You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નોઇડાનાં ટ્વિન ટાવર કાટમાળ અને ધુમાડામાં ફેરવાયાં - પ્રેસ રિવ્યૂ
નોએડાના સેક્ટર 93એમાં સ્થિત વિવાદાસ્પદ ટ્વિન ટાવર્સને જમીનદોસ્ત કરી દેવાયાં છે. આંખના પલકારામાં જ લગભગ 3,700 કિલોગ્રામ દારૂગોળા દ્વારા ટ્વિન ટાવરને ધ્વસ્ત કરી દેવાયાં.
એપેક્સ અને કેએન નામક ટાવર સુપરટેક બિલ્ડર દ્વારા બનાવાયાં હતાં. 30 માળની આ ઇમારતોને ટ્વિન ટાવર કહેવામાં આવતી હતી. આ ઇમારતોની ઉંચાઈ 320 ફૂટ કરતાં વધુ હતી.
નોંધનીય છે કે દેશમાં જમીનદોસ્ત કરાયેલ આ સૌથી ઊંચી બહુમાળી ઇમારત હતી. તે નોએડાના ભારે ગીચ વિસ્તારમાં સ્થિત હતી.
કાળજીના ભાગ સ્વરૂપે આ ઇમારતો પાસે સોસાયટીમાં રહેનાર લોકોનાં ઘર ખાલી કરાવી દેવાયાં હતાં.
નોએડા ઑથૉરિટી પ્રમાણે સુપરટેકનાં ટ્વિન ટાવર પાડી દેવાયાં બાદ પર્યાવરણ સંરક્ષણના ઉદ્દેશથી પ્રભાવિત વિસ્તારોમાં રસ્તા, ફૂટપાથ, સેન્ટ્રલ વર્જ અને વૃક્ષો પર પાણી રેડવા માટે વૉટર ટૅન્કરો, મિકેનિકલ સ્વિપંગ મશીન અને સફાઈ કર્મચારીને તહેનાત કરાયા છે.
નોએડા ઑથૉરિટી પ્રમાણે, ત્યાં પ્રભાવિત ક્ષેત્રોમાં સાફસફાઈ માટે છ મિકેનિકલ સ્વીપિંગ મશીન અને 200 કર્મચારી કામે લાગેલાં છે.
આ સાથે જ પ્રભાવિત ક્ષેત્રોમાં સડકો, ફૂટપાથ, પાર્ક, સેન્ટ્રલ વર્જ, વૃક્ષો-છોડો પર પાણી રેડવા માટે 100 વૉટર ટૅન્કોની વ્યવસ્થા પણ કરાઈ છે.
IND vs PAK : પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમનો વીડિયો કેમ વાઇરલ થઈ રહ્યો છે?
દુબઈમાં રવિવારે એશિયા કપની બીજી મૅચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. બન્ને દેશોના પ્રશંસકોમાં આ મૅચને લઈને ભારે ઇંતેજારી જોવા મળી રહી છે. આજે 7.30 વાગ્યે આ મૅચ શરૂ થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, આ મૅચ પહેલાં પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમનો એક વીડિયો ભારે ચર્ચા જગાવી રહ્યો છે.
આ વીડિયોમાં તેઓ ખેલાડીઓને વર્ષ 2021ના ટી20 વિશ્વકપ વખતના શાનદાન પ્રદર્શનની યાદ અપાવતાં વિજય માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.
પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડે પોતાના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પરથી આ વીડિયોને શૅર કર્યો છે.
આ વીડિયોમાં બાબર આઝમ ખેલાડીઓને કહી રહ્યા છે કે તેમણે એ જ 'બૉડી લૅન્ગવેજ'થી રમવાનું છે, જેવું ગત વિશ્વકપમાં રમ્યા હતા.
ટી20 ક્રિકેટનો છેલ્લો વિશ્વકપ યુએઈ અને ઓમાનમાં ગત ઑક્ટોબર અને નવેમ્બર માસમાં રમાયો હતો. એમાં ઑસ્ટ્રેલિયાએ ન્યૂઝીલૅન્ડને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો.
એ વિશ્વકપમાં પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલમાં પહોંચી હતી.
એ દરમિયાન 24 ઑક્ટોબરે યોજાયેલી મૅચમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. બાબર આઝમનો ઇશારો એ જ મૅચ તરફ હતો.
એ વિજય એ રીતે પણ મહત્ત્વનો હતો કે એ પહેલાં સુધી પાકિસ્તાન કોઈ પણ વનડે કે ટી20 વિશ્વકપમાં ભારતને નહોતું હરાવી શક્યું.
મોહન ભાગવતે ત્રિપુરામાં કહ્યું, 'સનાતન ધર્મની સુરક્ષા' માટે જીવ આપવામાં પણ સંકોચ ન રાખવો જોઈએ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે સનાતન ધર્મમાં માનનારા લોકોને ધર્મની રક્ષા કરવા કહ્યું છે.
દિવંગત શાંતિ કાલી મહારાજનો ઉલ્લેખ કરતાં મોહન ભાગવતે કહ્યું કે સનાતન ધર્મની રક્ષા માટે જો જરૂર પડે તો જીવનનું બલિદાન આપવામાં પણ સંકોચ ન રાખવો જોઈએ.
22 વર્ષ પહેલાં 27 ઑગસ્ટના દિવસે પશ્ચિમ ત્રિપુરાસ્થિત આશ્રમમાં શાંતિ કાલી મહારાજની હત્યા કરવામાં આવી હતી.
આદિવાસી સમાજના લોકોમાં હિંદુ ધર્મનો પ્રચાર કરવાને લઈને કથિતપણે ઈસાઈ સમર્થિત એનએનએફટી ઉગ્રવાદીઓએ તેમની હત્યા કરી હતી.
આરએસએસ પ્રમુખ ગોમતી જિલ્લાના શોરબોંગ ગામમાં લોકપ્રિય હિંદુ પૂજારી શાંતિ કાલી મહારાજના નામ પર શાંતિ કાલી મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા.
આ ગામ ત્રિપુરાની રાજધાની અગરતલાથી અંદાજે 110 કિલોમીટર દૂર છે.
તેમણે કહ્યું, "ભારતમાં ઘણા પ્રકારની ખાવાપીવાની આદતો, ભાષાઓ, સંસ્કૃતિ અને પરંપરા છે, તેમ છતાં તમામ લોકોમાં એકતાની ભાવના છે. વિચારોમાં ભારતીયતા છે. આ તમામ વસ્તુઓ સનાતન ધર્મના કારણે છે."
મોહન ભાગવતે કહ્યું, "મુસલમાન, ઈસાઈ લોકોએ લૂંટના ઈરાદાથી ભારત પર આક્રમણ કર્યું હતું. આ ભાવનાને તેઓ પોતાના ધર્મ કે સંસ્કૃતિમાં અનુભવતા નથી અને તે માટે જ તેમણે લોકોને પરિવર્તિત કરવા માટે અથવા તો ખતમ કરવાનો પ્રયત્ન કર્યો હતો."
પુતિનની જાહેરાત, યુક્રેન છોડીને આવનારા લોકોને દર મહિને મળશે પૅન્શન
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન છોડીને આવનારા લોકોને નાણાકીય સહાય આપવા માટે એક યોજના શરૂ કરી છે.
આ યોજના પ્રમાણે 18 ફેબ્રુઆરી બાદથી જે લોકોને યુક્રેન છોડવા મજબૂર કરવામાં આવ્યા, તેમને દર મહિને 10 હજાર રુબલ એટલે કે 170 ડૉલર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
અપંગ લોકો અને ગર્ભવતી મહિલાઓને પણ આ પૅન્શનનો લાભ આપવામાં આવશે.
યોજના પ્રમાણે તેનો લાભ યુક્રેન, દોનેત્સ્ક અને લુહાન્સ્ક પ્રાંતના લોકોને આપવામાં આવશે. દોનેત્સ્ક અને લુહાન્સ્કને ફેબ્રુઆરીમાં રશિયાએ સ્વતંત્ર રાજ્ય તરીકે માન્યતા આપી હતી.
રશિયાનાં આ પગલાંની પશ્ચિમી દેશોએ નિંદા કરી છે અને તેને ગેરકાયદેસર ગણાવ્યું છે.
18 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ પુતિને દોનેત્સ્ક અને લુહાન્સ્કથી રશિયા આવનારા લોકોને દસ હજાર રુબલ આપવાનો આદેશ આપ્યો હતો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો