તલાટીની ભરતી : 'જો ખબર હોત કે લાખો ફૉર્મ ભરાશે, તો હું ફૉર્મ ભરતાં બે વખત વિચાર કરત'
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
ભાવનગરના ચેતનભાઈ ભંડારીએ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી માટે ફૉર્મ ભર્યું છે. આના માટે તેઓ છેલ્લા પાંચેક વર્ષથી મહેનત કરતા હતા. તેમને જ્યારે ખબર પડી કે 23 લાખથી વધુ ફૉર્મ ભરાયા છે. ત્યારે તેમને અફસોસ થયો.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, "તલાટીની એક જગ્યા માટે સરેરાશ 525 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે. મને ખબર પડી કે આટલી મોટી સંખ્યામાં ફૉર્મ ભરાયાં છે ત્યારે હું ચોંકી ગયો હતો. મારા લગ્ન થયાને પાંચ વર્ષ થઈ ગયાં છે. હું કોઈ કામધંધે નથી જતો."
"મારા પિતાની એક જ આશા છે કે હું ઝટ નોકરીએ ચઢી જાઉં. તલાટી માટે પણ એટલી વ્યાપક સ્પર્ધા છે કે આમાં તો નંબર લાગશે કે કેમ તેની જ ચિંતા છે."
"શું મેં આના માટે આટલાં વર્ષોથી ટ્યુશન કર્યાં હતાં? મેં જ્યારે ફૉર્મ ભર્યું હતું ત્યારે અંદાજ નહોતો કે તલાટી માટે આટલી મોટી સંખ્યામાં ફૉર્મ ભરાશે, ખબર હોત તો બે વખત વિચાર કરત."

બેરોજગારી ભરડો લઈ ગઈ છે

ઇમેજ સ્રોત, Getty Images
સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે, તલાટીની 3437 જગ્યાઓ માટે 23 લાખથી વધુ ફૉર્મ ભરાયાં હતાં. જેમાંથી 18.21 લાખ કન્ફર્મ થયાં છે. 17 ફેબ્રુઆરી સુધીમાં ઑનલાઇન ફૉર્મ ભરવાનાં હતાં.
સાડા ત્રણ હજાર ભરતી માટે લાખો ઉમેદવાર ફૉર્મ ભરતા હોય તે સ્થિતિ જ દર્શાવે છે કે રાજ્યમાં સરકારી પદ માટે કેટલી મોટી સંખ્યામાં યુવાનો મીટ માંડીને બેઠા હતા.
ઉમેદવારોની સંખ્યા ઘણી વધારે એટલા માટે પણ છે કે ખૂબ લાંબા ગાળે તલાટીની ભરતી બહાર પડી છે.
તલાટી યુનિયનનાં મહા મંત્રી રહી ચૂકેલા સહદેવસિંહ ચુડાસમા બીબીસીને કહે છે કે, "આટલી મોટી સંખ્યામાં ફૉર્મ પહેલી વખત ભરાયા છે. તલાટી માટેની છેલ્લી ભરતી 2016માં થઈ હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આટલી મોટી સંખ્યામાં ફૉર્મ ભરાયા હોવાનું એક કારણ એ પણ છે કે, "તલાટીની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસની છે. જ્યારે જીપીએસસી વગેરે માટે શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન છે. આ બન્નેમાં 12 પાસ કરનારા યુવાનોનો વર્ગ મોટો હોવાથી તલાટી માટે ફૉર્મ વધારે ભરાયા છે."
ચેતન ભંડારીનું માનવું છે કે, "કોરોનાને કારણે શાળાઓમાં શિક્ષણમાં વિક્ષેપ પડ્યો અને વિદ્યાર્થીઓને જે રીતે માસ પ્રમોશન આપીને પાસ કરી દેવાયા તેને કારણે પણ તલાટીનાં ફૉર્મ ભરનારાની સંખ્યા વધી છે.”

અન્ય ક્ષેત્રોમાં ખાલી જગ્યાઓ ભરાય તો તલાટીની ભરતીમાં ફૉર્મ ભરનારાની સંખ્યા ઘટે
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
એક બાબત એવી પણ છે કે પોલીસથી લઈને કૉલેજો સુધી ઘણાં સમયથી વિવિધ સરકારી હોદ્દાઓમાં ઘણી જગ્યાઓ ખાલી પડી છે. તેથી એ પરીક્ષામાં તૈયારી કરતાં લોકો પણ પછી તલાટી કે અન્ય કોઈ ભરતીમાં ફૉર્મ ભરતા હોય છે.
સહદેવસિંહ કહે છે કે, "ઍન્જિનિયરિંગ ક્ષેત્રે સિવિલ, મિકૅનિકલ હોય કે અન્ય કોઈ પણ ફેકલ્ટી હોય, ત્યાં ઘણા સમયથી સરકારી ભરતીઓ થતી નથી."
તેઓ માને છે કે, "સરકારી ઍન્જિનિયરિંગ કૉલેજોમાં નીચેથી લઈને પ્રોફેસર સુધીની જગ્યાઓ ખાલી પડી છે. તેથી સરકાર જો આ ભરતીઓ સમયસર કરતી હોય તો તલાટીમાં ફૉર્મ ભરવાની હોડ ન લાગે. તલાટીમાં જે બાવીસ લાખ અરજીઓ પડી છે એમાં બેથી અઢી લાખ ઍન્જિનિયરો હશે."
"હું દેત્રોજ તાલુકામાં હતો ત્યારે બાવીસમાંથી પાંચ તલાટીઓ એવા હતા જે ઍન્જિનિયર હતા. દરેક તાલુકામાં ચાર પાંચ તલાટીઓ ઍન્જિનિયર છે."
બીજી વાત એ પણ છે કે, "જે કોઈ પણ સરકારી નોકરી મળતી હોય તો એ સ્વીકારી લો એવો એક ક્રેઝ યુવાવર્ગમાં હોય છે. જેથી સામાજિક સન્માન વધી જાય, સગાઈ વગેરે કરવાની હોય તો સરળ પડે."

શું હોય છે તલાટીનું કાર્યક્ષેત્ર?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તલાટી કઈ રીતે કામ કરે છે અને તેની ફરજ શું હોય છે એ વિશે કેટલીક બાબતો જાણવી જરૂરી છે.
વડોદરાના સાવલી તાલુકાના મંજૂષા ગામના તલાટી કમ મંત્રી તેમજ વડોદરા જિલ્લાના તલાટીમંડળના પ્રમુખ વિજય કલોત્રાએ બીબીસીને જણાવ્યું હતું કે, "બે પ્રકારના તલાટી હોય છે. પંચાયત તલાટી અને રૅવન્યૂ તલાટી. પંચાયત તલાટી ગ્રામપંચાયત કચેરીમાં બેસે છે અને રૅવન્યૂ તલાટી મામલતદાર કચેરીમાં બેસે છે."
"હાલમાં જે 3437 જગ્યા માટે ભરતી પડી છે, તે પંચાયત તલાટી માટેની છે. જેમ મુખ્ય પ્રધાન સાથે તેમના ચીફ સૅક્રેટરી હોય છે. તેમ ગ્રામપંચાયતમાં સરપંચના ચીફ સૅક્રેટરી એટલે તલાટી."
ગામનાં સર્વાંગી વિકાસની રૂપરેખાને તલાટીએ ઘાટ આપવાનો હોય છે.
વિજય કલોત્રા કહે છે કે, "પંચાયત તલાટીએ ગામમાં જન્મમરણ નોંધણી, વેરાની વસૂલાત કરવાની હોય છે. ગામમાં કોઈ કંપની કે કારખાનું હોય તો તેમની પાસેથી પ્રોફેશનલ ટૅક્સ તલાટીએ વસૂલવાનો હોય છે. "
"ગામમાંથી જે વેરો ઉઘરાવ્યો હોય છે. તેમાંથી તલાટીએ વિકાસના કામો કરવાના હોય છે. ગામમાં ગટર, સ્વચ્છતા, પાણી અને વીજળીની વ્યવસ્થા જોવાની રહે છે. રસ્તા વગેરે બનાવડાવવા કે સમારકામ કરાવવાની જવાબદારી પણ તલાટીને શીરે હોય છે."
તલાટી રાજ્ય સરકાર હેઠળ આવે છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એમ ત્રિ-સ્તરીય માળખું છે. જે અંતર્ગત સરપંચ અને તલાટીની ઉપર તાલુકા વિકાસ અધિકારી અને તેમની ઉપર જિલ્લા વિકાસ અધિકારી આવે છે.
તલાટી સરપંચ સાથે મળીને કામ કરે છે. દર મહિને ગ્રામપંચાયત કે ગ્રામસભાની જે બેઠક મળે છે તેની વિગતો તલાટીએ લખવાની રહે છે.
એ બેઠકમાં જે ઠરાવ થાય એની ઉપલા અધિકારી પાસેથી મંજૂરી તલાટીએ મેળવવાની હોય છે. મંજૂરી મળ્યા બાદ ગામમાં કામ પણ તલાટીએ કરાવવાનું રહે છે. પંચાયતની બેઠકમાં તલાટીની જવાબદારી મંત્રી તરીકેની હોવાથી તેને તલાટી કમ મંત્રી કહેવામાં આવે છે.”




આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













