You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૉમનવેલ્થ ગેમ્સ : લૉન-બૉલમાં ગોલ્ડ જીતીને ભારતીય મહિલા ટીમે રચ્યો ઇતિહાસ, ભારતનાં ખાતામાં કુલ કેટલા મેડલ? - પ્રેસ રિવ્યૂ
કૉમનવેલ્થ ગેમ્સ 2022માં મંગળવારે ભારતીય ખેલાડીઓએ બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવ્યા છે. આ સાથે ભારતના ખાતામાં કુલ 12 મેડલ થઈ ગયા છે.
ભારતીય મહિલા ટીમે લૉન-બૉલમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાલ રચ્યો છે. ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 17-10થી હરાવ્યું હતું.
ભારતીય ટીમ શરૂઆતથી જ દક્ષિણ આફ્રિકાની ટીમથી આગળ નીકળી ગઈ હતી પરંતુ એક સમયે દક્ષિણ આફ્રિકાએ ભારતીય ટીમને પાછી છોડી દીધી હતી. જોકે, ભારતીય ટીમે શાંતિપૂર્વક રમીને અંતે જીત પણ મેળવી હતી.
ભારતની પુરુષોની ટીમે કૉમનવેલ્થ ગેમ્સમાં સિંગાપોરને 3-1થી હરાવીને ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. વર્ષ 2018માં સિંગાપોરે ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આ સિવાય મંગળવારે વેઇટલિફ્ટિંગમાં વિકાસ ઠાકુરે 96 કિલો ભારવર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. કૉમનવેલ્થ ગેમ્સમાં વિકાસ ઠાકુરનો આ સતત ત્રીજો મેડલ છે.
ગુજરાતમાં જુલાઈ મહિનામાં એક દાયકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો
આ વર્ષે જુલાઈ મહિનામાં ગુજરાતમાં સરેરાશ 517 મિલિમિટર વરસાદ નોંધાયો હતો. જે છેલ્લા એક દાયકામાં જુલાઈ મહિના દરમિયાન પડેલો સૌથી વધુ વરસાદ છે.
અંગ્રેજી અખબાર 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીને ટાંકીને લખે છે કે ગુજરાતમાં જુલાઈ મહિનામાં પડેલો 517 એમએમ વરસાદ એ સરેરાશ વરસાદના 61 ટકા જેટલો છે.
2015 બાદ 2017માં ગુજરાતમાં સારો એવો વરસાદ નોંધાયો હતો. 2017માં 512 એમએમ વરસાદ હતો. જે આ વર્ષની સરખામણીએ થોડો ઓછો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2020 અને 2021માં અનુક્રમે 43 અને 35 ટકા વરસાદ પડ્યો હતો. હવામાનવિભાગને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જુલાઈ મહિનામાં નજીકમાં બે ચક્રવાતી પરિભ્રમણના કારણે રાજ્યના લગભગ તમામ જિલ્લામાં વરસાદ પડ્યો હતો.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રાજ્યના ચાર મહાનગરો પૈકી અમદાવાદમાં જુલાઈ મહિના દરમિયાન સિઝનનો 87 ટકા વરસાદ વરસી ગયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ સારા વરસાદની આગાહી કરી કરી છે.
સરકારે લોકસભામાં કહ્યું, ત્રણ વર્ષમાં 117 ચીની નાગરિકોને પાછા મોકલવામાં આવ્યા
ભારત સરકાર પ્રમાણે વર્ષ 2019થી 2021 વચ્ચે 117 ચીની નાગરિકોને વિઝા નિયમોના ઉલ્લંઘનના કારણે તેમના દેશ પાછા મોકલવામાં આવ્યા છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, લોકસભામાં કૉંગ્રેસના પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે 81 લોકોને ભારત છોડવાની નોટિસ આપવામાં આવી, 117 લોકોને પાછા ચીન મોકલવામાં આવ્યા અને 726 લોકોને ઍડવર્સ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે જે વિદેશી લોકો નિયત સમય કરતાં વધારે સમય ભારતમાં રોકાઈ જાય, એની સરકાર માહિતી રાખે છે. જે કિસ્સામાં રોકાવા માટેનું યોગ્ય કારણ મળતું નથી, તેમને પાછા જવાની નોટિસ આપવામાં આવે છે અને પૅનલ્ટી પણ લગાવવામાં આવે છે.
આ સિવાય ત્રણ ચીની મોબાઇલ કંપનીઓને ટેક્સચોરી મામલે નોટિસ આપવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ અંગેની જાણકારી સંસદમાં આપી હતી. આ કંપનીઓ છે, ઓપ્પો, વીવો ઇન્ડિયા અને શાઓમી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો