વડોદરા ફાઇન આર્ટ્સ : હિંદુ દેવી-દેવતાનાં વિવાદિત આર્ટવર્કનો મામલો જેમાં 31 વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધાયો

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં ફરી એક વખત હિંદુ દેવી-દેવતાઓનાં ચિત્રોનો વિવાદ વકર્યો છે અને આ ચિત્રોનો વિરોધ કરનારા 31 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાઈ છે.

એમ. એસ. યુનિવર્સિટી

ઇમેજ સ્રોત, architecture and monuments photography

ઇમેજ કૅપ્શન, એમ. એસ. યુનિવર્સિટી

એમ. એસ. યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફૅકલ્ટીમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના આર્ટવર્કને લઈને વિવાદ સર્જાયો છે.

હિંદુ દેવી-દેવતાઓને લગતા આ આર્ટવર્કનો ફોટો વાઇરલ થતાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.

આ વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓએ એક પોલીસકર્મીને થપ્પડ મારી હોવાના મામલે પણ પોલીસે ફરિયાદ નોંધી છે.

તો બીજી તરફ યુનિવર્સિટી દ્વારા આ મામલે એક કમિટી બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે.

જોકે, શનિવારે કમિટીનો રિપોર્ટ જાહેર કરવાની માગ સાથે વિદ્યાર્થીઓએ હેડ ઑફિસ બહાર સૂતળી બૉમ્બ ફોડ્યો હતો અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.

સયાજીગંજ પોલીસમથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, તે દિવસ યુનિવર્સિટી દ્વારા પોલીસ બોલાવાતા વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

જ્યાર બાદ પોલીસે વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી અને બાદમાં કુલ 31 વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

line

શું છે સમગ્ર મામલો?

ફાઇન આર્ટ્સ ફૅકલ્ટી

ઇમેજ સ્રોત, Rajiv Parmar

ઇમેજ કૅપ્શન, ફાઇન આર્ટ્સ ફૅકલ્ટી

દર વર્ષે ફાઇન આર્ટ્સના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓના આર્ટવર્ક્સનું પ્રદર્શન યોજાય છે. જેને સામાન્ય લોકો માટે પણ ખુલ્લું મૂકવામાં આવે છે.

આ પ્રદર્શન પહેલાં 'જ્યૂરી ઍસેસમૅન્ટ' થાય છે, જેમાં વિદ્યાર્થીઓનાં આર્ટવર્કનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

એમ. એસ. યુનિવર્સિટીના પ્રવક્તા લકુલેશ ત્રિવેદી બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ બાદલ દરજી સાથેની વાતમાં જણાવે છે કે ચોથી અને પાંચમી મેના રોજ ફાઇન આર્ટ્સ ફૅકલ્ટીમાં 'ઍસેસમૅન્ટ' ચાલી રહ્યું હતું.

તેમના કહેવા પ્રમાણે, "આર્ટવર્કના કેટલાક ફોટો વાઇરલ થતાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ઉગ્ર વિરોધના કારણે યુનિવર્સિટી દ્વારા આ મામલે તપાસ સમિતી રચવામાં આવી અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે."

તેમણે આગળ કહ્યું, "સમિતિ દ્વારા વિદ્યાર્થીઓ, પ્રોફેસરો તેમજ ડીનનાં નિવેદનો લેવામાં આવી રહ્યાં છે. સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે."

line

શું હતું વિવાદાસ્પદ આર્ટવર્કમાં?

વિવાદાસ્પદ આર્ટવર્ક

ઇમેજ સ્રોત, Rajiv Parmar

ઇમેજ કૅપ્શન, વિવાદાસ્પદ આર્ટવર્ક

યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય હસમુખ વાઘેલાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ફાઇન આર્ટ્સ ફૅકલ્ટીમાં પ્રદર્શનમાં ન્યૂઝપેપર કટ-આઉટ રાખવામાં આવ્યાં હતાં.

તેમણે કહ્યું, "આ કટ-આઉટ દૂરથી જોઈએ તો હિંદુ દેવી દેવતાઓની આકૃતિ જેવાં દેખાતાં હતાં. જ્યારે નજીક આવીને જોઈએ તો તેમાં બળાત્કારના અને ન્યાયથી વંચિત પીડિતાઓના સમાચાર હતા."

અન્ય સિન્ડિકેટ સભ્ય દિનેશ યાદવે પત્રકારોને જણાવ્યું કે વાઇરલ તસવીરો જોઈને જ્યારે તેઓ ફૅકલ્ટી ખાતે પહોંચ્યા, તો ત્યાં આવી કોઈ તસવીરો ન હતી.

જ્યારે ફાઇન આર્ટ્સ ફૅકલ્ટીના ડીન ડૉ. જયરામ પોદવાલે જણાવ્યું કે કોઈ પ્રદર્શન યોજાયું જ નથી. વિદ્યાર્થીઓનું જ્યૂરી ઍસેસમઍન્ટ ચાલી રહ્યું હતું. એ બાદ પ્રદર્શન યોજાતું હોય છે. અત્યારે કોઈ પ્રદર્શન નહોતું અને આ જે ફોટો વાઇરલ થયા છે, તે વિશે કોઈ ખ્યાલ નથી.

line

અગાઉ પણ બન્યો હતો આવો જ કિસ્સો

વર્ષ 2007માં ચંદ્ર મોહનની હિંદુ દેવી દેવતાઓના વિવાદાસ્પદ પૅઇન્ટિંગ્સ બનાવવા બદલ ધરપકડ થઈ હતી

ઇમેજ સ્રોત, The India Today Group via Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2007માં ચંદ્રમોહનની હિંદુ દેવી-દેવતાનાં વિવાદાસ્પદ પેઇન્ટિંગ્સ બનાવવા બદલ ધરપકડ થઈ હતી

વર્ષ 2007માં મે મહિનામાં જ આ પ્રકારનો એક કિસ્સો બન્યો હતો. ફાઇન આર્ટ્સના એક વિદ્યાર્થી ચંદ્રમોહન દ્વારા હિંદુ દેવી-દેવતાનાં વિવાદાસ્પદ ચિત્રો બનાવ્યાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

તે સમયે પણ પ્રદર્શન પહેલાં જ્યૂરી દરમિયાન ચંદ્રમોહને બનાવેલાં ચિત્રોના ફોટોગ્રાફ બહાર આવ્યા હતા. જેનો સંગઠનોએ ભારે વિરોધ કર્યો હતો.

વિરોધ વચ્ચે ફાઇન આર્ટ્સ ફૅકલ્ટીના તત્કાલીન ડીન શિવજી પન્નીકરે કૅમ્પસમાં પોલીસ બોલાવવા સામે વિરોધ નોંધાવ્યો હતો અને પોતાના વિદ્યાર્થીઓનો પક્ષ લીધો હતો.

યુનિવર્સિટી દ્વારા બનાવેલી કમિટીએ ચંદ્રમોહનને દોષિત ઠેરવીને ડિગ્રી અટકાવી દીધી હતી. જ્યારે શિવજી પન્નીકર વિરુદ્ધ પણ પગલાં ભર્યાં હતાં.

ધ વાયરના અહેવાલ પ્રમાણે, વિદ્યાર્થીનો પક્ષ લેવા બદલ પન્નીકરને ચાર વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા અને તેમને મળવાપાત્ર તમામ લાભો પણ અટકાવી દેવામાં આવ્યા હતા.

અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, 2007ની ઘટનાનાં 11 વર્ષ દરમિયાન યુનિવર્સિટી સત્તાધીશોને 40 જેટલાં પત્રો લખ્યાં બાદ અને વારંવારની રજૂઆતો બાદ ક્યાંયથી યોગ્ય જવાબ ન મળતા ચંદ્રમોહને યુનિવર્સિટી વાઇસ ચાન્સેલરની ઑફિસમાં આવીને આગ લગાવી દીધી હતી.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો