સૈન્ય પાછું ખેંચ્યાના રશિયાના દાવા પર ભરોસો કરવો યુક્રેન માટે મુશ્કેલ કેમ છે?

    • લેેખક, સારાહ રેઇન્સફોર્ડ
    • પદ, બીબીસીના પૂર્વ યુરોપના સંવાદદાતા, કrવ

યુક્રેન પરના રશિયાના સંભવિત આક્રમણ બાબતે પશ્ચિમના નેતાઓ ચેતવણી આપી રહ્યા છે ત્યારે રશિયાએ સૈન્ય ટુકડીઓ પાછી ખેંચવાની જાણકારી આપી હતી.

પરંતુ યુક્રેન અને પશ્ચિમી દેશો રશિયાને સંશયની દૃષ્ટિથી જોઈ રહ્યા છે.

યુક્રેનવાસીઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુક્રેનવાસીઓ

રશિયા અને યુક્રેનન વચ્ચે તણાવ ચરમ પર હતો ત્યારે જ રશિયાએ કેટલીક સૈન્ય ટુકડીઓ પાછી બોલાવીને બધાને સંશયમાં નાખી દીધા છે.

યુક્રેનમાં શું નેતાઓ અને શું નાગરિકો, કોઈને પણ રશિયાના આ દાવા પર ભરોસો બેસતો દેખાતો નથી.

યુરી વાસીલેવીચ અને તેમના સૅક્સોફોન ઑર્કેસ્ટ્રાએ ખીચોખીચ ભરાયેલા કિવ ફિલહાર્મોનિક ખાતે સંગીતનો કાર્યક્રમ રજૂ કર્યો હતો.

સંગીત કળાકારો આ પ્રકારના દબાણ હેઠળ કાર્યક્રમ આપવા ટેવાયેલા છે. 2014માં યુરોપિયન યુનિયન તરફી વિરોધપ્રદર્શન દરમિયાન હિંસા ફાટી નીકળી ત્યારે પણ સ્તંભોવાળા આ ભવ્ય સભાગારમાં ગોળીબારના અવાજ વચ્ચે કાર્યક્રમ ચાલતો રહ્યો હતો.

યુક્રેનને પોતાના અંકુશમાંથી છટકીને નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન(નાટો)માં જોડાતું અટકાવવા રશિયાએ યુક્રેનની સીમા પર લશ્કરી દળો ખડક્યાં છે ત્યારે યુરી માને છે કે ફરી એકવાર તેમના દેશના લમણા પર બંદૂક તાકવામાં આવી છે.

વૅલેન્ટાઇન ડેની રાત્રે યોજાયેલા કાર્યક્રમ પહેલાં યુરીએ કહ્યું હતું કે "આપણે ફ્રાન્સ અથવા બ્રિટન અને અન્ય સ્વતંત્ર દેશોની માફક જીવવા ઇચ્છીએ છીએ."

તેમણે ઉમેર્યું કે, "અમારા કાર્યક્રમ પછી શાંતિ સ્થપાશે કે ગોળીબાર ચાલતો રહેશે તે જાણ્યા વિના આઠ વર્ષ પછી પણ અમે અમારું કામ કરી રહ્યા છીએ".

આ સંગીતકારની અસ્વસ્થતા અને પશ્ચિમી રાજકારણીઓ તથા ગુપ્તચર એજન્સીઓની તમામ ભયાનક ભવિષ્યવાણીઓ છતાં, કીવની શેરીઓ નોંધપાત્ર રીતે શાંત રહી છે.

ગભરાટની એકમાત્ર નિશાની શહેરની એક દીવાલ પર ચિતરાયેલા શબ્દમાં જોવા મળે છે. કેટલાંક સૂત્રોએ ખાતરીપૂર્વક ભાખ્યું હતું કે બુધવારે રશિયા હુમલો કરશે, પરંતુ રશિયા દ્વારા હુમલાનો કોઈ સંકેત અહીં જોવા મળતો નથી.

રશિયા હેઠળ રહેવાનો અનુભવ

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખે બુધવારે રાષ્ટ્રીય એકતા દિવસ ઊજવવાની હાકલ કરી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુક્રેનના રાષ્ટ્રપ્રમુખે બુધવારે રાષ્ટ્રીય એકતા દિવસ ઊજવવાની હાકલ કરી હતી

જોકે, યુક્રેનવાસીઓ રશિયાના પડછાયા હેઠળ લાંબો સમય રહેવાનો અનુભવ ધરાવે છે અને રશિયા તંગદિલીમાં થોડો ઘટાડો કરી રહ્યું હોવાનું સૂચવતાં તાજેતરનાં પગલાં બાબતે તેઓ સાશંક છે.

સૌપ્રથમ તો રશિયાના વિદેશ પ્રધાને રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમિર પુતિનને એવી સલાહ આપી હતી કે પશ્ચિમના દેશો સાથે વાત કરતાં રહેવામાં અને પોતાની સલામતી સંબંધે વાટાઘાટ કરતા રહેવામાં શાણપણ છે.

એ પછી વ્લાદિમિર પુતિને મંગળવારે તે માગણીઓનો પુનરોચ્ચાર કર્યો હતો અને પોતે યુદ્ધ ન ઇચ્છતા હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.

રશિયાના સંરક્ષણમંત્રાલયે મંગળવારે જ જાહેરાત કરી હતી કે તેનાં કેટલાંક લશ્કરી દળો યોજના મુજબ તેમની ચોકીઓ પર પાછાં ફરી રહ્યાં છે.

માર્ગો પર બરફને કારણે થયેલા ટ્રાફિક જામમાંથી પોતાની ટેન્કો આગળ ધપાવી રહેલા રશિયન સૈનિકોનો વીડિયો પણ સંરક્ષણમંત્રાલયે પ્રસારિત કર્યો હતો.

line

યુક્રેનની ચિંતા

યુરી વાસીલેવીચ અને તેમના સાથી કળાકારો માનસિક દબાણ હેઠળ સંગીતના કાર્યક્રમ રજૂ કરવા ટેવાયેલા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુરી વાસીલેવીચ અને તેમના સાથી કળાકારો માનસિક દબાણ હેઠળ સંગીતના કાર્યક્રમ રજૂ કરવા ટેવાયેલા છે

યુક્રેનના વિદેશમંત્રીએ આ કથિત પુરાવાને ખાસ મહત્ત્વ આપ્યું ન હતું.

તેમણે કહ્યું હતું કે "આ નિવેદનો પછી લશ્કરી દળો ખરેખર પાછાં ખેંચવામાં આવશે તો જ અમે માનીશું કે તંગદિલી ઘટાડવાનું કામ વાસ્તવમાં શરૂ થયું છે."

તેના થોડા કલાકો પછી જ કીવસ્થિત સંરક્ષણમંત્રાલયે તેની વેબસાઇટ હૅક કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. બે મોટી બૅન્કોમાં પણ સેવાઓ ખોરવાઈ ગઈ હતી. તેનું કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ યુક્રેન મોટા સાયબર હુમલાઓનો ભોગ બન્યું હતું અને આ હુમલાઓ રશિયા-પ્રેરિત હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

મોટાં શહેરો પર બોમ્બમારો અને કીવ પર રશિયન ટૅન્કોના આક્રમણ સહિતના પૂર્ણ કક્ષાના લશ્કરી હુમલાની નાટકીય ચેતવણી યુક્રેનના સાથી રાષ્ટ્રો આપી રહ્યાં છે. તે સૂચવે છે કે યુક્રેન આ પ્રકારના ઓછા જાણીતા આક્રમણ સામે ઝીંક ઝીલી શકે તેમ નથી.

યુક્રેનના રાજકીય વિશ્લેષક મારિયા ઝોલ્કિના એવી દલીલ કરે છે કે "પોતે સરહદ પરથી કેટલાક લશ્કરીદળોને પાછા ખેંચી રહ્યું હોવાની રશિયાની જાહેરાતમાં પશ્ચિમના તમામ દેશોને આશાનો સંકેત દેખાય છે, પરંતુ વાસ્તવમાં તેનો અર્થ એ છે કે મિશ્ર આક્રમણનું જોખમ સંભવતઃ વધી રહ્યું છે."

મારિયા માને છે કે રશિયાનું પીઠબળ ધરાવતાં દળો દ્વારા, કથિત ઉશ્કેરણીના પગલે પૂર્વ યુક્રેનના વિસ્તારોમાં કરવામાં આવેલું નાનકડું આક્રમણ વધારે વાસ્તવિક જોખમ છે.

મારિયા ઉમેરે છે કે "રશિયાએ તંગદિલી ઘટાડવાની વાત કરી હોય અને એવું ન થયું હોય તેવાં સંખ્યાબંધ ઉદાહરણ છે. તેથી પ્રસ્તુત જાહેરાત, મુખ્ય મુદ્દા પરથી ધ્યાન હઠાવવાના હેતુસરની રાજદ્વારી ચાલ હોઈ શકે છે."

યુક્રેનના સાથીઓને પણ આવી શંકા છે. તેઓ જણાવે છે કે રશિયાએ તાજેતરના દિવસોમાં લશ્કરી દળોની સંખ્યા ઘટાડી નથી, પરંતુ તેને વધુ વ્યૂહાત્મક સ્થળે ગોઠવ્યાં છે.

"48 કલાકની અંદર" મોટી સૈન્ય કાર્યવાહીની તમામ વાતો પછી, પશ્ચિમી અધિકારીઓ હવે લોકોને કોઈપણ તારીખે "નિશ્ચિત" ન કરવા વિનંતી કરી રહ્યા છે અને ચેતવણી આપી રહ્યા છે કે આ કટોકટી "ખૂબ જ લાંબી" હોઈ શકે છે.

તેથી યુક્રેને પોતાની સજ્જતામાં કોઈ ઘટાડો કર્યો નથી અને તે ઝૂકવા પણ તૈયાર નથી.

રાષ્ટ્રધ્વજ ફરકાવવા, બ્લ્યુ તથા પીળી રિબન ધારણ કરવા અને રાષ્ટ્રીય એકતાના પ્રદર્શન માટે એકત્ર થવાની હાકલ રાષ્ટ્રપ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કીએ દેશના નાગરિકોને બુધવારે કરી હતી.

સોશિયલ મીડિયા પરના મૅસેજ સૂચવે છે કે યુક્રેનનાં અનેક શહેરોની નગરપાલિકાઓ રાષ્ટ્રભકિત્ અને અવજ્ઞાના સંકેત સાથે નાની કૂચોનું આયોજન કરી રહી છે.

ઍલેકઝેન્ડર નામના એક આઇટી નિષ્ણાતે મંગળવારે સાંજે સેન્ટ્રલ કિવમાં કહ્યું હતું કે "મેં મારા ઘરની બાલ્કનીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું વિચાર્યું છે."

સમાચારોમાં યુદ્ધની ચેતવણીના અનુસંધાને ઍલેકઝેન્ડર થોડા દિવસોથી ભયભીત છે અને તેમણે, કીવ પર હુમલો કરવામાં આવે તો પોતાના પરિવાર સાથે સલામત સ્થળે ખસી જવાનો પ્લાન પણ બનાવ્યો છે.

ઍલેકઝેન્ડરે સ્વીકાર્યું હતું કે "પોતે નાટોમાં જોડાશે નહીં, તેવા સંકેત યુક્રેન આપતું હોય તેવું લાગે છે, જે મને ગમ્યું છે. તેથી મને થોડી શાંતિ થઈ છે. નાટો રશિયાના ક્રોધનું કારણ છે અને તેનાથી યુદ્ધ થઈ શકે છે."

ધમધમતા કેફે અને ગેલેરીઝ ધરાવતી એ જ ગલીમાં યારોસ્લાવ નામના એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે સલામતી માટે પશ્ચિમ યુક્રેનમાં ચાલ્યા જવાની તેમનાં માતા-પિતાની સલાહને તેઓ અવગણી રહ્યા છે.

જોકે, કટોકટીનો અંત આવી ગયો હોવાનું તેઓ માનતા નથી.

યુરોસ્લાવે કહ્યું હતું કે "પુતિન તેમના બાવડાંનાં ગોટલાં ફુલાવી રહ્યા છે અને તેમને જે જોઈએ છે તે કદાચ મેળવશે. લશ્કરી દળો પાછાં ખેંચવાની જાહેરાત લોકોનું ધ્યાન અન્યત્ર હઠાવવાનું કાવતરું હોય તેવું લાગે છે, પરંતુ આ રશિયા સાથેની અમારી પહેલી લડાઈ નથી. વળતો હુમલો કરવો પડશે તો તેના માટે અમે તૈયાર છીએ."

ફૂટર
line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો