You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રો. યોગેન્દ્ર વ્યાસ : 'નર્મદામાં સમાઈ જવાની' વાત કરનારા ભાષાવિજ્ઞાની, લેખકની વિદાય
ગુજરાત યુનિવર્સિટીમાં ભાષાવિભાગના પૂર્વ નિયામક ડૉ. યોગેન્દ્ર વ્યાસે તેમનાં પત્ની અંજનાબહેન સાથે આપઘાત કરી લીધો, જેના કારણે ભાષાપ્રેમીઓ તથા શૈક્ષણિક વર્તુળમાં આઘાતની લાગણી ફેલાઈ જવા પામી હતી.
લગભગ 60 વર્ષની કારકિર્દી દરમિયાન તેમણે અનેક ભાષાશાસ્ત્રી, ભાષાવિજ્ઞાની તથા ગુજરાતી ભાષાના વિદ્યાર્થી તૈયાર કર્યા હતા. ગુજરાત સરકારમાં અનેક ઉચ્ચ અધિકારીઓએ યુનિવર્સિટીના દિવસો દરમિયાન અથવા તો સ્પીપા ખાતેથી તેમની પાસેથી ભાષાનું જ્ઞાન મેળવ્યું હતું.
પોલીસતપાસમાં બીમારીથી થાકી જઈને તેમણે તથા તેમનાં પત્નીએ અંતિમવાદી પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.
વ્યાસ ઊંઝા ભાષા જોડણીની ચળવળ સાથે જોડાયેલા હતા, જે ઉચ્ચાર મુજબ જ લખાણની હિમાયત કરે છે. તેમને નજીકથી જાણનારા લોકોના મતે તેઓ સાહિત્યકાર કરતાં ભાષાવિજ્ઞાની વધુ હતા.
વ્યાસે પોતાના 83મા જન્મદિવસના (છઠ્ઠી ઑક્ટોબર 1940) અગિયાર દિવસ પહેલાં અનંતની વાટ પકડી હતી, પત્ની અંજનાબહેને પણ સાથે જીવનમરણના કોલ નિભાવ્યા હતા.
(આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)
'અપમૃત્યુના સમાચાર સાંભળી આઘાત લાગ્યો'
ઊંઝા જોડણી માટે લગભગ બે દાયકા કરતાં વધુ સમય સુધી તેમની સાથે કામ કરનારા જુગલ કિશોર વ્યાસના કહેવા પ્રમાણે, "તેમના અપમૃત્યુના સમાચાર સાંભળીને ખૂબ જ આઘાત લાગ્યો. તેઓ મૂળતઃ સાહિત્યકાર કરતાં ભાષાવિજ્ઞાની હતા."
"ગુજરાતી ભાષામાં ઉચ્ચાર મુજબ લખાણ થાય તે માટેની ચળવળમાં જયંત કોઠારીના અવસાન પછી તેઓ અમારા માટે આધારસ્તંભ અને માર્ગદર્શક હતા. વ્યક્તિગત રીતે તેઓ ભાષાની બાબતમાં મારા માર્ગદર્શક હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ગુજરાત સરકારની ભાષાને લગતી કોઈ બાબત હોય તો તેઓ પૂછવાલાયક વ્યક્તિ હતા તથા તેમને પૂછવામાં આવતું હતું."
પ્રો. વ્યાસના સ્વભાવ અને સાદગીને વાગોળતાં જુગલ કિશોર વ્યાસે જણાવ્યું, "તેમની સાદગી ગજબની હતી, તેમને ક્યારેય ઇસ્ત્રીટાઇટ કે ચમકધમકવાળાં કપડાંમાં નથી જોયા. તેઓ હંમેશાં સાદો સફેદ ઝભ્ભો અને લેંઘો જ પહેરતા. ઉંમર અને જ્ઞાનનું અંતર હોય તો પણ ક્યારેય સામેવાળી વ્યક્તિને દેખાવા કે વર્તાવા ન દે તથા સમોવડિયા હોય તેવી રીતે જ વાત કરે."
ગુજરાતી ભાષા ઉચ્ચાર પ્રમાણે જ લખાય એવી હિમાયત કરનારાઓનું કહેવું છે કે જ્યારે 'હ્રસ્વ ઇ' તથા 'દીર્ઘ ઈ' અને 'હ્રસ્વ ઉ' તથા 'દીર્ઘ ઊ'ના ઉચ્ચારણમાં કાળજી નથી રાખવામાં આવતી તથા એક રીતે જ ઉચ્ચારવામાં આવે છે, ત્યારે લખાણ પણ સમાન રીતે દીર્ઘ જ રાખવું જોઈએ.
તેનું પ્રથમ સંમેલન ઊંઝામાં મળ્યું હોવાથી તે 'ઊંઝા ભાષા અભિયાન' તરીકે પણ ઓળખાય છે.
આ આંદોલનના વધુ એક ચળવળકર્તા અને સમાજશાસ્ત્રી મનીષી જાનીએ ઊંઝા જોડણી મુજબ ફેસબુક પર લખ્યું :
"યોગેન્દ્રભાઈ વ્યાસ....ભાષાવિજ્ઞાની, વિદ્યાર્થીપ્રિય અધ્યાપક, ઊંઝા જોડણીના સમર્થક, અમારા 'એક ઈ-ઉ' માટેના આંદોલનના સાથી યોદ્ધા, ગુજરાતી લેખકમંડળ દ્વારા વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવતી લેખન-કૌશલ શિબિરોમાં વિષય નિષ્ણાત તરીકે ઉત્સાહભેર ભાગ લેનારા વડીલમિત્રની એકાએક વસમી વિદાય. અત્યંત પીડાદાયક, સ્મૃતિ સલામ."
પ્રો. વ્યાસે 'સ્યુસાઇડ વૅક્સિન' નામના પુસ્તકની પ્રસ્તાવના લખી હતી, આથી તેમણે જ અંતિમવાદી પગલું ભર્યું હોવાનું જાણીને ઘણા લોકોને આઘાત લાગ્યો હતો.
વિદ્યાર્થીવત્સલ પ્રાધ્યાપક
વડોદરા ઝોન-1ના ડીસીપી અને આઈપીએસ ઑફિસર દીપક મેઘાણીના કહેવા પ્રમાણે, "પ્રોફેસરસાહેબ ખૂબ જ નિખાલસ અને સાલસ વ્યક્તિ હતી. તેઓ ગોળ-ગોળ વાત ન કરતા અને આળપંપાળ ન કરતા."
"તેઓ એકદમ સ્પષ્ટ વક્તા હતા, જેના કારણે તેમણે વ્યવસાયિક જીવનમાં ઘણુંબધું જતું કર્યું હતું, આમ છતાં તેમણે પોતાના સિદ્ધાંતોને પકડી રાખ્યા હતા."
"હું 2005માં તેમના સંપર્કમાં આવ્યો હતો. મેં તેમની પાસે ગુજરાતી સાહિત્ય વિશે માર્ગદર્શન લીધું હતું. ત્યારથી અમારો પરિચય થયો અને તે જળવાઈ રહ્યો હતો. તેઓ મારા શિક્ષક કરતાં ફ્રૅન્ડ, ફિલૉસૉફર અને ગાઇડ વધુ હતા."
2010માં ગુજરાતી ભાષા સાથે યુપીએસસી (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)ની પરીક્ષા પાસ કરનારા મેઘાણીનું કહેવું છે કે ગુજરાતી ભાષા અને સાહિત્ય વિશે તેમની થયેલી ચર્ચાઓ અને તેમના માર્ગદર્શનથી લાભ થયો હતો.
પ્રો. વ્યાસ સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક ઍડમિનિસ્ટ્રેશન સાથે પણ જોડાયેલા હતા, જે વિદ્યાર્થીઓને સનદી તથા ઉચ્ચ પરીક્ષાની તૈયારીમાં મદદ કરે છે.
વ્યાસનો વારસાવૈભવ
અહેવાલો મુજબ, યોગેન્દ્રભાઈ કિડનીની તથા તેમનાં પત્ની અંજનાબહેન કૅન્સરની બીમારીથી પીડાતાં હતાં.
પોતાની અંતિમ નોંધમાં બીમારીથી કંટાળીને દંપતીએ આ પગલું ભર્યું હોવાનું નોંધ્યું છે. સાથે જ આ અંગે પરિવારજનોની પૂછપરછ નહીં કરવા તથા તેમની પાછળ બેસણું કે કોઈ વિધિ ન કરવા કહ્યું છે.
પુત્ર ડૉ. કૌશલના કહેવા પ્રમાણે, તેમનાં માતા-પિતા છેલ્લા ચારેક મહિનાથી નર્મદાના કિનારે જવાની તથા તેમાં સમાઈ જવાની વાત કરતાં હતાં.
ગુજરાતી ભાષાના કવિ અને વિવેચક ચંદ્રકાંત ટોપીવાળાએ ગુજરાતી સાહિત્ય પરિષદ માટે તેમનું શબ્દચિત્ર આલેખ્યું છે, જે મુજબ:
અમદાવાદમાં જન્મેલા યોગેન્દ્ર વ્યાસે ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે બીએ (1961), ગુજરાતી તથા ભાષા વિજ્ઞાન સાથે એમએ (1963)નો અભ્યાસ કર્યો હતો અને તેમણે 1969માં પીએચ.ડી.ની પદવી મેળવી હતી.
વ્યાસે સુરેન્દ્રનગરની એમએમ શાહ મહિલા કૉલેજ (1963-'66), અમદાવાદની સરસપુર આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં પ્રાધ્યાપક (1966-'68) અને ત્યાં જ આચાર્ય (1968-'69) તરીકે સેવા આપી હતી.
1969થી 1980 સુધી તેઓ ભાષાવિજ્ઞાનના વ્યાખ્યાતા હતા અને પછી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ભાષાવિજ્ઞાનના રીડર હતા.
'બે કિનારા વચ્ચે', 'કૃષ્ણજન્મ', 'ભીલીની કિશોરકથાઓ', 'મનોરંજક બોધકથાઓ', 'ભાષા અને તેનું ભૌતિકસ્વરુપ', 'બોલીવિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ', 'ભાષા, સમાજ અને સાહિત્ય' અને 'ભાષાકૌશલ્યોનું શિક્ષણ' જેવાં પુસ્તકો દ્વારા તેમણે ગુજરાતી ભાષાસાહિત્યને સમૃદ્ધ કર્યું છે.
ધ્રુવ ભટ્ટ, નિરંજન ભગત, રાજેન્દ્ર શાહ, ઉમાશંકર, સુંદરમ, પન્નાલાલ, કનૈયાલાલ મુનશી તેમના પસંદગીના લેખક હતા.
તેમનો પસંદગીનો સુવિચાર હતો, " જે હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્વય બદલાય નહીં", પરંતુ કદાચ તેમને નજીકથી જોનારા ઇચ્છતા હશે કે, 'કાશ, આ બદલી શકાય.'
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો