કિશન ભરવાડ મર્ડર કેસ : રાજકોટમાં દેખાવો ઉગ્ર બન્યા, પોલીસને લાઠીચાર્જની ફરજ પડી- પ્રેસ રિવ્યૂ

રાજકોટના ભરવાડ સમાજ દ્વારા ધંધૂકામાં કિશન ભરવાડની હત્યાના વિરોધમાં કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.

રાજકોટથી બીબીસી પ્રતિનિધિ બિપિન ટંકારિયાના જણાવ્યા પ્રમાણે, "સમાજના લોકો મોટી સંખ્યામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. દરમિયાન રાજકોટ પોલીસ કમિશનરની કચેરી ખાતે આસપાસની દુકાનોને બળજબરીપૂર્વક બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો."

"પોલીસ અને દેખાવકારો વચ્ચે બોલાચાલી થઈ હતી. ઉગ્ર દેખાવકારીઓને વિખેરવા માટે પોલીસને કાર્યવાહી કરવી પડી હતી, જેમાં એકને ઈજા પહોચી હોવાના અહેવાલ છે."

દેખાવકારોએ બોળિયા પરિવાર માટે ન્યાયની માગ કરી હતી તથા આરોપીઓ સામે કડક હાથે કાર્યવાહીની માગ કરી હતી.

મોરબી, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રનાં અલગ-અલગ શહેરોમાં કિશન ભરવાડની હત્યાના મુદ્દે ઉચ્ચ અધિકારીઓને આવેદનત્ર આપવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

અમદાવાદ નજીક પિરાણામાં દરગાહ મામલે તંગદિલી કેમ સર્જાઈ?

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે, અમદાવાદના પિરાણા ગામે ઇમામશાહ બાવા સંસ્થા કમિટી દ્વારા પિરાણા દરગાહ ફરતે દીવાલ બાંધવામાં આવતાં તંગદિલીનો માહોલ સર્જાયો છે.

ગામવાસીઓને ટાંકીને અખબાર નોંધે છે કે સાંપ્રદાયિક હિંસાની આશંકાને પગલે 300-400 લોકોએ તો ગામ છોડી દીધું છે.

દસ ટ્રસ્ટી આ દરગાહનું સંચાલન કરે છે જેમાં સાત 'સતપંથ'ના અને બાકીના ત્રણ ઇમામશાહ બાવાના વારસ છે. દરગાહનું નામ પણ ઇમામશાહ બાવા પરથી પડ્યું છે.

ઇમામશાહ બાવાના વારસના વકીલ મુનીર સૈયદનું કહેવું છે કે ટ્રસ્ટે 24 જાન્યુઆરીના રોજ પરિપત્ર બહાર પાડીને 25 જાન્યુઆરીએ મિટિંગ રાખી હતી.

આ બેઠકમાં બહુમતિ તરીકે તેમણે દીવાલ બાંધવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો અને તત્કાલ સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ પાસેથી મંજૂરી માંગી લીધી. 28 જાન્યુઆરીએ મંજૂરી મળી. તેમના કહેવા પ્રમાણે દીવાલ બાંધવાની કાર્યવાહી હાથ ધરાતાં 300-400 લોકોએ ગામ છોડી દીધુ છે.

પૂર્વ ટ્રસ્ટી ઝૈનુલ આબીદીનો આરોપ લગાવ્યો છે કે સાત ટ્ર્સ્ટીઓ પર દરગાહની ઓળખ બદલી નાખવાનો ઇરાદો ધરાવે છે. તેમણે ઉમેર્યું કે " સાત ટ્રસ્ટીઓ અનુસાર દરગાહ નિષ્કલંકી મહારાજનું સ્મારક છે, જે સત્ય નથી."

ઝૈનુલ આબીદીના જણાવ્યા અનુસાર આ સાત ટ્રસ્ટી કચ્છી પટેલ છે.

આજથી શરૂ થનારા સંસદના બજેટસત્રની રૂપરેખા કેવી રહેશે?

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સોમવારે આર્થિક સર્વેક્ષણ અને મંગળવારે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. વર્તમાન કોવિડ-19 રોગચાળાને કારણે સંસદે સત્ર માટે વધારાની વ્યવસ્થા કરી છે.

પરંપરા પ્રમાણે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આજે બંને ગૃહોને સંબોધન સાથે બજેટસત્રનો પ્રારંભ થશે. સત્ર 8 એપ્રિલે સમાપ્ત થવાનું છે જેમાં સત્રનો પ્રથમ ભાગ 11 ફેબ્રુઆરી સુધી લંબાશે.

'હિંદુસ્તાન ટાઇમ્સ' અનુસાર, 12 ફેબ્રુઆરીથી 13 માર્ચ દરમિયાન સ્થાયી સમિતિઓ વિવિધ મંત્રાલયો અને વિભાગો માટે અંદાજપત્રીય ફાળવણીની તપાસ કરશે અને અહેવાલો તૈયાર કરશે.

બજેટસત્રના પ્રથમ બે દિવસ - 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી દરમિયાન સંસદના બંને ગૃહોમાં 'ઝીરો અવર' અને પ્રશ્નકાળ નહીં હોય.

બજેટસત્રના પ્રથમ ભાગમાં રાષ્ટ્રપતિના અભિભાષણ અને બજેટ પર સામાન્ય ચર્ચા રહેશે. સરકારે ચર્ચા માટે ચાર દિવસનો સમય નક્કી કર્યો છે.

બજેટ સત્રમાં કૂલ 29 બેઠકો થશે, પ્રથમ ભાગમાં 10 અને બીજા ભાગમાં 19 બેઠકો.

કોવિડ -19ને કારણે, લોકસભાની બેઠક 2 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી સાંજે 4થી 9 વાગ્યા સુધી અને રાજ્યસભાની બેઠક સવારે 10થી બપોરે 3 વાગ્યા સુધી રહેશે.

ગુજરાતમાં 'કથિત ઈશનિંદા'ના નામે મિત્રને મિત્રે ધમકી આપી

સુરેન્દ્રનગરના 23 વર્ષીય યુવકને તેમના મુસ્લિમ મિત્રે 'કથિત ઈશનિંદા' અંગે ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર પ્રીતેશ હાતોજા રેલવેમાં નોકરી કરે છે. તેમણે તેમના મુસ્લિમ મિત્ર વિરુદ્ધ કથિત ઈશનિંદાના વોટ્સએપ સ્ટેટસને લઈને ધમકી મળી હોવાની પોલીસ ફરિયાદ કરી છે.

પ્રીતેશને જણાવ્યા અનુસાર તેમણે એક વૉટ્સઍપ સ્ટેટસ મૂક્યું હતું. જેના અંગે તેના મિત્રે તેને ફોન કરીને વાંધો ઉઠાવ્યો હતો.

અહેવાલ અનુસાર પ્રીતેશની ફરિયાદ છે કે ઇબ્રાહીમ નામના તેના મિત્રે તેમને અપશબ્દો કહ્યા ને ખરાબ પરિણામો ભોગવવાની ધમકી આપી.

પ્રીતેશ અને ઇબ્રાહીમ કાલુપુર ચાલમાં પાડોશી હોવાનું પણ અખબાર નોંધે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો