You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Statue Of Equality : વડા પ્રધાન મોદીની એ તસવીર જેની સોશિયલ મીડિયા પર ચર્ચા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે હૈદરાબાદમાં 11મી સદીના ભક્તિમાર્ગના સંત શ્રી રામાનુજાચાર્યની સ્મૃતિમાં બનાવવામાં આવેલા સ્ટેચ્યૂ ઑફ ઇક્વાલિટીનું અનાવરણ કર્યું.
આ દરમિયાન વડાપ્રધાન ધાર્મિક પોશાક પહેરેલા અને કપાળે ચંદન લગાવેલા જોવા મળ્યા હતા. આ પોશાકમાં તેમની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.
માઇક્રો-બ્લૉગિંગ સાઇટ ટ્વિટર પર #MyPM ટ્રેન્ડ થવા લાગ્યું.
આ તસવીરને ટ્વીટ કરીને ભાજપનાના યુવા સાંસદ તેજસ્વી સૂર્યાએ સૌથી પહેલા ટ્વીટ કર્યું - "મેરે પ્રધાનમંત્રી".
આ પછી, વડાપ્રધાનની હૈદરાબાદ મુલાકાતની આ તસવીર સાથે 'મેરે પ્રધાનમંત્રી' My PM હૅશટેગ વાયરલ થઈ ગયું. આ હેશટેગ સાથે અત્યાર સુધીમાં 30 હજારથી વધુ ટ્વીટ થઈ ચૂક્યા છે.
આ તસવીરને લઈને કેટલાક એવું પણ લખી રહ્યા છે કે વડા પ્રધાન મોદી ખુલ્લેઆમ પોતાની હિંદુ ઓળખ બતાવી રહ્યા છે.
રાકેશ બુરગુલા નામના યૂઝરે લખ્યું- "PM મોદી, જે હિન્દુ હોવા બદલ માફી નથી માગતા. આભાર.. તમે અમારું ગૌરવ છો.''
અન્ય એક યૂઝરે લખ્યું, "આવી વ્યક્તિને પીએમ તરીકે જોઈને દિલ ખુશ થઈ જાય છે. બધું કરવા બદલ નરેન્દ્ર મોદીજીનો આભાર."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક યૂઝરે લખ્યું કે, "મારા વડા પ્રધાન પોતાની હિંદુ ઓળખ પર સંકોચ અનુભવતા નથી."
આ તસવીરો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી શૅર કરવામાં આવી છે.
તસવીરોને શેર કરીને લખ્યું હતું કે, "સ્ટેચ્યૂ ઑફ ઇક્વાલિટી શ્રી રામાનુજાચાર્યના શાશ્વત શિક્ષણને શ્રદ્ધાંજલિ છે, જે શિક્ષણમાં સદભાવ, ભાઈચારો અને સામાજિક સશક્તીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે."
શનિવારે સ્ટેચ્યૂ ઑફ ઇક્વાલિટીની પ્રતિમાનું અનાવરણ કરતા વડા પ્રધાને કહ્યું, "રામાનુજાચાર્યજીની પ્રતિમાને વસંત પંચમીના દિવસે સ્થાપિત કરવામાં આવી છે. હું પ્રાર્થના કરું છું કે રામાનુજાચાર્ય દ્વારા આપવામાં આવેલ ઉપદેશો વિશ્વને માર્ગદર્શન આપે. આપણા ગુરુઓની મૂર્તિઓ જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ છે.''
તેમણે કહ્યું, "રામાનુજાચાર્યની પ્રતિમા જ્ઞાનનું પ્રતિક છે. આ મૂર્તિ ફરી એકવાર ભારતની પ્રાચીન સંસ્કૃતિને મજબૂત કરશે. રામાનુજાચાર્યજીએ વર્ષોની યાત્રા અને શિક્ષણ દ્વારા જે પ્રાપ્ત કર્યું તે હવે અહીં ઉપલબ્ધ થશે."
ઘણા યૂઝર્સ વડા પ્રધાનની આ તસવીરોને 'પિક્ચર ઑફ ધ ડે' કહી રહ્યા છે.
વડા પ્રધાન તેમના કપાળ પર ચંદન-તિલક લગાવીને અને પરંપરાગત હિન્દુ ધાર્મિક પોશાકમાં જોવા મળ્યા હોય એવું કંઈ આ પહેલી વાર જ નથી બન્યું. આ પહેલાં કેદારનાથમાં અને તાજેતરમાં કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન વખતે તે પોતાના પોશાકને લઈને ચર્ચામાં રહ્યા હતા.
પહેલાં પણ પરંપરાગત પોષાકમાં વડા પ્રધાનની તસવીરો ચર્ચામાં રહી છે
2019માં કેદારનાથની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક ગુફામાં ધ્યાન કરતી તસવીર સામે આવી હતી, જે ચર્ચાનો વિષય બની હતી. તે વખતે તેમણે ભગવો લાંબો પોશાક પહેર્યો હતો.
ગયા વર્ષે ડિસેમ્બરમાં કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન પ્રસંગે ગંગામાં ડૂબકી લગાવતા વડા પ્રધાનની તસવીરે પણ ભારે ચર્ચા જગાવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો