ગેડિયા ઍન્કાઉન્ટર : હનીફખાનના પરિવારનો આરોપ 'પોલીસે છાતી પર બંદૂક ફોડી'
- લેેખક, હિંમત કાતરિયા
- પદ, બીબીસી ગુજરાતી
સુરેન્દ્રનગર જિલ્લાના ગેડિયા ગામે બે તહોમતદારોના થયેલા ઍન્કાઉન્ટરમાં નવો વળાંક આવ્યો છે. પરિવારજનોનો આરોપ છે કે મૃતકો પાસે હથિયાર ન હોવા છતાં પોલીસ દ્વારા ગોળી ચલાવવામાં આવી છે.
એફઆઈઆર ન થાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકવારવાની વાત કરનારા પરિવારજનોએ રવિવારે મોડી રાત્રે બે વાગ્યા આસપાસ મૃતદેહ સ્વીકારી લીધા છે તથા સોમવારે તેમની દફનવિધિ કરવામાં આવે તેવી શક્યતા છે.

ઇમેજ સ્રોત, Getty Images
પોલીસનું કહેવું છે કે ફરજ પરના અધિકારીઓએ 'સ્વરક્ષણ'માં ગોળીબાર કર્યો હતો, જેમાં કાર્યવાહી દરમિયાન વૉન્ટેડ એવા હનીફખાન મલિક ઉર્ફે મુન્ના તથા તેમના દીકરા મદીનખાનનાં મૃત્યુ થયાં હતાં.
હનીફખાનની સામે 86 ગુના નોંધાયેલા હતા, જેમાંથી 59માં તેઓ વૉન્ટેડ હતા. તેમના તથા ગામના અન્ય 20 શખ્સો સામે ગુજસીટકોક હેઠળ કેસ નોંધાયેલા છે.
પોલીસના ચોપડે હનીફખાન 'ગેડિયા ગૅંગ'ના મુખ્ય સૂત્રધાર હતા, જે 'તાડપત્રી ગૅંગ' તરીકે પણ ઓળખાય છે, આ ગૅંગ હાઈવે પરથી પસાર થતાં ટ્રકની તાડપત્રી ફાડીને સામાનની લૂંટ ચલાવતી હતી.

'પોલીસે છાતીએ ગન રાખી ફાયરિંગ કર્યું'

ઇમેજ સ્રોત, Sachin pithwa
મૃતકના પરિવારજન રિંકુ નસીબખાન મલિકે બીબીસી સાથે વાત કરતી વખતે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું :
"હનીફખાન મારા ફુઆ હતા અને બાબો (મદીનખાન) મૃત્યુ પામ્યો તે મારો 16 વરસનો ભાઈ હતો. શનિવારે રાત્રે સાડા આઠના સુમારે પોલીસે અમારા ઘરે આવીને મારા ફુઆ અને મારા ભાઈને બંદૂકની ગોળીથી મારી નાખ્યા."
"પહેલા મારા ભાઈ અને પછી મારા ફુઆની છાતીએ બંદૂક ફોડી હતી. પોલીસ પ્રાઇવેટ ગાડીઓ લઈને આવી હતી અને ફાયરિંગ કર્યુ હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસ દ્વારા 'સ્વરક્ષણ' માટે ફાયરિંગ કર્યુ હોવાની વાત પર રિંકુએ કહ્યું, "એ ખોટી વાત છે. અમારી પાસે કંઈ હતું જ નહીં. મારો ભાઈ (મદીનખાન) તો મારા ફુઆને બચાવવા ગયો હતો અને માત્ર એટલું જ બોલ્યો હતો કે, 'મારા પપ્પાને છોડી દો.'"
"પોલીસે સીધી એની છાતીએ ગન રાખીને ફાયરિંગ કર્યું. હું સમગ્ર ઘટનાક્રમની સાક્ષી છું. "
જોકે, પોલીસે આ આરોપને ફગાવી દીધો છે.
બીબીસી સાથેની વાતચીતમાં પોલીસે જણાવ્યું છે કે એકને છાતી અને એકને પેટના ભાગે ગોળી વાગી છે.
સુરેન્દ્રનગરના ઇન્ચાર્જ એસપી હિમાંશુ દોશી કહે છે, "ઍન્કાઉન્ટર દરમિયાન નક્કી કરીને ગોળી મારવામાં નથી આવતી, નક્કી કરીને ગોળી મારવામાં આવતી હોય તો ઈંચનોય ફરક ન પડે એવું માની શકાય, પરંતુ આમાં એવું નથી."
"નક્કી કરીને ગોળી મારવામાં નથી આવી. ઝપાઝપી થઈ છે. મારામારી થઈ છે. પોલીસ પર હુમલો પણ થયો છે. એમના પૂરતા પુરાવા પણ ત્યાં મળી આવ્યા છે."
આ પહેલાં રિંકુ નસીબખાન મલિકે રવિવારે બીબીસી સાથે વાત કરતી વેળાએ પોલીસ કર્મચારીઓ સામે એફઆઈઆર ન થાય, ત્યાં સુધી મૃતદેહોને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.
અહીં એ વાત પણ નોંધવી રહી કે હનીફખાનના પરિવારના પાંચ સભ્યો અત્યારે ગુજસીટોકના ગુનામાં જેલમાં છે.

તાડપત્રી ગૅગ
ઇન્ચાર્જ એસપી દોશીએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે ગેડિયા ગામના ત્રણ આરોપીઓ ગુજસીટકોકના ગુનામાં ફરાર છે.
દોશીના જણાવ્યા પ્રમાણે, "ફરાર આરોપીઓ પૈકી મુખ્ય તહોમતદાર હનીફખાન ઉર્ફે કાળો મુન્નો મૉસ્ટ-વૉન્ટેડ હતા. તેમની સામે 86 જેટલા ગુના નોંધાયેલા હતા, જેમાંથી 59માં તેઓ ફરાર હતા. તેમના પર પોલીસ ઉપર હુમલાના બે ગુના પણ નોંધાયેલા હતા."
"અન્ય ગુનામાં હાઈવે ચોરી, લૂંટ, ધાડ, સરકારી કર્મચારી પર હુમલો, જાનથી મારી નાખવાની ધમકી, જાનથી મારી નાખવાની કોશિશ અને ખૂન કરવા સહિતના ગુનાનો સમાવેશ થાય છે."
પોલીસનું કહેવું છે કે હાઈવે પર ચાલુ વાહને તાડપત્રી કાપીને ચોરી કરવી એ આ ગૅંગની મૉડસ ઑપરેન્ડી હતી, એટલે જ તે 'તાડપત્રી ગૅંગ' તરીકે પણ ઓળખાતી હતી. જો ગૅંગ ચાલુ વાહને ચોરી કરતા પકડાઈ જાય તો તેઓ લૂંટ ચલાવતા હતા. ગૅંગના સભ્યો પર પોલીસની ઉપર હુમલાના આરોપ પણ છે.
ગૅંગના મોટા ભાગના સભ્યો માલવણ પોલીસ સ્ટેશન હદવિસ્તારમાં આવતા ગેડિયા ગામના હોવાથી તેઓ 'ગેડિયા ગૅગ' તરીકે પણ ઓળખાતા હતા.

'બાતમીના આધારે કાર્યવાહી'

ઇમેજ સ્રોત, Sachin pithwa
પોલીસના જણાવ્યા પ્રમાણે, મુખ્ય તહોમતદાર શનિવારે (6 નવેમ્બર) ગેડિયા ગામે આવ્યા હોવાની અને થોડો સમય માટે રોકાવાના હોવાની બાતમી પોલીસને મળી હતી, જેના આધારે માલવણ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી. એન. જાડેજા અને સ્ટાફ તહોમતદારોને પકડવા માટે ગેડિયા ગામે ગયા હતા.
ઇન્ચાર્જ એસપી દોશીના જણાવ્યા પ્રમાણે, "હનીફખાનના ઘરના દરવાજા પાસે જ આ બનાવ (ઍન્કાઉન્ટર) બન્યો હતો. હનીફે પોતાની પાસે રહેલી ગેરકાયેદસર પિસ્તોલમાંથી પોલીસ ટીમ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું."
"ફાયરિંગમાં બચેલા પોલીસ જવાનોએ હનીફખાનને કબજે કરીને ગાડીમાં બેસાડવા જતા હનીફખાનના પુત્ર મદીનખાને ધારિયાથી પીએસઆઈ અને પોલીસ ટીમ પર હુમલો કરતા પીએસઆઈએ બે રાઉન્ડ ફાયરિંગ કરતા એક ગોળી હનીફખાનને અને એક ગોળી મદીનખાનને લાગી હતી. ત્યારબાદ બંનેને સુરેન્દ્રનગરની હૉસ્પિટલમાં ખસેડતાં મૃત્યુ પામ્યાં હતાં."
પીએસઆઈ અને સાથેના છ પોલીસ કર્મચારીઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી અને હાલમાં તેઓ સુરેન્દ્રનગર જિલ્લાની હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મૃતદેહોનો સ્વીકાર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
સુરેન્દ્રનગરથી બીબીસીના સ્થાનિક પ્રતિનિધિ સચીન પીઠવા જણાવે છે કે પોલીસની સામે એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) વગર મૃતદેહોનો સ્વીકાર કરવાનો ઇન્કાર કરનારા પરિવારજનોએ રવિવારે મોડી રાત્રે બે વાગ્યા આસપાસ મૃતદેહો સ્વીકારી લીધા હતા.
બંને મૃતદેહો સોમવારે વહેલી સવારે તેમના મૂળ ગામ ગેડિયા ખાતે લાવવામાં આવ્યા હતા.
પરિવારજનોએ હનીફખાન ઉર્ફે કાળા મુન્નાનાં પત્નીને પૅરોલ મળે તે માટે તજવીજ હાથ ધરી છે.
મૃતકનાં પત્ની બિલકીસ પણ ગુજસીટોક (ગુજરાત કંટ્રોલ ઑફ ટૅરરિઝમ ઍન્ડ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ) હેઠળ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. તેમના આવ્યા પછી બંને મૃતકની દફનવિધિ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
મળતી માહિતી પ્રમાણે, ગેડિયા ગામના 20 જેટલા શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 17ને ઝડપી લેવામાં આવ્યા છે.
હનીફના સગા સાળા, તેમના મામાના (પત્નીના મામા) દીકરા અને હનીફના સગા ભાઈ પણ ગુજસીટોકના ગુનામાં જેલહવાલે છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













