આઈપીએલ 2022 : ગુજરાત ટાઇટન્સની અત્યાર સુધીની સફર કેવી રહી છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
આઈપીએલની ગુજરાત ફ્રેન્ચાઇઝીએ ટીમને 'ગુજરાત ટાઇટન્સ' નામ આપવામાં આવ્યું છે. વડોદરાના હાર્દિક પંડ્યાને ટીમનું સુકાન સોંપ્યું છે, તો ટીમના મુખ્ય કૉચનું પણ ગુજરાત કનેક્શન છે.

ઇમેજ સ્રોત, Getty Images
ઑક્ટોબર-2021માં દુબઈ ખાતે આયોજિત હરાજીમાં સંજીવ ગોયેન્કા જૂથે ગુજરાતની ટીમ માટે રૂપિયા સાત હજાર 90 કરોડની બોલી લગાવી હતી, છતાં આ ટીમ સીવીસી કૅપિટલ પાર્ટનર્સને ગઈ હતી.ગુજરાતસ્થિત ઉદ્યોગ સમૂહ અદાણી, ટૉરેન્ટ ફાર્મા, કોટક ફાર્મા તથા એચટી મીડિયા વૅન્ચર વગેરે મેદાનમાં હતાં, પરંતુ તેઓ સફળ રહ્યાં નહોતાં.
ગુજરાત ટાઇટન્સે બે ભારતીય અને એક વિદેશી એમ કુલ ત્રણ ખેલાડીઓ પસંદ કર્યા છે અને શનિવાર તથા રવિવારે બેંગ્લુરુ ખાતે યોજાનારી હરાજીમાં બાકીના ખેલાડીઓ ખરીદશે.
વર્ષ 2022ની શ્રેણીમાં આઠને બદલે 10 ટીમ રમશે, જેથી મૅચની સંખ્યા અને ફૉર્મેટમાં પણ ફેરફાર થશે સાથે જ ઇન્ડિયન પ્રિમિયર લિગની 15મી આવૃત્તિ 'વીવો આઈપીએલ'ના બદલે 'ટાટા આઈપીએલ' તરીકે ઓળખાશે.
IPLની હરાજી દર વખતની જેમ આ વખત પણ ખૂબ જ રસપ્રદ જણાઈ રહી છે. જેમાં ઘણા ખેલાડીઓને અઢળક પૈસામાં ટીમો ખરીદતી જોવા મળી રહી છે. આવા જ એક ખેલાડી એવા ભારતના સ્ટાર બૉલર મોહમ્મદ શામી માટે પણ ટીમો વચ્ચે હરાજી દરમિયાન રીતસર હોડ જોવા મળી હતી. જેની અંતે તેમને ગુજરાત ટાઇટન્સની ટીમે 6.25 કરોડમાં ખરીદ્યા હતા.
હાલ યોજાયેલ હરાજીની પ્રક્રિયા 13 ફેબ્રુઆરી સુધી ચાલવની છે.
નોંધનીય છે કે સમગ્ર વિશ્વમાંથી આઈપીએલની હરાજીમાં પોતાનું નામ નોંધાવવા માટે 214 ખેલાડીઓની રજી આવી હતી. કુલ નક્કી કરાયેલ 590 ખેલાડીઓ પૈકી 370 ભારતીય છે જ્યારે બાકીના વિદેશી છે.

ગુજરાત ફ્રેન્ચાઇઝી અને 'ટાઇટન્સ'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
સીવીસી કૅપિટલના પાર્ટનર સિદ્ધાર્થ પટેલના કહેવા પ્રમાણે, "અમે ઇચ્છીએ છીએ કે તેઓ ગુજરાત અને તેના અનેક ફેન્સ માટે મોટી સિદ્ધિઓ હાંસલ કરે એટેલા માટે તેનું નામ 'ગુજરાત ટાઇટન્સ' રાખવામાં આવ્યું છે."
ગુજરાત ટાઇટન્સ દ્વારા તેના લોગો તથા જરસીની જાહેરાત હવે પછી કરવામાં આવશે.
ફ્રેન્ચાઇઝીએ ગુજરાત ટાઇટન્સનું સુકાન હાર્દિક પંડ્યાને સોંપ્યું છે. તેમણે કહ્યું કે તેમની નવી ટીમના નામમાં 'વજન' છે તથા પોતાનામાં રહેલા ગુજરાતીને રજૂ કરે છે.
હાર્દિક પંડ્યાએ ટીમના નામની જાહેરાત બાદ આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું:"ગુજરાત ટાઇટન્સનો ભાગ હોવું એ ગર્વની વાત છે અને પોતાની જ હોમટીમને રિપ્રેઝન્ટ કરવી તથા તેને લીડ કરવી વિશેષ વાત બની રહે છે. માત્ર હું જ નહીં,પરંતુ મારા પરિવારજનો પણ આનાથી ખુશ છે."
મૂળ દિલ્હીના આશિષ અગાઉ રોયલ ચૅલેન્જર્સ બેંગ્લુરુના બૉલિંગ કૉચ રહી ચૂક્યા છે. તેઓ ગુજરાત ટાઇટન્સના કૉચ છે.
નવી ટીમ વિશે આશિષ માને છે :"કોઈ નવી ટીમ સેટ-અપ કરવાની હોય, વર્તમાન ટીમ સાથે જોડાવાનું હોય કે કોઈ આંતરરાષ્ટ્રીય મૅચમાં ઊતરવાનું હોય, દરેક સ્પૉર્ટમાં દબાણ રહે છે અને તેની મજા પણ છે. જ્યારે કોઈ જૂની ટીમ હોય, તો તેમાં એક પ્રકારનું કલ્ચર સેટ થઈ ગયું હોય છે. જે બાબતો ફ્રેન્ચાઇઝી માટે લાભકારક હોય એને પકડી રાખવામાં આવે છે અને જરૂર પ્રમાણે, તેમાં ફેરફાર કરવામાં આવે છે."
"જ્યારે કોઈ ફ્રેન્ચાઇઝી નવી હોય ત્યારે તેમાં બધી શરૂઆત નવેસરથી કરવાની રહે છે અને આઈપીએલનું ફૉર્મેટ તેમાં પ્રયોગ કરવાની છૂટ આપે છે."
આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ
હાર્દિક પંડ્યાના નેતૃત્વ અંગે કહ્યું હતું કે તેઓ પ્રથમ વખત કોઈ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે એટલે તેમના પાસે તક છે, વળી તેઓ પોતાની જ હોમ ટીમને લીડ કરશે, જે તેમના માટે લાભકારક સાબિત થશે.
આશિષની પત્ની રુશ્મા મૂળ ગુજરાતનાં છે. બંને વચ્ચે વર્ષ 2001માં પ્રેમ પાંગર્યો હતો અને આઠ વર્ષ પછી 2009માં તેમણે લગ્ન કર્યું હતું. તેઓ એક દીકરા અને એક દીકરીનાં માતા-પિતા છે.
ઇંગ્લૅન્ડના પૂર્વ બૅટ્સમૅન વિક્રમ સોલંકીને ટીમે ડાયરેક્ટર (ક્રિકેટ) તથા ગેરી કર્સ્ટનને (Gary Kirsten) બૅટિંગ કૉચ નિમ્યા છે.
2011માં ભારતે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો ત્યારે કર્સ્ટન તેના મુખ્ય કોચ હતા. એ પછી તેમણે આફ્રિકાની ટીમને પણ કૉચ કરી હતી.
ભારતીય ટીમના યુવા બૅટ્સમૅન તથા આઈપીએલની ગુજરાત ફ્રેન્ચાઇઝીના ભાગરૂપ એવા શુભમન ગીલે પોતાના સોશિયલ મીડિયા હૅન્ડલ ઉપર વીડિયો મૅસેજમાં કહ્યું કે તેઓ ગુજરાત ટાઇટન્સનો ભાગ બનીને ઉત્સાહિત છે અને 'સર્વશ્રેષ્ઠ પ્રદર્શન' દ્વારા ગુજરાતીઓને ખુશ કરવાની વાત પણ કહી હતી.

બાકીના ટાઇટન્સ

વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાત ટાઇટન્સનું હોમગ્રાઉન્ડ બનશે.
ચેન્નાઈ સુપરકિંગ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, કોલકત્તા નાઇટ રાઇડર્સ તથા દિલહી કૅપિટલ્સે ચાર-ચાર ખેલાડી જાળવી રાખ્યા છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ, રોયલ ચૅલેન્જર્સ બૅંગ્લોર તથા સનરાઇઝર્સ હૈદરાબાદે ત્રણ-ત્રણ અને પંજાબ કિગ્સે બે ખેલાડી જાળવી રાખ્યા હતા.
શનિવાર તથા રવિવારે બેંગ્લુરુ ખાતે ખેલાડીઓની હરાજી યોજાઈ રહી છે. ડેવિડ વૉર્નર, કેજિસો રાબડા (Kagiso Rabada), આર અશ્વિન, પેટ ક્યુમિન્સ (Pat Cummins), મોહમ્મદ શામી, શિખર ધવન સહિતના ખેલાડીઓ માટે હરાજી થશે.
સિદ્ધાર્થ પટેલના કહેવા પ્રમાણે, "અમને આશા છે કે આગામી હરાજી સમયે અમે ખેલાડીઓનું યોગ્ય કૉમ્બિનેશન ગોઠવી શકીશું અને માત્ર કૌશલ્યવાન જ નહીં, પરંતુ 'ટાઇટન' (દિગ્ગજ) બનવા માગતા ખેલાડીઓને એકઠા કરી શકીશું."
ગુજરાતની ફ્રેન્ચાઇઝીએ હાર્દિક પંડ્યા તથા અફઘાનિસ્તાનના સ્પીનર રાશીદ ખાન માટે અંદાજે રૂપિયા 15-15 કરોડ, જ્યારે શુભમન ગીલ માટે અંદાજે રૂપિયા સાત કરોડ ચૂકવ્યા છે. આમ તેમની પાસે હવે લગભગ રૂપિયા 52 કરોડ જેટલી રકમ રહેશે. હાર્દિક અગાઉ મુંબઈ ઇન્ડિયન્સ માટે રમતા હતા, જ્યારે રાશિદ ખાન સનરાઇઝર્સ હૈદારબાદ તથા શુભમન ગીલ કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે રમતા હતા.

બૅટિંગ કંપનીઓ સાથે સંબંધના આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
સીવીસી કૅપિટલને અમદાવાદની ફ્રેન્ચાઇઝી મળી તેના ગણતરીના કલાકો પછી આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું, "મને લાગે છે કે બૅટિંગ કંપનીઓ આઈપીએલની ટીમ ખરીદી શકે છે. બીડિંગ માટે ક્વોલિફાય કરનાર એક કંપની બૅટિંગ કંપનીની પણ માલિક હોવાનું જણાય છે. હવે શું – બીસીસીઆઈએ તેનું કામ બરાબર રીતે નથી કર્યું, આવા સંજોગોમાં ઍન્ટિ-કરપ્શન શું કરે?"
જોકે, લલિત મોદીએ ગુજરાતની ફ્રેન્ચાઇઝીનું નામ લીધું નહોતું, પરંતુ સીવીસી પાર્ટનર્સ ટીપીકો (Tipico) નામની સ્પૉર્ટ્ બૅટિંગ તથા ઑનલાઇન ગૅઇમિંગ કંપનીમાં રોકાણ ધરાવે છે, આ સિવાય સિસલ (Sisal) નામની બૅટિંગ ગૅમિંગ અને પેમેન્ટ રિટેલ કંપનીમાં હિત ધરાવતા હોવા તરફ ઇશારો હતો.
'ધ ટેલિગ્રાફ'નાઅહેવાલ પ્રમાણે, સીવીસી કૅપિટલના યુરોપિયન એકમ દ્વારા ગૅઇમિંગ અને બૅટિંગ કંપનીઓમાં રોકાણ કરવામાં આવ્યું છે, જ્યારે તેના એશિયાના એકમે અમદાવાદની ફ્રેન્ચાઇઝી ખરીદી છે.
યુરોપિયન દેશોમાં ગૅઇમિંગ અને બૅટિંગ ઉપર પ્રતિબંધ નથી, જ્યારે ભારતમાં તે ગેરકાયદેસર છે. આમ એશિયાના એકમનો બૅટિંગ સાથે કોઈ સંબંધ ન હોવાનું બહાર આવ્યું હતું. આથી ટીમની ફાળવણી કરી દેવામાં આવી હતી.
જો સીવીસી કૅપિટલ ગેરલાયક ઠરી હોત તો અદાણી જૂથ માટે માર્ગ મોકળો બન્યો હોત, જેણે અમદાવાદની ફ્રેન્ચાઇઝી માટે ત્રીજા ક્રમાંકની સર્વોચ્ચ બોલી લગાવી હતી.

ગુજરાતની નવી ટીમના માલિક

ઇમેજ સ્રોત, Getty Images
આઈપીએલની નવી બે ફ્રેન્ચાઇઝી માટે ભારતીય કંપનીઓ ઉપરાંત વિદેશી કંપનીઓ તથા સ્પૉર્ટ્સ કલબોએ પણ રસ લીધો હતો, જેને ટુર્નામેન્ટની આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા તરીકે જોવામાં આવે છે.
અમદાવાદની ટીમ માટે અદાણી જૂથ, ટૉરેન્ટ ફાર્મા, એચટી મીડિયા વૅન્ચર્સ, કોટકજૂથ વગેરે મેદાનમાં હતા, પરંતુ સ્થાનિકો માટે પ્રમાણમાં અજાણી એવી ઇલેરિયા કંપનીને ફાળે ગઈ હતી, જે સીવીસી કૅપિટલ પાર્ટનર્સના ભાગરૂપ છે.
સંજીવ ગોયેન્કાએ લખનૌની જેમ જ અમદાવાદની ટીમ માટે પણ રૂપિયા 7090 કરોડ (96 કરોડ 40 લાખ ડૉલર)ની બોલી લગાવી હતી. તેમની બોલી સૌથી ઊંચી હતી એટલે તેમને અમદાવાદ અને લખનૌમાંથી જે પસંદ હોય તે ટીમ ખરીદવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.
આ તબક્કે ગોયેન્કાના પ્રતિનિધિઓએ સૌથી વધુ વસતિ ધરાવતા અને સૌથી મોટા રાજ્ય ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો હતો, જ્યાં તેઓ ગ્રેટર નોઇડામાં વીજવિતરણ કરે છે તથા તેમના કેટલાક સ્ટોર પણ છે. આથી, અમદાવાદની ટીમ બીજા નંબરની સૌથી ઊંચી બોલી લગાવનારને ફાળે ગઈ હતી.
રૂપિયા પાંચ હજાર 625 કરોડના (અંદાજે 73 કરોડ 60 લાખ ડૉલર) ખર્ચે સીવીસી કૅપિટલ પાર્ટનર્સ દ્વારા અમદાવાદની ટીમ ખરીદવામાં આવી છે.
આ માટે સપ્ટેમ્બર મહિનામાં જ સિંગાપુર ખાતે આઇલેરિયા કંપની પીટીઈ લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી. ઉપલબ્ધ સાર્વજનિક માહિતી પ્રમાણે, તેના બે અધિકારી નોંધાયેલા છે.
સીવીસી કૅપિટલ પાર્ટનર્સ અગાઉથી જ કાર રેસિંગ (ફૉર્મ્યુલા વન), ફૂટબૉલ (લા લિગા)માં પોતાનાં હિતો ધરાવે છે. મૂળ અમેરિકાની આ કંપની રગ્બી તથા ક્રિકેટ જેવી રમતોમાં રોકાણ કરી રહી છે.તે પાંચ-સાત વર્ષ માટે રોકાણ કરીને નીકળી જવાની ગણતરી રાખશે. કંપની અલગ-અલગ રમત, સ્પૉર્ટ્સ લિગ તથા કલબોમાં લગભગ 80 કરોડ ડૉલરનું રોકાણ ધરાવે છે.
કંપનીની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, તેની સ્થાપના વર્ષ 1981માં થઈ હતી. તે વિશ્વભરમાં 125 અબજ ડૉલરની સંપત્તિઓનું નિયમન કરી રહી છે.કંપની યુરોપ-અમેરિકામાં 16 તથા એશિયામાં નવ ઑફિસો ધરાવે છે.
કંપનીની માલિકી તેના કર્મચારીઓની છે, પરંતુ 34 જેટલા મૅનેજિંગ પાર્ટનર્સ દ્વારા તેને નેતૃત્વ પૂરું પાડવામાં આવે છે, જેમને સરેરાશ 15 વર્ષનો અનુભવ છે.

ઇમેજ સ્રોત, Getty Images
IPL ઑક્ટોબર-2021માં દુબઈ ખાતેની બેઠકમાં બે નવી ટીમોનું વેચાણ થયું હતું.
અદાણી જૂથ દ્વારા અમદાવાદ તથા લખનૌની ટીમ માટે રૂ. 5,100-5,100 કરોડની બોલી લગાવવામાં આવી હતી. પરંતુ તે અપૂરતી સાબિત થઈ હતી.આઈપીએલ દ્વારા અમદાવાદ, લખનૌ ઉપરાંત ધર્મશાળા, ગુવાહાટી, ઇન્દૌર અને કટક જેવાં શહેરોની ટીમો માટે પણ ટેન્ડર મંગાવવામાં આવ્યાં હતાં. જેના માટે કુલ લગભગ 22 જેટલાં આવેદન આવ્યાં હતાં, પરંતુ અંતિમ તબક્કામાં નવ કંપનીઓ જ ફાઇનલ થઈ હતી. દરેક શહેર માટે લઘુતમ બેઝ પ્રાઇસ રૂ. બે હજાર કરોડ રાખવામાં આવી હતી.

ટાઇટન્સ પહેલાં લાયન્સ

ઇમેજ સ્રોત, Getty Images
ચેન્નાઈ સુપરકિંગ્સ તથા રાજસ્થાન રૉયલ્સની ટીમને ભ્રષ્ટાચારના આરોપો સબબ બે વર્ષ (2016 અને 2017) માટે સસ્પેન્ડ કરવામાં આવી ત્યારે પુના અને રાજકોટની ટીમોને હંગામી પ્રવેશ મળ્યો હતો.
એ સમયે બીજી ટીમ ગુજરાત લાયન્સની હતી, જેનું હોમગ્રાઉન્ડ રાજકોટ પાસેનું ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમ હતું, જેને લૉર્ડ્સની સ્ટાઇલમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશન હેઠળના આ સ્ટેડિયમની બેઠકક્ષમતા 28 હજાર દર્શકોની છે. જ્યારે કાનપુરનું મેદાન તેનું સેકન્ડરી ગ્રાઉન્ડ હતું.
આ ટીમના માલિક દિલ્હીસ્થિત મોબાઇલ અને વ્હાઇટ ગુડ્સ ઉત્પાદક ઇન્ટેક્સ હતા. ટીમનું સુકાન સુરેશ રૈનાને સોંપવામાં આવ્યું હતું. ટીમના લોગોમાં ગુજરાતના ઍશિયાટિક સિંહોને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. 'ગૅમ મારી છે...'એ ટીમ સૉંગ હતું.
કોલકત્તાસ્થિત આરપી-સંજીવ ગોયેન્કા જૂથે બે વર્ષ માટે પુનાની ટીમના માલિકી હક્ક મેળવ્યા હતા. બાદમાં તેમણે 2022ની આવૃત્તિ માટે અમદાવાદ અને લખનૌની ટીમ માટે બોલી લગાવી હતી.



તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












