નીતીશકુમાર : સીએમ અને ડેપ્યુટી સીએમ આજે બપોરે લેશે શપથ - આરજેડી

ઇમેજ સ્રોત, Ani

- આરજેડી પાર્ટીએ માહિતી આપી કે બુધવાર બપોરે બે વાગ્યે મુખ્ય મંત્રી અને ઉપમુખ્ય મંત્રીનો શપથગ્રહણ સમારોહ થશે.
- રાજીનામું આપ્યા પછી નીતીશકુમાર ફરી રાજ્યપાલને મળ્યા અને રાષ્ટ્રીય જનતા દળ સાથે સરકાર રચવાનો દાવો કર્યો.
- નીતીશકુમારે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું, એનડીએ ગઠબંધન સાથે છેડો ફાડ્યો.
- નીતીશકુમારે જેડીયુના નેતાઓ સાથે બેઠક કરી હતી.
- જેડીયુ રાષ્ટ્રીય જનતા દળ સાથે ફરી હાથ મિલાવી શકે તેવી ચર્ચા છે.
- ભાજપે કહ્યું કે જેડીયુએ બિહારની જનતા સાથે દગો કર્યો છે.

જેડીયુ અને રાષ્ટ્રીય જનતા દળના નેતૃત્વવાળા ગઠબંધનની નવી સરકાર બુધવારે બપોરે બે વાગ્યે રાજભવનમાં શપથગ્રહણ કરશે.
રાષ્ટ્રીય જનતા દળે પોતાના ટ્વિટર હૅન્ડલ પરથી કરેલા ટ્વીટમાં આ માહિતી આપી છે. જોકે એ નથી જણાવવામાં આવ્યું કે નવી સરકારમાં કોણ મુખ્ય મંત્રી બનશે અને કોણ ઉપમુખ્ય મંત્રી બનશે.
રાષ્ટ્રીય જનતા દળે ટ્વીટમાં લખ્યું છે, ''માનનીય મુખ્ય મંત્રીજી અને ઉપમુખ્ય મંત્રીજીનો આવતીકાલે બપોરે બે વાગ્યે રાજભવનમાં શપથગ્રહણ સમારોહ યોજાશે.''
અગાઉ બિહારમાં નીતીશકુમારે જનતા દળ-યુ અને ભાજપનું ગઠબંધન તોડી નાખ્યું અને મુખ્ય મંત્રીપદ પરથી રાજીનામું આપીને ફરી એક વખત બિહારના રાજ્યપાલની મુલાકાત લીધી હતી.
નીતીશકુમારે રાજ્યપાલ ફાગૂ ચૌહાણને મળીને જનતા દળ યુનાઇટેડ અને રાષ્ટ્રીય જનતા દળની સરકાર બનાવવો દાવો રજૂ કર્યો હતો.
ત્યારે સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર ભાજપે આરોપ મૂક્યો છે કે જેડીયુએ બિહારની જનતાને દગો આપ્યો છે.
નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા માટે નીતીશકુમારે, રાજદ નેતા તેજસ્વી યાદવ અને જેડીયુ અધ્યક્ષ લલ્લનસિંહ એકજ કારમાં સાથે રાજભવન પહોંચ્યા હતા.
પટણામાં રાજભવનની બહાર આવ્યા બાદ નીતીશકુમારે પત્રકારોને જણાવ્યું કે, અમે ત્યાં હતા, જેમની સાથેનો નાતો અમે ખતમ કરી નાખ્યો છે. અમે સાત પાર્ટીઓના 164 અને એક નિર્દલીય ધારાસભ્યોના સમર્થનનો દાવો રજૂ કર્યો છે. હવે રાજ્યપાલ પર છે કે તેઓ ક્યારે અમને સરકાર બનાવવાનું આમંત્રણ આપે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

નીતીશકુમારે રાજીનામું આપ્યું

ઇમેજ સ્રોત, ANI
અગાઉ મંગળવારે સાંજે ચાર વાગ્યે પટણામાં નીતીશકુમાર રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું હતું.
તેમણે મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપ્યું અને સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર તેમણે કહ્યું કે, "બધા સાંસદો અને ધારાસભ્યો એ નિર્ણય પર પહોંચ્યા છે કે એનડીએ છોડી દેવું જોઈએ."
તેજસ્વી યાદવે કહ્યું કે, ''જેપી નડ્ડાએ કહ્યું કે ક્ષેત્રીય દળોને ખતમ કરી નાખશે. ભાજપ માત્ર લોકોને ડરાવવાનું અને ખરીદવાનું જાણે છે. પરંતુ અમારી પાસેથી અમારા પૂર્વજોની વિરાસત કોઈ નહીં છીનવી શકે. અમે નીતીશકુમારની સાથે લાલુજીનો પણ આભાર માનીએ છીએ.''
''અમે બધા ઇચ્છીએ છીએ કે બિહારમાં ભાજપનો એજન્ડા લાગુ ન થાય. આપણે બધા જાણીએ છીએ કે લાલુજીએ આડવાણીનો રથ રોક્યો હતો. અમે કોઈ પણ કિંમતે નહીં ઝૂકીએ.
અગાઉ નીતીશકુમારે બિહારના મુખ્ય મંત્રીપદ પરથી રાજીનામું આપ્યા બાદ આરજેડી નેતા તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી હતી, રાજ્યપાલને રાજીનામું સોંપ્યા બાદ નીતીશકુમાર સીધા તેજસ્વી યાદવના ઘરે પહોંચ્યા હતા. ત્યાર બાદ બંને સાથે જ ઘરેથી નીકળા.
રાજીનામું આપ્યા બાદ નીતીશકુમારે કહ્યું હતુંકે પાર્ટીના બધા ધારાસભ્યો અને સાંસદો એનડીએથી અલગ થવા માગતા હતા. ગઠબંધનમાં સામેલ ભાજપ સાથે મતભેદો વચ્ચે જનતા દળ-યુએ મંગળવારે ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવી હતી.
નીતીશકુમારે કહ્યું કે, લોકસભા રાજ્યસભાના સાંસદો અને તમામ ધારાસભ્યોની સાથે બેઠક થઈ. બધાની ઇચ્છા એ જ હતી કે અમારે એનડીએ છોડી દેવું જોઈએ. અમે તેને સ્વીકાર કરી લીધી. ત્યાર બાદ અમે અહીં આવીને એનડીએ સરકારના મુખ્ય મંત્રીપદ પરથી રાજીનામું સોંપી દીધું.
આ પહેલાં પૂર્વમુખ્ય મંત્રી લાલુ પ્રસાદ યાદવનાં પુત્રીએ નીતીશકુમાર-ભાજપનું ગઠબંધન તૂટવા તરફ ઇશારો કર્યો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
લાલુ યાદવના પુત્રી રોહિણી આચાર્યએ ટ્વીટ કર્યું, "રાજતિલકની કરો તૈયારી, આવી રહ્યા છે લાલટેનધારી"
સવારે તેમણે એક ટ્વીટ કર્યું હતું કે "ભોલે બાબાની કૃપાથી થશે ચમત્કાર, શ્રાવણના મહિનામાં માફીવીરોની ટોળકીનો વિનાશ."
બીજી તરફ આરજેડી અને કૉંગ્રેસે સંકેતો આપ્યા છે કે જો નીતીશ ભાજપનો સાથ છોડે છે તો તેઓ ફરીથી મહાગઠબંધન માટે તૈયાર છે.
રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી નીતિ આયોગની બેઠકમાં નીતીશકુમારની ગેરહાજરી બંને પક્ષો વચ્ચેની ઉગ્રતાના ઉદાહરણ તરીકે જોવામાં આવે છે.
જોકે, રવિવારે જ નીતીશકુમાર બિહારમાં કેટલાક કાર્યક્રમોમાં હાજર રહ્યા હતા.

ભાજપના નેતાઓએ શું કહ્યું?
ભાજપના નેતા અને રાજ્યના ઉદ્યોગ મંત્રી શાહનવાઝ હુસૈને આ આરોપોને ફગાવ્યા છે કે ભાજપ ગઠબંધનમાં રહીને જનતા દળ યુનાઇટેડને નબળી કરી રહ્યો છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર શાહનવાઝ હુસૈને કહ્યું, ''અમે પોતાની પાર્ટીને મજબૂત કરીએ છીએ, પરંતુ અન્ય પાર્ટીને નબળી નથી કરતા.''
તેમણે તાજા રાજકીય ઘટનાક્રમ પર કોઈ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે તેઓ દિલ્હીથી પટણા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે તાજી પરિસ્થિતિ પર પાર્ટી નેતૃત્વ આધિકારિક નિવેદન આપશે, તેઓ નહીં આપે.
શાહનવાઝ હુસૈને દાવો કર્યો કે, ''અમે બિહારના લોકોને વેપાર અને રોજગાર માટે ઈમાનદારી સાથે કામ કર્યું છે.''

બેઠકોનું સમીકરણ શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકો છે. સરકાર બનાવવા માટે પાર્ટીને 122 ધારાસભ્યોની જરૂર હોય છે.
હાલમાં બિહારમાં એનડીએની સરકાર છે. એનડીએ પાસે 126 ધારાસભ્યો છે અને તેમની પાસે અપક્ષના એક ધારાસભ્યનું સમર્થન છે.
બીજી તરફ, આરજેડી પાસે 79, ભાજપ પાસે 77, જેડીયુ પાસે 45, એચયુએમ પાસે ચાર, કૉંગ્રેસ પાસે 19, ડાબેરીઓ પાસે 16 અને એઆઈએમઆઈએમ તથા વિપક્ષ પાસે એક-એક બેઠકો છે.
તાજેતરમાં જ આરજેડીના ધારાસભ્ય અનંત સિંહને સજા થતાં તેમણે સીટ ગુમાવવી પડી હતી.
જો ભાજપ-જેડીયુના રસ્તા અલગ પડે તો જેડીયુને સરકારમાં રહેવા માટે 77 ધારાસભ્યોની જરૂર પડશે, જ્યારે ભાજપને 45 ધારાસભ્યોની જરૂર પડશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2

જામનગરમાં તાજિયાનાં જુલૂસ દરમિયાન વીજ કરંટ લાગવાથી બે યુવકનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Darshan Thakkar
સોમવારે રાત્રે જામનગરમાં નીકળેલા તાજિયાનાં જુલૂસમાં બારેક યુવાનોને વીજ કરંટ લાગતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી બે યુવકોનાં મૃત્યુ થયા છે. જ્યારે અન્ય યુવકો હાલમાં સારવાર મેળવી રહ્યા છે.
બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર દર્શન ઠક્કરના જણાવ્યા અનુસાર, મોહરમ નિમિત્તે જામનગરમાં તાજિયાનું જુલૂસ કાઢવામાં આવ્યું હતું.
આ દરમિયાન ધરાનગર વિસ્તારમાંથી જુલૂસ પસાર થઈ રહ્યું હતું ત્યારે 11 કેવીના વીજવાયરને તાજિયાની ટોચ અડી જતાં શૉટ-સર્કિટ થયો હતો. જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતા મોડીરાતથી જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા.
તે સમયે નજીકમાં ઊભેલા બારેક લોકોને વીજ કરંટ લાગતાં તમામને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી યુનુસ મલેક અને મહમદ વાહિદ નામનાં યુવકનાં મૃત્યુ થયાં હતાં.

રશિયાએ અમેરિકાને પરમાણુ હથિયારોનું નિરીક્ષણ કરતા રોક્યું, તણાવ વધ્યો

ઇમેજ સ્રોત, AFP
રશિયાએ અમેરિકાને તેનાં વ્યૂહાત્મક પરમાણુ હથિયારોનું નિરીક્ષણ કરવા પર રોક લગાવી છે.
રશિયાનું કહેવું છે કે તેમણે ન્યૂ સ્ટાર્ટ નામની શસ્ત્રનિયંત્રણ સંધિ હેઠળ અસ્થાયી રૂપે નિરીક્ષણ બંધ કરી દીધું છે.
રશિયાના વિદેશ મંત્રાલય અનુસાર, અમેરિકા તેનો ફાયદો ઉઠાવી રહ્યું હતું. જોકે તેઓ ખુદ પોતાની ધરતી પર રશિયાના નિરીક્ષણ કરવાના અધિકારનું પાલન કર્યું નથી.
રશિયાએ કહ્યું કે યુક્રેનને લઇને તેમના પર લગાવેલા પ્રતિબંધોએ બંને દેશો વચ્ચેની સ્થિતિને બદલી નાંખી છે.
ન્યૂ સ્ટાર્ટ નામની હથિયાર નિયંત્રણ સંધિ વર્ષ 2011માં લાગુ કરવામાં આવી હતી. આ અંતર્ગત પ્રત્યેક દેશ લાંબા અંતર સુધી હુમલો કરનારા 1,550 પરમાણુ હથિયારો જ તહેનાત કરી શકશે. આ સંધિ 2026માં પૂરી થઈ જશે.

કૉમનવેલ્થ ગેમ્સમાં 61 મેડલ સાથે ભારત ચોથા ક્રમાંકે
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
કૉમનવેલ્થ ગેમ્સના અંતિમ દિવસે પણ ભારતનું પ્રદર્શન સારું રહ્યું હતું. ભારતે અંતિમ દિવસે ચાર ગોલ્ડ મેડલ જીત્યા હતા.
શરૂઆતમાં પીવી સિંધુએ મહિલાઓની સિંગલ્સ મૅચમાં ગોલ્ડ મેડલ જીત્યો. બાદમાં લક્ષ્ય સેને પુરુષ સિંગલ્સમાં ગોલ્ડ જીત્યો હતો.
બૅડમિન્ટનમાં જ પુરુષ ડબલ્સમાં સાત્વિક રૅંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ પણ ગોલ્ડ જીત્યો હતો. જ્યારે ટેબલ ટૅનિસમાં 16 વર્ષ બાદ સિંગલ્સમાં અચંતા શરત કમલે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
વેઇટલિફ્ટિંગ, કુશ્તી, બૅડમિન્ટન, ટેબલ ટૅનિસ, લૉન-બૉલથી લઇને ઍથલેટિક્સમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન સારું રહ્યું હતું.
બર્મિંઘમમાં ભારતે 61 મેડલ જીત્યા છે. જેમાં 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રૉન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ શાનદાર પ્રદર્શન બાદ ભારતીય ખેલાડીઓ પાછા ફર્યા હતા.
સોમવારે રાત્રે દિલ્હી ઍરપોર્ટ પર આવી પહોંચેલા ખેલાડીઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













