You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ધનખડ-આલ્વા વચ્ચે ચૂંટણીજંગ - પ્રેસ રિવ્યૂ
ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીપ્રક્રિયા શનિવારે શરૂ થઈ ચૂકી છે.
સંયુક્ત વિપક્ષનાં ઉમેદવાર માર્ગરેટ આલ્વા અને સત્તાધારી ગઠબંધન એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડ વચ્ચે આ ચૂંટણીમાં સ્પર્ધા હશે.
મતદાન બાદ આજે જ મતગણતરી પણ સંપન્ન કરાશે, ચૂંટણીમાં જીત મેળવનાર ઉમેદવાર પાંચ દિવસ બાદ એટલ કે 11 ઑગસ્ટે ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.
આ ચૂંટણીમાં સંસદનાં બંને ગૃહના સભ્યોએ મતદાન કર્યું છે. જેમાં ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ અને વડા પ્રધાન મોદીએ પણ પોતાનો મત આપી દીધો છે.
સાક્ષી, દીપક અને બજરંગે ભારતને CWGમાં કુશ્તીમાં અપાવ્યા ગોલ્ડ મેડલ
શુક્રવારે સાક્ષી અને બજરંગ પુનિયાએ ભારતને કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ અપાવ્યા હતા. બંને કુશ્તીબાજોએ શાનદાર પ્રદર્શન કરી પ્રતિદ્ધંદ્ધીઓને માત આપી હતી.
આ જ યાદીમાં બાદમાં દીપક પુનિયાએ પણ એક ગોલ્ડ મેડલનો ઉમેરો કર્યો હતો. તેમણે પાકિસ્તાનના પહેલવાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે ભારતે કૉમનવેલ્થ ગેમ્સમાં નવ ગોલ્ડ મેડલ મેળવી લીધા છે.
નોંધનીય છે કે સાક્ષીએ ટક્કરના મુકાબલામાં શાનદાર પ્રદર્શન કરીને કૅનેડાનાં પહેલવાન એના ગોડિનેઝને હરાવ્યાં હતાં.
તેમજ બજરંગ પુનિયા પણ કૅનેડાના જ ખેલાડી લેચલન મેકલીનને હરાવીને પદક તેમના નામે કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભરતીકૌભાંડમાં લિપ્ત લોકો સામે સરકાર પગલાં નથી લઈ રહી, યુવરાજસિંહ જાડેજાનો આરોપ
આમ આદમી પાર્ટી (આપ)ના નેતા યુવરાજસિંહ જાડેજા શુક્રવારે ગુજરાત સરકાર પર આરોપ કર્યો કે તે બિનસચિવાલય ભરતી કૌભાંડના જવાબદારો સામે પગલાં લેવાનો વાયદો પૂરો નથી કરી રહી.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર તેમણે જો સરકાર આ મામલે સમયસર કાર્યવાહી નહીં કરે તો તેઓ ઑક્ટોબર માસમાં ગાંધીનગરમાં એક યુવા સંમેલન યોજશે.
રાજકોટમાં એક પ્રેસ કૉન્ફરન્સ યોજી, જાડેજાએ કહ્યું કે નવેમ્બર, 2019 અને ડિસેમ્બર 2021માં બિનસચિવાલય ક્લાર્ક અને હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક થયા હોવાની વાત પ્રાથમિકપણે કબૂલ્યા છતાં સરકારે આરોપીઓ સામે પગલાં લીધાં નથી.
જાડેજાએ કહ્યું કે, "અમારે જાણવું છે કે આજ દિન સુધી આ મામલે કોને કોને સજા થઈ છે. સજાની તો વાત બાજુમાં રહી પેપરલીક કૌભાંડમાં મુખ્ય આરોપીને ક્લીનચિટ આપીને તેને જવા દેવાયો છે. માત્ર પરીક્ષા રદબાતલ કરીને બધું સંકેલવાના પ્રયાસ કરાયા છે."
ગુજરાતના દરિયાકાંઠેથી એક પાકિસ્તાની માછીમાર સહિત પાંચ બોટ પકડાઈ
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)એ શુક્રવારે પાકિસ્તાનના માછીમાર સહિત પાંચ બોટ કચ્છના હરામી નાળા વિસ્તારમાંથી પકડી પાડી હતી. આ અગાઉ પણ આ જ વિસ્તારમાંથી બે બોટ ઝડપાઈ હતી.
શુક્રવારે, આંતરરાષ્ટ્રીય સીમા પર ફિશિંગ બોટની ચહલપહલ દેખાઈ આવતાં BSF અધિકારીઓએ વિસ્તાર કૉર્ડન કરી લીધો. તપાસ દરમિયાન ટીમે પાકિસ્તાની માછીમારને ઝડપી પાડ્યો. જ્યારે અન્યો પાકિસ્તાન તરફ ભાગી ગયા.
બોટોની તપાસ કરાઈ અને જપ્ત કરી લેવાઈ. પરંતુ તેમના પરથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો