You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇકૉનૉમિક સરવે 2022 : નાણાકીય વર્ષ 22-23 દરમિયાન આર્થિક વિકાસદર 8થી 8.5 ટકા રહેવાનો અંદાજ
સોમવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનો આર્થિક સરવે લોકસભામાં રજૂ કર્યો હતો, જેમાં વર્ષ 2022- '23 માટે 8થી 8.5 ટકાના દરે જીડીપી (કુલ ઘરેલુ ઉત્પાદન) રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
નાણાકીય વર્ષ 2021- '22 દરમિયાન આર્થિકવિકાસ દર 9.2 ટકાના દરે રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. અર્થતંત્ર કોવિડ પહેલાંની સ્થિતિમાં પહોંચી ગયો હોવાનું સરકારનું કહેવું છે.
સીતારમણે જણાવ્યું હતું કે ઉદ્યોગ તથા કૃષિક્ષેત્રે મજબૂતીને કારણે દેશનું અર્થતંત્ર સંભવિત પડકારોને પહોંચી વળવા સક્ષમ છે. આ સિવાય ખાનગીક્ષેત્ર દ્વારા રોકાણ વધશે તેવી સરકારને આશા છે.
સરવેમાં દાવો કરવામાં આવ્યો છે કે મહામારી દરમિયાન સરકારે માગ ઉપર ધ્યાન આપવાને બદલે પુરવઠા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને તેમાં સુધાર લાવ્યા છે. આ સુધાર, નિયંત્રણો અને નિષેધ ઘટવાને કારણે તથા વ્યાપક વૅક્સિનેશનને કારણે આગામી નાણાકીય વર્ષમાં આર્થિકવિકાસ દર જળવાઈ રહેશે.
ભારત 2070 સુધીમાં 'ઝીરો કાર્બનઉત્સર્જન'નું લક્ષ્યાંક હાંસલ કરી લે અને જળવાયુ પરિવર્તનની દિશામાં કરવામાં આવેલો ખર્ચ મહત્ત્વપૂર્ણ બની રહેશે.
તેલિબિયાં, કઠોળ અને હોટ્રિકલ્ચર દ્વારા કૃષિક્ષેત્રે પરિવર્તન લાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ટેકનૉલૉજીની મદદથી નાના અને સીમાંત ખેડૂતોની આવક વધારવાની ઉપર સરવેમાં ભાર મૂકવામાં આવ્યો છે.
સામાન્ય રીતે નાણામંત્રાલય દ્વારા દેશના મુખ્ય આર્થિક સલાહકારના સલાહસૂચનથી આર્થિક સરવે તૈયાર કરવામાં આવે છે.
સરકારને નવા સીઈએ ડૉ. વી અનંતા નાગેશ્વરનની નિમણૂક કરી હતી. તેમણે કે.વી. સુબ્રમણિયનનું સ્થાન લીધું, જેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ ડિસેમ્બર મહિનામાં સમાપ્ત થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પહેલાં સોમવારથી સંસદનું બજેટસત્ર શરૂ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદસભ્યોને આવકાર્યા હતા અને સત્ર 'ફળદાયી' રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના બંને ગૃહોને સંયુક્ત સંબોધનમાં સરકારની નીતિ અને યોજનાની રૂપરેખા રજૂ કરી.
આ દરમિયાન વિપક્ષ સરકારને જાસૂસી સોફ્ટવૅર પેગાસસ મુદ્દે ઘેરવા પ્રયાસ કરશે. કૉંગ્રેસનો આરોપ છે કે સંચાર અને પ્રૌદ્યોગિકીમંત્રીએ ગૃહને ગેરમાર્ગે દોર્યું હતું. ડાબેરીપક્ષે પણ વિશેષાધિકાર ભંગની નોટિસ રજૂ કરી છે.
મંગળવારે સવારે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે, આ તેમનું ચોથું બજેટ ભાષણ હશે.
રાષ્ટ્રપતિના સંબોધનના મુખ્ય મુદ્દા
- સરકાર દ્વારા દર મહિને 'પીએમ ગરીબકલ્યાણ યોજના' હેઠળ નિઃશુલ્ક રૅશન વિતરણ કરવામાં આવે છે. ભારત દ્વારા વિશ્વનો સૌથી મોટો 'ખાદ્યાન્ન વિતરણકાર્યક્રમ' ચલાવવામાં આવે છે, જેને માર્ચ-2022 સુધી લંબાવવામાં આવ્યો છે.
- ટ્રીપલ તલાકને ગેરકાયદેસર જાહેર કરીને, મહેરમ (પુરુષ સાથી) વગર હજને મંજૂરી આપીને સરકારે સામાજિક બદીઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.
- ભારતમાં 80 ટકા ખેડૂત સીમાંત, જેમની સંખ્યા 11 કરોડ આસપાસ છે. તેમને 'પીએમ કિસાન સન્માનનિધિ' ચકૂવવામાં આવે છે.
- જનધન, આધાર અને મોબાઇલની મદદથી 44 કરોડ ગરીબ નાગરિકોને બૅન્કિંગ વ્યવસ્થાથી જોડવામાં આવ્યા અને લૉકડાઉન દરમિયાન તેમનાં ખાતાંમાં સીધા જ પૈસા જમા કરવામાં આવ્યા.
- મહિલાઓના સશક્તિકરણ માટે ઉજ્જવલા, મુદ્રા તથા 'બેટી બચાઓ, બેટી પઢાઓ' જેવા કાર્યક્રમોનો ઉલ્લેખ.
- નેશનલ ડિફેન્સ એકૅડેમી તથા સૈનિક સ્કૂલોમાં મહિલાઓ/બાળકીઓના પ્રવેશનો ઉલ્લેખ. આ સિવાય લગ્ન માટે ઉંમર 18થી વધારીને 21 કરવામાં આવી.
- 28 લાખ ફેરિયાઓને રૂ. 2900 કરોડની સહાય ચૂકવવામાં આવી.
- કેન્દ્ર, રાજ્યો, તબીબો, નર્સો, વિજ્ઞાનીઓ તથા હેલ્થકૅર વર્કરોએ મળીને ટીમની જેમ કામ કર્યું. ભારતે એક વર્ષમાં લગભગ 150 કરોડ વૅક્સિન ડોઝ આપ્યા.
- હવેથી 23મી જાન્યુઆરીથી પ્રજાસત્તાકદિવસના કાર્યક્રમો શરૂ થશે.
'ફળદાયી' ચર્ચા માટે આહ્વાન
સોમવારે બજેટસત્રના પ્રથમ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "હું આપ તમામ (સંસદસભ્યોને) આવકારું છું. આજની વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત માટે અનેક તકો રહેલી છે. આ સત્ર ભારતના આર્થિક વિકાસ, રસીકરણ કાર્યક્રમ તથા ભારતમાં બનેલી વૅક્સિન માટે વિશ્વમાં વિશ્વાસ પેદા કરશે."
"હું સ્વીકારું છું કે ચૂંટણીઓ હોય એટલે સંસદસત્રો તથા તેની ચર્ચાઓ ઉપર તેની અસર થતી હોય છે. ચૂંટણીઓ આવશે અને જશે. પરંતુ બજેટસત્રમાં આખા વર્ષની રૂપરેખા રજૂ થતી હોય છે, એટલે હું સંસદસભ્યોને આહ્વાન કરું છું કે આ સત્રને ફળદાયી બનાવે."
"સત્ર દરમિયાન થનાર ચર્ચા, ચર્ચાતા મુદ્દા, તથા ખુલ્લેઆમને થનારી ચર્ચાની વૈશ્વિક અસર ઊભી થાય છે."
નોંધનીય છે કે સોમવારથી શરૂ થયેલું સત્ર ચોથી એપ્રિલ સુધી ચાલશે.
દરમિયાન 12મી ફેબ્રુઆરીથી 13મી માર્ચ દરમિયાન રજાનો ગાળો રહેશે. ચાલુ સત્ર દરમિયાન 19 બેઠક થશે તથા બીજા ભાગમાં 10 બેઠક થશે, આમ કુલ 29 બેઠક થશે. પહેલાં બે દિવસ દરમિયાન સંસદમાં 'શૂન્યકાળ' નહીં હોય.
પેગાસસનો મુદ્દો
'ન્યૂ યૉર્ક ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, ભારતે ઇઝરાયલ સાથે સંરક્ષણસોદો કર્યો હતો, જેના ભાગરૂપ પેગાસસ સોફ્ટવૅર ભારતીય એજન્સીઓ દ્વારા ખરીદવામાં આવ્યું હતું.
કૉંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેના કહેવા પ્રમાણે, "મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોના મુદ્દા, દલિતો અને મહિલાઓના મુદ્દા છે, પરંતુ પેગાસસ જેવા કેટલાક નવા મુદ્દા પણ બહાર આવ્યા છે. તેની ચોમાસુસત્રને અસર થઈ હતી. સત્ય બહાર આવવું જોઈએ."
તૃણમુલ કૉંગ્રેસ તથા ડાબેરી સંસદસભ્યો દ્વારા પણ સ્પીકર ઓમ બિરલાને વિશેષાધિકાર ભંગની નોટિસ આપવામાં આવી છે. તેમનો આરોપ છે કે સરકાર દ્વારા સંસદ તથા સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરવામાં આવ્યાં છે.
સંસદીય બાબતોના પ્રધાન પ્રહ્લાદ જોશીના કહેવા પ્રમાણે, "આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આથી વિશેષાધિકાર ભંગની નોટિસ પૂરતી નથી. આથી, મારા કે અન્ય કોઈ દ્વારા આ મુદ્દે ટિપ્પણી કરવી યોગ્ય નહીં હોય."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો