ઝૂલન ગોસ્વામીનો ક્રિકેટ સંન્યાસ : બૉલ ગર્લથી લઈને વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે વિકેટના વર્લ્ડ રેકૉર્ડની સફર

    • લેેખક, વંદના
    • પદ, ટીવી એડિટર, બીબીસી ભારત

ઇગ્લૅન્ડ સામેની ત્રણ મૅચની વનડે સિરીઝની છેલ્લી મૅચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇંગ્લૅન્ડની ટીમને 16 રને હરાવી હતી. આ સાથે ભારતીય ટીમે વનડે શ્રેણી 3-0થી જીતી લીધી હતી. આ જીત સાથે ભારતનાં દિગ્ગજ બૉલર ઝુલન ગોસ્વામીએ પણ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે.

ઝૂલન ગોસ્વામી જ્યારે બેટિંગ કરવા ઊતર્યાં ત્યારે ભારત અને ઇંગ્લૅન્ડના ખેલાડીઓએ લાઈનમાં ઊભા રહીને તેમને 'ગાર્ડ ઑફ ઑનર' આપ્યું હતું. પ્રેક્ષકોએ પણ તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું હતું.

ભારતે આ મૅચ 16 રને જીતીને શ્રેણી 3-0થી પોતાના નામે કરી લીધી હતી. ઝૂલને તેમની અંતિમ મૅચમાં 2 વિકેટ ઝડપી હતી.

ઝૂલનનો કારકિર્દીનો ગ્રાફ

  • ઇન્ટરનૅશનલ ડેબ્યૂ - 6 જૂન, 2002
  • 2006ની ટેસ્ટ મૅચમાં 10 વિકેટ લેનારાં યંગેસ્ટ પ્લેયર
  • આઇસીસી વુમન્સ પ્લેયર્સ ઑફ યર - 2007
  • 2017 અને 2019માં આઇસીસી ઓડીઆઇ રૅન્કિંગમાં નંબર વન બૉલર
  • છેલ્લી ઇન્ટરનૅશનલ મૅચ - 24 સપ્ટેમ્બર, 2022

ઈડન ગાર્ડન્સની એ બૉલ ગર્લ

ભારતમાં ક્રિકેટનું મક્કા ગણાતા ઈડન ગાર્ડન્સના મેદાનમાં 29 ડિસેમ્બર 1997ના દિવસે અનેરો ઉત્સાહ હતો. મહિલા ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં ન્યુઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો ચાલી રહ્યો હતો. ઑસ્ટ્રેલિયાના બેલિન્ડા ક્લાર્ક ચારેબાજુ ચોગ્ગા અને છગ્ગા ફટકારી રહ્યાં હતાં.

એ જ ફાઇનલ મૅચમાં 15 વર્ષની એક ભારતીય છોકરી પણ હતી, જે બંગાળના એક ગામમાંથી આવેલી અને બૉલ ગર્લની ડ્યૂટી પર હતી.

વિશ્વકપની રોનક અને મહિલા ક્રિકેટનાં ધુરંધરોને જોઈને એ કિશોરીની આંખોમાં પણ એક નવું સપનું આકાર લઈ રહ્યું હતું - એક દિવસ વિશ્વકપમાં રમવાનું સપનું.

આ જ એ પળ હતી જેણે હંમેશ માટે ઝૂલન ગોસ્વામી નામની એ છોકરીની જિંદગી બદલી નાખી.

ઝૂલન 20 વર્ષના દીર્ઘ કરિયર પછી રિટાયર થયાં છે અને તેમની ગણતરી દુનિયાનાં સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટરોમાં થાય છે. તેઓ 24 સપ્ટેમ્બરે લૉર્ડ્સ મેદાન પર છેલ્લી આંતરરાષ્ટ્રીય મૅચ રમ્યાં હતાં અને તેમના નામે વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ 255 વિકેટ નોંધાયેલી છે.

છોકરાઓ સાથે રમતની શરૂઆત

પોતાના શરૂઆતના દિવસોને યાદ કરતાં ઝૂલને જણાવ્યું કે, "બંગાળના એક નાનકડા ગામ ચકદામાં હું ઊછરી. આંગણામાં ઘરના બધા છોકરા ક્રિકેટ રમતા હતા, જેવું ઘણી વાર ગામ-શેરીઓમાં થાય છે."

"હું એમની બૉલ ગર્લ બનતી હતી, જેનું કામ હતું આંગણાની બહાર ગયેલા દડાને પાછો લઈ આવી ભાઈઓને આપવાનું. બપોરે જ્યારે બધા સૂઈ જતા ત્યારે હું એકલી પ્રૅક્ટિસ કરતી હતી."

"હું 10 વર્ષની હતી. મને યાદ છે કે 1992ની પુરુષ ક્રિકેટ વર્લ્ડ ટીવી પર જોઈ હતી અને અચાનક ક્રિકેટમાં મારો રસ વધી ગયો. ટીવી પર સચીનસરને રમતા જોયા તે આજ સુધી યાદ છે."

"એ 'સચીન' 'સચીન'ની બૂમો. એ જાદુઈ હતું. ત્યારે વર્લ્ડકપને પ્રમોટ કરવા માટે એક જાહેરખબર આવતી હતી - ઇટ ક્રિકેટ, સ્લીપ ક્રિકેટ, ડ્રીમ ક્રિકેટ... કંઈક આ રીતે હતી. અમારી ઉંમરનાં બાળકોને ખૂબ પ્રેરણા મળી હતી."

પરંતુ ગામમાં છોકરાઓને મનાવવા આસાન નહોતા કે તેઓ ઝૂલનને પણ પોતાની સાથે રમવા દે.

ઝૂલને યાદ કરીને જણાવ્યું કે, "છોકરા કહ્યા કરતા હતા કે હું ધીમા દડા ફેંકું છું. સાથે જ જો તમારે એમની નજરમાં આવવું હોય તો ઑલરાઉન્ડર બનવું પડતું હતું. એટલે મેં પણ એ ચૅલેન્જ સ્વીકારી લીધી કે હું ઝડપી બૉલિંગ કરી શકું."

ઝૂલન ગોસ્વામીએ મેળવેલી વિકેટો

  • તમામ ફોર્મેટમાં મળીને કુલ વિકેટ- 355 વિકેટ
  • વુમન્સ વર્લ્ડકપમાં સૌથી વધારે વિકેટ - 40 વિકેટ
  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં કૅપ્ટન - 2008

ટ્રેનિંગ માટે રોજ ટ્રેનમાં કોલકાતા અપડાઉન

પરંતુ ગામમાં ન તો કોઈ સુવિધા હતી કે કોચિંગ પણ નહીં. તેથી ટ્રેનિંગ માટે ઝૂલને દરરોજ ગામથી કોલકાતા જવાનું શરૂ કર્યું.

ઝૂલને જણાવ્યું કે, "હું વહેલી ઊઠીને સવાર સવારમાં ટ્રેન પકડીને ગામથી કોલકાતા આવતી હતી અને ટ્રેનિંગ પછી ફરીથી ટ્રેન પકડીને ગામમાં સ્કૂલે. મારી બૉલિંગ અને મારા કદને જોઈને ત્યાંના કોચે મને કહ્યું કે હું મારી બૉલિંગ પર ધ્યાન આપું."

સ્વપ્ન સાધુ કોચિંગ સેન્ટર ચલાવતા હતા. પાતળી અને ઊંચી ઝૂલન ત્યારે એમની પાસે ગયાં.

આજે ઝૂલન દુનિયાની સૌથી ઝડપી બૉલરોમાંનાં એક છે. 2002માં પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મૅચ રમનારાં ઝૂલન આગળ જતાં ટીમનાં કૅપ્ટન પણ બન્યાં.

વરિષ્ઠ ક્રિકેટ પત્રકાર અયાઝ મેમને કહ્યું કે જે પ્રકારની સફળતા ઝૂલનને મળી છે તે ત્યારે જ સંભવ જ્યારે કોઈ ધ્યાન ભંગ થયા વગર માત્ર ગેમ પર ફોકસ કરીને રમતા રહે અને સતત રમતા રહે.

અયાઝે કહ્યું, "ઝૂલન ગોસ્વામીની કરિયર જબરજસ્ત રહી. એમની કરિયરની કન્સિસ્ટન્સી દર્શાવે છે કે તે કેટલાં નિપુણ છે અને એમનું મોટિવેશન લેવલ કેટલું ગજબનું રહ્યું. એ દિવસોમાં મહિલા ક્રિકેટરોને કોઈ પૂછતું નહોતું. પરંતુ ઝૂલને હાર ન માની, ત્યારે પણ નહીં જ્યારે પરિસ્થિતિ ખૂબ મુશ્કેલ હતી."

"મજબૂત ઇચ્છાશક્તિ અને સતત પોતાના મોટિવેશનને જાળવી રાખવાની યુક્તિ ઝૂલનની સફળતાનું મહત્ત્વનું કારણ રહી છે. જ્યારે તમે એમને રમતાં જુઓ છો તો તમને લાગે છે કે એમનો જન્મ જાણે ક્રિકેટ રમવા જ થયો હોય."

ઝૂલનની કરિયર પર દૃષ્ટિ કરીએ તો નવા નવા રેકૉર્ડ બનાવવાની તો જાણે ઝૂલનની આદત જ રહી.

મહિલા વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેવાનો રેકૉર્ડ ઝૂલનના નામે છે. આઇસીસી રૅંકિંગમાં તેઓ બૉલિંગમાં નંબર વન રહી ચૂક્યાં છે. રિટાયરમેન્ટના સમયે પણ તેઓ પાંચમા ક્રમે હતાં.

2007માં આઇસીસી વુમન્સ પ્લેયર ઑફ ધ યરનાં વિજેતા બનીને ઝૂલને ઇતિહાસ રચી દીધો હતો. એવું કરનારાં તેઓ પહેલાં ભારતીય મહિલા ક્રિકેટર હતાં.

"પુરુષોના વર્ગમાં ભારતનું કોઈ નામાંકન નહોતું. તેથી આ જીત મારા માટે વધારે ખાસ છે. મહિલા ક્રિકેટ માટે આ ઍવૉર્ડ ખૂબ મહત્ત્વનો છે. મહિલા ક્રિકેટ ધીરે ધીરે વધી રહી છે. મીડિયામાં અમને કવરેજ મળવા લાગ્યું છે. એનાથી વધારે છોકરીઓ ક્રિકેટમાં આગળ આવશે." આશાઓ ભરેલાં ઝૂલને આ વાત 2007માં ઍવૉર્ડ સ્વીકાર્યા પછી કહી હતી.

સમાજનો વિરોધ

અને પછીનાં થોડાં વરસોમાં બિલકુલ એવું જ થયું જ્યારે કસ્બાઓમાં, શહેરોમાં છોકરીઓ ક્રિકેટમાં આગળ આવી રહી છે - એક પરિવર્તન જે ઝૂલને અનુભવ્યું છે.

ઝૂલને જણાવ્યું કે હવે જ્યારે પણ તેઓ કોલકાતાના વિવેકાનંદ પાર્ક જાય છે જ્યાં તેઓ રમતાં હતાં, તો બહુ બધી છોકરીઓ ત્યાં ક્રિકેટ રમતી દેખાય છે, કેટલીક તો એટલી નાની હોય છે કે પોતાની કિટ-બૅગ પણ નથી ઉપાડી શકતી.

સમાજમાં આવી રહેલા આ પરિવર્તનને ઝૂલન સમાજમાં એક સારું યોગદાન માને છે, ખાસ કરીને ત્યારે જ્યારે એમના જેવી ઘણી છોકરીઓને સોસાયટી અને પરિવારનો વિરોધ સહન કરવો પડ્યો હતો.

90નો દાયકો અને 2000નો દાયકો એવો સમય હતો જ્યારે ભારતમાં વુમન ક્રિકેટ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાને હજુ બીસીસીઆઇએ પોતાના અધીન નહોતું લીધું.

મિતાલી રાજ અને ઝૂલન ગોસ્વામી જેવાં તે સમયનાં યુવા ક્રિકેટરો પાસે કોડીબંધ કિસ્સા છે જે એ સમયની ખરાબ હાલતનું બયાન કરે છે.

મહિલા ક્રિકેટ ટીમના કોચ ડબ્લ્યૂ વી રમનની સાથે એક ખાસ યૂટ્યૂબ ચૅટમાં ઝૂલને પોતાના કિસ્સા કહ્યા છે, "મહિલા ક્રિકેટ ઍસોસિયેશન પાસે ખૂબ ઓછા પૈસા હતા. ક્રિકેટ મૅચ રમવા જવા માટે છોકરીઓ ટ્રેનમાં મુસાફરી કરતી હતી. જે મેદાનો પર અમે રમતાં હતાં તે પણ સારાં નહોતાં."

"જો હવાઈ મુસાફરી માટેની ટિકિટ મળી જતી તો ઍક્સ્ટ્રા બૅગેજ કે સામાન માટે જાતે જ પૈસા આપવા પડતા હતા. બૅગનું વજન ઓછું કરવા માટે અમે લોકો પોતાનાં વધારાનાં કપડાં કાઢી નાખતાં હતાં અને માત્ર ફીલ્ડ પર પહેરવાનાં કપડાં રાખતાં હતાં. પહેરવા માટે સારા બૂટ પણ નહોતા અને અમે કામચલાઉ વ્યવસ્થાથી ચલાવી લેતાં હતાં."

"દિલ્હીમાં તારક સિન્હા ત્યારે ઘણા ક્રિકટરોની મદદ કરતા હતા. જેમ કે, એ વખતે આશિષ નેહરા પાસેથી બૂટ લઈને કોઈ બીજાને આપી દીધા અને બીજા કોઈના બૂટ મને દઈ લીધા, જેથી અમે મૅચ રમી શકીએ."

ત્યારથી લઈને આજ સુધીમાં પરિસ્થિતિ ઘણી બદલાઈ છે અને આ પરિપ્રેક્ષ્યમાં ઝૂલન જેવાં મહિલા ક્રિકેટ ખેલાડીઓના યોગદાનનું એક અલગ જ મહત્ત્વ છે.

મેદાન પર ખૂબ શાલીન

ઝૂલનનાં સાથી ખેલાડી જ નહીં, એમનાં વિરોધી ખેલાડી પણ ઝૂલનની શ્રેષ્ઠતાનો સ્વીકાર કરતાં હતાં. પાકિસ્તાનનાં પૂર્વ કૅપ્ટન રહી ચૂકેલાં સના મીર ભારત સામે ઘણી મૅચ રમ્યાં છે અને ઝૂલનનો સામનો કર્યો છે.

ઝૂલનનાં વખાણ કરતાં સનાએ હસતાં હસતાં કહ્યું, "એક ઝડપી બૉલર હોવાના નાતે અમે ક્યારેય નથી જોયું કે તેઓ કોઈ બૅટ્સમૅન સાથે ઝઘડી પડ્યાં હોય. મેદાન પર એમનું વર્તન ખૂબ શાલીન રહ્યું."

"20 વર્ષ સુધી ટકી રહેવું કંઈ નાની વાત નથી. એમની સ્પીડ અને એમનું કદ એવાં હતાં કે જ્યારે 5 ફૂટ 11 ઇંચનાં ઝૂલન બૉલિંગ કરતાં ત્યારે અમારી હિંમત ઓછી થઈ જતી હતી. અમારે આમ ગર્દન ઊંચી કરીને જોવું પડતું હતું કે ઝૂલન દડો ફેંકી રહી છે. અમને જ ખબર છે કે કઈ રીતે અમે ઝૂલનની સામે બેટિંગ કરતાં હતાં."

તો એવું શું છે જેણે ઝૂલનને મેદાન પર એટલાં ઘાતક, પ્રભાવશાળી બનાવ્યાં કે તેઓ સતત બે દાયકા સુધી ટકી રહ્યાં?

ઝૂલનના બાળપણના કોચ સ્વપ્ન સાધુએ કહ્યું કે એમની ફિટનેસ અને ગેમ માટેની એમની નિષ્ઠાએ ઝૂલનને સૌથી અલગ બનાવ્યાં.

રમતગમત પત્રકાર આદેશકુમાર ગુપ્તે ઝૂલનની સફરને લાંબા સમય સુધી કવર કરી છે.

તેમણે કહ્યું, "2002માં જ્યારે ઝૂલને ટીમમાં પોતાની જગ્યા બનાવી ત્યારે ખૂબ ઓછા ભારતીય મહિલા ક્રિકેટને ફોલો કરતા હતા. ડાયના એડુલજી અને શાંતા રંગાસ્વામી જેવાં થોડાંક ગણમાન્ય મહિલા ક્રિકેટરોનાં નામ જ લોકો જાણતાં હતાં."

"અને જો બૉલિંગની વાત કરીએ તો કેટલાય ધુરંધર ભારતીય પુરુષ ખેલાડીઓનાં નામ તમે ગણાવી શકો છો. પરંતુ જો ભારતીય મહિલા ઝડપી બૉલરોની વાત કરીએ તો ઝૂલન જેવાં કેટલાં નામ ગણાવી શકો?"

"વન-ડે મૅચોમાં તેઓ 250 કરતાં વધારે વિકેટ લઈ ચૂક્યાં છે. એ દુર્ભાગ્ય છે કે ઝૂલન માત્ર 12 ટેસ્ટ મૅચ રમ્યાં અને 44 વિકેટ લીધી, કેમ કે મહિલા ક્રિકેટરોને ટેસ્ટ મૅચ રમવા નથી મળતી."

"મને યાદ છે કે હું દિલ્હીમાં ક્રિકેટ અકૅડમીમાં જતો હતો ત્યારે ખૂબ ઓછી છોકરીઓ દેખાતી હતી. આજે દશ્ય અલગ છે. ઝૂલન જેવાં ખેલાડીઓનો આ જ સાચો વારસો છે."

વર્લ્ડકપમાં બૉલ ગર્લ

પોતાની વાતનો સારાંશ કહેતાં ક્રિકેટ વિશેષજ્ઞ અયાઝ મેમને કહ્યું, "ઝૂલને ભારતીય મહિલા ક્રિકેટ ટીમને દુનિયાના નકશા પર લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આજે લોકો મહિલા ક્રિકેટ મૅચ જોવા આવે છે. યુવા ખેલાડીઓ માટે ઝૂલન એક સારાં રોલ મૉડલ છે."

ઘણા અર્થોમાં ઝૂલન ગોસ્વામીની ક્રિકેટરવાળી જિંદગી ફરી વળીને ત્યાં જ આવીને પૂરી થઈ રહી છે જ્યાંથી શરૂ થઈ હતી.

થોડા મહિના પહેલાં ઝૂલનને ઇડન ગાર્ડન્સ આમંત્રિત કરાયાં હતાં જેથી આઇપીએલ એલિમિનેટર મૅચો માટે તેઓ પારંપરિક બૅલ વગાડવાની વિધિ કરી શકે. આ એ જ મેદાન છે જ્યાં 15 વર્ષનાં ઝૂલને 1997ના વર્લ્ડકપમાં બૉલ ગર્લનું કામ કર્યું હતું.

અને 2002માં ઇંગ્લૅન્ડની સામે પોતાની કરિયરની શરૂઆત કરનારાં ઝૂલને લૉર્ડ્સ મેદાન પર ઇંગ્લૅન્ડની સામે પોતાની છેલ્લી મૅચ રમીને ક્રિકેટને અલવિદા કહ્યું.

એક એવાં ખેલાડી જેમને એમનાં પોતાનાં સાથી, વિરોધી અને ફૅન્સ બધાં સલામ કરે છે.

મને યાદ છે કે દિલ્હીના ફિરોજશાહ કોટલા સ્ટેડિયમની એ ક્રિકેટ મૅચ જે પાકિસ્તાનની સામે હતી. હાર તરફની મૅચ ઝૂલને કઈ રીતે લગભગ ભારતની જીત તરફ પલટી દીધી હતી, પરંતુ વરસાદના કારણે તે મૅચ અટકાવી દેવી પડી અને પાકિસ્તાન વિજેતા જાહેર થયું.

અને મેદાન પર આવેલા એક પાકિસ્તાની ફૅને મને કહેલું કે અમે ભલે જીતી ગયા પરંતુ પોતાના જુસ્સાથી ઝૂલને દિલોને જીત્યાં છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો