રાહુલ ગાંધીને ઉત્તરાખંડનાં 79 વર્ષીય પુષ્પા મુંજિયાલે તેમની તમામ સંપત્તિના વારસદાર શા માટે બનાવ્યા?

    • લેેખક, રાજેશ ડોબરિયાલ
    • પદ, દેહરાદૂનથી બીબીસી ગુજરાતી માટે

દેહરાદૂનની સમૃદ્ધ કૉલોની ડાલનવાલા ખાતેની વિખ્યાત વેલ્હમ ગર્લ્સ સ્કૂલ નજીકના પ્રેમધામ આશ્રમમાં રહેતાં એક વૃદ્ધ ખૂબ ચર્ચામાં છે.

મંગળવારે સવારે પ્રેમધામ આશ્રમમાં એકત્ર થયેલા લોકોમાં મીડિયા કર્મચારીઓ વધુ પ્રમાણમાં હતા અને તેઓ આશ્રમમાં રહેતાં 79 વર્ષનાં પુષ્પા મુંજિયાલને મળવા આવ્યા હતા.

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પુષ્પા મુંજિયાલે કૉંગ્રેસના પૂર્ણ પ્રમુખ રાહુલ ગાંધીને પોતાની તમામ સંપત્તિ આપીને બધાને ચકિત કરી દીધા હતા.

પુષ્પા મુંજિયાલ જોઈ શકતાં નથી, પરંતુ તેઓ અચાનક અનેક લોકોની નજરમાં આવી ગયાં છે. તેનું કારણ એ છે કે તેમણે તેમની તમામ સંપત્તિના વારસદાર કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને બનાવ્યા છે.

એ સંપત્તિ લાખો રૂપિયાની હોવાનું જણાવવામાં આવે છે અને તેમાં 10 તોલા સોનાનો પણ સમાવેશ થાય છે.

એ સંપત્તિમાં 17 બૅન્ક ડિપોઝિટ સર્ટિફિકેટ્સ પણ છે, જેનું મૂલ્ય 20 લાખ રૂપિયાની આસપાસ છે.

રાહુલ ગાંધી અને કૉંગ્રેસ પક્ષ ચૂંટણીમાં કારમી હારનો સામનો કરી રહ્યો છે ત્યારે પુષ્પા મુંજિયાલના નિર્ણયથી અનેક લોકો ચોંકી ગયા છે.

line

કૉંગ્રેસી નેતાને સોંપ્યું વસીયતનામું

ઉત્તરાખંડ પ્રદેશ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ પ્રીતમ સિંહને પોતાનું વસીયતનામું સોંપી રહેલાં પુષ્પા મુંજિયાલ

ઇમેજ સ્રોત, RAJESH DOBARIYAL

ઇમેજ કૅપ્શન, ઉત્તરાખંડ પ્રદેશ કૉંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ પ્રીતમ સિંહને પોતાનું વસીયતનામું સોંપી રહેલાં પુષ્પા મુંજિયાલ

પુષ્પા મુંજિયાલે તેમનું વસીયતનામું ઉત્તરાખંડ પ્રદેશ કૉંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ પ્રીતમ સિંહને સોમવારે સોંપ્યું હતું. અલબત, પુષ્પા મુંજિયાલે તે વસિયતનામું આ વર્ષની નવમી માર્ચે જ તૈયાર કરાવી લીધું હતું.

રસપ્રદ વાત એ છે કે આ ઘટના હવે પ્રકાશમાં આવી છે, પરંતુ પુષ્પા મુંજિયાલ છેલ્લાં દસ વર્ષથી જે બચત કરી રહ્યાં હતાં એ તમામમાં તેમણે રાહુલ ગાંધીને જ નોમિની બનાવ્યા હતા.

પ્રેમધામ વૃદ્ધાશ્રમમાં આવતાં યોગ શિક્ષિકા સીમા જૌહર મારફત પુષ્પા મુંજિયાલે કૉંગ્રેસના મહાનગર અધ્યક્ષ લાલચંદ શર્માનો સંપર્ક સાધ્યો હતો અને લાલચંદ શર્મા તેમને પ્રીતમ સિંહને મળવા લઈ ગયા હતા.

line

રાહુલ ગાંધીની પસંદગીનું કારણ

રાહુલ ગાંધીની સોશિયલ મીડિયા પર ટીકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પુષ્પા મુંજિયાલે એમ પણ જણાવ્યું હતું કે તેમણે રાહુલ ગાંધીના સદગુણોની વાતો ટેલિવિઝન પર જ સાંભળી છે.

લાલચંદ શર્માના જણાવ્યા અનુસાર, પુષ્પા મુંજિયાલ "રાહુલ ગાંધીના વિચારોથી બહુ પ્રભાવિત છે. ગાંધી પરિવારે દેશની એકતા તથા અખંડતા માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે." તેથી તેમણે પોતાના વારસદાર તરીકે રાહુલ ગાંધીની પસંદગી કરી છે.

પુષ્પા મુંજિયાલે બીબીસી સાથેની વાતચીતમાં પણ, રાહુલ ગાંધીને વારસદાર બનાવવાનું ઉપરોક્ત કારણ આપ્યું હતું.

પુષ્પા મુંજિયાલે કહ્યું હતું કે "રાહુલ ગાંધી ગરીબો વિશે બહુ વિચારે છે એટલા માટે મેં તેમની પસંદગી કરી હતી. રાહુલ ગાંધીનું ચાલે તો તેઓ જાદુઈ લાકડી ઘૂમાવીને બધા ગરીબોને અમીર બનાવી દે."

પુષ્પા મુંજિયાલે એમ પણ જણાવ્યું હતું કે તેમણે રાહુલ ગાંધીના સદગુણોની વાતો ટેલિવિઝન પર જ સાંભળી છે.

જોકે, રાહુલ ગાંધીના સદગુણો વિશે વિગતવાર વાત કરવા તેઓ ઇચ્છુક જણાયા ન હતાં.

પુષ્પા મુંજિયાલે આ પ્રકારનું દાન અગાઉ પણ કર્યું છે. 1999માં શિક્ષિકા તરીકે નિવૃત્ત થયેલાં પુષ્પા મુંજિયાલે તેમની બચતમાંથી 25 લાખ રૂપિયાનું દાન દૂન હૉસ્પિટલને આપ્યું હતું, પરંતુ હાલ તેઓ હૉસ્પિટલના વ્યવહારથી ખુશ નથી.

પુષ્પા મુંજિયાલે કહ્યું હતું કે "મેં દાન આપ્યું ત્યારે એવી શરત મૂકેલી કે દાનમાંથી દર વર્ષે ખર્ચવામાં આવેલાં નાણાં વિશેની માહિતી મને આપવામાં આવશે, પરંતુ એ પૈસાનું શું કર્યું તે હૉસ્પિટલે મને ક્યારેય જણાવ્યું નથી."

પોતાની સંપત્તિનું દાન મુખ્ય પ્રધાન કે વડા પ્રધાન રાહત ભંડોળમાં આપવાને બદલે રાહુલ ગાંધીને તેના વારસદાર બનાવવાનો નિર્ણય પોતે ઉપરોક્ત કારણસર કર્યો હોવાનું પુષ્પા મુંજિયાલે જણાવ્યું હતું.

line

સહવાસીઓ શું કહે છે?

પોતાની સંપત્તિનું દાન મુખ્યપ્રધાન કે વડાપ્રધાન રાહત ભંડોળમાં આપવાને બદલે રાહુલ ગાંધીને તેના વારસદાર બનાવવાનો નિર્ણય પોતે ઉપરોક્ત કારણસર કર્યો હોવાનું પુષ્પા મુંજિયાલે જણાવ્યું હતું.

ઇમેજ સ્રોત, RAJESH DOBARIYAL

ઇમેજ કૅપ્શન, પોતાની સંપત્તિનું દાન મુખ્યપ્રધાન કે વડાપ્રધાન રાહત ભંડોળમાં આપવાને બદલે રાહુલ ગાંધીને તેના વારસદાર બનાવવાનો નિર્ણય પોતે ઉપરોક્ત કારણસર કર્યો હોવાનું પુષ્પા મુંજિયાલે જણાવ્યું હતું.

મીડિયામાં પુષ્પા મુંજિયાલ વિશે જોરદાર ચર્ચા થઈ રહી છે, પરંતુ પ્રેમધામ આશ્રમમાં સન્નાટો પ્રસરેલો છે.

આશ્રમમાં રહેતી અન્ય મહિલાઓ પુષ્પા મુંજિયાલ વિશે વાત કરવા તૈયાર નથી. મોટાભાગની મહિલાઓએ ઉદાસીનતા દર્શાવતા એવું જણાવ્યું હતું કે પુષ્પા મુંજિયાલ પોતાનાં ઓરડામાં જ રહે છે અને કોઈની સાથે વાત કરતાં નથી.

આશ્રમના કર્મચારીઓ અને કેટલીક વૃદ્ધાઓએ તેમની ઓળખ જાહેર નહીં કરવાની શરતે બીબીસીને જણાવ્યું હતું કે, "આશ્રમના લોકો પુષ્પા મુંજિયાલને બહુ પસંદ કરતા નથી."

આશ્રમના કર્મચારીઓના જણાવ્યા મુજબ, "પુષ્પા મુંજિયાલના સગાં દેહરાદૂનમાં જ રહે છે, પરંતુ તેમણે ક્યારેય કોઈને મદદ કરી નથી. પુષ્પા બહુ કંજૂસ મહિલા છે."

પ્રેમધામ આશ્રમનું સંચાલન ફ્રાન્સિસ્કન સિસ્ટર્સ ઑફ અવર લેડી ઑફ ગ્રેસ નામનું એક ખ્રિસ્તી સખાવતી સંગઠન કરે છે.

line

'પુષ્પાને ખુશ રાખવા મુશ્કેલ'

પુષ્પાએ આશ્રમમાં પીરસવામાં આવતા ભોજન વિશે દેહરાદૂનના જિલ્લા અધિકારીને એક વખત ફરિયાદ કરી હોવાનું આશ્રમમાંની મહિલાઓ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું.

ઇમેજ સ્રોત, RAJESH DOBARIYAL

ઇમેજ કૅપ્શન, પુષ્પાએ આશ્રમમાં પીરસવામાં આવતા ભોજન વિશે દેહરાદૂનના જિલ્લા અધિકારીને એક વખત ફરિયાદ કરી હોવાનું આશ્રમમાંની મહિલાઓ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું.

આશ્રમનાં ઈન્ચાર્જ સિસ્ટર એન્જલીને જણાવ્યું હતું કે, "પ્રેમધામ વૃદ્ધાશ્રમ 1990થી કાર્યરત છે અને પુષ્પા આશ્રમના સૌથી જૂનાં સભ્ય છે. તેઓ છેલ્લા 23 વર્ષથી આશ્રમમાં જ રહે છે."

40 વૃદ્ધોને સમાવવાની ક્ષમતા ધરાવતા આ આશ્રમમાં હાલ 29 મહિલાઓ અને એક પુરુષ રહે છે.

પ્રેમધામ આશ્રમમાં અમારી મુલાકાત કવિતા સિંહ સાથે થઈ હતી. કવિતા છેલ્લા કેટલાક સમયથી આશ્રમમાંની વૃદ્ધાઓ સાથે સમય પસાર કરવા માટે આવે છે. કવિતા આ વૃદ્ધાઓની વાતો સાંભળે છે અને તેમને બધું દુઃખ ભૂલીને ભગવાનનું ભજન કરવાની સલાહ આપે છે.

પ્રેમધામ આશ્રમમાં વ્યવસ્થા ઘણી સારી હોવાનું કવિતા માને છે.

અલબત, પુષ્પા મુંજિયાલને રાજી રાખવાનું આસાન નથી. પુષ્પાએ આશ્રમમાં પીરસવામાં આવતા ભોજન વિશે દેહરાદૂનના જિલ્લા અધિકારીને એક વખત ફરિયાદ કરી હોવાનું આશ્રમમાંની મહિલાઓ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું.

પુષ્પા મુંજિયાલ આશ્રમમાં પીરસાતું ભોજન લઈને જિલ્લા અધિકારીની ઑફિસે પહોંચી ગયાં હતાં. તેમની ફરિયાદ હતી કે તેમના ભોજનમાં પાણી અને માટી ભેળવવામાં આવે છે.

જોકે, આ ફરિયાદ બાબતે કરાયેલી તપાસમાં આવું કશું બહાર આવ્યું ન હતું.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો