સાતમું પગારપંચ : સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઋજુતા લુકતુકે
- પદ, બીબીસી મરાઠી

- વર્તમાન વધારાથી 48 લાખ સરકારી કર્મચારીઓ અને લગભગ 68 લાખ નિવૃત્ત કર્મચારીઓને સીધો ફાયદો થશે
- પગારપંચની ભલામણ મુજબ, કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં કુલ 23.55 ટકા વધારો થવાની અપેક્ષા છે
- કોવિડકાળમાં જાન્યુઆરી-2020થી જૂન-2021 સુધી મોંઘવારી ભથ્થામાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો

સમગ્ર દેશમાં જન્માષ્ટમી અને ગણેશચતુર્થી પછી ઉત્સવની મોસમ શરૂ થાય છે, ત્યારે કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ રાજી થાય તેવા સમાચાર આપ્યા છે. મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારો કરવાનો નિર્ણય કેન્દ્રીય મંત્રીમંડળે લીધો છે.
હાલ મોંઘવારી ભથ્થું 34 ટકા છે તે ઉપરોક્ત નિર્ણયને પગલે વધીને 38 ટકા થશે. પેન્શનમાં પણ એટલો જ વધારો થશે. સરકારી કર્મચારીઓની લઘુતમ વેતનમર્યાદા 7,000 રૂપિયાથી વધારીને 18,000 રૂપિયા કરવામાં આવી છે.
આવો, સાતમા પગારપંચની ભલામણો બાબતે વિગતવાર માહિતી મેળવીએ.
સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થયો છે તેમાં અમારે શું, એવું તમે વિચારતા હો તો સમજી લો કે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારાની અસર કેન્દ્ર સરકારના કાર્યક્ષેત્ર હેઠળની અન્ય સંસ્થાઓ અને રાજ્ય સરકારની કંપનીઓ પર પણ થતી હોય છે. કેટલાક અંશે ખાનગી કંપનીઓ પર પણ તેનો પ્રભાવ પડે છે.
વર્તમાન વધારાથી 48 લાખ સરકારી કર્મચારીઓ અને લગભગ 68 લાખ નિવૃત્ત કર્મચારીઓને સીધો ફાયદો થશે. આ પગાર વધારો સપ્ટેમ્બર 2022થી લાગુ કરવામાં આવશે. વધુ મહત્ત્વની વાત એ છે કે, આ પગાર વધારો પાછલી અસરથી એટલે કે જુલાઈ 2022થી અમલી બનશે.
સરકારી કર્મચારીઓના પગારમાં કઈ રીતે અને કેટલો વધારો થશે તેની વિગત જાણતા પહેલાં સાતમું પગારપંચ શું છે તે જાણી લઈએ.
પગારપંચનું મહત્ત્વનું કામ સરકારી કર્મચારીઓના પગાર, ભથ્થાં અને અન્ય નાણાકીય લાભો શું અને કેટલા હોવા જોઈએ તે નક્કી કરવાનું છે. પગારપંચે મોંઘવારીના દર અને જીવનશૈલીમાં થતા ફેરફાર અનુસાર સમયાંતરે પગાર, ભથ્થાં તથા અન્ય નાણાકીય લાભોમાં ફેરફાર કે વધારો પણ સૂચવવાનો હોય છે.
દેશને આઝાદી મળી ત્યારથી અત્યાર સુધીમાં સાત પગારપંચની રચના કરવામાં આવી છે. હાલનું સાતમું પગારપંચ એ. કે. માથુરના અધ્યક્ષપદ હેઠળ કાર્યરત્ છે. ડૉ. મનમોહનસિંહ વડા પ્રધાન હતા, ત્યારે એ. કે. માથુરે અધ્યક્ષ તરીકે પગારવધારાની ભલામણ સૌપ્રથમ વાર રજૂ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, એ ભલામણોનો અમલ થઈ શક્યો ન હતો, કારણ કે પગારપંચની ભલામણોને કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપવાની હોય છે, પરંતુ એ પ્રક્રિયા થઈ શકી ન હતી. આખરે 2016માં તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલી સમક્ષ સાતમા પગારપંચની ભલામણો રજૂ થઈ હતી અને તેને મંજૂરી આપવામાં આવી હતી.
પગારપંચની ભલામણ મુજબ, કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 23.55 ટકાનો વધારો થવાની અપેક્ષા છે. તેની મહત્ત્વની ભલામણો પર નજર કરીએ.

પગારપંચની મહત્ત્વની ભલામણો

ઇમેજ સ્રોત, Getty Images
મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારો: પગારપંચની ભલામણ મુજબ, વર્ષમાં બે વખત એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થા અંગે સમીક્ષા કરવામાં આવે છે. મોંઘવારીના તત્કાલીન દરને ધ્યાનમાં લઈને તે મુજબ ભથ્થામાં વધારો કરવામાં આવે છે.
આ વખતે જુલાઈને બદલે ઑગસ્ટમાં નિર્ણય લેવાયો હતો. તે મુજબ મોંઘવારી ભથ્થાનો દર 4 ટકાના વધારા સાથે 38 ટકા થયો છે. આ વધારો જુલાઈ-2022થી અમલમાં આવશે. આ વાત એક ઉદાહરણ દ્વારા સમજીએ.
ધારો કે તમારો પગાર 20,000 રૂપિયા છે. તમને 38 ટકાના દરના હિસાબે મોંઘવારી ભથ્થા પેટે માસિક 7,600 રૂપિયા મળશે અને આખા વર્ષના કુલ 91,200 રૂપિયા મળશે.
અગાઉના 34 ટકાના મોંઘવારી ભથ્થા અનુસાર એ રકમ 81,600 રૂપિયા થતી હતી.
કોવિડકાળમાં જાન્યુઆરી-2020થી જૂન-2021 સુધી મોંઘવારી ભથ્થામાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. તે પછી જાન્યુઆરી અને ઑગસ્ટમાં કરવામાં આવેલા વધારાને રાહતરૂપ ગણવામાં આવે છે.
લઘુતમ પગારમર્યાદામાં વધારોઃ નવા કર્મચારીઓ માટે લઘુતમ પગારમર્યાદા 7,000 રૂપિયાથી વધારીને 18,000 રૂપિયા કરવાની પગારપંચની ભલામણને કેન્દ્ર સરકારે સ્વીકારી છે.
પેન્શનમાં પણ વધારોઃ મોંઘવારી ભથ્થાની સાથે, પેન્શનરોને આપવામાં આવતી ડિયરનેસ રિલીફ અથવા ડીઆરમાં પણ ચાર ટકા વધારો કરવામાં આવ્યો છે.
એ ઉપરાંત પેન્શનની મહત્તમ મર્યાદા વધારીને સવા લાખ રૂપિયા કરવામાં આવી છે. સાતમા પગારપંચની ભલામણ અનુસાર, ઍમ્પ્લૉઇઝ પ્રૉવિડન્ટ ફંડ ઑર્ગેનાઇઝેશને (ઈપીએફઓ) પેન્શનવિતરણ વ્યવસ્થામાં સુધારા કર્યા છે.
પેન્શનરના ખાતામાં પેન્શન જમા કરાવવાની પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવી છે અને એક જ દિવસે તમામને સાથે પેન્શન મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
દેશમાંની ઈપીએફઓની 138 પ્રાદેશિક ઑફિસોમાં અગાઉ અલગ-અલગ દિવસે પેન્શન જમા થતું હતું. તેને કારણે પેન્શનરો જાણી શકતા ન હતા કે તેમને પેન્શન ક્યારે મળશે. એ સમસ્યાનું હવે કાયમી નિરાકરણ આણવામાં આવ્યું છે.
કામસંબંધી બીમારી અને ઈજા માટે રજાઃ કોઈ સરકારી કર્મચારી કામના કારણે બીમાર પડ્યા હોય કે ઈજા થઈ હોય અને તેમણે સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ થવું પડે તો સારવારના સમગ્ર સમયગાળા દરમિયાન તેમને પૂરો પગાર તથા અન્ય ભથ્થાં મળશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













