સોમનાથ : SUV કારમાં પત્ની સાથે ખીસાકાતરુ જતાં ચોરી કરવા, કઈ રીતે ઝડપાયા?

સજય ઠાકોર અને નરેશ ભાભોર

ઇમેજ સ્રોત, RAVI KHAKHAR

ઇમેજ કૅપ્શન, સજય ઠાકોર અને નરેશ ભાભોર
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
લાઇન
  • સોમનાથમાં પર્સ અને મોબાઇલની ચોરીની ફરિયાદ નોંધાઈ અને પોલીસે તપાસ કરી
  • પોલીસે ચાર આરોપી ઝડપ્યા, તપાસ કરી ચોંકાવનારી વિગતો બહાર આવી.
  • કોઈને શંકા ના જાય એ માટે આરોપીઓ પત્નીને સાથે રાખીને મોંઘી કારમાં જતા હતા ખિસ્સાં કાતરવાં
લાઇન

દાહોદના કાતરાવાળા ગામમાં રહેતો સંજય અને બાજુના ખરજ ગામમાં રહેતો નરેશ બંને બાળપણ ભેરુ.

હોળીના તહેવારમાં નરેશની આંખો એનાથી મોટી વયની રેખા સાથે મળી અને બન્નેનો પ્રેમ પાંગર્યો. સંજયે મદદ કરી અને નરેશ-રેખા પરણી ગયાં.

આ દરમિયાન સંજયને પણ ગીતા નામે જીવનસંગિની મળી ગઈ. જીવન તો ચારેયનું સુખેથી વિતી રહ્યું હતું પણ બન્નેએ પોતાના ખરા વ્યવસાય સાથે પત્નીઓને જાણ નહોતી કરી.

અને જાણ કરે તો પણ કઈ રીતે? હતા બન્ને ખીસાકાતરુ.

આર્થિક રીતે થોડા સદ્ધર થયા બાદ પત્નીને જાણ કરશે એવું બન્નેએ નક્કી કર્યું. વળી, નક્કી કરેલી વાત અમલમાં મૂકી પણ ખરી.

જોકે, બન્નેની પત્નીઓએ આ મામેલ પ્રારંભમાં તો આનાકાની કરી પણ અંતે માની ગઈ.

સંજય અને નરેશે વિચાર્યું કે પોતાની પાસે એક ગાડી હોય અને ગાડી લઈને જો તેઓ ખિસ્સાં કાતરે તો કોઈને શંકા ના જાય.

ધંધાના વિસ્તાર માટે તેમણે એક મોંઘી ગાડી ખરીદી અને પત્નીઓને પણ બન્નેએ પોતાના ધંધામાં સામેલ કરી લીધી.

તકનીક એટલી કારગત નીવડી કે 12-12 વર્ષ સુધી લોકાનાં ખિસ્સાં કાતરવાં છતાં ચારેય પકડાયાં નહોતાં.

line

પત્નીઓને પણ સાથે લીધી

સંજય અને નરેશના પત્ની

ઇમેજ સ્રોત, RAVI KHAKHAR

ઇમેજ કૅપ્શન, સંજય અને નરેશનાં પત્નીઓ

"તહેવારમાં પહેલીવાર પાવાગઢ ગયો, ભીડમાં બે જણાનાં ખિસ્સાંમાંથી પાકીટ ચોર્યાં અને એ પછી હિંમત વધી ગઈ. "

"પછી તો નક્કી કર્યું કે તહેવારમાં લોકો દર્શન કરવામાં લીન હોય ત્યારે ખીસું કાપવું. પોલીસને શક ન પડે એટલે પત્નીને સાથે રાખી, મોંઘી કારમાં ખીસું કાપવા જતો હતો."

આ શબ્દો છે પોલીસના હાથે પકડાઈ ગયેલા દાહોદના ખીસાકાતરું સંજય ઠાકોરના.

31 વર્ષનો સંજય ઠાકોર આમ તો દાહોદમાં જેસીબી ચલાવે છે, પણ લાગ મળતા લોકોનાં ખિસ્સાં કાતરીના નાખતો હોવાનું પોલીસ જણાવે છે.

ફરિયાદ
ઇમેજ કૅપ્શન, સોમનાથમાં નોંધાયેલી ગુનાની ફરિયાદ

પોલીસના જણાવ્યા અનુસાર સંજયને 19 વર્ષની વયે જ ઝડપી પૈસા કમાવવાનો ચસ્કો લાગતાં એ ખીસાકાતરું બની ગયો હતો. સજય અને તેનો સાગરીત નરેશ ભાભોર ખિસ્સાં કાપવાં પહેલીવાર નવરાત્રીમાં પાવાગઢ ગયા હતા.

બન્નેએ ભીડમાં ભગવાનનાં દર્શન કરતાં લોકોનાં ખિસ્સામાંથી પાકીટ તફડાવી લીધાં હતાં.

પ્રથમ પ્રયાસમાં જ પૈસાથી ભરેલું પાકીટ મળતાં સંજેય ખીસું કાપવાને જ પોતાનો મુખ્ય વ્યવસાય બનવવાનું નક્કી કર્યું અને નરેશને એમાં ભાગીદાર બનાવી લીધો.

પોલીસના મતે સંજય પાસે પૈસા આવવા લાગ્યા પણ નાનકડા કાતરાવાળા ગામમાં સંજયના હાથમાં પૈસા જોઈને લોકોને શંકા ના જાય એટલે એ જેસીબી મશીન ચલાવતો અને ખેતીકામ કરતો.

line

કેલેન્ડર બનાવ્યું, ખિસ્સાં કાતર્યાં

સંજયે પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે મોંઘી કાર ખરીદી હતી

ઇમેજ સ્રોત, Ravi khakhar

ઇમેજ કૅપ્શન, સંજયે પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે મોંઘી કાર ખરીદી હતી

વેરાવળના એએસઆઈ એમ.બી. આહીર બીબીસી સાથે વાત કરતાં કહે છે, "ઊલટતપાસમાં સંજય અને નરેશ 2011થી ચોરીના ધંધામાં લાગેલા હોવાનું જાણવા મળ્યું છે. "

"બંનેએ ખીસું કાપવા માટે અનોખી રીત અપનાવી હતી. બંનેએ ગુજરાતના અલગ-અલગ મેળાનું કેલેન્ડર બનાવ્યું હતું."

"કેલેન્ડર મુજબ જે મંદિરમાં ઉત્સવ કે મેળો ભરાય ત્યાં તેઓ જતા અને ભીડવાળી જગ્યાએ લોકોનાં ખિસ્સાં કાપતાં. આ ખીસાકાતરુઓએ એ અવલોકન કર્યું હતું કે ધાર્મિક સ્થળો પર મોંઘી ગાડી અને પત્ની સાથે હોય તો પોલીસ લગભગ રોકતી નથી. "

"એમણે મોંઘી કાર ખરીદી હતી અને પત્નીઓને સાથે રાખીને લોકોનાં ખિસ્સાં કાપવાં નીકળતા હતા."

line

આરોપીઓ કઈ રીતે પકડાયાં?

ચોરીનો મુદ્દામાલ

ઇમેજ સ્રોત, RAVI KHAKHAR

ઇમેજ કૅપ્શન, ચોરીનો મુદ્દામાલ

કેસનો ભેદ ઉકેલનાર વેરાવળના એસીપી જી.બી. બાંભણિયાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "સોમનાથમાં તહેવારો દરમિયાન બે મહિલાઓની વેરાવળ બસસ્ટૅન્ડ પરથી પાકીટ અને મોબાઈલ ચોરાયાની ઈ-ફરિયાદ મળી હતી. "

"અમે સીસીટીવી ફૂટેજ જોયાં તો તેમાં એવી કોઈ હરકત જણાતી નહોતી પરંતુ અમે જોયું કે બે મહિલા એક મોંઘી કારમાં બસસ્ટેશન આવે છે અને પછી બસ પકડ્યા વગર એ જ કારમાં પરત ફરે છે."

"અમને એ વાતે શંકા ગઈ કે મોંઘી કારમાં ફરતા લોકો સરકારી બસમાં મુસાફરી કેમ કરે છે? તેમને કોઈ મૂકવા આવ્યું હોય તો એ કાર લાંબો સમય સુધી બહાર ઊભી ન રહે. "

"વળી, એ જ કારમાં બંને મહિલા પાછી જાય એવું કેમ બને? અમે સીસીટીવી ફૂટેજમાંથી એ કારનો નંબર મેળવીને કાર શોધી કાઢી."

"એ કારમાં બે યુગલ હતાં. બંને કપલની તપાસ કરી તો એમની પાસેથી ચોરાયેલી રકમ અને મોંઘા મોબાઇલ ફોન મળ્યા. ફોન જોઈ અમારી શંકા પ્રબળ થઈ ગઈ."

"બંનેની તપાસ કરતાં એમણે કબૂલ કર્યું કે સંજય અને નરેશ એમની પત્નીની મદદથી સમગ્ર ગુજરાતમાં ધાર્મિક સ્થળોએ જઈને પર્સ અને મોબાઈલની તફડંચી કરતા હતા."

એસીપી જી.બી. બાંભણિયા ઉમેરે છે કે આ ચારેય આરોપીઓએ પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે મોંઘી કાર ખરીદી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર ચારેય આરોપીઓ અમદાવાદ નડિયાદ, સોમનાથ, દ્વારકા, અંબાજી, વડોદરા અને બીજાં શહેરોમાં 339 લોકોનાં ખિસ્સાં કાતર્યાં હતાં અને એ પૈસામાંથી કાર ખરીદી હતી.

પોલીસના મતે સંજય જેસીબીનો ડ્રાઈવર હોવાથી એ લાંબો સમય સુધી કોઈ જગ્યાએ રોકાયા વગર કાર ચલાવી શકતો હતો એટલે તેઓ આસાનીથી ચોરી કરી દાહોદ જતા રહેતા હતા.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન