વિધાનસભા ચૂંટણી: ગુજરાતમાં 'કથા'નું રાજકારણ, શું ચૂંટણી આવતી હોવાથી ભાજપ નેતાઓ સપ્તાહનું આયોજન કરે છે?

જામકંડોરણામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા

ઇમેજ સ્રોત, @ijayeshradadiya

ઇમેજ કૅપ્શન, જામકંડોરણામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા
    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા
  • ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી હજુ નક્કી નથી થઈ પણ રાજકીય પક્ષો પોતપોતાની રીતે પ્રચારમાં લાગી ગયા છે.
  • વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ પણ સમયાંતરે ગુજરાતની મુલાકાત લેતા રહે છે.
  • સ્થાનિક સ્તરે પણ ચૂંટણીનો માહોલ ધીમેધીમે જામી રહ્યો છે અને નરેશ પટેલના રાજકારણ અને હાર્દિક પટેલના ભાજપપ્રવેશ પર પણ ચર્ચા થવા લાગી છે.

એક અઠવાડિયાની ભાગવત સપ્તાહ બેસાડવી કે રામાયણનું આયોજન કરવું એનો ગુજરાતમાં ખૂબ મહિમા છે. જેમાં સપરિવાર કે ઘરના વડીલો અને મહિલાઓ કથાશ્રવણ કરવા જતાં હોય છે. સપ્તાહ દરમિયાન ધુમાડાબંધ ભોજન હોય છે.

ગૌશાળા બાંધવી, વૃક્ષો વાવવાથી લઈને તળાવો ઊંડાં કરવાના ઉમદા હેતુ સાથે પણ કથાઓ યોજાતી રહે છે. હાલના મહિનાઓમાં ભાજપના ટોચના ધારાસભ્યો અને સાંસદોએ કથાસપ્તાહનું આયોજન કર્યું હતું. જેની પાછળનું એક નિરીક્ષણ એવું છે કે ચૂંટણી નજીક હોવાથી મતદારોને કથાથી રીઝવવાનો પ્રયાસ પણ હોઈ શકે છે. નેતાઓ પોતાના મતક્ષેત્રોમાં કથા સપ્તાહો પણ યોજે છે.

રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં 24થી 29 મે દરમ્યાન ધારાસભ્ય તેમજ પૂર્વ અન્ન અને નાગરિક પુરવઠામંત્રી જયેશ રાદડિયાએ પણ સપ્તાહનું આયોજન કર્યું હતું.

ગાયોના સંરક્ષણ માટે એ સપ્તાહનું આયોજન થયું હતું. જયેશ રાદડિયાના સ્વર્ગસ્થ ભાઈ કલ્પેશની સ્મૃતિમાં કલ્પેશકુમાર વિઠ્ઠલભાઈ રાદડિયા ગૌવંશ પાંજરાપોળ અને ગૌશાળા સંસ્થા છે, એનું ભંડોળ ભેગું કરવા સપ્તાહ યોજાઈ હતી.

એ સપ્તાહ નિમિત્તે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, જામનગર સાંસદ પૂનમ માડમ, પોરબંદર સાંસદ રમેશ ધડુક, રાજકોટ સાંસદ મોહન કુંડારિયા, કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ વગેરે હાજર રહ્યાં હતાં.

જામનગરના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ (જેઓ હકુભાના નામથી વધુ ઓળખાય છે) 1 મેના રોજ ભાગવત સપ્તાહ યોજી હતી. શ્રી ભાગ્યલક્ષ્મી ઍજ્યુકેશન ઍન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ (જેના મુખિયા હકુભા છે) દ્વારા આ સપ્તાહનું આયોજન થયું હતું.

રમેશભાઈ ઓઝા એ સપ્તાહમાં વ્યાસપીઠ પર હતા. એ સપ્તાહ માટે જે પોથીયાત્રા યોજાઈ હતી એમાં ભૂતપૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આર. સી. ફળદુ, જયેશ રાદડિયા અને ભાજપના નેતા અલ્પેશ ઠાકોર હાજર રહ્યા હતા.

એવી જ રીતે પોરબંદર સાંસદ રમેશ ધડુકે રાજકોટના ઉપલેટામાં દાસીજીવણ સત્સંગ મંડળ સાથે એક સપ્તાહનું આયોજન કર્યું હતું.

ચૂંટણી નજીક આવતાં આવાં સપ્તાહોનું પ્રમાણ વધી ગયું છે અને તેને ચૂંટણી સંલગ્ન પણ જોવામાં આવે છે.

line

ધર્મ અને રાજકારણ

ભાગવત સપ્તાહ

ઇમેજ સ્રોત, @ijayeshradadiya

કૉંગ્રેસ એમ માને છે કે સરકાર પાસે જનતાને બતાવવા જેવું કંઈ છે નહીં. તેથી કથાસપ્તાહ દ્વારા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ પ્રવક્તા મનીષ દોશીએ બીબીસીને જણાવ્યું હતું કે, "ભાજપ માટે સત્તા મેળવવાની રેસિપી એ છે કે ધર્મના નામે લોકોને ભેગા કરવા. કથા માધ્યમ છે. ધર્મના ઓથા હેઠળ જનતાને ભેગી કરે. લોકો ભેગા થાય અને ભાજપ તેમનું કામ કરી જાય. હજારો લોકો વચ્ચે આભા ઊભી કરવાનો પ્રયત્ન થાય અને એના ફાયદા પણ થતા હોય છે."

"આ એક રાજકીય રણનીતિના ભાગરૂપે જ વિવિધ કથાસપ્તાહના આયોજનો થઈ રહ્યા છે. બેરોજગારીથી લઈને મોંઘવારી સુધી લોકોનો ખૂબ આક્રોશ છે. લોકોના આક્રોશનો સીધો સામનો ન કરવો પડે એટલે ભાજપના નેતાઓ કથાના માધ્યમથી જનસંપર્ક કરે છે."

તેઓ કહે છે કે ખરેખર તો તેમણે પ્રજા માટે કામ કર્યું હોય તો સીધું પ્રજા વચ્ચે જવું જોઈએ. સીધા જઈ શકે એમ નથી તેથી કથાના માધ્યમથી લોકો વચ્ચે જાય છે."

કૉંગ્રેસના આ વલણને ભાજપ વખોડે છે. રાજકોટસ્થિત ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ બીબીસીને કહે છે કે, "કૉંગ્રેસ દંભી સેક્યુલરવાદમાં માને છે. કૉંગ્રેસના ટોચના નેતા એના હાઇકમાન્ડથી ડરે છે. તેમને એમ લાગે છે કે હાઇકમાન્ડ તેમને હિન્દુત્વવાદી ન માની લે તેથી આવાં આયોજનો કરતા નથી."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

"હકુભા, જયેશ રાદડિયા હોય કે રમેશ ધડુક- તેમની પોતાની લોકપ્રિયતા એટલી છે કે તેમણે જનાધાર મેળવવા કોઈ કથા કરાવવાની જરૂર નથી. કથા કે સપ્તાહ તો તેમના હૃદયનો ભાવ છે. જયેશભાઈએ તો ગાયોના સંવર્ધન માટે કથા કરી છે. હકુભા ખૂબ ધાર્મિક વ્યક્તિ છે. તેમની વ્યક્તિગત લોકપ્રિયતા એવી છે કે અપક્ષ તરીકે પણ ચૂંટાઈ શકે."

તેઓ કહે છે કે "રમેશ ધડુક ઉત્સવપ્રિય માણસ છે. તેઓ અવારનવાર સપ્તાહ બેસાડે છે. 2020-21માં તેમણે રાજકોટમાં સપ્તાહ બેસાડી હતી. ત્યારે તો ચૂંટણી પણ નહોતી."

ભારતમાં ધર્મનો સહારો રાજકીય પક્ષોએ લેવો જ પડે છે પછી એ કૉંગ્રેસ હોય કે ભાજપ એવું અમદાવાદસ્થિત વરિષ્ઠ પત્રકાર ધીમંત પુરોહિત માને છે.

તેઓ બીબીસીને કહે છે કે, "ભાજપના મંદિર રાજકારણ પછી કોઈ પણ પાર્ટીએ મને કમને ધરમનો સહારો લેવો જ પડે છે. રાહુલ ગાંધી આડે દિવસે ભલે ન જતા હોય પણ ચૂંટણી પહેલાં સોમનાથ મંદિરમાં જરૂર જાય છે. દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરિવાલ પણ હનુમાનચાલીસા બોલવા મજબૂર થાય છે."

જોકે, કથા કે સપ્તાહો ચૂંટણીનું વર્ષ છે એને લીધે યોજી હોવાની વાત હકુભા, જયેશ રાદડિયા અને રમેશ ધડુકે ફગાવી હતી.

line

'ચૂંટણીને વાર છે, હાલની કથાને લોકો ચૂંટણી સુધી ભૂલી પણ જાય'

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

ચૂંટણીને હજી ડિસેમ્બર સુધીની વાર છે તેથી રાજકીય વોટબૅન્ક માટે અત્યારે કથાનું આયોજન ન હોય, આવું રાજકોટસ્થિત વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય માને છે.

તેઓ બીબીસીને કહે છે કે, "અત્યારની કથા તો ચૂંટણી સુધી લોકો ભૂલી જાય. હાલની કથા કે સપ્તાહ એ ચૂંટણી માટેનું કોઈ મોટું ફૅક્ટર નથી."

સાથે તેઓ એમ પણ કહે છે કે, "એટલું ખરું કે આનાથી રાજકીય ગૂડવીલ ઊભી થઈ શકે. પણ હાલની કથાસપ્તાહો ચૂંટણી માટે હોય એવું માનવાને કારણ નથી."

ધીમંત પુરોહિત કહે છે કે, "કથા તો સામાન્ય બાબત છે અને એનાથી કોઈને કંઈ નુકસાન પણ નથી. કથા એ પારરંપરિક માધ્યમ છે. જ્યાં હજારોથી માંડીને લાખો લોકો એકઠા થતા હોય છે. એમનો લાભ લેવા રાજકીય નેતાઓના મોંમાં લડ્ડુ ફૂટે તે સ્વાભાવિક છે."

જગદીશ આચાર્યનો મત થોડો અલગ છે. તેઓ કહે છે કે, "કથામાં ચારથી પાંચ હજાર લોકો આવે છે. જો પચીસ-ત્રીસ હજાર લોકો આવતા હોય તો કંઈક ચૂંટણીમાં ફરક પડી શકે. બીજું કે જે લોકો કથા સાંભળવા આવે છે એ કથાકારો કોણ છે એ જોઈને આવે છે. કોણે કથા બેસાડી છે એ જોઈને નથી આવતા."

આની સામે ધીમંત પુરોહિતની દલીલ છે કે, "હાલના જેટલા પણ કથાકારો છે તેઓ બિનરાજકીય નથી. તેમનાં આર્થિક અને રાજકીય હિતો પણ હોય છે."

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો