You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતની ટી-20 અને ટેસ્ટ ટીમનું એલાન: ઉમરાન મલિક સામેલ અને રોહિત શર્મા, વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજાને આરામ - પ્રેસ રિવ્યૂ
દક્ષિણ આફ્રિકા સામે આગામી મહિને ભારતમાં રમાનારા પાંચ ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચ માટે 18 સભ્યોની ભારતીય ટીમનું એલાન કરવામાં આવ્યું છે.
ટી-20 મૅચના કૅપ્ટન કેએલ રાહુલ હશે, જ્યારે રિષભ પંત વાઇસ કૅપ્ટન હશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓને ટી-20માં સ્થાન અપાયું નથી.
તો આઈપીએલમાં ઘાતક બૉલિંગથી ચર્ચામાં રહેલા જમ્મુના ઉમરાન મલિકને પહેલી વાર ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. તેમને ટી-20 મૅચમાં સામેલ કરાયા છે.
ટી-20 મૅચમાં સિનિયર ખેલાડીઓને આરામ અપાયો છે. ટીમમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ જેવા ખેલાડીઓનો સમાવેશ કરાયો નથી.
પંજાબ: બોરવેલમાં પડેલા બાળકનું મોત, 8 કલાક ચાલ્યું બચાવ અભિયાન
પંજાબના હોશિયારપુર જિલ્લાના ગઢદીવાલામાં બોરવેલમાં પડેલા 6 વર્ષીય ઋતિકનું મોત થયું છે. હોશિયારપુરના સિવિલ હૉસ્પિટલના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.
રાજ્યના કૅબિનેટમંત્રી બ્રહ્મશંકર જિપ્પાએ બાળકના મોતની પુષ્ટિ કરી છે. તેમણે પીડિત પરિવારને મુખ્ય મંત્રી રાહતકોષમાંથી બે લાખ રૂપિયાની સહાયનું એલાન કર્યું છે.
તેમણે કહ્યું કે મુખ્ય મંત્રી ભગવંત માને પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
બાળકને બચાવવા માટે અંદાજે આઠ કલાક અભિયાન ચાલ્યું હતું. એનડીઆરએફની ટીમે ઋતિકને બે વાર બોરવેલમાંથી કાઢવાની કોશિશ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાદમાં ફતેહવીરને બોરવેલમાંથી બહાર કાઢનારા ગુરવિંદરને બોલાવ્યા હતા. તેમણે ઋતિકને પણ બોરવેલમાંથી બહાર કાઢ્યો હતો.
ગુરવિંદરે દાવો કર્યો હતો કે તેમણે અગાઉ જ કહ્યું હતું કે "મને પ્રયત્ન કરવા દો, પણ મને તક આપવામાં ન આવી. પછી જ્યારે એનડીઆરએફના બે પ્રયત્નો નિષ્ફળ ગયા ત્યારે મને સમય આપ્યો."
જાણકારી પ્રમાણે, રવિવારે સવારે અંદાજે 11 વાગ્યે છ વર્ષનો બાળક ઊંડા બોરવેલમાં પડી ગયો હતો. બોરવેલમાં ઓક્સિજન પહોંચાડવા માટે ઘટનાસ્થળે ઓક્સિજન સિલિન્ડર પણ મોકલાયો હતો.
જાણવા મળ્યું છે કે બાળકના પિતા એક મજૂર છે અને તેઓ 2004થી અહીં રહેતા હતા. પરિવાર ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાનો વતની છે.
કોરોનાની ઝપેટમાં આવેલા ઉત્તર કોરિયાની મદદ માટે અમેરિકાએ ઑફર કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે ઉત્તર કોરિયામાં કોરોનાના સંક્રમણને જોતાં અમેરિકા તરફથી ઉત્તર કોરિયાને વૅક્સિનનો પ્રસ્તાવ અપાયો છે. જોકે, ઉત્તર કોરિયાએ હજુ સુધી આનો કોઈ જવાબ આપ્યો નથી.
ઉત્તર કોરિયાએ પ્રથમ વખત આધિકારિક રીતે પોતાને ત્યાં કોરોનાનું સંક્રમણ ફેલાયું હોવાની પુષ્ટિ કરી છે.
ઉત્તર કોરિયાના સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર દેશમાં 25 લાખ લોકો 'તાવ'ની ઝપેટમાં આવી ગયા છે અને રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે ઉત્તર કોરિયામાં સ્થિતિ ભારે ગંભીર છે અને દેશમાં બહુ ઓછા પ્રમાણમાં પરીક્ષણો થઈ રહ્યાં છે. રસીની ઉપલબ્ધતા પણ બહુ ઓછી છે.
આ દરમિયાન જો બાઇડને દક્ષિણ કોરિયાની મુલાકાત વખતે સંબંધિત વાત કરી છે.
બાઇડને એવું પણ કહ્યું છે કે જો ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન વાર્તા માટે ગંભીરતા દાખવે તો તેઓ તેમને મળવા માટે તૈયાર છે.
નોંધનીય છે કે રાષ્ટ્રપતિ બાઇડન પહેલાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરિયાના કોઈ પણ શાસકને મળનારા પ્રથમ રાષ્ટ્રપતિ હતા.
કલોલ GIDCની ફાર્મા કંપનીમાં આગ, દસ ફાયર ફાઇટર ઘટનાસ્થળે
ગાંધીનગર જિલ્લાના કલોલની એક જીઆઈડીસીની એક ફાર્મા કંપનીમાં આગ લાગવાની ઘટના ઘટી છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર હાલમાં ફાયર બ્રિગેડનાં દસ વાહનો ઘટનાસ્થળે હાજર છે અને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
ગાંધીનગર ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર આગ લાગી એ વખતે કંપનીના પરિસરમાં કોઈ કામદાર હાજર નહોતા.
જોકે, આ અંગેની પુષ્ટિ આગ પર કાબૂ મેળવી લીધા બાદ જ કરાશે, એવું પણ તેમણે જણાવ્યું છે.
ડૉમિનિકાએ બૅન્ક કૌભાંડના આરોપી મેહુલ ચોકસી વિરુદ્ધનો કેસ ફગાવ્યો
પંજાબ નેશનલ બૅન્કના છેતરપિંડીના કેસમાં ભાગેડુ સુરતના મેહુલ ચોકસી એન્ટિગુઆ અને બાર્બુડાના નાગરિક છે અને તેમની ઉપર ડૉમિનિકામાં ગેરકાયદે પ્રવેશનો આરોપ હતો.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, શનિવારે મેહુલ ચોકસીના પ્રવક્તાના નિવેદન અનુસાર, ડોમિનિકાએ 2021માં ગેરકાયદે પ્રવેશ માટે તેમની સામેના તમામ આરોપો રદ કર્યા છે.
મેહુલ ચોકસીએ દાવો કર્યો હતો કે તેનું કથિત રીતે ભારતીય એજન્ટો દ્વારા એન્ટીગુઆ અને બાર્બુડાથી અપહરણ કરવામાં આવ્યું હતું અને બળજબરીથી એક યૉટમાં ડૉમિનિકા લઈ જવામાં આવ્યા હતા.
ડોમિનિકા એ કૅરેબિયન ટાપુ સમૂહમાં એન્ટિગુઆ અને બાર્બુડાની દક્ષિણે આવેલો એક ટાપુ દેશ છે.
ચોકસીનો દાવો હતો કે તેઓ હવે ભારતીય નાગરિક નથી અને હાલના કાયદાઓ હેઠળ તેમને ભારત પરત મોકલી શકાશે નહીં.
ગયા વર્ષે 24 મેના રોજ ડૉમિનિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, તેમને જુલાઈમાં તબીબી આધાર પર જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ એન્ટિગુઆ અને બાર્બુડા પાછા ફર્યા છે.
જાન્યુઆરી 2018માં ભારતીય એજન્સીઓને થાપ આપીને ભાગી ગયેલા મેહુલ ચોકસી ત્યારથી અહીં જ રહે છે. ભારતીય એજન્સીઓ હવે તેને પરત મેળવવા માટે એન્ટિગુઆ કોર્ટમાં પ્રત્યાર્પણની કાર્યવાહી કરી રહી છે.
ઝાયડસ લાઇફસાયન્સના નફામાં 110 ટકાનો વધારો નોંધાયો
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, ગુજરાતની ફાર્મા કંપની ઝાયડસ લાઇફ સાયન્સ લિમિટેડના નાણાકીય વર્ષ 2021-22માં નફામાં 110 ટકા વધારો થયો છે.
નાણાકીય વર્ષ 2020-21ના વર્ષમાં કંપનીનો ચોખ્ખો નફો 2,133 કરોડ રૂપિયા હતો જે 2021-22ના વર્ષમાં વધીને 4,487 કરોડ રૂપિયા નોંધાયો છે.
આ દવા બનાવતી કંપનીએ ચોથા ક્વાર્ટરમાં તેના એકીકૃત ચોખ્ખા નફામાં 41.4% નો ઘટાડો નોંધાવ્યો હતો.
31 માર્ચે પુરા થતાં ચોથા ક્વાર્ટરમાં કંપનીનો નફો 397.4 કરોડ રૂપિયા નોંધાયો હતો જે ગત વર્ષે આ સમયગાળા માટે 679 કરોડ રૂપિયા નોંધાયો હતો. જોકે કંપનીએ આની પાછળ ભારે ખર્ચ અને એક જ વખતની ઇન્વેન્ટરી સંબંધિત જોગવાઈઓને કારણ ગણાવ્યું છે.
ઝાયડસ લાઇફ સાયન્સ લિમિટેડના બોર્ડે 750 કરોડ રૂપિયાના મૂલ્યના ઇક્વિટી શૅરની બાયબેકની ભલામણને મંજૂરી આપી દીધી છે. બોર્ડે 250 ટકાના ડિવિડન્ડની પણ ભલામણ કરી છે.
નોંધનીય છે કે કોરોનાકાળમાં ઝાયડસ કૅડિલા દ્વારા વિકસાવાયેલી કોરોના વાઇરસની રસી ઝાયકોવ-ડી (ZyCoV-D)ને ભારત સરકારે કોરોનાની સારવાર માટે મંજૂરી આપી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો