IPLમાં ગુજરાત ટાઇટન્સ દિગ્ગજોને પછાડીને કઈ રીતે છવાઈ ગઈ?
આઇપીએલની હરાજી સમયે ગુજરાત ટાઇટન્સને ઓછી આંકનારા સૌ આજે ખોટા પડી રહ્યા છે અને હાર્દિક પંડ્યાની ટીમ પ્લે ઑફ માટે ક્વૉલિફાઈ થઈ ગઈ છે.

ઇમેજ સ્રોત, BCCI-IPL
ક્રિકેટ એ અનિશ્ચિતતાની રમત છે અને તેમાંય ખાસ કરીને ટી20 ક્રિકેટ તો કાંઈક અલગ જ પ્રકારની રમત છે. તેને આજે ફરી દોહરાવી શકાય તેમ છે અને તે માટે કારણ છે ગુજરાત ટાઇટન્સનું આ સિઝનનું પ્રદર્શન.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ અત્યારે જોર પર છે. દરરોજ નવાં પરિણામો આવી રહ્યાં છે અને તેમાંય મુંબઈ કે ચેન્નાઈ સુપર કિંગ્સ પાસેથી તો હવે ખાસ આશા રાખી શકાય તેમ નથી ત્યારે એક વાત નિશ્ચિત થઈ ગઈ છે અને તે ગુજરાત ટાઇટન્સનો પ્લે ઑફમાં પ્રવેશ.
જે રીતે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સને કોઈ પ્લે ઑફમાં પ્રવેશ અપાવી શકે તેમ નથી તેવી જ રીતે ગુજરાત ટાઇટન્સને કોઈ રોકી શકે તેમ નથી.

હાર્દિક પંડ્યા અને તેની ટીમને નકારનારા ઘણા હતા

ઇમેજ સ્રોત, BCCI-IPL
યાદ કરો, આઇપીએલનો પ્રારંભ થયો ત્યારે હાર્દિક પંડ્યા અને તેની ટીમને નકારનારા ઘણા નિષ્ણાતો હતા. એક તરફ એમ કહેવાતું હતું કે હાર્દિક ખુદ જ ફૉર્મમાં નથી તો તે તેની ટીમને કેવી રીતે પ્રેરણા આપી શકશે.
બીજી તરફ એમ પણ કહેવાતું હતું કે ગુજરાત ટાઇટન્સના માલિકોએ ટીમના ખેલાડીઓની ખરીદીમાં જ એવા લોચા માર્યા છે કે ટીમ આગેકૂચ કરી શકશે નહીં અને ઊંધા માથે પછડાશે.
ખરેખર જોવા જઈએ તો એ વખતે જે ખેલાડીઓને પસંદ કર્યા હતા તે જોતાં ટીમના બંધારણમાં જ ખામી જણાતી હતી. ટીમ પાસે એક કે બે સ્થાન માટે તો કોઈ વિકલ્પ જ ન હતા.
તેવામાં ઇંગ્લૅન્ડના આક્રમક ઓપનર જેસન રોયને ખરીદવામાં આવ્યા હતા જે ટુર્નામેન્ટનો પ્રારંભ થાય તે અગાઉ જ રમવા ના આવ્યા. આ સંજોગોમાં ટીમ પાસેથી કોઈ આશા રાખી શકાય તેમ લાગતું નહોતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પણ આજે સ્થિતિ શું છે? આજે આઇપીએલ 2022ની સિઝનમાં પ્લે ઑફમાં સ્થાન હાંસલ કરનારી ચાર પૈકીની એક ટીમ નક્કી થઈ ગઈ છે અને તે છે ગુજરાત ટાઇટન્સ. અહીં જ ક્રિકેટની અને ટી20 ક્રિકેટમાં સમાયેલી અનિશ્ચિતતા દેખાઈ આવે છે.
ગુજરાત ટાઇટન્સના આ સિઝનના પ્રદર્શનની વાત કરીએ તો શરૂઆત દસમી મેની મૅચથી કરવી પડે. દસમીએ (મંગળવારે) ગુજરાતની ટીમે તેના જેવી જ નવોદિત લખનૌ સુપરજાયન્ટ્સ સામેની મૅચમાં શાનદાર વિજય હાંસલ કર્યો.

144 રનના ટાર્ગેટ સામે હરીફ 82 રન પર ઑલઆઉટ

ઇમેજ સ્રોત, IPL/BCCI
કોઈ ટીમ 144 રન જેવો ટી20નો સામાન્ય કહી શકાય તેવો સ્કોર નોંધાવ્યા બાદ પણ મૅચ જીતી શકે તે હાર્દિક પંડ્યાની ટીમે પુરવાર કરી દીધું.
20 ઓવરમાં માત્ર 144 રન અને તેમાંય શુભમન ગિલના એકલાના 63 રન હોય ત્યારે ક્રિકેટ એક્સપર્ટ સ્વાભાવિકપણે જ હરીફ ટીમને વિજેતા જાહેર કરી દેતા હોય છે પણ લખનૌના જાયન્ટ્સ માત્ર 82 રન કરી શક્યા.
ક્રિકેટપ્રેમીઓને તો ખબર હતી કે ટાઇટન્સ પાસે રશિદ ખાન જેવો વર્લ્ડ સુપરસ્ટાર લેગ સ્પિનર છે પણ વિરામ દરમિયાન કહેવાતા એક્સપર્ટ ભૂલી ગયા હતા અને તેમણે 144 રનના સ્કોરને સામાન્ય તો કહી દીધો પણ રશિદ ખાનને યાદ કર્યા નહીં અને અફઘાનિસ્તાનના આ બૉલર તેમની ચાર ઓવરમાં ચાર વિકેટ ખેરવી ગયા.
રશિદ ખાન અગે કહેવાય છે કે તેઓ તેમની કરિયર પૂરી કરશે ત્યારે તેમના નામે 800થી 1000 ટી20 વિકેટ હશે. કદાચ તેમણે પણ આ ગણતરી શરૂ કરી દીધી છે.
ગુજરાત ટાઇટન્સ માટે આ વિજય પ્લે ઑફમાં પ્રવેશ કરાવનારો રહ્યો હતો તો અગાઉ ટુર્નામેન્ટના પ્રારંભે આ જ લખનૌની ટીમ સામે પાંચ વિકેટનો વિજય ટાઇટન્સના આગમનનાં એંધાણ આપનારો બની રહ્યો હતો.

ટાઇટન્સ પાસે કોઈ સુપરસ્ટાર નથી

ઇમેજ સ્રોત, BCCI/IPL
28મી માર્ચે વાનખેટે સ્ટેડિયમ ખાતે ગુજરાત તેની પ્રથમ મૅચ રમ્યું અને તેમાં લખનૌનો સ્કોર 158 રન રહ્યો હતો. આ સ્કોર ટાઇટન્સે 20મી ઓવરમાં વટાવ્યો પણ ખાસિયત એ રહી કે તેના કોઈ એક બૅટ્સમૅને એકલા હાથે ટીમને વિજય અપાવ્યો નહીં.
ઓપનર શુભમન ગિલ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયા બાદ મેથ્યુ વેડ, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર અને રાહુલ તેવટિયા- આ તમામે ટીમને ટાર્ગેટ સુધી પહોંચાડવામાં પર્યાપ્ત યોગદાન આપ્યું.
બસ, આ જ તો ગુજરાત ટાઇટન્સની ખાસિયત છે. અહીં કોઈ એક ખેલાડી સ્ટાર કે સુપરસ્ટાર નથી.
હાર્દિક પંડ્યા કોઈ એકાદ ખેલાડી પર આધારિત નથી. તેઓ ખુદ ફૉર્મમાં આવી ગયા છે અને જરૂર પડે ત્યારે આક્રમક બેટિંગ કે ઉપયોગી બૉલિંગ કરીને ટીમની સફળતામાં યોગદાન આપતા રહે છે, તો શુભમન ગિલ, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા જેવા બૅટ્સમૅન ટીમને એટલા જ મદદરૂપ થતા રહે છે.
સામાન્ય રીતે એવું બનતું આવ્યું છે કે ક્રિસ ગેઇલ કે વિરાટ કોહલી જેવા બૅટ્સમૅન સિઝનમાં 500-600 રન ફટકારી દે, પરંતુ તેમની ટીમનું પ્રદર્શન સારું હોય નહીં અને અંતે ટીમ બહાર થઈ જાય પણ અહીં વાત અલગ જ છે.
ટાઇટન્સ પાસે એવો કોઈ સુપરસ્ટાર નથી પણ ગિલના 384 રન, ખુદ હાર્દિક પંડ્યાના 344 રન, ડેવિડ મિલરના 332 રન ટીમ માટે પૂરતા થઈ પડ્યા છે. આ ઉપરાંત તેવટિયા, રિદ્ધિમાન સહા, બી.સાઇ. સુદર્શન અને અભિનવ મનોહર જેવા બૅટ્સમૅન છે જેમના રનનો આંક 100ને પાર કરી ચૂક્યો છે પણ આટલું પૂરતું છે.
બૉલિંગમાં પણ કાંઈક આવી જ સ્થિતિ છે જ્યાં ભારતનો અનુભવી બૉલર મોહમ્મદ શમી, રશિદ ખાન અને લકી ફર્ગ્યુસન છે જેમણે દસથી વધુ વિકેટ ખેરવી છે. યશ દયાલ, અલઝારી જોસેફ, હાર્દિક અને પ્રદીપ સાંગવાન જેવા બૉલર તેમની પાછળ છે.

પરાજયમાંથી બહાર આવવાનું સામર્થ્ય

ઇમેજ સ્રોત, IPL/BCCI
ગુજરાત ટાઇટન્સના પ્રદર્શનમાં સાતત્ય સૌથી મોટું જમાપાસું છે. લખનૌને હરાવ્યા બાદ ટીમે સતત મૅચ જીતતા રહીને પોતાની શક્તિનો પરચો તો આપી દીધો હતો.
પહેલી ત્રણ મૅચ જીત્યા બાદ તેનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 11મી એપ્રિલે આઠ વિકેટે કારમો પરાજય થયો ત્યારે પણ ટીકાકારો ફરીથી સળવળ્યા હતા અને હરાજી વખતે ખરીદમાં થયેલી ભૂલોને યાદ કરી હતી પરંતુ ત્યાર બાદ ટાઇટન્સે એક બે નહીં પણ સળંગ પાંચ મૅચ જીતી લીધી.
જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલોર સામેના અફલાતૂન વિજયનો સમાવેશ થતો હતો. જોકે અન્ય તમામ ટીમ સામે હારેલી અને ટુર્નામેન્ટના પ્રારંભથી નવ નવ મૅચ ગુમાવી ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સામે ગુજરાત ટાઇટન્સનો પરાજય થયો હતો.
જોકે આ મૅચ રોમાંચક રહી હતી. મુંબઈના 177 રનના સ્કોર સામે રમતાં ટાઇટન્સે શરૂઆત તો સારી કરી હતી અને તે આસાનીથી મૅચ જીતી જશે તેવા સંજોગો પેદા થયા હતા, કેમ કે ઓપનર સહા અને ગિલે અડધી સદી ફટકારી હતી, પરંતુ હાર્દિક પંડ્યા રનઆઉટ અને સાઈ સુદર્શન હિટ વિકેટ થયા બાદ બાજી પલટાઈ ગઈ અને અંતે ટાઇટન્સને પાંચ રનથી મૅચ ગુમાવવી પડી.
આમ છતાં ટીમના ઓવરઓલ પ્રદર્શન પર આ પરાજયની અસર પડી નહીં અને લખનૌ સામેના 62 રનના વિજય સાથે ટીમની ગાડી પાટા પર ચડી ગઈ.

ગુજરાત લાયન્સ હવે ગુજરાત ટાઇટન્સ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત પાસે અન્ય ટીમ જેવા ઇન્ટરનેશનલ સુપરસ્ટાર નથી. ગેઇલ, પોલાર્ડ કે રસેલ જેવા ઝંઝાવાતી બૅટસમૅન, રોહિત કે કોહલી જેવા ધુરંધર, બુમરાહ કે બોલ્ટ જેવા આધારભૂત ઝડપી બૉલર નથી છતાં ગુજરાત ટાઇટન્સ અત્યારે આઇપીએલમાં છવાઈ ગયું છે અને તેનું કારણ છે તેમની પાસે પરિસ્થિતિને અનુરૂપ થઈને રમી શકે તેવા ખેલાડીઓ અને પ્રતિભા.
કદાચ આ જ કારણે વર્તમાન સિઝનમાં શૂન્ય પર આઉટ થનારા ખેલાડીઓની સંખ્યા પર નજર કરીએ તો ટાઇટન્સના ખેલાડીઓ ઓછા છે.
પ્રતિભાની વાત કરીએ તો જ પ્રદીપ સંગવાનને લગભગ ભુલાવી દેવામાં આવ્યા હતા તે દિલ્હીના આ ભૂતપૂર્વ રણજી બૉલર આ વખતે એક પણ સિક્સર નહીં આપવામાં મોખરે રહ્યા છે.
તેમણે ત્રણ મૅચમાં નવ ઓવર ફેંકી છે પણ એક પણ સિક્સર આપી નથી, તો મક્કમ બેટિંગ કરવા માટે જાણીતા મેથ્યુ વેડ સિક્સર ફટકારવાને બદલે માત્ર ચોગ્ગા પર આધાર રાખી રહ્યા છે.
આઇપીએલમાં અગાઉ ગુજરાત નામની ટીમ રમી હતી અને તે હતી ગુજરાત લાયન્સ. 2016માં આ ટીમે પણ ધૂમ મચાવી હતી અને પ્લે ઑફ માટે ક્વૉલિફાઈ થનારી પ્રથમ ટીમ બની હતી. જે રીતે આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સની ટીમ પ્લે ઑફમાં ક્વૉલિફાઈ થનારી પ્રથમ ટીમ બની છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












