મધ્ય પ્રદેશમાં રમખાણો બાદ જ્યાં 'બુલડોઝર અભિયાન' ચલાવાયું ત્યાં હિંદુ-મુસલમાનો બન્ને નારાજ કેમ?

સવારના આઠ વાગ્યા છે અને ખરગોનની સડકો પર એક પછી એક લોકો દેખાવા લાગ્યા છે. રામનવમીની શોભાયાત્રા બાદ ફાટી નીકળેલી હિંસા અને સાંપ્રદાયિક તણાવને કાબૂમાં લેવા માટે આ મહિનાની 10મીએ શહેરના ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.

સ્થિતિ સુધરતી જોઈને પ્રશાસને હવે 9 કલાક માટે કર્ફ્યુમાં રાહત આપી છે. આમ છતાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ હજુ પણ બંધ છે.

અધિકારીઓનો દાવો છે કે સ્થિતિ હવે નિયંત્રણમાં છે પરંતુ શહેરની હદબહારના ગ્રામીણ વિસ્તારોમાં બહિષ્કાર માટે ઠરાવબેઠકો અને માઈક પરથી કરવામાં આવતી અપીલોએ સામાન્ય સ્થિતિ વચ્ચે ફરી એકવાર પડકાર ઊભા કરવાનું શરૂ કર્યું છે. બહિષ્કારસભાઓ અને માઈકની અપીલ ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર પણ આવી અપીલોની ભરમાર છે.

મામલો ત્યાં સુધી પહોંચી ગયો કે ખરગોનના એડીએમ એસ.એસ.મુજાલ્દાએ મંગળવારે સરકારી આદેશ દ્વારા સોશિયલ મીડિયા અથવા કોઈ પણ પ્રચારવાહન દ્વારા આવી અપીલ કરનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની વાત કરી હતી.

મંગળવારે જ જિલ્લાના કરહી પોલીસ સ્ટેશન હેઠળના કતરગાંવ વિસ્તારમાં કરાઈ રહેલા પ્રચાર બાદ પોલીસે એફઆઈઆર પણ નોંધી છે.

જિલ્લા પોલીસ અધિક્ષક રોહિત કાસવાનીએ મંગળવારે સાંજે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું "કતરગાંવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો હતો, જેમાં દેખાઈ રહ્યું છે કે માઇકથી એક વિશેષ ધર્મના લોકો વિરુદ્ધ નફરત ફેલાવવામાં આવી રહી છે. અમે આ વીડિયોની સ્વયં નોંધ લીધી છે અને કેસ નોંધ્યો છે."

એડીએમ મુજાલ્દાએ જિલ્લાનાં તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જોને નિર્દેશ આપ્યો છે કે નફરત ફેલાવવાના કોઈ પણ કૃત્ય સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

અગાઉ પણ જિલ્લાના ઇચ્છાપુર, ઉબદી અને પીપરી જેવા વિસ્તારોમાં સંકલ્પસભાઓના આયોજનની પણ ખબરો છે, જ્યાં લોકોને એક ચોક્કસ ધર્મના લોકો સાથે વેપાર કે ખરીદી ન કરવાનો સંકલ્પ

લેવડાવવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બેઠકોનું આયોજન કરનારાઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જોકે, સૌથી વધુ ચર્ચા સ્થાનિક સાંસદ ગજેન્દ્રસિંહ પટેલની સભાની થઈ રહી છે. આ બેઠક કસરાવદમાં યોજાઈ હતી, જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.

આ અંગે જારી કરાયેલા એક નિવેદનમાં પ્રદેશ કૉંગ્રેસ મહાસચિવ કે. કે. મિશ્રાએ કહ્યું કે, 'સાંપ્રદાયિક હિંસાની આગમાં સળગી રહેલા ખરગોનના સાંસદ જ પોતાની બંધારણીય જવાબદારીઓથી દૂર હઠી અરાજકતા ફેલાવે તો શું કહી શકાય?"

પક્ષપાતપૂર્ણ કાર્યવાહીનો આરોપ

આ દરમિયાન મધ્ય પ્રદેશ સરકાર દ્વારા રચવામાં આવેલા 'ક્લૅઇમ ટ્રિબ્યૂનલ'ના બંને સભ્યોએ ખરગોન પહોંચી રમખાણગ્રસ્ત લોકો સાથે વાત કરી હતી.

આ ટ્રિબ્યૂનલમાં સેવાનિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ શિવકુમાર મિશ્ર અને રાજ્ય સરકારમાં સચિવ રહી ચૂકેલા પ્રભાત પરાશરનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારના કાયદા - ધ પબ્લિક ઍન્ડ પ્રાઈવેટ પ્રૉપર્ટી રિકવરી ઍક્ટ, 2021ની જોગવાઈઓ હેઠળ આ ટ્રિબ્યૂનલની રચના કરવામાં આવી છે.

આ કાયદા હેઠળ એવી જોગવાઈ છે કે રમખાણોમાં સંપત્તિને થયેલા નુકસાનની રકમ પણ આરોપીઓ પાસેથી વસૂલી શકાય છે. રામનવમીની શોભાયાત્રા બાદ ફાટી નીકળેલી હિંસા સંદર્ભે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 64 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

પોલીસ અધિક્ષકે જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ 175 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે, જ્યારે ઘણા લોકો ભાગેડુ બાતાવાયા છે. ભાગેડુ લોકો માટે ઇનામ આપવાની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા લોકોમાં બંને સંપ્રદાયના આરોપીઓ છે. શહેરમાં મોટા પાયે થયેલી હિંસાની ઝપેટમાં ઘણા પરિવારો આવી ગયા છે. જેમાં હિંદુ પણ છે અને મુસલમાન પણ સામેલ છે.

જોકે, બંને પક્ષો તરફથી દાવો કરાયો છે કે તેમને વધુ નુકસાન થયું છે. હિંસા બાદ વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને આરોપીઓમાંથી ઘણાનાં ઘરો અથવા વ્યવસાયિક એકમો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે.

વહીવટી તંત્રની દલીલ છે કે બુલડોઝર એમને ત્યાં જ ચલાવાયું છે જેમણે અતિક્રમણ કર્યું હોય. પરંતુ મુસ્લિમ સમુદાયે આરોપ લગાવ્યો છે કે તે વહીવટી તંત્રની "એકતરફી કાર્યવાહી" હતી, જેમાં એક જ

સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો છે.

તેમનો એવો પણ આરોપ છે કે જે લોકો રમખાણોમાં સામેલ નહોતા અથવા હિંસામાં જેમની સંપત્તિને નુકસાન પહોંચ્યું હતું તેમને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા.

બીબીસી સાથે વાત કરતાં મધ્ય પ્રદેશ સરકારના મંત્રી વિશ્વાસ કૈલાસ સારંગે કહ્યું, "તોફાનીઓ વિરુદ્ધ જે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે સંપૂર્ણપણે બંધારણની મર્યાદામાં છે."

તેમણે કહ્યું કે રાજ્ય સરકારે બે કાયદા ઘડ્યા છે, જેના હેઠળ તોફાનીઓ પાસેથી નુકસાનની વસૂલાત કરવાની જોગવાઈઓ કરવામાં આવી છે. અતિક્રમણ સામે પગલાં લેવા માટે નગરપાલિકા અધિનિયમ, 1956 હેઠળ જોગવાઈઓ પણ કરવામાં આવી છે.

શાંતિસમિતિના સભ્યની દુકાન તોડી નંખાઈ

અમજદ ખાન વેપારી છે અને બેકરી ચલાવે છે. તેઓ શાંતિસમિતિના સભ્ય પણ છે. તેઓએ આરોપ લગાવ્યો હતો કે રામનવમીના દિવસે પોલીસના મોટા અધિકારીઓએ પરિસ્થિતિને કાબૂમાં લેવા અને લોકોને સમજાવવા માટે તેમને શહેરના 'તાલાબચોક'માં તહેનાત કર્યા હતા.

તેઓ કહે છે, "મેં કહ્યું કે તે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે અને જો કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો મારો ચહેરો જ સીસીટીવીમાં જોવા મળશે. થયું પણ એવું જ કારણ કે જ્યારે પથ્થરમારો શરૂ થયો અને મામલો હાથમાંથી નીકળવા લાગ્યો તો કંઈ કરી શક્યો નહીં. "

"હવે પોલીસ કહે છે કે સીસીટીવીમાં તમારો ચહેરો દેખાય છે, તેથી કાર્યવાહી કરવામાં આવશે. પાલિકાના અધિકારીઓ અચાનક આવી પહોંચ્યા અને નોટિસ આપ્યા વિના બુલડોઝરથી મારી આખી બેકરી તોડી નાખી. મારી સામે ક્યારેય કોઈ ફોજદારી કેસ થયો નથી."

આરોપ છે કે તંત્રે નિર્દોષો અથવા તો તોફાનમાં જેમને નુકસાન થયું છે એવા લોકોને રમખાણના આરોપી બનાવ્યા છે.

આવા લોકોમાંથી જ એક છે અકબર ખાન. તેમના ઘર અને ઘાસચારાના ગોદામમાં આગ ચાંપી દેવામાં આવી. હવે તેમની સામે પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

ગાઝીપુરાના અખ્તર ખાન પણ છે, જેમનું આ રમખાણોમાં ઘણું નુકસાન થયું છે. એમનું ઘર અને ગોદામ સંપૂર્ણપણે બળી ગયાં છે. હવે તેમની સામે રમખાણોમાં સંડોવણી બદલ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે.

બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે કે દીકરીના લગ્ન માટે તેણે જે કંઈ બચાવ્યું હતું તે બધું જ રાખ થઈ ગયું છે અને હવે તેઓ બેઘર થઈ ગયા છે.

તેઓ કહે છે, "અમારો માલસામાન પણ લૂંટી લેવાયો અને અમને ગુનેગાર બનાવવામાં આવ્યા. અમને સાંભળનારું પણ કોઈ નથી."

બંને સમુદાયો વહીવટી તંત્રની કાર્યવાહી પર સવાલ ઊભા કરી રહ્યા છે. આનંદનગર અને રહીમપુરાના હિંદુ પરિવારો પણ સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. હિંસા દરમિયાન ઇબ્રેઝ ખાનની હત્યાના આરોપમાં અહીં રહેતા પાંચ યુવકોની પોલીસે ધરપકડ કરી છે.

ધરપકડ કરાયેલા દિલીપ ગાંગલેના પિતા રમેશ અને માતા સુનિલાની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ છે. તેમનો આરોપ છે કે કસ્ટડીમાં પોલીસે દિલીપને ખૂબ માર માર્યો છે.

આવી જ રીતે સચીન વર્માનાં પત્ની ઉષાએ પણ આરોપ લગાવ્યો છે કે પોલીસે તેની સામે જ સચીનને ખરાબ રીતે માર માર્યો અને જેલમાં મોકલી દીધા હતા.

એમનું કહેવું હતું, "પોલીસે રિમાન્ડમાં તેને એટલો ત્રાસ આપ્યો કે તેને પોતાનો ગુનો કબૂલ કરવાની ફરજ પડી. તેઓ મારા ઘરના એકમાત્ર કમાનાર છે. અમારું ઘર બાળી નંખાયું. ત્રણ નાનાં બાળકો સાથે હવે અમે શું કરીશું?"

બુલડોઝરનો વિવાદ

બુલડોઝરની કાર્યવાહી એકતરફી થઈ હોવાના આરોપ થઈ રહ્યા છે, જેમાં માત્ર એક ચોક્કસ ધર્મના લોકોને જ નિશાન બનાવવામાં આવ્યા છે.

જોકે, મધ્ય પ્રદેશ સરકારમાં મંત્રી વિશ્વાસ કૈલાસ સારંગે આ વાતને નકારી કાઢતાં બીબીસીને જણાવ્યું હતું કે રામનવમી અગાઉથી આ કાર્યવાહી ચાલી રહી હતી.

ખરગોનમાં ખસખસવાડીમાં જે હસીના ફખરુના મકાનને તોડી પાડવામાં આવ્યું હોવાનું કહેવાય છે, તેને તોડી પાડવાની નોટિસ તેમને 4 એપ્રિલનાં રોજ જ આપવામાં આવી હતી, જ્યારે રમખાણો 10 એપ્રિલના રોજ થયા હતા.

બુલડોઝરની ચપેટમાં, મસ્જિદની સામે "અતિક્રમણ કરી બનાવાયેલી દુકાનો" પણ આવી, જેમના વિશે વહીવટી તંત્રનું કહેવું છે કે એમને પણ રમખાણો પહેલાં જ નોટિસ આપવામાં આવી હતી.

ખરગોનના બુલડોઝર અભિયાનથી મુસ્લિમો પણ સ્તબ્ધ છે અને હિંદુઓ પણ, કારણ કે બસ સ્ટેન્ડની સામે આવેલી શ્રીરામ ધર્મશાળાને પણ બક્ષવામાં આવી નહોતી

મનોજ રઘુવંશી રામનવમી શોભાયાત્રા યાત્રાના પ્રભારી પણ છે અને શ્રીરામ ધર્મશાળાના ટ્રસ્ટી પણ. બીબીસી સાથે વાત કરતાં તેઓ વહીવટી તંત્ર પર અપરિપક્વતાનો આરોપ મૂકી રહ્યા છે.

તેઓ કહે છે, "ધર્મશાળાની જમીન નગરપાલિકા નિગમે ટ્રસ્ટને 99 વર્ષના ભાડાપટ્ટે આપી હતી. પરંતુ નોટિસ આપ્યા વગર બહારનો ભાગ અને ભવ્ય મુખ્ય દરવાજો બુલડોઝરથી તોડી નંખાયો. ન કોઈ નોટિસ, ન કોઈ સુનાવણી."

"સત્તાધીશો કાયદા પ્રમાણે નહીં પણ મનસ્વી રીતે કામ કરી રહ્યા છે, જેમના ઉપર ટોચના અધિકારીઓ અને સરકારનો કોઇ અંકુશ લાગી નથી રહ્યો."

રઘુવંશીનું કહેવું છે કે ખરગોનમાં રહેતા બંને સમુદાયના લોકોએ સમજવું પડશે કે સમાજે પણ બદમાશો અને તોફાનીઓ પર લગામ લગાવવી પડશે અને તેમને સજા અપાવવા આગળ આવવું પડશે. સાથે જ જો ઉશ્કેરણીજનક ભાષણો અને પ્રચાર કરવામાં આવી રહ્યા છે, તો તેમની સામે પણ કાર્યવાહી કરવી પડશે. તો જ શાંતિનો માર્ગ મોકળો થશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો