વિધાનસભા ચૂંટણી : ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ક્યારે ચૂંટણી યોજાશે?

કેન્દ્રીય ચૂંટણીપંચે પાંચ રાજ્યોની આગામી વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે. ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી.

ચૂંટણીપંચે કહ્યું કે 15 જાન્યુઆરી સુધી કોઈ રોડ શો, પદયાત્રા, સાઇકલ કે બાઇક રેલી અથવા જુલૂસ કાઢી નહીં શકે.

પાંચ રાજ્યોની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. 10 માર્ચે ચૂંટણીનાં પરિણામો આવશે.

ચૂંટણીપંચે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવાની ચૂંટણીની જાહેરાત કરી હતી.

દેશમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે, એવા સમયે ચૂંટણીપંચ સામે ચૂંટણી યોજવી એક મોટો પડકાર પણ છે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું કે પાંચ રાજ્યોની 690 વિધાનસભાની સીટો પર ચૂંટણી યોજાશે.

આ પાંચ રાજ્યોમાં કુલ 18 કરોડ 34 લાખ મતદારો નોંધાયેલા છે. જે પૈકી 8 કરોડથી વધુ મહિલા મતદારો છે. જ્યારે પાંચ રાજ્યોમાં આ વર્ષે કુલ 24.5 લાખ નવા મતદાતાઓ નોંધાયા છે.

મતદાનમથકો અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, કોરોનાને કારણે આ ચૂંટણીમાં મતદાનમથકોની સંખ્યા 16 ટકા વધારવામાં આવી છે. આ ચૂંટણીમાં કુલ 2,15,368 મતદાનમથકો રાખવામાં આવ્યા છે.

મતદાનની પ્રક્રિયામાં મહિલા સશક્તીકરણને લઈને તેમણે જણાવ્યું હતું કે, તમામ મતદાનક્ષેત્રમાં એક મતદાનમથક સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત હશે. જ્યાં પોલિંગ એજન્ટથી લઈને સિક્યોરિટી સહિતની તમામ કામગીરી મહિલાઓ દ્વારા જ કરવામાં આવશે.

કુલ સાત તબક્કામાં પાંચ રાજ્યોની ચૂંટણી યોજાશે

પાંચ રાજ્યો પૈકી ઉત્તર પ્રદેશમાં સૌથી લાંબી ચૂંટણીપ્રક્રિયા ચાલશે. ઉત્તર પ્રદેશમાં આ સાતેય તબક્કા દરમિયાન મતદાન યોજાશે. અહીં પ્રથમ તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરી, બીજા તબક્કાનું મતદાન 14 ફેબ્રુઆરી, ત્રીજા તબક્કાનું મતદાન 20 ફેબ્રુઆરી, ચોથા તબક્કાનું મતદાન 23 ફેબ્રુઆરી, પાંચમાં તબક્કાનું મતદાન 27 ફેબ્રુઆરી, છઠ્ઠા તબક્કાનું મતદાન 3 માર્ચ અને સાતમાં તબક્કાનું મતદાન 7 માર્ચે યોજાશે.

પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં માત્ર એક જ તબક્કામાં ચૂંટણીપ્રક્રિયા પૂર્ણ થશે. આ ત્રણ રાજ્યોમાં 14 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે.

જ્યારે મણિપુરમાં બે તબક્કામાં ચૂંટણીપ્રક્રિયા યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 27 ફેબ્રુઆરી અને બીજા તબક્કાનું મતદાન 3 માર્ચે યોજાશે.

ઉત્તર પ્રદેશમાં 7 માર્ચના રોજ મતદાનનાં તમામ સાત તબક્કા પૂર્ણ થયા બાદ 10 માર્ચના રોજ તમામ પાંચ રાજ્યોની મતગણતરી હાથ ધરવામાં આવશે.

કોરોનાના સમયમાં ચૂંટણી કેવી રીતે યોજાશે?

  • ચૂંટણી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને બૂસ્ટર ડોઝ
  • પૉલિંગ બૂથ પર માસ્ક, સેનેટાઇઝર તેમજ થર્મલ સ્કૅનિંગની વ્યવસ્થા
  • એક કલાક માટે મતદાનનો સમય વધારવામાં આવ્યો
  • રાત્રે 8થી સવારે 8 વાગ્યા સુધી કોઈ પણ રીતે પ્રચાર નહીં કરી શકાય.
  • 15 જાન્યુઆરી સુધી રોડ શો, પદયાત્રા અને તમામ પ્રકારની રેલીઓ પર પ્રતિબંધ
  • ઉમેદવારો વિજય સરઘસ પણ નહીં યોજી શકે
  • ઉમેદવારો ડિજિટલી પ્રચાર કરી શકશે
  • ડોર ટૂ ડોર પ્રચાર માટે વધુમાં વધુ પાંચ લોકો સાથે રાખી શકાશે

ઉત્તર પ્રદેશ વિધાનસભાની સ્થિતિ

2017ની ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં યોગી આદિત્યનાથની આગેવાનીમાં ભાજપે 403માંથી 312 બેઠકો પર જીત મેળવી હતી.

જ્યારે માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી અને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અનુક્રમે માત્ર 19 અને 47 બેઠકો પર જીત મેળવી શકી હતી.

જોકે માત્ર 19 બેઠકો છતા બહુજન સમાજવાદી પાર્ટીએ 22.23 ટકા વોટ શેર મેળવ્યો હતો.

કૉંગ્રેસ પાર્ટીએ 114 બેઠકો પરથી ઉમેદવારો ઉતાર્યા હતા પરંતુ તે માત્ર 7 બેઠકો પર જીત મેળવી શકી હતી. અપના દલે 11 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા, જેમાંથી 9 બેઠકો પર જીત મેળવી હતી અને બેઠકસંખ્યામાં કૉંગ્રેસથી આગળ રહી હતી.

જોકે કૉંગ્રેસનો પણ વોટ શેર 22.1 ટકા જેટલો રહ્યો હતો.

અખિલેશ અને માયાવતીએ 2019ની લોકસભા ચૂંટણીમાં એસપી-બીએસપીનું મહાગઠબંધન રચ્યું હતું પણ તેમાં પણ નિષ્ફળતા મળી હતી.

એ લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપ 50 ટકા વોટ શેર સાથે 62 બેઠકો જીતવામાં સફળ થયો હતો. બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટી અનુક્રમે 10 અને 5 બેઠકો પર જીત મેળવી શક્યા હતા. કૉંગ્રેસને ફાળે માત્ર 1 સીટ આવી હતી.

આ વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસ સક્રિય છે, પણ બસપા સુપ્રીમો માયાવતી શાંત જણાય છે.

પંજાબની ધુરા કોને સોંપાશે?

પંજાબ વિધાનસભામાં કુલ 117 બેઠકો છે.

2017ની વિધાનસભા ચૂંટણીમાં કૅપ્ટન અમરિંદરસિંહની આગેવાનીમાં કૉંગ્રેસે 117માંથી 77 બેઠકો જીતીને સરકાર બનાવી હતી.

સતત 10 વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ અકાલી દળ 2017ની ચૂંટણીમાં માત્ર 15 બેઠકો જ જીતી શક્યું હતું. જોકે આ હાર છતાં અકાલી દળનો વોટ શેર 25.24 ટકા રહ્યો.

આમ આદમી પાર્ટી 20 બેઠકો જીતીને બીજા નંબરની સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી હતી. 2017ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 23.72 ટકા વોટ શેર મેળવ્યો હતો.

આગામી વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ દ્વારા મુખ્ય મંત્રીપદ પરથી હઠાવાતા કૅપ્ટન અમરિંદરસિંહે નવી પાર્ટી પંજાબ લોક કૉંગ્રેસ બનાવી છે અને ભાજપ સાથે સંધિ કરીને ચૂંટણી લડવા જઈ રહ્યા છે.

ગોવામાં ચાર-પાંખિયો જંગ ખેલાશે

40 બેઠકો ધરાવતી ગોવા વિધાનસભામાં 2017ની ચૂંટણીમાં ભાજપે 13 બેઠકો, કૉંગ્રેસે 17 બેઠકો, મહારાષ્ટ્રવાદી ગૌમાંતક પાર્ટીએ 3 બેઠકો, એનસીપીએ 1 અને 3 બેઠકો અપક્ષ ઉમેદવારોએ જીતી હતી.

કૉંગ્રેસની બેઠકો વધુ હોવા છતાં ગોવામાં ભાજપ સરકાર બનાવવામાં સફળ થઈ હતી.

કૉંગ્રેસે ગોવામાં લાંબા સમય સુધી શાસન કર્યું હોવા છતાં પાર્ટી હવે રાજ્યમાં બહુ મજબૂત નથી. ગોવા ઘણા સમયથી ભાજપનો ગઢ બની રહ્યું છે.

બંગાળની જેમ ગોવામાં પણ ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર મમતા માટે આયોજન કરી રહ્યા છે. તો નવી રિવોલ્યુશનરી ગોઅન્સ પાર્ટી 'બહારવાળા'ના વિરોધને આધાર બનાવીને ચૂંટણી લડી રહી છે.

તેના સ્થાપક અને યુવા નેતા મનોજ પરબની ચૂંટણીપ્રચારની શૈલી અલગ છે. તે ઘરે ઘરે જઈને લોકોને મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમનો ચૂંટણીપ્રચાર અન્ય પાર્ટીઓ કરતા વધુ ઝડપી દેખાય છે.

ગોવાના મુખ્ય મંત્રી પ્રમોદ સાવંતે બીબીસી સંવાદદાતા ઝુબેર અહમદ સાથેની વાતચીત દરમિયાન કહ્યુ હતું કે, "આ વખતે બહારથી વધુ પાર્ટીઓ ગોવામાં આવી રહી છે. ગત વખતે ચૂંટણી ત્રિ-પાંખિયો જંગ હતો. આ વખતે ચાર પક્ષો વચ્ચે સ્પર્ધા થઈ શકે છે."

પરંતુ ગોવામાં ઘણા લોકોનું માનવું છે કે એકેય પક્ષને બહુમતી નહીં મળે અને પરિણામો પછી ફરી તોડ-જોડની રાજનીતિ થશે.

ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી વારંવાર બદલાયા છે

કુલ 70 બેઠક ધરાવતા ઉત્તરાખંડ રાજ્યમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 56 બેઠકો અને કૉંગ્રેસે 11 બેઠકો પર જીત મેળવી હતી.

ઉત્તરાખંડમાં ભાજપનો વોટ શેર 46.51 ટકા જ્યારે કૉંગ્રેસનો વોટ શેર 33.49 ટકા રહ્યો હતો. જોકે છેલ્લાં પાંચ વર્ષમાં ઉત્તરાખંડમાં ભાજપ મોવડીમંડળ દ્વારા ત્રણ મુખ્ય મંત્રી બદલવામાં આવ્યા છે.

છેલ્લે જુલાઈ 2021માં વર્તમાન મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીની પર પસંદગી કરવામાં આવી છે.

એ પહેલાંના મુખ્ય મંત્રી તીરથસિંહ રાવતનો કાર્યકાળ માત્ર ચાર મહિના જેટલો રહ્યો હતો. 2017ની વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ત્રિવેન્દ્રસિંહ રાવતને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા.

મણિપુરમાં કૉંગ્રેસને વધુ બેઠકો પણ સરકાર ભાજપની

વિધાનસભાની 60 બેઠકો ધરાવતા મણિપુરમાં 2017ની ચૂંટણીમાં ભાજપને 21 બેઠક પર જીત મળી હતી ત્યારે કૉંગ્રેસને 28 બેઠકો પર જીત મળી હતી.

અલબત્ત, વોટ શેરમાં ભાજપ કૉંગ્રેસ કરતા આગળ હતું. ભાજપને 36.28 ટકા જ્યારે કૉંગ્રેસનો વોટ શેર 35.11 ટકા હતો.

મણિપુરમાં મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસે પણ 1 બેઠક પર જીત મેળવી હતી.

કૉંગ્રેસને વધુ બેઠકો છતાં મણિપુરમાં સ્પષ્ટ બહુમતિ નહીં મળતા આખરે ભાજપે સરકાર બનાવી હતી.

મણિપુરના મુખ્ય મંત્રી બિરેન સિંહ પાંચ વર્ષ સરકાર ચલાવવામાં સફળ થયા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો