કૉમનવેલ્થ ગેમ્સમાં સુરતના હરમીત દેસાઈ સાથે ભારતની ટેબલ ટેનિસ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો - પ્રેસ રિવ્યૂ

ભારતની પુરુષ ટીમે સિંગાપોરને હરાવી કૉમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

આ મૅચમાં ભારતે સિંગાપોરને 3-1થી હરાવ્યું હતું. સિંગાપોરે 2018 કૉમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસનો ગોલ્ડ જીત્યો હતો.

બર્મિંગહામમાં રમાઈ રહેલી કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતનો આ 11મો મેડલ છે.

કેન્દ્રીય ન્યાયમંત્રી કિરેન રિજિજુએ ટ્વીટ કરતા લખ્યું, "કૉમનવેલ્થ ગેમ્સમાં ફાઇનલમાં સિંગાપોરને હરાવીને પુરુષોની ટેબલ ટેનિસ દ્વારા ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન, શરથ કમલ, સાથિયા ગણેશન અને હરમીત દેસાઈ! તમારી ભવ્ય જીત પર સમગ્ર દેશને ગર્વ છે!"

ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરીને ટીમ ઇન્ડિયાને શુભેચ્છા પાઠવી હતી.

ગુજરાતમાં લમ્પી વાઇરસનો કેર, 20 જિલ્લામાં 1400થી વધુ પશુઓનાં મૃત્યુ

ગુજરાતમાં પશુઓને ભરડામાં લેનારા લમ્પી વાઇરસ અત્યાર સુધી 20 જિલ્લામાં પ્રસરી ચૂક્યો છે. તેના લીધે 1,431 પશુઓનાં મૃત્યુ થયાં છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે, ગુજરાતમાં 8.17 લાખ પશુઓને લમ્પી વાઇરસ પ્રતિરોધક રસી આપવામાં આવી છે. સરકારે ટાસ્ક ફોર્સ રચીને આ રોગને પ્રસરતો અટકાવવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

સરકારના આંકડા પ્રમાણે, ગુજરાતના 20 જિલ્લામાં આવેલાં 1935 ગામોમાં 54,161 પશુઓમાં આ રોગ જોવા મળ્યો છે.

સરકારે આ રોગ અન્ય જિલ્લામાં ન પ્રસરે તે માટે અસરગ્રસ્ત જિલ્લામાંથી પશુઓની હેરાફેરી પર પ્રતિબંધ મૂક્યો છે.

લમ્પી વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત સૌરાષ્ટ્ર અને કચ્છ છે. કૃષિ અને પશુપાલનમંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે તેઓ ગુરુવારે કચ્છ જિલ્લાની મુલાકાત લેશે.

આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે સરકારે શરૂ કરેલી હેલ્પલાઈન '1962'માં છેલ્લા આઠ દિવસમાં લમ્પી વાઇરસને લગતી પૂછપરછ માટે 21,026 ફોન આવ્યા છે.

સરકાર પાસે 7.9 લાખ વૅક્સિનનો ડોઝ ઉપલબ્ધ છે અને 222 વૅટરનરી ઑફિસરો, 713 વૅટરનરી સુપરવાઇઝર અને 332 વૅટરનરી ડૉક્ટરો ખડેપગે કામ કરી રહ્યા છે.

ભારતમાં મંકીપૉક્સથી પ્રથમ મૃત્યુની પુષ્ટિ

ભારતમાં મંકીપૉક્સથી પ્રથમ મૃત્યુની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. કેરળના સ્વાસ્થ્યમંત્રી વીણા જ્યૉર્જે ભારતમાં મંકીપૉક્સથી થયેલા પ્રથમ મૃત્યુની પુષ્ટિ કરતાં કહ્યું કે યુવક 22 જુલાઈએ યુએઈથી કેરળ આવ્યો હતો.

યુવકે 19 જુલાઈએ યુએઈમાં મંકીપૉક્સની તપાસ કરાવી હતી. તપાસમાં રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.

વીણા જ્યૉર્જે જણાવ્યું કે જ્યારે યુવકને મંકી પૉક્સનાં લક્ષણો દેખાયાં ત્યારે તે પોતાના પરિવાર સાથે જ હતો.

27 જુલાઈએ તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. 28 જુલાઈએ સ્થિતિ ખરાબ થતાં તેને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યો અને 30 જુલાઈએ તેનું મૃત્યુ થઈ ગયું.

સ્વાસ્થ્યવિભાગે ત્યાં પહોંચીને સૅમ્પલ એકત્ર કર્યા હતા અને તેને પુણેસ્થિત એનઆઈવીમાં મોકલ્યા હતા.

હવે દર્દીના મૃત્યુ બાદ રિપોર્ટમાં મંકી પૉક્સ પૉઝિટિવ હોવાનું સામે આવ્યું. હાલમાં સ્વાસ્થ્યવિભાગ વિવિધ ટીમ બનાવીને તપાસ હાથ ધરી રહ્યું છે અને શંકાસ્પદ સૅમ્પલોને એનઆઈવીમાં મોકલાઈ રહ્યા છે.

નિયમાનુસાર, મૃતકના નજીકના સંબંધી, સંપર્કમાં રહેલા લોકો, મિત્રો અને મૅડિકલ કર્મચારીઓ સહિત 20 લોકોને ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગયા મહિને જ મંકીપૉક્સને વૈશ્વિક સ્વાસ્થ્ય ઇમરજન્સી ઘોષિત કરવામાં આવ્યો હતો.

શું ઈરાન બનાવશે પરમામણુ બૉમ્બ, ટોચના અધિકારીએ શું કહ્યું?

ઈરાનના પરમાણુ ઊર્જાપ્રમુખે કહ્યું છે કે તેમના દેશ પાસે પરમાણુ હથિયાર બનાવવાની ક્ષમતા છે, પરંતુ હાલ તેમની એવી કોઈ ઇચ્છા નથી.

ઈરાનના પરમાણુ ઊર્જામંત્રી મહમદ એસલામીનું નિવેદન ઈરાકના સર્વોચ્ચ ધાર્મિક નેતાના સલાહકાર સાથે મેળ ખાય છે.

સાર્વજનિક રીતે કોઈ પણ ટોચના અધિકારીઓ દ્વારા આ પ્રકારના દાવા કરવા સામાનય્ વાત નથી.

તેમના આ નિવેદનથી ઈરાનના પરમાણુ કાર્યક્રમોને લઈને વ્યક્ત કરાઈ રહેલી ચિંતામાં વધારો થઈ શકે છે. અમેરિકા સાથે થયેલો પરમાણુ સોદો રદ થયા બાદ ઈરાને પોતાના પરમાણુ કાર્યક્રમોનું વિસ્તરણ કર્યું છે.

જોકે, ઈરાન દાવો કરે છે કે તેમનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ કાર્યો માટે છે પરંતુ પશ્ચિમી દેશોનું કહેવું છે કે પરમાણુ સમજૂતી ફરીથી લાગુ કરવા માટે ધીરે-ધીરે સમય ઘટી રહ્યો છે.

તેમણે એવી ચિંતા પણ વ્યક્ત કરી છે કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ એવા સ્તર સુધી ન પહોંચી જાય કે જ્યાંથી પાછું ફરવું મુશ્કેલ હોય.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો