You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અનંત પટેલ પર હુમલો : કૉંગ્રેસના ધારાસભ્ય પર ખેરગામમાં હુમલો, હજારોની સંખ્યામાં એકઠા થયેલા આદિવાસીઓએ શી માગ કરી?
- વાંસદાના કૉંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો
- 10 ઑક્ટોબરથી 'સંઘર્ષ રેલી'ની કરવાના હતા શરૂઆત
- હુમલા બાદ મોટી સંખ્યામાં તેમના સમર્થકોએ નોંધાવ્યો વિરોધ
- પોલીસે 72 કલાકમાં યોગ્ય કાર્યવાહી કરવાની આપી ખાતરી
- અનંત પટેલ પાર-તાપી પ્રૉજેક્ટના વિરોધમાં હતા સક્રિયા
વાંસદાના કૉંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર શનિવારે રાત્રે નવસારી જિલ્લાના ખેરગામમાં કેટલાક અજાણ્યા લોકોએ હુમલો કર્યો છે.
અનંત પટેલે 10થી 20 ઑક્ટોબર દરમિયાન નવસારીથી વડોદરા જિલ્લા સુધી 'સંઘર્ષ રેલી'નું આયોજન કર્યું હતું. તેના બે દિવસ પહેલાં જ તેમના પર હુમલો કરવામાં આવ્યો છે.
અહેવાલ મુજબ, તેઓ નવસારી જિલ્લાનાં ખેરગામના સરપંચ ઝરણા પટેલ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા અને લોકોને સંઘર્ષ રેલી વિશે માહિતગાર કરવા માટે પહોંચ્યા હતા.
આ દરમિયાન દશેરા ટેકરી વિસ્તારમાં લોકોના ટોળાએ તેમની કારને આંતરી હતી અને કારની તોડફોડ કરી હતી. બાદમાં તેમને કારમાંથી બહાર કાઢીને લાકડીઓ વડે માર મરાયો હતો.
હુમલો કર્યા બાદ ટોળું વિખેરાઈ ગયું હતું અને અનંત પટેલને આંખ પાસે ઈજા થઈ હતી. જોકે, તેઓ સ્થળ પર જ રોકાયા હતા અને તેમણે લોકોને એકઠા કરવાનું શરૂ કરી દીધું હતું.
'ઇન્ડિયન ઍક્સપ્રેસ' પોતાના અહેવાલમાં આ હુમલામાં ટોળાની આગેવાની નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ કરી રહ્યા હોવાનું જણાવે છે અને તેમણે અનંત પટેલને ધમકી આપી હોવાની પણ વાત કરે છે.
લોકોમાં આક્રોશ
અનંત પટેલે ખુદ પર હુમલો થયો હોવાની ઘટના વિશે ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટ સાથે શૅર કરેલા એક વીડિયોમાં તેમણે પોતાના સમર્થકોને શાંતિપૂર્ણ વિરોધ કરવા માટે એકઠા થવા આહ્વાન કર્યું હતું.
આ સાથે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ ન કરવામાં આવે ત્યાં સુધી વિરોધપ્રદર્શન ચાલું રાખવા પણ તેમણે કહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અનંત પટેલ પર હુમલો થયો હોવાની વાત વાયુવેગે પ્રસરતાં નવસારી સહિત આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં આદિવાસી યુવાનો ખેરગામ પહોંચ્યા હતા અને અનંત પટેલ સાથે ધરણાં પર બેસી ગયા હતા.
અંદાજે પાંચેક હજાર લોકો અનંત પટેલના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને હુમલાખોરોની ધરપકડની માગ કરી રહ્યા હતા.
કેટલાક સમર્થકોએ ટાયરો સળગાવીને તેમજ આગચંપી કરીને વિરોધ પણ નોંધાવ્યો હતો. તો કેટલાકે વાહનોમાં તોડફોડ પણ કરી હતી.
પોલીસ સ્થળ પર પહોંચતાં કેટલાક લોકોએ પોલીસની જીપ પર પથ્થરમારો પણ કર્યો હતો અને લોકો પોલીસની જીપ પાછળ દોડ્યા હતા.
વિરોધ કરનારાઓ આરોપીની ધરપકડની માગ કરી રહ્યા હતા.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ભાજપ સરકાર પર આ હુમલાનો આરોપ લગાવ્યો છે.
રાહુલે ટ્વિટર પર લખ્યું, "ગુજરાતમાં 'પાર-તાપી રિવલ લિંક પ્રોજેક્ટ' વિરુદ્ધ આદિવાસી સમાજની લડાઈ લડનારા અમારા અનંત પટેલજી પર ભાજપ દ્વારા કરાયેલો કાયરતાપૂર્વકનો હુમલો નિંદનીય છે. "
"કૉંગ્રેસ પક્ષનો દરેક કાર્યકર આદિવાસીઓના હકની લડાઈઓ માટે અંતિમ શ્વાસ સુધી લડશે."
72 કલાકમાં કાર્યવાહીની પોલીસની ખાતરી
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે આસપાસના જિલ્લામાંથી પણ પોલીસ બોલાવવી પડી હતી.
નવસારીના ડીએસપીએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે 'અનંત પટેલ પર ચાર-પાંચ લોકોએ હુમલો કર્યો હતો. ત્યાર બાદથી તેઓ પોતાના આદિવાસી સમર્થકો સાથે વિરોધ નોંધાવી રહ્યા હતા. અમે તેમને આશ્વાસન આપ્યું કે ત્રણ દિવસમાં આરોપીઓને પકડી લેવામાં આવશે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. '
પોલીસે સ્થળ પર ફરિયાદ નોંધીને આપેલી બાંહેધરી બાદ અનંત પટેલે ચીમકી ઉચ્ચારી હતી કે જો 72 કલાકમાં આરોપીઓ નહીં પકડાય તો તેમનું આંદોલન વધુ ઉગ્ર બનશે અને હાઈ-વે પર ચક્કાજામ કરવામાં આવશે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો