીશો માટે આદર્શ આચારસંહિતા મર્યાદિત સમય માટે લાગુ રહે તે વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. કમિશન હવે આચારસંહિતા કે ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ લાંબો ખેંચાય તેવું ઇચ્છતું નથી. તેથી કમિશને પાછલી વખત નક્કી કરાયેલ કન્વેશનને અનુસરવાનો નિર્ણય લીધો છે."
જ્યારે પત્રકારોએ સવાલ પૂછ્યો કે શું ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીનાં પરિણામોની જાહેરાત એક સાથે કરાશે કે અલગઅલગ તો આના જવાબમાં મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે, "આ પ્રશ્નનો જવાબ અમે જ્યારે ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરીશું તે સમયે આ અંગે સ્પષ્ટતા કરીશું."
હિમાચલ પ્રદેશની છેલ્લી ચૂંટણીમાં શું થયું હતું?
હિમાચલ પ્રદેશમાં ભાજપે છેલ્લી ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી હતી. રાજ્યમાં ભાજપને 44 બેઠકો મળી હતી જ્યારે કૉંગ્રેસને 21 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.
સીએપીએમને બે બેઠકો મળી હતી, જ્યારે અન્ય પક્ષોને બે બેઠકો મળી હતી.
હિમાચલ પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી મનીષ ગર્ગે તાજેતરમાં મીડિયાને માહિતી આપી હતી કે રાજ્યમાં કુલ 55,07,261 મતદારો છે, જેમાં 27,80,208 પુરુષો અને 27,27,016 મહિલાઓનો સમાવેશ થાય છે.
કયા મુદ્દા મહત્ત્વના રહેશે?
હિમાચલ પ્રદેશમાં છેલ્લા 4 દાયકાથી ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે.
આ બંને પક્ષો પાંચ-પાંચ વર્ષ માટે વારાફરતી સરકાર બનાવતા રહ્યા છે. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી પણ પૂરી તાકાત સાથે ચૂંટણીમાં ઊતરી છે.
હિમાચલના પાડોશી રાજ્ય પંજાબમાં સરકાર બન્યા બાદ આમ આદમી પાર્ટીનો જુસ્સો વધ્યો છે, તેથી આ ત્રિપાંખિયો જંગ બની ગયો છે.
જોકે કૉંગ્રેસ સંસાધનોથી લઈને સંગઠનમાં ઘણી પાછળ દેખાઈ રહી છે, પરંતુ પાર્ટી રાજ્યના મુખ્ય મંત્રી જયરામ ઠાકુરને લઈને એન્ટી ઇનકમ્બન્સીના મુદ્દાને ઉઠાવવા માગે છે. જોકે, થોડા દિવસો પહેલાં વરિષ્ઠ નેતા અને કૉંગ્રેસના હિમાચલ પ્રદેશ એકમના કાર્યકારી અધ્યક્ષ હર્ષ મહાજન ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા.
હિમાચલ પ્રદેશનાં ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો 1985થી અત્યાર સુધી કોઈ પણ પક્ષ સતત બે ટર્મ સુધી સત્તામાં પરત ફરી શક્યો નથી.
1985માં ભાજપ સતત બે વાર સત્તામાં આવ્યો હતો, ત્યારથી હિમાચલ પ્રદેશમાં સતત બે ટર્મ સુધી કોઈ પાર્ટીએ સરકાર બનાવી નથી. જોકે, ભાજપ 2022માં ફરીથી સત્તામાં પાછા આવવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો