નવરાત્રિ વિશેષઃ વિદેશમાં પણ થાય છે આ દેવીઓની પૂજા

મુખ્ય દેવીરૂપે શક્તિનાં દેવીની ઉપાસના થાય છે. એવું માનવામાં આવે છે કે દુનિયાની દરેક વસ્તુ એમના આધારિત છે.

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જાન્હવી મુળે
    • પદ, બીબીસી સંવાદદાતા

નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. આખું ભારત દર વર્ષે આ દરમિયાન શક્તિનાં દેવીની ઉપાસના કરે છે. પણ શું ભારત એકમાત્ર દેશ છે જ્યાં દેવીની પૂજા થાય છે?

હિંદુ ધર્મમાં નવરાત્રિ પવિત્ર દેવીઓની ઉપાસનાનો તહેવાર છે, જે સામાન્યતઃ આખા ભારતમાં ઊજવવામાં આવે છે.

મુખ્ય દેવીરૂપે શક્તિનાં દેવીની ઉપાસના થાય છે. એવું માનવામાં આવે છે કે દુનિયાની દરેક વસ્તુ એમના આધારિત છે.

એવો પણ દાવો કરવામાં આવે છે કે ભારતમાં મહિલાઓને દેવીનું સ્થાન મળેલું છે.

પરંતુ એ દાવો સાચો નથી કે એકમાત્ર ભારત એવો દેશ છે જ્યાં દેવીની પૂજા થાય છે.

મિસર (ઇજિપ્ત)નાં દેવી આઇસિસનું ચિત્ર

ઇમેજ સ્રોત, Getty Images

સમગ્ર વિશ્વની મોટા ભાગની સંસ્કૃતિઓ અને સભ્યતાઓમાં કોઈ ને કોઈ રૂપે દેવીની પૂજા થાય છે. પરંતુ આજકાલ એને નારીવાદી દૃષ્ટિકોણથી જોવાનું ચલણ શરૂ થયું છે.

કેટલાંક દેવીઓ પ્રેમ અને જીવનનાં પ્રતીક છે, કેટલાંક દયા, મુક્તિ, સમૃદ્ધિનાં પ્રતીક છે અને કેટલાંક ન્યાય, યુદ્ધ અને વિનાશનાં પણ પ્રતીક છે. એવું પણ જોવા મળ્યું છે કે કેટલાક દેવોના મહત્ત્વમાં કેટલાંક દેવીઓનું ઉલ્લેખનીય યોગદાન છે.

જોકે, ધર્મ અને આધ્યાત્મિકતામાં દેવીઓનું સ્થાન, સમાજમાં મહિલાઓના સ્થાનની સરખામણીએ ખૂબ જુદું હોય છે.

તેમ છતાં, ઘણી વાર દેવી-દેવતાઓની વાર્તાઓ, એમની આસપાસ રચાયેલાં મિથ (લોકકથા) પણ એ સ્થાનની લોકસંસ્કૃતિમાં મહિલાઓના મહત્ત્વને દર્શાવે છે.

line

મિસર (ઇજિપ્ત)નાં આઇસિસ અને હાથોર

આઇસિસને ન્યાયવ્યવસ્થા, માતૃત્વ, જીવન અને ચિકિત્સાનાં પણ દેવી માનવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Getty Images

પ્રાચીન મિસરમાં 'આઇસિસ'ને સૌથી પ્રમુખ અને સૌથી શક્તિશાળી દેવીરૂપ માનવામાં આવે છે.

આઇસિસનું માથું એવી રીતે દર્શાવ્યું છે જાણે એમણે ગીધના આકારની હેલ્મેટ પહેરી હોય કે ગાયનાં શિંગડાં વચ્ચે સૂર્ય ઊગ્યો હોય.

પ્રાચીન મિસરવાસીઓના મતે આઇસિસે લોકોને ખેતીની પદ્ધતિઓ વિશે જણાવેલું. એમને પૃથ્વીના દેવતા ગેબ અને આકાશનાં દેવી નટનાં પુત્રી માનવામાં આવે છે.

આઇસિસને ન્યાયવ્યવસ્થા, માતૃત્વ, જીવન અને ચિકિત્સાનાં પણ દેવી માનવામાં આવે છે.

આઇસિસની વાર્તાઓમાં એમની જાદુઈ શક્તિઓ, એમના પતિ ઓસિરિસ પ્રત્યેની એમની ભક્તિ અને એમના પુત્ર હોરેસનો ઉલ્લેખ છે.

આ દેવીની લોકપ્રિયતાથી લાગે છે કે એમણે ગ્રીક અને રોમન સંસ્કૃતિને પણ પ્રભાવિત કરી છે.

હાથોરને પ્રેમ, આનંદ, સંગીત અને નૃત્યનાં પ્રતીક માનવામાં આવે છે

ઇમેજ સ્રોત, Getty Images

કલાના ઇતિહાસમાં સદીઓથી આપણે 'મા અને બાળક'નાં ઘણાં ચિત્રણ જોઈએ છીએ. તે પેઇન્ટિંગ અને મૂર્તિકળામાં પણ જોવા મળે છે. માનવામાં આવે છે કે એની ઉત્પત્તિ આઇસિસથી થઈ છે.

પુત્ર હોરસને સ્તનપાન કરાવતાં આઇસિસનાં ચિત્ર પ્રાચીનકાળથી જોવા મળે છે.

ઇજિપ્તમાં ઐતિહાસિક રીતે અન્ય એક દેવી મહત્ત્વનાં છે. એમનું નામ 'હાથોર' છે અને એમને પ્રેમ, આનંદ, સંગીત અને નૃત્યનાં પ્રતીક માનવામાં આવે છે. એમને આકાશ, સંતાનોની ઉત્પત્તિ અને મહિલાઓનાં દેવી પણ માનવામાં આવે છે.

હાથોરનું નામ મિસરનાં રાણી હત્શેપસટ સાથે સંકળાયેલું છે, જેમને ઘણી વાર જાણીતા ઇતિહાસમાં પ્રથમ મહિલા શાસક તરીકે ટાંકવામાં આવે છે. હત્શેપસટ પ્રથમ મહિલા શાસક હતાં અને એમણે સિંહાસન પરનો પોતાનો અધિકાર સાબિત કરવા માટે હાથોરનાં પુત્રી હોવાનો દાવો કર્યો હતો.

હાથોરને ગાયના રૂપે ચિત્રિત કરવામાં આવ્યાં છે અને ક્યારેક ક્યારેક એમના પ્રતીક તરીકે ગાયની પૂજા કરવામાં આવે છે. હાથોરને ક્યારેક ક્યારેક ભારતનાં કાલી માતા જેવાં એક યોદ્ધા દેવી, સેખમેટના અવતાર રૂપે જોવામાં આવે છે.

line

ગ્રીક અને રોમન દેવી

ગ્રીક સંસ્કૃતિમાં એથેનાને દેવી માનવામાં આવે છે

ઇમેજ સ્રોત, Getty Images

તમે ઇતિહાસનાં પુસ્તકોમાં ગ્રીસ અને રોમન સભ્યતાઓ વિશે વાંચ્યું હશે અથવા કોઈ સંગ્રહાલયમાં એમનાં દેવીઓની મૂર્તિઓ જોઈ હશે.

એથેનાને ગ્રીક સંસ્કૃતિમાં દેવી માનવામાં આવે છે. આ દેવીને રોમન દેવી મિનર્વા સાથે જોડીને ઓળખવામાં આવે છે. એથેનાને જ્ઞાન, યુદ્ધ, દેવતાઓ અને સંસ્કૃતિ, સભ્યતા, ન્યાય અને ગણિતનાં જનની માનવામાં આવે છે.

ગ્રીક પૌરાણિક કથાઓમાં એથેનાને ઘણી વાર સફેદ કપડાં પહેરેલાં બતાવ્યાં છે.

વીનસને સૌથી વધારે સુંદર દેવી માનવામાં આવે છે

ઇમેજ સ્રોત, Getty Images

રાતના અંધારામાં પણ જોઈ શકવાની ક્ષમતા ધરાવનાર ઘુવડ એથેનાનું પ્રતીક છે. આ જ એથેના પરથી યુનાન (ગ્રીસ)ની રાજધાનીનું નામ 'એથેન્સ' પડ્યું.

ગ્રીક દેવી એફ્રોડાઇટને પણ પ્રેમ અને કામેચ્છાનાં દેવી માનવામાં આવે છે. આ દેવીનો ઉલ્લેખ ખાસ કરીને વસંતના આગમન સાથે જોડાયેલા તહેવારોમાં કરવામાં આવે છે.

રોમન સંસ્કૃતિમાં એમને વીનસ નામ મળ્યું. વીનસને સૌથી સુંદર દેવી પણ માનવામાં આવે છે. સમુદ્રમંથનમાંથી ઉત્પન્ન થતાં વીનસનું ચિત્ર ઘણું પ્રસિદ્ધ છે.

line

અમેતરાસુ : જાપાનનાં સૂર્યદેવી

અમાતેરાસુ

ઇમેજ સ્રોત, Getty Images

ઘણી સંસ્કૃતિઓમાં સૂર્યને પૌરુષેય કહેવામાં આવે છે અથવા પુરુષરૂપ દેવતા માનવામાં આવે છે.

પરંતુ જાપાનના શિંટો ધર્મમાં સૂર્યને એક દેવી 'અમાતેરાસુ' તરીકે દર્શાવવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે તેઓ સ્વર્ગનાં પ્રકાશનાં દેવી છે.

અમેતરાસુના નાના ભાઈ સુજાનો સમુદ્ર અને તોફાનોના દેવતા છે. એક વાર એમનો ઝઘડો થઈ ગયો અને ત્યાર બાદ અમેતરાસુ ગુફામાં જઈને સંતાઈ ગયા.

દેવી કુઆન યિન (ગુઆનિન)

ઇમેજ સ્રોત, Getty Images

એનાથી દુનિયામાં અંધારું છવાઈ ગયું. ઘણી વિનંતીઓ પછી જ તેઓ બહાર આવ્યાં, અને ત્યારે દુનિયામાં પ્રકાશ થયો.

ચીની તાઓવાદમાં દેવી કુઆન યિન (ગુઆનિન)ને જ્ઞાન અને પવિત્રતાનાં દેવી તરીકે ઓળખવામાં આવે છે. એમના ભક્તોનું માનવું છે કે કમળમાં વિરાજમાન કુઆન યિન દયાળુ છે અને એમના હજાર હાથ દયાનાં પ્રતીક છે.

એમને લોકોની મનોકામના પૂર્ણ કરનારાં અને બીમારીઓ દૂર કરનારાં દેવી પણ માનવામાં આવે છે. એમને ભગવા બુદ્ધના દેવી અવતાર તરીકે પણ ઓળખવામાં આવે છે.

line

ઇશ્તાર, ઇનાન્ના અને ઇશ્ચેલ

દેવી ઇશ્ચેલ

ઇમેજ સ્રોત, SONGSPECKELS

અસીરિયન અને સુમેરિયન સભ્યતાઓનો વિકાસ મેસોપોટેમિયા (અર્થાત્ વર્તમાન ઇરાક અને સીરિયા)માં લગભગ સાડા ચાર હજાર વર્ષ પહેલાં થયો હતો.

ઇશ્તાર આ વિસ્તારનાં મુખ્ય દેવી હતાં, કેટલાક લોકો તેમને ઇનાન્ના નામે પણ ઓળખે છે, જ્યારે કેટલાક લોકોના મતાનુસાર આ બંને અલગ અલગ દેવી હતાં.

ઇશ્તાર અને ઇનાન્ના, બંને આ ક્ષેત્રનાં મુખ્ય પ્રાચીન દેવી હતાં. તેઓ પ્રેમ, શક્તિ અને યુદ્ધનાં પ્રતીક હતાં. કિંવદંતી અનુસાર, અષ્ટક તારો અને સિંહ ઇશ્તાર દેવીનાં પ્રતીક છે.

દેવી ઇશ્તાર

ઇમેજ સ્રોત, Getty Images

બીજી તરફ હાલના મેક્સિકો અને મધ્ય અમેરિકાના ભાગની માયા સંસ્કૃતિમાં પણ, ઇશ્ચેલને પ્રસવ અને યુદ્ધનાં દેવી તરીકે પૂજવામાં આવતાં હતાં.

એમના વિશેની વાર્તાઓ આજના મેક્સિકો અને દક્ષિણ અમેરિકામાં સાંભળી શકાય છે. ઇશ્ચેલ ચંદ્રમા સાથે સંકળાયેલાં દેવી છે. એમના પંજા અને કાન જગુઆર જેવા છે અને તેઓ પોતાના માથા પર સાપ બાંધે છે.

આ ઉપરાંત, દુનિયાની બીજી ઘણી સંસ્કૃતિઓમાં દેવીઓને ઘણી વાર જળ, પૃથ્વી, અગ્નિ કે પ્રેમ અને ક્રોધ જેવી ભાવનાઓ જેવા સિદ્ધાંતોનાં દેવીરૂપે પૂજવામાં આવે છે.

પરંતુ ધર્મ અને અધ્યાત્મમાં દેવી-દેવતાઓનું સ્થાન અને સમાજમાં મહિલાઓ સાથેનો વ્યવહાર દરેક જગ્યાએ એકસમાન નથી હોતો.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન