You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગાય, છાણ અને ગૌમૂત્ર દેશને આર્થિક રીતે સક્ષમ બનાવી શકે : શિવરાજસિંહ ચૌહાણ BBC TOP NEWS
મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે શનિવારે એક સંમેલનમાં કહ્યું કે ગાય, ગાયનું છાણ અને ગૌમૂત્ર કોઈ પણ વ્યક્તિના અર્થતંત્રને મજબૂત કરી શકે છે અને આ સાથે ગમે તે દેશને પણ આર્થિક રીતે સક્ષમ બનાવી શકે છે.
ભારતીય પશુ ચિકિત્સા સંઘ દ્વારા આયોજિત મહિલા પશુ ચિકિત્સકોના એક સંમેલન દરમિયાન શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે સરકારે ગૌ-અભયારણ્ય અને શેલ્ટરોનું નિર્માણ કર્યું છે, પરંતુ આટલું જ કરવું પૂરતું નથી. આ માટે સમાજની ભાગીદારી સૌથી મહત્ત્વની છે.
આ સંમેલનમાં તેમણે કહ્યું કે, "જો આપણે ઇચ્છીએ તો ગાયો, તેમનાં છાણ અને ગૌમૂત્રથી પોતાની અર્થવ્યવસ્થા મજબૂત કરી શકીએ છીએ અને રાષ્ટ્રને પણ આર્થિક રીતે સક્ષમ બનાવી શકીએ છીએ. રાજ્યનાં સ્મશાનસ્થળો પર ગૌ-કાષ્ઠના ઉપયોગને ઉત્તેજન આપીને લાકડાંના ઉપયોગને પણ ઘટાડી શકાય છે."
તેમણે કહ્યું કે પશુ ચિકિત્સકો અને વિશેષજ્ઞોને પરિણામ આપનારાં કામો સાથે જોડાવવું જોઈએ. તેમણે આ દિશામાં કોશિશ કરવી જોઈએ કે કેવી રીતે ગૌ-પાલ નાના ખેડૂતો અને પશુપાલકો માટે એક ફાયદાકારક વ્યવસાય બની શકે છે.
આ કાર્યક્રમને સંબોધિત કરતાં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરીમંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ભારે સંખ્યામાં મહિલાઓ ગૌપાલન સાથે જોડાયેલી છે અને તેના પરિણામ તરીકે ત્યાં ડેરી વ્યવસાય સફળ થયો છે.
નૉન-વેજની લારીઓ હઠાવવાનો નિર્ણય નેતાઓનો વ્યક્તિગત- પાટીલ
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં નૉન-વેજની લારીઓને રસ્તા પરથી હઠાવવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે.
પહેલાં રાજકોટ પછી વડોદરા તેમજ ભાવનગરમાં નૉન-વેજની લારી હઠાવવાના તેમજ નૉન-વેજ ફૂડ ઢાંકી રાખવાના આદેશો છૂટ્યા હતા.
તો મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ આમાં ઝંપલાવી લારી-ગલ્લાને લૅન્ડ-ગ્રેબિંગ ગણાવીને મ્યુનિસિપલ કૉર્પોરેશનની કામગીરીની બિરદાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમજ હવે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના રેવન્યુ કમિટીના ચૅરમૅન જૈનિક વકીલે શનિવારે મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીને રસ્તા પર વેચાતા નૉન-વેજને બંધ કરાવવાની માગણી કરી હતી.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલે આ તમામ નિર્ણયોને વ્યક્તિગત નિર્ણયો ગણાવીને પ્રદેશ ભાજપને આની સાથે કોઈ લેવાદેવા ન હોવાનું જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, "મેં વડોદરા અને રાજકોટમાં સ્થાનિક તંત્ર સાથે વાત કરી છે અને શેરીઓ પરથી નૉન-વેજ ફૂડની લારીઓ ન હઠાવવાનું કહ્યું છે. આ જે તે નેતાઓના અંગત અભિપ્રાય હતા. અમે તેનો અમલ સમગ્ર રાજ્યમાં કરવાના નથી. પ્રદેશ ભાજપને આ નિર્ણય સાથે કોઈ લેવાદેવા નથી."
નોંધનીય છે કે ગુજરાતનાં તમામ આઠ મહાનગરોના મ્યુનિસિપલ કૉર્પોરેશન ભાજપશાસિત છે.
પાટીલ સિવાય ખેડા જિલ્લાના ભાજપના IT સેલનાં પૂર્વ પ્રમુખ નંદિતા ઠાકુરે પણ આ નિર્ણય અંગે પોતાનો વિરોધી મત રજૂ કર્યો હતો.
રસી ન લેનારાને સુરતમાં બગીચા અને બસોમાં નો-ઍન્ટ્રી
ન્યૂઝ 18 ડોટ કૉમના એક અહેવાલ અનુસાર સુરત મ્યુનિસપિલ કૉર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે જે લોકોએ કોરોનાની વૅક્સિનનો બીજો ડોઝ નથી લીધો તેમને બગીચા, પ્રાણીસંગ્રહાલયો જેવાં જાહેરસ્થળો અને સિટી બસમાં ચઢવા દેવામાં નહીં આવે.
સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે સુરતમાં મુદ્દત પૂરી થઈ ગઈ હોવા છતાં લગભગ 6.68 લાખ લોકોએ કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો નથી.
તેમણે કહ્યું કે, "આવા લોકો જાહેર બગીચા, પાર્ક, પ્રાણીસંગ્રહાલયો, સાયન્સ સેન્ટરો અને બીઆરટીએસ બસોમાં નહીં જઈ શકે. આ આદેશ 15 નવેમ્બરથી લાગુ થશે."
કૉર્પોરેશનના આંકડા અનુસાર સુરતમાં 34.32 લાખ લોકોને વૅક્સિનનો ફર્સ્ટ ડોઝ અપાયો છે જ્યારે બીજો ડોઝ માત્ર 21.20 લાખ લોકોએ જ લીધો છે.
હિંદુત્વ અને ISISને ક્યારેય એક જેવાં નથી ગણાવ્યાં : સલમાન ખુર્શીદ
કૉંગ્રેસના સિનિયર નેતા સલમાન ખુર્શીદના પુસ્તક અંગેનો વિવાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો. જોકે, સલમાન ખુર્શીદે પોતાના એક નિવેદનમાં કહ્યું કે પોતાના નવા પુસ્તકમાં તેમણે ક્યાંય હિંદુત્વ અને ISISને એક જેવાં નથી ગણાવ્યાં.
શનિવારે ઉત્તર પ્રદેશના સમ્ભલમાં કલ્કિધામમાં એક કાર્યક્રમને સંબોધિત કરતાં સલમાન ખુર્શીદે કહ્યું કે હિંદુ ધર્મને બદનામ કરનારા લોકો હિંદુ ધર્મના દુશ્મન છે.
ન્યૂઝ એજન્સી ANIએ સલમાન ખુર્શીદના હવાલાથી લખ્યું છે કે "હું કલ્કિધામની મુલાકાતે છું. જો મને કોઈ ધર્મ સામે કોઈ ફરિયાદ હોત તો હું અહીં ન આવ્યો હોત. મારું માનવું છે કે હિંદુ ધર્મ દુનિયાનો વાહક છે."
સલમાન ખુર્શીદે કહ્યું, "એવું લાગે છે કે અમુક લોકો હિંદુ ધર્મને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ હિંદુ ધર્મના દુશ્મન છે અને મને ડર છે કે તેમનું સત્ય ઉઘાડું પડી જશે. તેઓ એવા દરેક પુસ્તક પર પ્રતિબંધ લાદી દેશે જે તેમના સત્યને બહાર લાવશે."
આ દરમિયાન સલમાન ખુર્શીદના પુસ્તક 'સનરાઇઝ ઓવર અયોધ્યા : નેશનહૂડ ઇન અવર ટાઇમ્સ'નાં પ્રકાશન, પ્રસાર અને વેચાણ પર પ્રતિબંધ લાદવાની માગણી દિલ્હીની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો