અમૃત ઘાયલ : એ ગુજરાતી કવિ, જેણે વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને મુખ્ય મંત્રી ઉછંગરાય ઢેબરને 'લલકાર્યા' હતા

    • લેેખક, સુરેશ ગવાણિયા
    • પદ, બીબીસી ગુજરાતી

'શબ્દની આરપાર જીવ્યો છું

હું બહુ ધારદાર જીવ્યો છું.'

'મારી શરતે મુશાયરા અને નસિયતમાં શાનથી ગયો છું અને જ્યાં મેં કદમ રાખ્યાં છે ત્યાં મુશાયરા અથવા મહેફિલોને એકલપંડે કામયાબી અપાવી છે. મને ગઝલે જિવાડ્યો છે- મેં મુશાયરાને જિવાડ્યા છે. કસરતથી જીવનરસ પીધો છે. ગઝલની તલાશમાં તવાયફના કોઠામાં ઘૂમ્યો છું. કવ્વાલીમાં બેઠો છું. એની સાથે ગાયું છે. તેને ફૈયાઝીથી નવાજ્યા છે. સવારોસવાર જાગ્યો છું. સાજિંદાઓ અને તવાયફોને દિલથી અને દૌલતથી નવાજ્યાં છે. ટૂંકમાં, હું ભરપેટ જીવ્યો છું.'

અમૃત ઘાયલ પોતાની ગઝલયાત્રાને કંઈક આ શબ્દોથી નવાજે છે.

'એક વાર બિરલા ક્રીડા કેન્દ્રમાં મુશાયરામાં ઘાયલ થોડા થાકેલા અને હતાશ જણાતા હતા. જોકે મુંબઈની પ્રજાએ તેમણે રજૂ કરેલી ગઝલને એવી દાદ આપી કે તેઓ ટટ્ટાર થઈ ગયા. પછી તેમના એક ચાહકે ખુશ થઈને પોતાની આંગળીમાંથી હીરાની બહુમૂલ્ય વીંટી કાઢીને ઘાયલસાહેબને પહેરાવી દીધી. અને ઘાયલ ગદગદ થઈ ગયા. એમને લાગણી સ્પર્શી ગઈ હતી- વીટીં નહીં.'

ઘાયલસાહેબ જ્યારે ગઝલપાઠ કરતા ત્યારે એમની આગવી શૈલીના પણ લોકો દીવાના હતા. એ ગઝલના પ્રવાહમાં શ્રોતાઓને એવા તો જકડી રાખતા કે મુશાયરો એમના નામે થઈ જતો.

મુખ્ય મંત્રીના આમંત્રણને ઘસીને ના પાડી દીધી

ઘાયલના જીવનપ્રસંગોને વાગોળીએ તો ધ્યાને આવે કે તેઓ કોઈની સાડાબારી નહોતા રાખતા, સમયે આવ્યે કોઈને પણ રોકડું પરખાવી દેતા.

એમનો તે સમયના સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્ય મંત્રી ઉછંગરાય ઢેબર સાથેનો એક પ્રસંગ બહુ જાણીતો છે.

થયું એવું કે એક વાર મુખ્ય મંત્રી ઉછંગરાય ઢેબરે ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કાવ્યપાઠ કરવા માટે ઘાયલ પાસે એક અધિકારીને મોકલ્યા.

તેમણે ઘાયલને કહ્યું કે 'આપણે મુખ્ય મંત્રી અને ધારાસભ્યો સમક્ષ કાવ્યપાઠ કરવા જવાનું છે. તમારે ઢેબરભાઈને બંગલે હાજર થવાનું છે.'

એ સમયે આવનાર અધિકારી સમક્ષ ઘાયલે ઘસીને ના પાડી દીધી. અને કહ્યું કે 'મુખ્ય મંત્રી અને ધારાસભ્યોએ કાવ્યપઠન પૂર્વે પ્રત્યેક કવિને આમંત્રણ પાઠવી સંમતિ લેવી જોઈએ. મારી સંમતિ નથી લેવામાં આવી.'

આગંતુકે ધમકીની ભાષામાં કહ્યું, 'અરે કાકા (અમૃત ઘાયલને ઘણા કવિમિત્રો ઘાયલકાકા કહીને બોલાવતા), તમે સરકારી નોકર છો, એનું તો વિચારો. હું મુખ્ય મંત્રીનું આમંત્રણ લઈને આવ્યો છું.'

આ વાત સાંભળતાં જ ઘાયલ ઊકળી ઊઠ્યા અને કહ્યું કે ભટ્ટ અમૃતલાલ લાલજીભાઈ સરકારી નોકર છે, 'ઘાયલ' નથી. હરગિજ નથી.

એ પછી ઘાયલ કાવ્યપાઠ માટે ન ગયા તે ન જ ગયા. ઢેબરબાઈને કાને પણ આ વાત પહોંચી હતી.

નવાઈ વાત એ છે કે ઘાયલના પ્રથમ ગઝલસંગ્રહ 'શૂળ અને શમણાં'નું વિમોચન ઢેબરભાઈને હસ્તે થયું હતું અને વ્યસ્ત હોવા છતાં જામનગરથી ખાસ રાજકોટ પધાર્યા હતા.

ઢેબરભાઈ આ કાર્યક્રમમાં પાંચ-છ કલાક બેઠા હતા અને બધા કવિઓને સાંભળ્યા હતા. અને છેલ્લે ઘાયલ એમની સામે કાવ્યપાઠ માટે નહોતા ગયા એનો પણ ગૌરવથી ઉલ્લેખ કર્યો હતો.

અમૃત ઘાયલે રમણલાલ જોશીને લખેલા પત્રમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

કલાપીની સમાધિથી ગઝલનાં 'મૌન' મંડાણ

1938-39માં કવિ કલાપીની જયંતીની ઉજવણી લાઠીમાં કરવાની હતી અને યુવાન અમૃતલાલ લાલજી ભટ્ટ ઊર્મિસભર હૈયાની ઉજવણીમાં ભાગ લેવા લાઠી ગયા હતા.

ઘાયલ લખે છેઃ 'એક દિવસ કલાપીની સમાધિને નમન કરતા મારો જીવ ચૂંથાવા લાગ્યો અને હું અશ્રુનો ઢગલો થઈ ઢળી પડ્યો. કાકાસાહેબે મને દિલાસો આપતાં પૂછ્યું, 'કેમ બેટા! શું વાત છે?'

'શું થાય છે એની મને ખબર પડતી નથી. મારો જીવ ઊંડો ઊતરતો જાય છે અને પાજોરથી દરબારસાહેબનો આગ્રહ છે કે મારે આ પુણ્યભૂમિમાંથી કંઈ પ્રસાદી લઈ જવી. તેના વિચારમાં હું ગળાડૂબ છું. આજે આ પુણ્ય આત્માની સમાધિ પાસે જે આ અસુખ થઈ રહ્યું છે તે દરબારસાહેબના પત્રના પ્રત્યાઘાતરૂપે હોય.'

કહેવાય છે કે કલાપીની ડેરીએ શીશ નમાવવા ગયેલા અમૃતલાલ ત્યાંથી ગઝલ લખવાનું મૌન વ્રત લે છે અને એ વ્રત એમણે જીવનભર પાળ્યું હતું.

અને ઘાયલ એ પછી જિંદગીભર મોજથી જીવ્યા, ગઝલના ગઢમાં જીવ્યા અને બેહિસાબ જીવ્યા. હિસાબનીશની સરકારી નોકરી સ્વીકારી પણ ગઝલને જિંદગીભર રસથી માણી અને શ્રોતાઓને પણ એના પાઠથી રસતરબોળ કર્યા.

પછી તો એમની ગઝલયાત્રાએ એવું તો જોર પકડ્યું કે જિંદગીભર મુશાયરામાં છવાયેલા રહ્યા. મુશાયરાનું શુષ્ક વાતાવરણ પણ ઘાયલના આગમનથી જાણે કે જીવંત બની જતું. ગુજરાત અને ગુજરાતની બહાર પણ ઘાયલ જાણીતા થયા.

ઘાયલ લખે છેઃ 'શ્રી રુસ્વાએ જગાડેલી કવિતા-ગઝલ લખવાની તમન્ના-તેને મારી માએ ટેકો આપી પોરસ ચડાવ્યો. મારી ગઝલ પાજોદમાં ઊછરી, રાજકોટ, ભુજ વગેરે સ્થાને હલેતી યુવતી બની, ગુજરાતને નચાવતી થઈ.'

'સાવ જૂઠું શું કામ બોલો છો? કોક સાચી જબાન તો આપો'

અમૃત ઘાયલની ગઝલોમાં ખુમારી ઝળકી રહે છે અને જીવનમાં પણ. એક વાર સૌરાષ્ટ્ર (એ સમયનું રાજ્ય)માં વડા પ્રધાન જવાહરલાલ નહેરુ રાજકોટ આવ્યા હતા. એમની સંમતિ લઈને એક બેઠક યોજાઈ હતી.

આયોજકોને આશય નહેરુને ઉર્દૂ કાવ્યો સંભળાવવાનો હતો. પણ ઘાયલે કાવ્યપાઠ વેળાએ નહેરુને કહ્યું, 'હજૂર! હમ તો અપની માદરી જબાન ગુજરાતી મેં કલામ (કવિતા) કહેતે હૈ, શાયદ હજૂર સમજ ન પાયે તો ખતા માફ કીજિયેગા.'

નહેરુએ આ વાત પ્રમાણી ઉલ્લાસપૂર્વક કહેલુંઃ 'અરે હમ તો બાપુ કે સાથ બરસોં રહે હૈં. ઉનકી જબાન સિર્ફ સમજતા નહીં હૂં, બોલ ભી સકતા હૂં. આપ શૌખ સે આપકી જબાન મેં કવિતા સુનાઈયે.'

અને એ સમયે ઘાયલે જે કવિતા સંભાળવી એની એ સમયે અને હાલમાં પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.

નહેરુ સમક્ષ ઘાયલે આ મુક્તક સંભળાવ્યું હતું-

જૂનુંપાનું મકાન તો આપો, ધૂળ જેવુંય ધાન તો આપો.

સાવ જૂઠું શું કામ બોલો છો? કોક સાચી જબાન તો આપો.

થોડો ઝાઝો હિસાબ તો આપો, ખોટોસાચો જવાબ તો આપો

બાગમાં ભાગ છે અમારો પણ, એક વાસી ગુલાબ તો આપો!

નહેરુને આ મુક્તક સંભળાવ્યા પછી શું થયું હશે?

શેખાદમ આબુવાલાએ આ પ્રસંગને 'જનસત્તા'માં આવતી તેમની કૉલમ 'આદમથી શેખાદમ સુધી'માં ટાંક્યો છે.

શેખાદમ લખે છેઃ મેં પૂછ્યું કે 'પછી નહેરુજી શું બોલ્યા'.

ઘાયલે મને કહ્યું, 'મને પૂછ્યુંઃ ક્યો ઐસા કહેતે હો?'

મેં જવાબમાં કહ્યુંઃ 'કવિ જનતા કા મુખ હૈ, ઉસે જનતા કે દુખ કો બયાન કરના ચાહિયે.'

નહેરુજીએ કહ્યુંઃ 'ઝૂરૂર, શાયર કા યે ફર્ઝ હૈ. લેકિન મુલ્કને કયા તરક્કી નહીં કી?'

અને ઘાયલથી બોલાઈ ગયુંઃ 'આઝાદીને હવે વીસ વરસ પૂરાં થવા આવશે. મારી શેરીની ગટર હજી બની નથી.'

જાણીતા કવિ વિનોદ જોશીએ 'અમૃત ઘાયલ: વ્યક્તિમત્તા અને વાઙમય'માં આ પ્રસંગને ટાંક્યો છે.

'ઘાયલ'નો મુશાયરો

રાધેશ્યામ શર્માએ એક મુલાકાતમાં ઘાયલને પૂછ્યું હતું કે દારૂબંધી ગમે કે નહીં?

ઘાયલે આ સવાલના જવાબમાં કહેલું કે 'દારૂબંધી ભ્રષ્ટાચારનાં ગજવાં ભરવાનો કારસો છે- નાગરિક સ્વાતંત્ર્ય ઉપરનો અત્યાચાર છે.'

તને પીતા નથી આવડતો મૂર્ખ મન મારા

પદાર્થ એવો કયો છે કે જે શરાબ નથી

ના હિન્દુ નીકળ્યા, ન મુસલમાન નીકળ્યા

કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા.

વેચાઈ જવા કરતાંય વધુ વહેંચાઈ જવામાં લિજ્જત છે

હર ફૂલ મહીં ખુશબો પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે.

શોકનો માર્યો તો મરશે ન તમારો 'ઘાયલ'

ખુશીનો માર્યો મરી જાય તો કહેવાય નહીં.

મરતાં મરતાં કેટલું જીવી ગયો!

મૃત્યુએ 'ઘાયલ' જિવાડ્યો છે મને.

ઘાયલના અંતિમ દિવસો

ભુજમાં રહેતા અને પત્રકારત્વ ક્ષેત્રે સંકળાયેલા અમૃત ઘાયલના પુત્ર નીલેશ ભટ્ટ પિતાના છેલ્લા દિવસોનાં સંસ્મરણો બીબીસી ગુજરાતી સાથે વાગોળે છે.

તેઓ કહે છે કે "એમને 'પીવા'ની ટેવ તો વર્ષોથી હતી, મુશાયરામાં પણ પીને જતા. પણ છેલ્લા એક દાયકામાં તેઓ એકદમ આધ્યાત્મિક બની ગયા હતા. બીમારી બાદ તેમણે પીવાનું તો છોડી દીધું, એટલું જ નહીં આખો દિવસ ગાયત્રીમંત્રના જાપ કરતા હતા, ભાગ્યે જ કોઈની સાથે વાત કરતા. એમણે સાહિત્યસર્જન પણ મૂકી દીધું હતું."

પણ ઘાયલ એમના અંતિમ દિવસોમાં પણ નવોદિતોને હંમેશાં પ્રોત્સાહન આપતા. સલાહસૂચન આપતાં પણ જીવનને કેન્દ્રમાં રાખીને.

"એટલે કે કોઈ આવીને કહે કે મારે કવિતા લખવી છે કે હું કવિતા લખું છું. તો ઘાયલ કહેતા કે પહેલાં નોકરી શોધી લે, છાપરું બાંધી લે. એ હશે પછી કવિતા તો એમ જ લખાશે."

લીટી એકાદ નીરખી...

અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ એટલે કે 'અમૃત ઘાયલ'નો જન્મ રાજકોટ તાલુકાના સરધારમાં 19-8-1916માં થયો હતો.

તેમના પિતા લાખાજીરાજના ખાસ રસોઈયા પૈકીના એક હતા. તેમનું હુલામણું નામ 'બચુ' હતું.

ઘાયલે રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મૅટ્રિકનો અભ્યાસ કર્યો હતો અને પછી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજમાં પ્રથમ વર્ષ બી.એ.નો અભ્યાસ કર્યો હતો.

તેમણે જાહેર બાંધકામ ખાતામાં વિભાગીય હિસાબનીશ તરીકે સાવરકુંડલા, ભુજ, આદિપુર અને અમદાવાદમાં સેવા આપી હતી.

અમૃત ઘાયલને 2002નો નરસિંહ મહેતા ઍવૉર્ડ પણ મળ્યો હતો. છેલ્લે રાજકોટમાં તેઓ એક એકાન્ટન્ટ તરીકે નિવૃત્ત થયા હતા.

ઘાયલ સાહિત્યક્ષેત્ર સહિત ક્રિકેટ, હૉકી, વૉલીબૉલ અને કુસ્તી ક્ષેત્રમાં પણ ઊંડો રસ લેતા હતા.

એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે જો તેઓ ગઝલકાર ન હોત તો ક્રિકેટ, હૉકી અને વૉલીબૉલના સારા ખેલાડી હોત.

જીવાતા જીવનની વાતોએ ઘાયલને ગઝલોમાં સ્થાન લીધું હતું અને ઘાયલે એને રંગથી ભરીને ગઝલને નવું જોમ બક્ષ્યું. એટલું જ નહીં આગવી શૈલી અને લોકબોલીના નાવિન્યપૂર્ણ પ્રયોગથી ગઝલકારોમાં મોખરાનું સ્થાન પામ્યા.

નીતિન વડગામાએ તેમની લીધેલી મુલાકાતમાં સવાલ કર્યો હતો કે 'તમારી ગઝલોમાં જીવન અને મૃત્યુ વિશેનું ચિંતન વારંવાર પડઘાય છે' એનું કોઈ ખાસ પ્રયોજન?

'આ બાબતમાં એક વાત કહું કે મેં ક્યાંય રોદણાં રોયાં નથી. જીવન ને મૃત્યુ વિશેનું જે ચિંતન ને મનન કર્યું એમાંથી મેં જવાનોને એક દિશા ચીંધી છે-

'તને કોણે કહી દીધું કે મરણની બાદ મુક્તિ છે?

રહે છે કેદ એની એ ફક્ત દીવાલ બદલે છે.'

અંતે ગઝલ એટલે શું? ઘાયલસાહેબ કહે છે-

'અણગમાને અતિક્રમી તે ગઝલ

ને પ્રણયમાં પરિણમી તે ગઝલ

લીટી એકાદ નીરખી 'ઘાયલ'

હલબલી જાય આદમી તે ગઝલ'

(સંદર્ભઃ આઠોં જામ ખુમારી)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો