You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એશિયા કપ 2022 : ભારત-પાકિસ્તાન વચ્ચે ક્યારે મૅચ રમાશે?
- એશિયા કપ 2022 27 ઑગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે
- આ સ્પર્ધામાં કુલ છ ટીમો ભાગ લેશે
- ક્યારે યોજાશે ભારત-પાકિસ્તાનની મૅચ, જાણવા માટે વાંચો સંપૂર્ણ અહેવાલ
ભારત, પાકિસ્તાન સહિત એશિયાના ક્રિકેટપ્રશંસકો માટે ઑગસ્ટ-સપ્ટેમ્બરનો મહિનો ખાસ છે. કોરોનાની મુશ્કેલીઓ વેઠીને ત્રણ વર્ષ બાદ એશિયા કપનું આયોજન 27 ઑગસ્ટથી સંયુક્ત આરબ અમીરાતમાં થઈ રહ્યું છે.
આ એશિયા કપની 15મી સિઝન છે, પહેલાં તે શ્રીલંકામાં થવાનો હતો પરતું ત્યાં ચાલી રહેલી ઊથલપાથલ જોતાં તેને સંયુક્ત આરબ અમીરાતમાં સ્થળાંતરિત કરી દેવાયો, પરંતુ તેની મેજબાની શ્રીલંકા જ કરશે.
આવો જાણીએ આ ટુર્નામેન્ટ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો :
એશિયા કપમાં કેટલી ટીમો અને ગ્રૂપ છે?
આ ટુર્નામેન્ટમાં કૂલ છ ટીમો ભાગ લઈ રહી છે.
તેમાં પાંચ સ્થાયી ટીમો ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા છે. તેમજ સંયુક્ત આરબ અમીરાત, સિંગાપુર, હૉન્ગકૉન્ગ અને કુવૈતની એક ટીમ છઠ્ઠી ટીમ તરીકે ભાગ લેશે.
આ ટીમોને બે ગ્રૂપોમાં વિભાજિત કરાઈ છે
ગ્રૂપ એ
- બાંગ્લાદેશ
- શ્રીલંકા
- અફઘાનિસ્તાન
ગ્રૂપ બી
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
- ભારત
- પાકિસ્તાન
- હૉન્ગકૉન્ગ
એશિયા કપ ક્યારથી છે, ભારત-પાકિસ્તાની મૅચ ક્યારે?
આ ટુર્નામેન્ટને ખાસ કરીને ભારત-પાકિસ્તાન વચ્ચે થનાર હાઈ વૉલ્ટેજ મૅચ માટે પણ ઓળખાય છે. આ વખત પણ બંને ટીમો એકબીજા સાથે ટકરાશે ત્યારે ક્રિકેટની સમગ્ર દુનિયાની નજર આ મૅચ પર હશે.
ભારત-પાકિસ્તાન વચ્ચે પ્રથમ સ્પર્ધા દુબઈમાં 28 ઑગસ્ટના રોજ થશે. બંને ટીમો સુપર ફૉરમાં પણ ફરી એકવાર એકબીજા સાથે ટકરાશે.
27 ઑગસ્ટથી શરૂ થઈ રહેલ આ ટુર્નામેન્ટ 11 સપ્ટેમ્બર સુધી ચાલશે. ગ્રૂપ સ્ટેજમાં ક્યારે, કઈ ટીમો વચ્ચે મૅચ છે, જુઓ -
- 27 ઑગસ્ટ : પ્રથમ મૅચ : શ્રીલંકા વિ. અફઘાનિસ્તાન
- 28 ઑગસ્ટ : બીજી મૅચ : ભારત વિ. પાકિસ્તાન
- 30 ઑગસ્ટ : ત્રીજી મૅચ : બાંગ્લાદેશ વિ. અફઘાનિસ્તાન
- 31 ઑગસ્ટ : ચોથી મૅચ : ભારત વિ. છઠ્ઠી ટીમ (હજુ નક્કી નહીં)
- 1 સપ્ટેમ્બર : પાંચમી મૅચ : શ્રીલંકા વિ. બાંગ્લાદેશ
તે બાદ બંને ગ્રૂપની શીર્ષ બે ટીમો સુપર ફૉર માટે ક્વૉલિફાય કરશે.
આવી પરિસ્થિતિમાં એવી સંપૂર્ણ સંભાવના છે કે ગ્રૂપ એથી ભારત અને પાકિસ્તાનની ટીમો સુપર ફૉર માટે ક્વૉલિફાય કરશે અને બંને ટીમો ચાર સપ્ટેમ્બરના રોજ ફરી એકબીજા સાથે ટકરાઈ શકે છે.
સુપર ફૉરમાં જે ટૉપ 2 ટીમ હશે તે 11 સપ્ટેમ્બરના રોજ ફાઇનલમાં ઊતરશે. 11 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં જ ફાઇનલ રમવામાં આવશે.
એશિયા કપની સ્પર્ધાઓ શારજાહ અને દુબઈમાં રમાશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપના કુલ 14 સ્પર્ધા થઈ ચૂકી છે. તેમાંથી ભારતે આઠ મૅચ જીતી છે, તેમજ પાકિસ્તાને પાંચ મૅચ જીતી છે, એક મૅચનું પરિણામ નહોતું આવી શક્યું.
એશિયા કપ કયા ફૉર્મેટમાં રમાશે અને કેમ?
આ ટી-20 વર્લ્ડકપનું વર્ષ છે, તેથી એશિયા કપ પણ ટી-20 ફૉર્મેટમાં જ રમાશે.
એ પહેલાં વર્ષ 2016માં એશિયા કપ ટી-20 ફૉર્મેટમાં રમાયો હતો. જ્યારે બીજી વખત ટી-20 ફૉર્મેટમાં એશિયા કપ રમાઈ રહ્યો છે.
ખરેખર તો એશિયન ક્રિકેટ કાઉન્સિલ એવો નિર્ણય કરી ચૂકી છે કે જે વર્ષ જે ફૉર્મેટનું વિશ્વકપ હશે, તે ફૉર્મેટને જ એશિયા કપમાં પણ અપનાવવામાં આવશે.
એશિયા કપમાં અત્યાર સુધી કોણ-કોણ બન્યું છે ચૅમ્પિયન?
એશિયા કપમાં ભારતનો હંમેશાંથી દબદબો રહ્યો છે.
પાછલી 14 સિઝનમાં ભારતે સૌથી વધુ વખત એટલે કે સાત વખત આ કપ જીત્યો છે.
શ્રીલંકાની ટીમે આ ટુર્નામેન્ટમાં પાંચ વખત જીત મેળવી છે. પાકિસ્તાનની ટીમ બે વખત તેમાં વિજેતા બની છે.
બાંગ્લાદેશની ટીમ ત્રણ વખત ફાઇનલમાં પહોંચી ચૂકી છે પરંતુ હજુ સુધી તે વિજેત બની શકી નથી.
જુદાજુદા વર્ષે વિજેતા ટીમ
- 1984 - ભારત
- 1986 - શ્રીલંકા
- 1988 - ભારત
- 1990/91 - ભારત
- 1995 - ભારત
- 1997 - શ્રીલંકા
- 2000 - પાકિસ્તાન
- 2004 - શ્રીલંકા
- 2008 - શ્રીલંકા
- 2010 - ભારત
- 2012 - પાકિસ્તાન
- 2014 - શ્રીલંકા
- 2016 - ભારત
- 2018 - ભારત
એશિયા કપમાં આ વખતની ભારતીય ટીમ
આ ટુર્નામેન્ટ માટે ભારતીય પસંદગીકારોએ 15 સભ્યોવાળી ટીમની પસંદગી કરી છે. બ્રેક બાદ વિરાટ કોહલી અને ઈજા બાદ કે. એલ. રાહુલને ફરીથી સમાવવામાં આવ્યા છે. તેમજ બીજી તરફ ઈજાને કારણે જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ આ ટુર્નામેન્ટ ભાગ નહીં લે.
આ બંને હાલ નેશનલ ક્રિકેટ અકાદમી, બૅંગ્લુરુમાં ફિટ થવાના પ્રયત્નોમાં લાગેલા છે.
એશિયા કપની ટીમમાં યુવાન વિકેટકીપર બૅટ્સમૅન ઈશાન કિશન અને સંજૂ સેમસનને પણ જગ્યા નથી મળી શકી. વિકેટકીપર બૅટ્સમૅન તરીકે ઋષભ પંત અને દિનેશ કાર્તિક પસંદગીકારોનો ભરોસો જીતવામાં સફળ રહ્યા છે.
ભારતીય ટીમ કંઈક આ પ્રમાણે છે : રોહિત શર્મા (કૅપ્ટન), કેએલ રાહુલ (ઉપકપ્તાન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વરકુમાર, અર્શદીપસિંહ, આવેશ ખાન.
એશિયા કપ માટે વીવીએસ લક્ષ્મણ બન્યા અંતરિમ કોચ
મુખ્ય કોચ રાહુલ દ્રવિડ કોરોના સંક્રમિત થતાં વીવીએસ લક્ષ્મણને ભારતીય ટીમના અંતરિમ કોચ બનાવવામાં આવ્યા હતા. કોવિડ ટેસ્ટમાં નિગેટિવ આવ્યા બાદ રાહુલ દ્રવિડ ટીમમાં જોડાશે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો