રેશમા પટેલનો હાર્દિક પટેલને પત્ર : 'ભાજપને પાડી દેવાની પ્રતીજ્ઞા લીધી હતી એ યાદ રાખજો'

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

પાટીદાર આંદોલનનો મહિલા ચહેરો અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષના ગુજરાત પ્રદેશની મહિલા પાંખનાં પ્રમુખ રેશમા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયાં છે.

આપના રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાએ રેશમાને આપની ટોપી અને ખેસ પહેરાવી પાર્ટીમાં વિધિવત્ સામેલ કર્યાં હતાં.

આપમાં જોડાતી વખતે રેશમા પટેલે કહ્યું હતું કે "આમ આદમી પાર્ટી સામાન્ય માણસની વેદના સમજે છે અને એટલે તેઓ આપમાં જોડાઈ રહ્યાં છે."

તો રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે " રેશમા પટેલ એક મજબૂત નેતાનું નામ છે અને પક્ષમાં જોડાવાથી સગ્રમ ગુજરાતમાં આપ મજબૂત થશે."

રેશમા પટેલ એક સમયે ભાજપમાં જોડાયાં હતાં અને બાદ પાર્ટી છોડી દીધી હતી.

તો આંદોલન સમયના તેમના સાથી હાર્દિક પટેલ જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે રેશમાએ તેમને કેટલીક સલાહ પણ આપી હતી. તેમણે અગાઉ લખેલા પત્રમાં પોતાનો અનુભવ વર્ણવ્યો હતો.

પોતાને સંઘર્ષના સાથી અને મોટી બહેન ગણાવતા તેમણે પત્રમાં લખ્યું હતું કે હું અમારા ભાજપ સાથેના કડવા અનુભવથી તમને સાવચેત કરવા માગું છું.

તેમણે આગળ લખ્યું છે કે "તમે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું એ વાતનું દુઃખ ખૂબ જ થયું પણ, વધારે દુઃખ એ છે કે તમે શ્રી સોનિયા ગાંધીને લખેલા પત્રમાં અને તમારી ભાષામાં ભાજપના દંભી કાર્યનાં ભરપૂર વખાણ કર્યાં છે. હાર્દિકભાઈ તમે તો ભાજપની છઠ્ઠી જાણો જ છો અને ભાજપનાં ખોટાં કાર્યોને આપણે તો જાહેરમાં ખુલ્લાં પાડ્યાં છે, ભાજપને લીધે આપણા ભાઈઓએ જીવ ગુમાવ્યા છે."

ભાજપનાં વખાણ અંગે કટાક્ષ કરતા લખ્યું કે, "અમે ભાજપમાં જોડાયાં ત્યારે તમને તો ખૂબ જ ખોટું લાગ્યું હતું અને તમે તો વાકબાણથી અમારા ઉપર ખૂબ જ પ્રહાર કર્યા હતા. આજે એ જ ભાજપ છે ભાઈ, તો એ ભાજપનાં વખાણ કયાં મોઢે કરો છો?

'ભાઈ જીવનમાં દરેક અનુભવ જાતે ન કરવાના હોય...'

તેમણે ભાજપમાં પોતાના અનુભવ અંગે લખ્યું કે, "હું તમને સલાહ એટલે આપું છું કે અમે આ ભ્રષ્ટ-જુઠ્ઠી ભાજપમાં આંટો મારીને પાછા આવ્યા છીએ, અમને પણ 2017માં સરકાર અને સમાજની મિટિંગ પછી સમાજની માગણીઓ પૂરી કરશું એવું કહીને ભાજપ પગ પકડીને આજીજી કરીને લઈ ગયો હતો, પણ હજુ સુધી એ માગણીઓ તો બાકી જ છે એનું શું કરીશું?"

"માગણીઓની લેખિતમાં ફાઈલ મેં ખુદ મારા હાથે જ ભાજપ સરકારને સોંપેલી છે. શહીદ ભાઈઓના પરિવારને ભાજપ સરકાર સાથે મુલાકાતો કરાવેલી છે. બીજા ઘણા લોકોએ રજૂઆત કરેલી છે છતાં પણ આજ માગણીઓ અધૂરી છે એ યાદ અપાવું છું."

"આવા ખોટા, ઢોંગી અને દંભી ભાજપના કડવા અનુભવના કારણે મારા ભાઈ તમને સલાહ આપીશ કે જીવનમાં દરેક અનુભવ જાતે ના કરવાના હોય, બીજાના અનુભવ પરથી શીખ લેવાની હોય એટલા માટે ભાજપના કડવા અનુભવ મેં તમને જણાવ્યા છે."

ભાજપે હાર્દિકને શું કહ્યું હતું તેની પણ યાદ અપાવતા લખ્યું હતું કે ભાજપે તમને જાતિવાદી, દેશદ્રોહી, ખરતો તારો કીધું હતું એ યાદ રાખજો અને ભાજપને પાડી દેવાની જે પ્રતિજ્ઞા લીધી હતી એના ઉપર તમે કાયમ રહેશો.

અંતમાં તેમણે લખ્યું કે તમારા પત્રમાં અને તમારી ભાષામાં ભાજપ માટેની પ્રીત છલકાઈ રહી છે, પણ ભાજપની બેવફાઈ યાદ રાખજો અને અમારા અનુભવમાંથી શીખ લેજો.

'તેમણે પોતાની કારકિર્દીનું બાળમરણ કર્યું'

આ પહેલા રેશમા પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કૉંગ્રેસે કોઈ યુવાનને નહીં આપ્યું હોય એટલું એટલું બધું માન-સન્માન આપ્યું છતાં આટલો અસંતોષ વ્યક્ત કરી રાજીનામું આપ્યું, તો મારું તો એમ કહેવું છે કે તેમણે પોતાની કારકિર્દીનું બાળમરણ કર્યું છે.

તેમણે ઉમેર્યું, 'હું માનું છું કે ભાજપમાં જવાનો રસ્તો પણ બાળમરણ જેવો છે અને વગર પાર્ટીએ સંગઠનમાં કામ કરશે તો પણ રાજકીય કારકિર્દી નહીં રહે.'

હાર્દિકની પાર્ટીમાં ઉપેક્ષા થતી હોવાની દલીલને નકારતા તેમણે કહ્યું હતું, "પાર્ટીમાં જોડાયાને 4-5 વર્ષ થયાં, ચૂંટણીઓ અને પેટા-ચૂંટણીઓ ગઈ અને હવે માથે ચૂંટણી આવી છે ત્યારે આક્રમકતાથી લડવાની જરૂર છે ત્યારે હાર્દિક એમ કહે કે મને કામ કરવું છે એટલે હું પદ પરથી રાજીનામું આપું છું, આ વાત ગળે ઊતરે એવી નથી."

ભાજપની કાર્યપ્રણાલી વિશે તેમણે કહ્યું, "ભાજપ કૉંગ્રેસ પાર્ટીમાંથી ઘણાને લઈ ગઈ. 6 મહિના મંત્રી બનાવ્યા અને પછી પદ પરથી ઉતારી દીધા. તો આનાથી મોટું અપમાન શું હોઈ શકે. હાર્દિક માન-સન્માન અને કાર્યની વાત કરતા હોય તો ભાજપના કાર્યકર્તાને તો એક બયાન આપવાની સ્વતંત્રતા નથી ત્યાં કઈ રીતે કાર્ય કરશે. હાર્દિક આટલું ભાજપમાં રહીને બોલ્યા હોત તો ક્યારનો સસ્પેન્શનનો પત્ર આવી ગયો હોત."

હાર્દિક પટેલના જૂના સાથી અને પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક મનોજ પનારાએ પણ આક્ષેપ કર્યો હતો કે "હાર્દિકે રાજીનામું આપીને ભૂલ કરી છે. જો ભાજપમાં જશે તો એ મહાભયંકર ભૂલ હશે. આ આખી પટકથા ભાજપ અને અમિત શાહના ઇશારે ચાલી રહી છે. જે એક ડિઝાઇન છે તે અમિત શાહ ઘડી રહ્યા છે. ટૂંક સમયમાં તે ભાજપમાં જોડાશે."

'લડ્યા તો બસ, લડ્યા જ કરીએ?'

રાજીનામા બાદ બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે હાર્દિક પટેલ સાથે સવાલ-જવાબો કર્યા હતા. તેમાં પણ હાર્દિકે રાહુલ ગાંધી પર પ્રહારો કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધીને મેં કહ્યું હતું કે રાજ્યનું નેતૃત્વ મારું અપમાન કરી રહ્યું છે. તેઓ કંઈ બોલ્યા નહીં. તે સમયે મારી મદદ કરવી જોઈતી હતી.

તેમણે ઉમેર્યુ હતું કે સાડાં ચાર વર્ષમાં રાહુલ ગાંધી તાજેતરમાં દાહોદમાં પહેલી વાર બધા ધારાસભ્યોને એકસાથે મળ્યા. એનો અર્થ એ કે તેઓ ગુજરાતને મહત્ત્વ નથી આપતા.

ભાજપનાં વખાણ અંગે તેમણે ખુલાસો આપતા કહ્યું હતું કે "સારાં કાર્યોમાં પણ સરકારની આલોચના કરીને માત્ર વિરોધની રાજનીતિ કરવી છે? દેશમાં રામમંદિર મુદ્દે નિવેડો આવે તે જરૂરી હતું તો તે સમયે કૉંગ્રેસે ચુકાદાને આવકારવો જોઈતો હતો. કલમ 370 હટાવાઈ તો તે દેશહિતનો મુદ્દો નહોતો? જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ નીકળે તો તે 100 કરોડ હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલો પ્રશ્ન નથી શું?"

તમને આમંત્રણ આપવામાં આવે તો તમે ભાજપમાં જોડાશો? પ્રશ્નના જવાબમાં હાર્દિકે કહ્યું હતું, "ત્યારની વાત ત્યારે, અત્યારે આમંત્રણ આવ્યું નથી."

જ્યારે તેમને સવાલ કરાયો કે આટલાં વર્ષો સરકારની ટીકા કરી તો હવે તમારા માટે સારો રસ્તો 'આમ આદમી પાર્ટી'નો નહીં ગણાય?

ત્યારે હાર્દિકનો જવાબ હતો, "મેં જે ટીકા કરી તે અંગે સાથે મળીને સમાધાન ન કરી શકાય? એ જરૂરી છે કે એમની સામે લડ્યા તો બસ, લડ્યા જ કરીએ?"

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો