You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૉંગ્રેસની મોંઘવારી પર હલ્લાબોલ રેલી : રાહુલ ગાંધી બોલ્યા - ભાજપ અને સંઘના નેતા નફરત પેદા કરે છે
- દિલ્હી ખાતે કૉંગ્રેસનેતા રાહુલ ગાંધીએ મોંઘવારી વિરુદ્ધ હલ્લાબોલ નામે સભા યોજી હતી
- આ સભામાં તેમણે ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા
- તેમણે કહ્યું હતું કે ભાજપ સરકાર વિપક્ષનો અવાજ દબાવી રહી છે અને સામાન્ય લોકો તેમના શાસનમાં ત્રસ્ત છે
"નફરતથી લોકો વિભાજિત થાય છે, દેશ વિભાજિત થાય છે. દેશ કમજોર બને છે. ભાજપ-સંઘના નેતા દેશને વિભાજિત કરવાનું કામ કરે છે. જાણીજોઈને દેશમાં ભય પેદા કરે છે, નફરત પેદા કરે છે. હિંદુસ્તાનમાં ડરનો માહોલ ફેલાતો જઈ રહ્યો છે. કોઈ વસ્તુનો ભય - ભવિષ્યનો ભય, મોંઘવારીનો ભય, બેરોજગારીનો ભય. આ ડર વધતો જઈ રહ્યો છે, આના કારણે ભારતમાં નફરત વધતી જઈ રહી છે."
દિલ્હીના રામલીલા મેદાનમાં કૉંગ્રેસની મોંઘવારી પર હલ્લાબોલ રેલી દરમિયાન પાર્ટી નેતા રાહુલ ગાંધીએ આ વાત કહી.
તેમણે કહ્યું, "તમે જાઓ અને આજે કો દુકાનદાર, મજૂર અને ખેડૂતને પૂછી લો કે યુપીએ અને આજના સમયમાં શો ફેર છે. યુપીએ સરકારમાં 70 હજાર કરોડ રૂપિયા ખેડૂતોને આપ્યા. નરેન્દ્ર મોદીજીએ ત્રણ કાળા કાયદા આપ્યા. મજૂરો માટે યુપીએએ અનરેગા આપી, મોદીજીએ સંસદમાં મનરેગા માટે કહ્યું કે તે બેકાર છે. આજે તેમને મનરેગા ચાલુ રાખવી પડી રહી છે."
"અમે જમીન અધિગ્રહણ કાયદા લાવ્યા અને મોદીજીએ પહેલું કામ તેને હઠાવવાનું કર્યું. કરોડો લોકોને અમે ગરીબીમાંથી કાઢ્યા. મનરેગા, લૉનમાફી જેવી રીતોથી અમે લોકોને ગરીબીમાંથી કાઢ્યા."
"ભારતમાં નરેન્દ્ર મોદીજી નફરત ફેલાવી રહ્યા છે. ફાયદો દેશના દુશ્મનોનો થશે, ચીનને થશે, પાકિસ્તાનને થશે. ભારતમાં જેટલાં નફરત અને ડર ફેલાશે, તેટલું જ ભારત કમજોર બનશે. પાછલાં આઠ વર્ષોમાં નરેન્દ્ર મોદીજીએ દેશને ખતમ કરવાનું કામ કર્યું."
મોંઘવારી પર મોદી સરકારને ઘેરી
બેરોજગારી અને મોંઘવારી પર પ્રહાર કરતાં રાહુલ ગાંધીએ કહ્યું, "તમને આજે જે બેરોજગારી દેખાઈ રહી છે, તે આવનારા સમયમાં હજુ વધશે. તમને એક તરફ બેરોજગારીની ઈજા થઈ છે અને બીજી તરફ મોંઘવારીની. વર્ષ 2014માં એલપીજી સિલિન્ડર 410 રૂપિયાનો હતો અને આજે 1,050 રૂપિયાનો છે."
"પેટ્રોલ 70 રૂપિયા લિટર હતું અને આજે લગભગ 100 રૂપિયા પ્રતિ લિટર છે. ડીઝલ 55 રૂપિયા લિટર હતું પંરતુ આજે 90 રૂપિયા પ્રતિ લિટર છે. સરસવનું તેલ 90 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. આજે તે 200 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. ભારતમાં સામાન્ય નાગરિક ઘણો મુશ્કેલીમાં છે. લોકો અત્યંત દર્દ સહન કરી રહ્યા છે. જ્યારે વિપક્ષ આ વાતોને સંસદમાં ઉઠાવવા માગે છે ત્યારે મોદી સરકાર વિપક્ષને સંસદમાં બોલવા નથી દેતી."
'મોદી સરકારે નાના વેપારીઓ અને ખેડૂતોની કમર તોડી'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બેરોજગારી પર મોદી સરકારને ઘેરતાં રાહુલ ગાંધીએ કહ્યું, "આજે દેશ જો ઇચ્છે તો પણ યુવાનોને રોજગારી નહીં આપી શકે. કારણ કે દેશને આ રોજગાર બે મોટા ઉદ્યોગપતિ નથી આપતા, દેશને રોજગાર નાના-મધ્યમ કક્ષાના ઉદ્યોગો, ખેડૂતો આપે ચે. અને આ લોકોની કરોડરજ્જુ નરેન્દ્ર મોદીજીએ તોડી નાખી છે. પાછલાં 40 વર્ષોની સૌથી વધુ બેરોજગારી આજે દેશમાં છે."
'સરકારને સંસદમાં વિપક્ષને બોલવા નથી દેતી'
કૉંગ્રેસ પાર્ટી દેશને જોડે છે. અમે નફરત હઠાવીએ છીએ અને જ્યારે નફરત અને ડર ઓછાં હોય છે ત્યારે હિંદુસ્તાન ઝડપથી આગળ વધે છે. અમે આ બધું વર્ષોથી કરી દેખાડ્યું છે."
"હું આપને કહેવા ઇચ્છીશ કે કૉંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા જ દેશને બચાવી શક છે. કૉંગ્રેસની વિચારધાર દેશને પ્રગતિના પથ પર લાવી શકે છે. અમારા માટે સરકારે રસ્તા બંધ કરી દીધા છે. સંસદનો માર્ગ બંધ કરી દેવાયો છે. કૉંગ્રેસના નેતા ભાષણ નથી આપી શકતા. અમારા માઇક ઑફ થઈ જાય છે."
તેમણ કહ્યું, "ભારતમાં સામાન્ય નાગરિક અત્યંત મુશ્કેલીમાં છે. લોકો ઘણા દર્દ સહન કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ આ વાતોને સંસદમાં ઉઠાવવા માગે છે. ત્યારે મોદી સરકાર વિપક્ષને સંસદમાં બોલવા દેતી નથી."
'ભાજપના આગમનથી દેશમાં નફરત અને ક્રોધ વધ્યાં'
રાહુલે કહ્યું, "અમારી સંસ્થાઓ - મીડિયા અને ન્યાયાલય દબાણમાં છે. અમારી પાસે એક જ રસ્તો બચ્યો છે, સીધા જનતા વચ્ચે જઈને જનતાને દેશની સચ્ચાઈ બતાવવાનો. જે જનતાના દિલમાં છે તેને ધ્યાનથી સાંભળવું અને સમજવું. તેથી કૉંગ્રેસ પાર્ટી ભારત જોડો યાત્રા કરી રહી છે. આપ સબ દૂર-દૂરથી આવ્યા છો તેથી તમારો આભાર વ્યક્ત કરું છું."
"દેશની હાલત તમે જોઈ શકો છો, જે સમયથી ભાજપ આવ્યો છે, તે સમયથી દેશમાં નફરત અને ક્રોધ વધ્યાં છે. મીડિયા દેશવાસીઓને ડરાવે છે, આવું કરવાથી નફરત પેદા થાય છે. આજે આપણો દેશ જે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે, તેનો સંપૂર્ણ શ્રેય ભાજપની ગેરજવાબદાર સરકારને છે, પરંતુ અમારી જવાબદારીઓથી પાછા નહીં હઠીએ, સામાન્ય લોકોનો સાથ આપીશું, તેમનો અવાજ બુલંદ કરીશું."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો