You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શિન્ઝો એબે : PM મોદીના 'પરમ મિત્ર' જ્યારે ગુજરાત આવ્યા અને વિવાદ થયો
- જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો એબેની જાહેરસભા દરમિયાન ગોળી મારી હત્યા
- ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી
- વડા પ્રધાન મોદી શિન્ઝો એબેને 'અંગત મિત્ર' ગણાવતા હતા
- બંને વચ્ચે ખૂબ જ સારા સંબંધો હોવાનું જણાવવામાં આવતું હતું
જાપાનના પૂર્વ વડા પ્રધાન શિન્ઝો એબેનું અવસાન થયું છે. તેઓ જાહેરસભાને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે તેમની ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'પરમમિત્ર' એબેના અવસાન ઉપર આઘાત વ્યક્ત કર્યો છે અને આવતીકાલે એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. ભારત અને જાપાનના સંબંધોને મજબૂત બનાવવામાં એબેએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
મોદી દેશના વડા પ્રધાન બન્યા ત્યારે તેમની 'ટૉપ-5' વિદેશયાત્રાઓમાં જાપાનનો સમાવેશ થતો હતો. આ પછી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બન્યા હતા.
એબેની નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતની મુલાકાત તથા મોદીના મતવિસ્તાર વારાણસીની યાત્રા દરમિયાન વિશ્વ તથા મીડિયાએ બંને રાજનેતાઓની નિકટતા જોઈ હતી.
મોદી તથા એબેની નિકટતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મે-2014માં દેશના વડા પ્રધાન બન્યા હતા. એ પછી ભૂતાન, નેપાળ અને બ્રાઝિલ (બ્રિક્સ) એમ ત્રણ મુખ્ય વિદેશયાત્રા કરી હતી. જોકે, ઉપમહાદ્વીપ સિવાય તેમની પ્રથમ વિદેશયાત્રા જાપાનની રહી હતી.
મોદીને આવકારતા તત્કાલીન વડા પ્રધાન શિન્ઝો એબેએ ટ્વિટર પર લખ્યું, "મારા હૃદયમાં ભારતનું વિશેષ સ્થાન છે. આ વિકઍન્ડમાં ક્યોટો ખાતે તમારા આગમનની હું આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું."
મોદીની એ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે અણુઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગ, સુરક્ષા, સ્માર્ટ સિટી અને માળખાકીય સુવિધા વિશે ચર્ચા થઈ. તેમની આ મુલાકાત દરમિયાન જ અમદાવાદ-મુંબઈ વચ્ચેના બુલેટટ્રેન પ્રોજેક્ટનો પાયો નખાયો. આ સિવાય JICAના (જાપાન ઇન્ટરનેશનલ કૉર્પોરેશન એજન્સી) માધ્યમથી દેશના અનેક માળખાકીય સુવિધાના પ્રોજેક્ટ માટે જાપાને લાંબી મુદ્દતની ઓછા વ્યાજદરવાળી લૉનોની જાહેરાત કરી હતી.
મોદીની વડા પ્રધાન તરીકે એ પ્રથમ જાપાનયાત્રા હતી. જોકે એ પહેલાં તેઓ ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે અમુક વખત જાપાનની મુલાકાત લઈ ચૂક્યા હતા, એટલે બંને રાજનેતા એકબીજા માટે અજાણ ન હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ સંબંધોને યાદ કરતાં મોદીએ ટ્વીટ કર્યું, "એબે સાથે મારા સંબંધ વર્ષો જૂના છે. હું ગુજરાતનો મુખ્ય મંત્રી હતો, ત્યારે તેમનો સંસર્ગ થયો હતો. હું વડા પ્રધાન બન્યો તે પછી પણ મિત્રતા યથાવત્ રહેવા પામી હતી. વૈશ્વિક બાબતો તથા અર્થશાસ્ત્ર વિશેની તેમની સમજે મારા માનસ પર તેમની ઊંડી છાપ ઊભી કરી હતી."
ઑગસ્ટ-2020માં એબેએ આરોગ્યનાં કારણોસર રાજીનામું આપી દીધું હતું. જાપાન-ઇન્ડિયા ઍસોસિયેશનના વડા પણ હતા. ચાલુ વર્ષે મે મહિનામાં નરેન્દ્ર મોદી જાપાન ગયા હતા, ત્યારે તેમની અને એબેની મુલાકાત થઈ હતી.
મોદીએ એ મુલાકાતને યાદ કરતાં લખ્યું, "મને ખબર ન હતી કે એ અમારી છેલ્લી મુલાકાત હશે."
એ મુલાકાતનાં લગભગ સવા વર્ષ બાદ શિન્ઝો એબે ભારતની યાત્રાએ આવ્યા હતા. ત્યારે ટેકનૉલૉજી, શિક્ષણ, અસૈન્ય અણુસહકાર જેવા મુદ્દે બંને દેશો વચ્ચે વાટાઘાટો થઈ હતી.
મોદી તેમને પોતાના મતવિસ્તાર વારાણસી લઈ ગયા હતા. જ્યાં એબેએ દશાશ્વમેઘ ઘાટ ખાતે ગંગા આરતીમાં ભાગ લીધો હતો.
જાન્યુઆરી-2021માં મોદી સરકાર દ્વારા બંને દેશો વચ્ચેના સંબંધને મજબૂત કરવા બદલ એબેને દેશનો બીજા ક્રમાંકનો નાગરિક પુરસ્કાર 'પદ્મવિભૂષણ' આપવાની જાહેરાત કરી હતી.
અમદાવાદમાં આગમન
મોદીની ત્રણ દિવસની જાપાનયાત્રાનાં ત્રણ વર્ષ બાદ સપ્ટેમ્બર-2017માં એબે અને તેમનાં પત્ની ભારતયાત્રાએ આવ્યાં હતાં અને તેમણે સીધું ગુજરાતમાં જ ઉતરાણ કર્યું હતું.
પ્રોટોકોલને નેવે મૂકીને વડા પ્રધાન મોદી એબે દંપતીને આવકારવા સરદાર પટેલ ઍરપૉર્ટ પહોંચી ગયા હતા. અને શિન્ઝો એબે વિમાનમાંથી ઊતરીને મોદીને ભેટી પડ્યા હતા.
અમદાવાદના ઍરપૉર્ટથી ખુલ્લી જિપમાં રોડશોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્લૂ રંગનું જવાહર જાકિટ પહેરીને એબે તથા મરુન રંગનો પંજાબી ડ્રેસ પહેરીને તેમનાં પત્ની એકી એબે જોડાયાં હતાં.
ત્રણેય મહાનુભાવોએ સાબરમતી નદીના કિનારે થોડો સમય ગાળ્યો હતો. આ સિવાય ગાંધીઆશ્રમની પણ મુલાકાત લીધી હતી. જ્યાં એબે દંપતીએ ગાંધીજીને પુષ્પાર્પણ કર્યાં હતાં તથા સૂતરની આંટી ચઢાવી હતી. અહીં મોદીએ તેમને ગાંધીજીના ત્રણ વાનરો અને તેનું મહત્ત્વ સમજાવ્યું હતું. એબે દંપતીએ સીદી સૈયદની જાળીની પણ મુલાકાત લીધી હતી.
આ યાત્રા દરમિયાન બંને નેતાઓએ લગભગ 12 અબજ ડૉલરના અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યુ હતું. લગભગ એક લાખ કરોડના આ પ્રોજેક્ટ માટે જાપાને ઉદાર શરતે લાંબાગાળાની લૉન આપી છે.
ડિસેમ્બર-2017માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત હતી, ત્યારે રોડશો તથા વિદેશી મહેમાનોની અમદાવાદ મુલાકાતમાં રહેલા રાજકીય નિહિતાર્થ રાજકીય વિશ્લેષકોની નજરથી બચ્યા ન હતા.
ગુજરાતના ખેડૂતોએ એબેને પત્ર લખીને માગ કરી હતી કે અમદાવાદ-મુંબઈ પ્રોજેક્ટને માટે આર્થિક સહાય ન આપે, અન્યથા તેમની ખેતીલાયક જમીનો છિનવાઈ જશે. આગળ જતાં હાઈકોર્ટે પ્રોજેક્ટ સામેની જાહેરહિતની અરજી ફગાવી દીધી હતી
કૉંગ્રેસે એબેને દિલ્હીના બદલે અમદાવાદના મહેમાન બનાવવા ઉપર સવાલ ઉઠાવ્યા હતા અને તેને અતાર્કિક ઠેરવ્યા હતા. પાર્ટીના પ્રવક્તા મનીષ તિવારીએ દાવો કર્યો હતો કે બંને દેશ વચ્ચેના મજબૂત સંબંધોનો પાયો યુપીએ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહના કાર્યકાળ દરમિયાન નખાયો હતો.
એબે, ભારત અને વિકાસ
મોદી દેશના વડા પ્રધાન બન્યા, તે વર્ષે એબે જ ગણતંત્ર દિવસની પરેડના મુખ્ય અતિથિ હતા.
મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા, ત્યારે 2002નાં રમખાણો પછી આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતને રોકાણ માટેના આકર્ષક કેન્દ્ર તરીકે રજૂ કરવા માટે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.
હાલ દિલ્હીમાં માસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ પ્રોજેક્ટ, હૈદરાબાદના આઉટર રિંગ, વિશાખાપટ્ટનમ પૉર્ટનો વિસ્તાર, ડેડિકેટેડ ફ્રૅઇટ કૉરિડૉર પ્રોજેક્ટ, રાજસ્થાન માઇનૉર ઇરિગેશન પ્રોજેક્ટ, ચિલ્કા સરોવર પ્રોજેક્ટ, હુસૈન સાગર સંરક્ષણ પ્રોજેક્ટ જેવા અનેક પ્રોજેક્ટ જાપાનીઝ સરકારના સહકારથી ચાલી રહ્યા છે. જેમાંથી અનેક પ્રોજેક્ટમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે એબે સંકળાયેલા હતા.
દિલ્હી અને ચેન્નઈના મેટ્રો પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે પણ જાપાન ભારતને ઉદાર શરતો ઉપર આર્થિક સહાય કરી છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો