You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુવરાજસિંહ જાડેજાને જામીન, અદાલતે મૂકી આ શરતો
આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાને 'પોલીસ પર હુમલા'ના કેસમાં ગાંધીનગર કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા છે.
આ અંગે તેમના વકીલે મીડિયાને જણાવ્યું છે કે "કોર્ટ દ્વારા યુવરાજસિંહને જામીન આપતી વખતે શરત મૂકવામાં આવી છે કે જ્યાં સુધી આ કેસમાં ચાર્જશીટ ફાઇલ ન થાય ત્યાં સુધી તેઓ ગાંધીનગરમાં પ્રવેશી શકશે નહીં."
"આ ઉપરાંત રાજ્ય છોડતા પહેલાં તેમણે અદાલત પાસેથી મંજૂરી લેવાની રહેશે."
યુવરાજસિંહ જાડેજાની પાંચમી એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી, પોલીસનું કહેવું છે કે યુવરાજસિંહે પોલીસકર્મી પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, આ અંગે પોલીસે પત્રકારપરિષદ યોજીને એક વીડિયો પણ બહાર પાડ્યો હતો.
ગુજરાત પોલીસના રૅન્જ આઈજી અભય ચુડાસમાએ યુવરાજસિંહની ધરપકડ બાદ પત્રકારપરિષદમાં કહ્યું હતું કે યુવરાજસિંહ જાડેજાએ વિદ્યાસહાયકોને ઉશ્કેરવાનો અને પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે આને આમ આદમી પાર્ટીના અનેક નેતાઓએ રાજકીય કાવતરું ગણાવ્યું હતું.
પોલીસને ઘટનાનો વીડિયો ક્યાંથી મળ્યો?
અભય ચુડાસમાએ કહ્યું હતું કે, "વિદ્યાર્થીનેતા હોય કે કોઈ પણ હોય, આ રીતે પોલીસ પર ગાડી ચડાવીને ભાગવાનો પ્રયત્ન કરે, તો તેને ચલાવી શકાય નહીં. એથી તેમની ધરપકડ કરવામાં આવી છે."
આ અંગે પોલીસ દ્વારા વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેના વિશે ચુડાસમાએ કહ્યું, "યુવરાજસિંહ જાડેજાએ તેમની ગાડીમાં એક કૅમેરો લગાવી રાખ્યો છે, જેનાથી તેઓ બધાનું રેકર્ડંગ કરે છે."
"એ જ કૅમેરામાં પોલીસ પર ગાડી ચડાવવાની ઘટના પણ રેકર્ડ થઈ ગઈ છે. એફએસએલની મદદથી આ રેકર્ડિંગની તપાસ પણ કરવામાં આવશે."
રાજકીય કાવતરાનો આરોપ
આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રવીણ રામે કહ્યું હતું કે, "આમ આદમી પાર્ટીની યુવા વિંગના પ્રદેશ ઉપાધ્યક્ષ યુવરાજસિંહ જાડેજા ઉપર ગાંધીનગર ખાતે ખોટા કેસ કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે."
તેમણે સરકાર સામે પ્રશ્ન કર્યો કે, "રાજ્યના યુવાનો માટે અવાજ ઉઠાવનાર યુવરાજસિંહને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છો તે રાજ્યના તમામ યુવાનોના અવાજને દબાવવાનો પ્રયત્ન છે."
પ્રવીણ રામે યુવરાજસિંહ જાડેજાની ધરપકડને રાજકીય કાવતરું ગણાવ્યું છે.
યુવરાજસિંહ જાડેજાના પ્રકરણ મામલે ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે પણ જે-તે વખતે પ્રતિક્રિયા આપી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, "કાયદો બધા માટે સરખો છે, જો કોઈ કાયદાનું ઉલ્લંઘન કરશે તો કડક પગલાં લેવાશે"
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો