કર્ણાટકના હુબલીમાં પણ દિલ્હીના જહાંગીરપુરી માફક હિંસા ફાટી નીકળી - પ્રેસ રિવ્યૂ

ઉત્તર કર્ણાટકના હુબલી શહેરમાં છેડછાડ કરીને અપલોડ કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટને લઈને કેટલાક લોકો રસ્તે ઊતરી આવ્યા હતા. ભીડને શાંત કરાવવા માટે પોલીસે ટિયરગૅસનો ઉપયોગ કરવો પડ્યો હતો.

ઉગ્ર ભીડને શાંત કરાવતી વખતે કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ પણ થયા છે. આ દરમિયાન ભીડે પોલીસના વાહનમાં પણ આગ લગાવી હતી.

આ ઘટના શનિવારે રાત્રે નમાજ બાદ બની હતી. નમાજ બાદ કેટલાક લોકોનું ટોળું જૂના શહેરના પોલીસમથક સામે આવીને એકત્ર થયું હતું. ભીડને વેરવિખેર કરવા પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો.

હુબલી પોલીસે બીબીસી હિન્દીને જણાવ્યું, "એક ધાર્મિક સ્થળને અપવિત્ર કરવા બાબતનો મૉર્ફ્ડ વીડિયો પોસ્ટ કરનારા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ વીડિયોને લઈને લોકોમાં નારાજગી છે અને તેમણે આ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી."

હનુમાનજયંતિની શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે ઘર્ષણ

ઉત્તર-પશ્ચિમ દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં શનિવારે હનુમાન જયંતી નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. જેમાં ઘણા લોકો ઘાયલ થયા છે.

હિન્દુસ્તાન ટાઇમ્સમાં છપાયેલા એક અહેવાલ અનુસાર હનુમાન જયંતી નિમિત્તે યોજવામાં આવેલી શોભાયાત્રામાં અંદાજે 300 લોકો સામેલ હતા.

આ હિંસામાં છ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે અને એક સ્થાનિક નાગરિકને પણ ઈજા થઈ છે. આ હિંસાની શરૂઆત કઈ રીતે થઈ તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

અહેવાલમાં પોલીસ સૂત્રોને ટાંકીને લખ્યું છે કે જ્યારે આ શોભાયાત્રા જહાંગીરપુરી વિસ્તારના સી-બ્લૉક પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે મારામારીથી શરૂ થયેલી આ ઘટના હિંસા અને પથ્થરમારામાં ફેરવાઈ ગઈ હતી.

ગુસ્સે ભરાયેલા લોકોએ ઘણાં વાહનોને આગ ચાંપી દીધી હતી અને આસપાસની દુકાનોને પણ નુક્સાન પહોંચાડ્યું હતું. હિંસામાં દિલ્હી પોલીસના એક સબ-ઇન્સ્પેક્ટરને ગોળી પણ વાગી છે. જેઓ હાલમાં સારવાર હેઠળ છે.

અખબારે જ્યારે પ્રત્યક્ષદર્શીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો લોકો પાસેથી અલગઅલગ જવાબ મળતા હતા.

કેટલાક લોકોનું કહેવું હતું કે શોભાયાત્રા પર વગર કારણે જ હુમલો કરવામાં આવ્યો છે. તો કેટલાક લોકોનું કહેવું હતું કે મસ્જિદ પર ઝંડો ફરકાવવાના પ્રયત્ન બાદ માહોલ તણાવભર્યો બન્યો હતો.

જોકે, પોલીસે હજુ સુધી હિંસાના ઘટનાક્રમની પુષ્ટિ કરી નથી. પોલીસના કહેવા પ્રમાણે તપાસ ચાલી રહી છે અને તે પૂર્ણ થયા બાદ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવશે.

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન ગુરુવારે ગુજરાત આવશે

બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સન આ અઠવાડિયાના અંતમાં ભારતના પ્રવાસે આવશે. જેમાં વડા પ્રધાન મોદી સાથે સંરક્ષણ સમજૂતીઓ અંગે વાટાઘાટ કરવાની સાથેસાથે તેઓ એક દિવસ માટે ગુજરાત પણ આવશે.

અહેવાલ પ્રમાણે, કોરોના વાઇરસના કારણે બોરિસ જોન્સનનો ભારતપ્રવાસ પાછલા અમુક સમયથી ટાળવામાં આવી રહ્યો હતો. જોકે, રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદથી ભારતનો વિશ્વાસ મેળવવા માટે આ મુલાકાત યોજાઈ રહી છે.

બ્રિટનના વડા પ્રધાન ગુરુવારે ગુજરાતની મુલાકાત લેશે. જ્યાં તેઓ બન્ને દેશો વચ્ચે કેટલાક મોટા રોકાણની અને વિજ્ઞાન, સ્વાસ્થ્ય તેમજ ટેકનૉલૉજી વિષય પર કેટલાક એમઓયુની જાહેરાત કરી શકે છે.

ગયા મહિને જ યુકેનાં વિદેશસચિવ લિઝ ટ્રુસ ભારત આવ્યાં હતાં. આ મુલાકાતમાં તેમણે રશિયા વિરુદ્ધ આકરા પ્રતિબંધો મૂકવા અંગે વાત કરી હતી.

ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 નેશનલ હેલ્પલાઇન 112 સાથે જોડાઈ શકે છે

ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 સંપૂર્ણ રીતે બાળકો માટે સમર્પિત દેશની એકમાત્ર હેલ્પલાઇન છે અને બાળઅધિકારો માટે કામ કરવા અને તેની રક્ષા માટે તેના પર નિર્ભરતા છે. જોકે, હવે આ હેલ્પલાઇનના ભવિષ્ય પર સંકટનાં વાદળો ઘેરાયેલાં છે.

ધ હિન્દુના અહેવાલ પ્રમાણે, ચાઇલ્ડ હેલ્પલાઇનને નેશનલ હેલ્પલાઇન સાથે ભેળવી દેવાની યોજના બનાવવામાં આવી રહી છે.

ભારતની આ હેલ્પલાઇન બાળકો માટે સમર્પિત વિશ્વની સૌથી મોટી હેલ્પલાઇનોમાંની એક છે.

આંકડા પ્રમાણે દર વર્ષે આ હેલ્પલાઇન પર અંદાજે 50 લાખ કૉલ આવે છે. જોકે, સરકારના આ પ્રસ્તાવ બાદ સિવિલ સોસાયટીના ઘણા જાણકારો અને વરિષ્ઠ લોકોએ સવાલ ઉઠાવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો