You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'દાહોદ 'મેક ઇન ઇન્ડિયા'નું બહું મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે', આદિજાતિ મહાસંમેલનમાં PMએ શું કહ્યું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા બે દિવસમાં ઘણાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું. મુલકાતાના ત્રીજા દિવસે તેમણે ગાંધીનગરમાં 'ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ ઇનોવેશન સમિટ'નું ઉદ્ધાટન કર્યું હતું. એ બાદ બુધવારે સાંજે તેમણે દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં ભાગ લીધો.
દાહોદમાં મોટી સંખ્યામાં હાજર રહેલા આદિવાસીઓને સંબોધ્યા હતા.
વડા પ્રધાનના ભાષણના મહત્ત્વના મુદ્દા
- સાર્વજનિક જીવનના પ્રારંભિક સમયમાં ઉમરગામથી અંબાજી મારું કાર્યક્ષેત્ર હતું.
- આદિવાસીઓ સાથેનું જીવનના મારા પ્રારંભિક વર્ષોને માર્ગદર્શન આપ્યું
- આદિવાસીઓનું જીવન પાણી જેવું પવિત્ર.
- દાહોદ અને પંચમહાલના વિકાસ માટે 22 હજારથી વધુ રકમની પરિયોજના
- દાહોદને સ્માર્ટ સિટી બનાવવાના કેટલાય પ્રોજેક્ટ
- દાહોદ હવે મેક ઇન ઇન્ડિયાનું મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. દાહોદમાં 20 હજાર કરોડનું કારખાનું ખોલવામાં આવશે.
- આજે ભારતીય રેલ આધુનિક થઈ રહી છે. વીજળીકરણ ઝડપથી થઈ રહ્યું છે.
- દાહોદ વડોદરાની સામે સ્પર્ધામાં ઊભું થઈ જશે.
- જીવનના કેટલાય દશકાઓ મેં દાહોદમાં વિતાવ્યા છે.
- ભૂતકાળમાં મેં ન જોયો હોય એવો મોટો જનસાગર આજે મારી સામે ઊમટી રહ્યો છે. ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ અને તેમની ટીમને અભિનંદન પાઠવું છું.
- મારી યોજનાના કેન્દ્રબિંદુમાં મારી માતાઓબહેનો હોય છે.
- અઢી વર્ષમાં છ કરોડથી વધારે કુટુંબોને પાઇપલાઇનથી પાણી પહોંચાડવામાં સફળ થયા.
- ગુજરાતમાં આદિવાસીઓનાં 5 લાખ ઘરોમાં નળથી જળ પહોંચાડ્યું.
- પ્રાકૃતિક ખેતી તરફ આદિવાસી વળ્યો અને હવે સૌ એ તરફ વળશે
- આઝાદીના સાત સાત દાયકા ગયા પણ આઝાદીના મૂળ લડવૈયા હતા એની અવગણના થઈ.
મુલાકાતના બીજા દિવસે તેમણે બનાસકાંઠાના દિયોદર ખાતે બનાવવામાં આવેલા બનાસ ડેરીના નવા સંકુલનું તેમજ વિવિધ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું અને મહિલા સંમેલનમાં સંબોધન કર્યું હતું.
એ બાદ બપોરે જામનગરમાં વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા નિર્મિત 'ગ્લોબલ સેન્ટર ફૉર ટ્રેડિશનલ મેડિસિન'ના ખાતમુહૂર્તમાં જોડાયા હતા. આ પ્રસંગે મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદકુમાર જુગનાથ, વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિદેશક ડૉ. ટેડ્રોસ ગેબ્રિયેસસ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વ આરોગ્ય સંસ્થાનું ગ્લોબલ સેન્ટર ફૉર ટ્રેડિશનલ મેડિસિન શું છે?
ગ્લોબલ સેન્ટર ફૉર ટ્રેડિશનલ મેડિસિન (GCTM) ચાર મુખ્ય વ્યૂહાત્મક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેમાં સંશોધન અને શિક્ષણ, માહિતી અને પૃથક્કરણ, સ્થિરતા અને સમાનતા તેમજ વૈશ્વિક આરોગ્ય સેવાઓમાં પરંપરાગત ચિકિત્સાના યોગદાનને શ્રેષ્ઠ બનાવવા માટે નવીનીકરણ અને ટેકનૉલૉજીનો સમાવેશ કરવામાં આવશે.
આ કેન્દ્ર વિશ્વભરના દેશોને તેમની આરોગ્ય પ્રણાલીમાં યોગ્ય રીતે સંકલિત કરવામાં મદદ કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કેન્દ્રનો ઉદ્દેશ્ય પરંપરાગત દવાને તકનીકી પ્રગતિ અને પુરાવા આધારિત સંશોધન સાથે સંકલિત કરીને તેની શક્યતાઓને પ્રદર્શિત કરવાનો છે.
કેન્દ્રીય આયુષમંત્રી સર્બાનંદ સોનોવાલેએ રાજકોટ ખાતે પત્રકારપરિષદને સંબોધતાં માહિતી આપી હતી કે "બંને (GCTM અને (GAIIS) ઇવેન્ટ ભારતના આયુષઉદ્યોગ માટે એક સીમાચિહ્નરૂપ બનશે. ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ ઈનોવેશન સમિટ ભારત માટે આયુર્વેદિક અને હર્બલ ઉત્પાદનો માટે વૈશ્વિક બજાર ઊભું કરવાની તક આપે છે."
સોનોવાલે વધુમાં જણાવ્યું કે, "GCTM પરંપરાગત દવાઉત્પાદનો પર નીતિઓ અને ધોરણો નક્કી કરવા અને દેશોને વ્યાપક, સલામત અને ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્ય પ્રણાલી બનાવવામાં મદદ કરવા માગે છે."
બનાસ ડેરીના નવા સંકુલની વિશેષતાઓ
બનાસકાંઠાના દિયોદર પાસે આવેલા સણાદરમાં 151 વીઘામાં બનાસ ડેરીનું નવું સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે. જેનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ધાટન કર્યું.
આ સાથે તેમણે બનાસ ડેરીના કેટલાક નવા પ્લાન્ટનું લોકાર્પણ અને બનાસકાંઠામાં વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કર્યું છે.
ડેરીના નવા સંકુલમાં પ્રતિદિન 50 લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ, 100 ટન બટર, 1 લાખ લિટર આઇસક્રીમ તેમજ 6 ટન ચોકલેટ બનાવવાની ક્ષમતા છે.
આ સિવાય પોટેટો પ્રોસિસંગ અને પ્રોડક્ટ યુનિટ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં રોજ 48 ટન બટાકાં પ્રોસેસિંગ કરીને તેના પ્રોડક્ટ તૈયાર કરવાની ક્ષમતા છે. જેનું વડા પ્રધાન મોદીએ ઉદ્ઘાટન કર્યું છે.
આ સિવાય બનાસ ડેરી સંકુલમાં દૂધવાણી કૉમ્યુનિટી રેડિયો સ્ટેશન પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેનું વડા પ્રધાને લોકાર્પણ કર્યું હતું.
આ કૉમ્યુનિટી રેડિયો સ્ટેશન શરૂ કરવાનો ઉદ્દેશ પશુપાલન અને ડેરી ઉદ્યોગને લઈને લોકશિક્ષણ અને જાગૃતિ પ્રસરાવવાનો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો