એક એવી વિચિત્ર ઘટના, જેમાં ચાલુ લગ્ને દુલહનો બદલાઈ ગઈ

    • લેેખક, શુરૈહ નિયાઝી
    • પદ, બીબીસી હિન્દી માટે, ભોપાલથી

મધ્ય પ્રદેશમાં વીજળી સંકટને કારણે લગ્નમાં દુલહનોની અદલા-બદલીનો મામલો સામે આવ્યો છે.

જોકે જલદી જ આ વાતોની જાણ થઈ અને ત્યાર બાદ જેની સાથે લગ્ન નક્કી કરાયાં હતાં તે દુલહન સાથે વરરાજાઓએ ફેર ફર્યાં.

આ કિસ્સો ઉજ્જૈન જિલ્લાના અસલાના ગામનો છે જ્યાં ત્રણ બહેનોનાં લગ્ન થઈ રહ્યાં હતાં અને લગ્ન સમારંભ દરમિયાન વીજળી જતી રહી.

તે સમયે રૂમમાં અંદર માતૃપૂજન ચાલી રહ્યું હતું. તેમાં બે વરની દુલહનો આપસમાં બદલાઈ ગઈ.

આ કારણે માતૃપૂજનનો રિવાજ દુલહનોએ અલગ-અલગ વરરાજા સાથે નિભાવ્યો પરંતુ ફેરા ફરતાં પહેલાં વીજળી આવી જવાને કારણે આ ભૂલની જાણ થઈ ગઈ અને લગ્નના ફેરા દુલહને પોતાના પતિ સાથે લીધાં હતાં.

આ મામલો અસલાનાના રમેશલાલ રેલોતના પરિવારની સાથે થયો હતો. રમેશલાલની ત્રણ પુત્રીઓ અને એ પુત્રીના લગ્ન નક્કી થયા હતા.

માતૃપૂજનનો રિવાજ

તેમની મોટી પુત્રી કોમલનો સંબંધ ખીરાખેડીમાં રહેતા દેવીલાલ મેવાડાના પુત્ર રાહુલ, બીજી પુત્રી નિકિતાનો સંબંધ દંગવાળાના રહેવાસી રામેશ્વરના પુત્ર ભોલા અને ત્રીજી પુત્રી કરિશ્માનાં લગ્ન દંગવાળાના રહેવાસી બાબુલાલના પુત્ર ગણેશ સાથે થયા હતા.

ખીરાખેડી અને દંગવાડાથી તારીખ છઠી મેના જાન આવી હતી. લગ્નના રિવાજોમાં માતૃપૂજન ચાલી રહ્યું હતું અને ગામમાં એકાએક વીજળી જતી રહી.

એવામાં એક જેવાં વસ્ત્રો હોવાને કારણે દુલહનો વરરાજાને ઓળખી ન શકી અને નિકિતાએ ગણેશ જ્યારે કરિશ્માએ ભોલાની સાથે માતૃપૂજનનો રિવાજ પૂરો કર્યો. જે રૂમમાં પૂજા થઈ રહી હતી, ત્યાં અંધારું હતું એટલે કોઈને ખબર ન પડી.

દુલહન ઘૂંઘટમાં હોવાથી આ વાત ન સમજી શકી.

ભૂલની જાણ રાત્રે 12.30 વાગ્યે તે સમયે થઈ જ્યારે વીજળી આવી ગઈ.

એવામાં પૂજા ફરીથી કરાવવી પડી.

'સાંજના સમયે વીજળી કપાય છે'

હાલ આ ઘટના ચર્ચાનો વિષય બની છે.

રમેશલાલ રેલોતે જણાવ્યું, "ગામમાં સાંજના સમયે વીજળી કપાય છે. આ રોજની વાત છે. એક રિવાજ દરમિયાન થોડી ભૂલ થઈ ગઈ હતી પરંતુ બંને વરરાજાએ લગ્નના ફેરા સાચા સમયે બરાબર દુલહન સાથે લીધા હતા. "

જોકે ગામના લોકોનું કહેવું છે કે આને કારણે વિવાદની સ્થિતિ પેદા થઈ હતી પરંતુ જલદી જ મામલો ઉકેલાઈ ગયો હતો.

ત્યારે આ મામલાને લઈને કૉંગ્રેસ નેતા કે.કે. મિશ્રાએ શિવરાજસિંહ ચૌહાણ સરકાર પર વ્યંગ કર્યો.

તેમણે ટ્વીટ કર્યું કે, " ઉજ્જૈન જિલ્લામાં એક મંડપમાં ત્રણ લગ્ન થઈ રહ્યાં હતાં, વીજળી જતાં દુલહન બદલાઈ ગઈ. શું કહેશો?"

મધ્ય પ્રદેશના અત્યારે કેટલીટ જગ્યાએ વીજળી સંકટ ચાલી રહ્યો છ જેથી લોડ શેડિંગ થઈ રહ્યું છે.

આ કારણે જ ગામમાં કેટલાય કલાકો વીજળી નથી આવતી.

ત્યારે આ સમયે રાજ્ય ભીષણ ગરમીનો સામનો કરી રહ્યું છે.વધુ ગરમીને કારણ વીજળીની માગમાં પણ વધારો થયો છે. આને કારણે જ આ ભૂલ થઈ હતી અને દુલહનો બદલાઈ ગઈ.

ગ્રામ્ય વિસ્તારોમાં ચારથી પાંચ કલાક સુધી વીજકાપ સામાન્ય વાત છે.

સરકારનો દાવો છે કે માગ અને આપૂર્તિમાં લગભગ 600 મેગાવૉટનો અંતર છે પરંતુ કેટલાક લોકોનું કહેવું છે કે અંતર ઘણો મોટો છે.

રાજ્યમાં દરરોજ લગભગ 12 હજાર 500 મેગાવૉટથી વધારે વીજળીની આપૂર્તિ કરાઈ રહી છે.

પૂર્વ મુખ્ય મંત્રી કમલનાથે શિવરાજ સરકાર પર વીજ સંકટને લઈને ટિપ્પણી કરી હતી.

કમલનાથે હાલમાં ટ્વીટ કર્યું હતું કે,"અત્યારે પણ ખોટા આંકડા રજૂ કરીને વીજ સંકટ, જળ સંકટ અને કોલસાનો સંકટ સામે જ છે. સરકાર આ દિશામાં તત્કાળ આવશ્યક બધાં પગલાં લઈને જનતાને રાહત આપે અને પ્રદેશની જનતાને કોલસા સંકટ, વીજળીની માગ અને આપૂર્તિ એવં જળસંકટ પર વાસ્તવિકતા અને સત્ય જણાવે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો