You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિલકીસબાનો ગૅંગરેપ કેસ : 11 દોષિતોને સજામાફી મામલે સુપ્રીમ કોર્ટની ગુજરાત સરકારને નોટિસ
બિલકીસબાનો પર સામૂહિક બળાત્કારના કેસમાં જન્મટીપ ભોગવી રહેલા 11 દોષિતોને મુક્ત કરવાના મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી જવાબ માગ્યો છે.
દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયના વિરુદ્ધમાં દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને સંબંધિત નોટિસ જારી કરી હતી.
જેના ઉપર સર્વોચ્ચ ન્યાયાધીશ એનવી રમન્નાની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. તેમણે કહ્યું હતું, "અમે ગુજરાત તથા કેન્દ્ર સરકારને નોટિસ કાઢી રહ્યા છીએ." અદાલતે સજામાફી મેળવનારાઓને પણ પક્ષકાર બનાવી નોટિસ કાઢવા કહ્યું છે.
સીપીઆઈએમનાં સંસદસભ્ય સુભાષિની અલી, પત્રકાર રેવતી લાઉલ તથા પ્રોફેસર રૂપ રેખા વર્માએ આ અરજી દાખલ કરી છે.
આ મામલે આગામી સુનાવણી બે સપ્તાહ બાદ કરવામાં આવશે.
વરિષ્ઠ વકીલ કપીલ સિબ્બલ અરજદારો વતી સર્વોચ્ચ અદાલતમાં હાજર રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે રમખાણોમાં મોટી સંખયામાં લોકોનાં મૃત્યુ થયાં હતાં તથા એના પછી મુસ્લિમોની સામૂહિક હિજરત પણ થઈ હતી. આથી, દોષિતોની સજામાફીનો આદેશ રદ થવો જોઈએ.
કપીલ સિબ્બલે રજૂઆત કરી હતી કે સગર્ભા મહિલા સાથે દુષ્કર્મ તથા અન્ય જઘન્ય અપરાધના ગુનેગારોને ગુજરાત સરકારે સજામાફી નહોતી આપવી જોઈતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું, "અત્રે એ જોવાનું છે કે શું તેઓ ગુજરાત સરકારની નીતિ હેઠળ સજામાફી મેળવવાને હકદાર છે કે નહીં તથા આ નિર્ણય લેતી વખતે પુખ્ત વિચારણા કરવામાં આવી હતી કે નહીં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં વર્ષ 2002માં થયેલાં રમખાણો વખતે બિલકીસબાનો પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, જે મામલે 11 દોષિતોને જન્મટીપ કરાઈ હતી.
સર્વોચ્ચ અદાલતના આદેશને પગલે આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી.
આ કેસને પ્રભાવિત ન કરી શકાય તે માટે ગુજરાતની બહાર મુંબઈમાં ચલાવવામાં આવ્યો હતો. આ પછી વર્ષ 2008માં બોમ્બેની કોર્ટે 11 દોષિતોને સજા ફટકારી હતી.
ગત 15 ઑગસ્ટે ગુજરાત સરકારે આ દોષિતોને સજામાફી આપી હતી. જેનો દેશભરમાં ભારે વિરોધ થયો હતો.
દોષિતોને સજામાફી
આ 11 દોષિતો 2002નાં ગુજરાત રમખાણો દરમિયાન બિલકીસબાનો પર સામૂહિક બળાત્કાર અને તેમના પરિવારના સભ્યોની હત્યા મામલે આજીવન કેદની સજા કાપી રહ્યા હતા અને ગોધરા જેલમાં બંધ હતા.
15 વર્ષથી વધુ સમય જેલની સજા ભોગવ્યા બાદ દોષિતોમાંથી એક રાધેશ્યામ શાહે સજામાફી માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા અને સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને સજામાફીના મામલે ધ્યાન આપવા નિર્દેશ કર્યા હતા.
એ પછી ગુજરાત સરકારે એક સમિતિની રચના કરી, આ સમિતિએ સંબંધિત મામલાના 11 દોષિતોની સજા માફ કરવા માટે સર્વસંમતિથી ફેંસલો લીધો હતો અને તેમને મુક્ત કરી દેવા ભલામણ કરી હતી.
ગુજરાત સરકારની સજામાફી નીતિ હેઠળ 15 ઑગસ્ટે શૈલેશ ભટ્ટ, રાધેશ્યામ શાહ, વિપિનચંદ્ર જોશી, કેશરભાઈ વોહાનિયા, પ્રદીપ મોઢડિયા, બાકા વોહાનિયા, રાજુ સોની, મિતેશ ભટ્ટ, રમેશ ચાંદના, જસવંત અને ગોવિંદને ગોધરા સબજેલમાંથી મુક્ત કરાયા હતા.
નોંધનીય છે કે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની મદદથી બિલકીસનો કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરાયો હતો અને આરોપીઓને સજા સંભળાવાઈ હતી. ગુજરાતની અદાલતો ન્યાય આપી શકશે નહીં એવી બિલકીસની અરજી એ વખતે સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી.
ન્યાય માટેની 17 વર્ષની લડાઈમાં બિલકીસ અને તેમના પતિ યાકુબ રસૂલને પાંચ સંતાનો સાથે દસ ઘર બદલવાં પડ્યાં હતાં. હાલ બિલકીસનાં બાળકોમાં મોટી પુત્રી હાજરા, બીજી પુત્રી ફાતિમા અને પુત્ર યાસીન તેમજ નાની પુત્રી સાલેહાનો સમાવેશ થાય છે.
આંખોની સામે હત્યા કરી દેવાયેલી પોતાની પુત્રીના નામ પરથી બિલકીસે સૌથી નાની પુત્રીનું નામ સાલેહા રાખ્યું છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો