અરુણાચલ પ્રદેશ: હિમસ્ખલનમાં ફસાયેલા તમામ સાત સૈનિક મૃત જાહેર - BBC Top News

અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં પેટ્રોલિંગ દરમિયાન હિમસ્ખલન હેઠળ દબાઈ ગયેલા સેનાના સાત જવાન મૃત્યુ પામ્યાં છે. સેનાએ સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરી છે.

રવિવારે જમ્મુ-કાશ્મીર રાયફલ્સના સાત જવાનોની આ ટુકડી ચીન સાથે જોડાયેલી સરહદના કામેંગ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે હિમસ્ખલનમાં ફસાઈ ગઈ હતી.

સ્થાનિક પોલીસ તથા વહીવટીતંત્રને સાથે રાખીને સેના દ્વારા તપાસ તથા બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

14 હજાર 500 ફૂટની ઊંચાઈએ તપાસ માટે હેલિકૉપ્ટર, અનમૅન્ડ ઍરિયલ વ્હીકલ, હિમસ્કૂટર તથા વિશિષ્ટ શ્વાનને પણ કામે લગાડાયાં હોવાનું જાણવા મળે છે.

તપાસ માટેનાં વિશે સાધનો અને નિષ્ણાત સૈનિકોને હવાઈમાર્ગે ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા અને તપાસ અભિયાન હાથ ધરાયું હતું.

મંગળવારે સૈનિકોના પાર્થિવદેહ મળી આવતા તપાસ અભિયાનને સમાપ્ત જાહેર કરવામાં આવ્યું હતું.

મૃત સૈનિકોના મૃતદેહોને દુર્ઘટનાસ્થળેથી નજીકના સુરક્ષાસંસ્થાન ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવશે અને પછી તેમને પરિવારજનોને સુપરત કરવામાં આવશે.

મુકેશ અંબાણીને પાછળ છોડી ગૌતમ અદાણી બન્યા એશિયાની સૌથી ધનિક વ્યક્તિ

છેલ્લાં ત્રણેક વર્ષમાં ભારતનાં સાત ઍરપોર્ટ અને ચોથા ભાગનો ઍર ટ્રાફિક પોતાના કબજામાં કરનાર ગૌતમ અદાણી એશિયાની સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.

ભારતીય અબજપતિ ગૌતમ અદાણી પોર્ટ, માઇન્સ અને ગ્રીન ઍનર્જી ક્ષેત્રમાં ખૂબ જ ઝડપી આગળ વધી રહ્યા છે.

લાઇવ મિન્ટના અહેવાલ પ્રમાણે, 59 વર્ષીય ગૌતમ અદાણી સોમવારે એશિયાની સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની નૅટ વર્થ (87.9 બિલિયન ડૉલર)થી પણ આગળ નીકળી ગયા છે. સોમવારે તેમની નૅટવર્થ 88.5 બિલિયન ડૉલર પર પહોંચી હતી.

પોતાની સંપત્તિમાં 12 બિલિયન ડૉલરના વધારા સાથે તેઓ એક વર્ષમાં સૌથી વધુ સંપત્તિ મેળવનારી વ્યક્તિ પણ બન્યા છે.

વર્ષ 2020 અંબાણીનું વર્ષ રહ્યું હતું. ઑઇલથી પેટ્રોકૅમિકલ્સ ક્ષેત્રમાં અંબાણીએ અબજો રૂપિયાનો ધંધો કર્યો હતો. આ સિવાય ફેસબુક અને ગુગલ તરફથી કરાયેલા રોકાણો સાથે તેમની સંપત્તિમાં વધારો થતો જોવા મળ્યો હતો.

મહાભારતમાં ભીમનું પાત્ર ભજવનારા પ્રવીણ કુમારનું નિધન

પોતાના વિશાળ કદનાં કારણે જાણીતા થયેલા મહાભારતમાં ભીમનું પાત્ર ભજવનારા પ્રવીણ કુમારનું 74 વર્ષની ઉંમરે નિધન થયું છે.

એક અહેવાલ પ્રમાણે, પ્રવીણ કુમાર છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને તેઓ ઘરમાં જ રહેતા હતા. તેમને સ્પાઇન એટલે કે કરોડરજ્જુની તકલીફ હતી.

મૂળ પંજાબના વતની પ્રવીણ કુમાર ઍક્ટિંગ ક્ષેત્રમાં આવતા પહેલા ઍથલીટ રહી ચૂક્યા છે. તેઓ હૅમર અને ડિસ્કસ થ્રોના ખેલાડી હતી.

તેઓ એશિયન ગૅમ્સમાં ભારત માટે ચાર પદક મેળવી ચૂક્યા છે. જેમાં બે સુવર્ણ, એક રજત અને એક કાંસ્યપદકનો સમાવેશ થાય છે.

તેમણે ભારત તરફથી 1968માં મૅક્સિકો અને 1972માં મ્યુનિક ઑલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. પોતાની રમતનાં કારણે જ અર્જુન ઍવૉર્ડથી સન્માનિત પ્રવીણ કુમારને બીએસએફમાં નોકરી પણ મળી હતી.

ટ્રેક અને ફીલ્ડ સ્પૉર્ટ્સમાં સફળ કરિયર બાદ પ્રવીણ કુમારે 70ના દાયકામાં ફિલ્મી દુનિયામાં પર્દાપર્ણ કર્યું હતું.

ગીરમાંથી મળી આવી કરોળિયાની નવી પ્રજાતિ, ભક્તકવિ નરસિંહ મહેતા પરથી અપાયું નામ

ગીરનાર વાઇલ્ડલાઇફ સૅન્ચુરીમાંથી કરોળિયાની એક નવી પ્રજાતિ મળી આવી છે. આ પ્રજાતિનું નામ 15મી સદીના પ્રખ્યાત ભક્તકવિ નરસિંહ મહેતા પરથી રાખવામાં આવ્યું છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, જે વૈજ્ઞાનિકોએ કરોળિયાનની આ નવી પ્રજાતિ શોધી છે, તેમણે ભક્તકવિ નરસિંહ મહેતાના નામ પરથી તેનું નામ 'પલ્પીમાનુસ નરસિંહમહેતાઈ' રાખ્યું છે.

જૂનાગઢ યુનિવર્સિટીના ડિપાર્ટમૅન્ટ ઑફ લાઇફ સાયન્સિઝના આસિસ્ટન્ટ પ્રોફેસર જતીન રાવલે અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "જૂનાગઢમાંથી શોધાયેલી કરોળિયાની આ પ્રજાતિને જૂનાગઢમાંથી આવેલા ભક્તકવિ નરસિંહ મહેતા પરથી નામ આપવામાં આવ્યું છે."

"જેની પાછળનું કારણ છે કે, નરસિંહ મહેતાએ જે ભજનો લખ્યાં હતાં, તેનાંથી મહાત્મા ગાંધી સહિત લોકોને પ્રેરણા મળી હતી. તેમણે આપેલા વારસાની યાદગીરીમાં આ પગલું લેવામાં આવ્યું છે."

કરોળિયાની નવી પ્રજાતિઓ અંગેનું રિસર્ચ પેપર તાજેતરમાં જ અર્થ્રોપોડા સિલેક્ટા નામની રિસર્ચ જર્નલમાં છપાયું હતું. જેમાં આ પ્રજાતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો